ગ્રેટ બેયર સરોવર : કૅનેડાની ઈશાને આવેલા યુકોન રાજ્યમાં આવેલું સરોવર. 66.5° ઉ. અક્ષાંશ (ઉત્તર ધ્રુવવૃત્ત) સરોવરના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. આ પ્રદેશમાં એવું જ મોટું બીજું સરોવર ગ્રેટ સ્લેવ પણ આવેલું છે. ગ્રેટ બેયર સરોવર 65° ઉ. અ.થી 67° ઉ. અક્ષાંશ અને 117° પ. રેખાંશથી 123° પ. રેખાંશ વચ્ચે આવેલું છે. આ સરોવરનું ક્ષેત્રફળ 31,080 ચોકિમી. છે. તેની લંબાઈ 322 કિમી. અને પહોળાઈ લગભગ 161 કિમી. છે, જ્યારે ઊંડાઈ 82 મીટર છે. આ સરોવરમાંથી ગ્રેટ બેયર નામની નદી નીકળીને પશ્ચિમ બાજુએ વહીને મૅકેન્ઝી નદીને મળે છે. સરોવરનો આકાર અસમાન છે. વર્ષનો મોટો ભાગ તે બરફથી છવાયેલું રહે છે. આ સરોવરની શોધ ઈ. સ. 1825માં સર જ્હૉન ફ્રૅંકલિને કરી હતી. આ સરોવરમાંથી અનેક પ્રકારની માછલીઓ મળે છે તેમજ તેની આજુબાજુ આવેલાં જંગલોમાં પશુઓનો શિકાર કરીને તેમનાં રૂંવાંનો વેપાર થાય છે.
આ સરોવરની આજુબાજુના વિસ્તારમાંથી 1929માં પિચબ્લેન્ડ નામનું ખનીજ મળી આવ્યું હતું, જેમાંથી યુરેનિયમ અને રેડિયમ ધાતુ મેળવાય છે.
ગિરીશ ભટ્ટ