ગ્રીનલૅન્ડ : દુનિયાનો સૌથી મોટો ટાપુ. કૅનેડાના ઈશાન ભાગમાં આવેલા એલ્સમેર ટાપુથી ગ્રીનલૅન્ડ માત્ર 25 કિમી. દૂર છે.

આર્કિટક વિસ્તારમાં પ્રથમ પ્રવેશ કરનાર નૉર્વેજિયન લોકો હતા. ઈ. સ. 1585–88માં જ્હોન ડેવિસ ગ્રીનલૅન્ડના પશ્ચિમ કિનારા સુધી પહોંચેલો. ઈ. સ. 1607માં હડસન પૂર્વ કિનારા સુધી પહોંચેલો. 1907માં ડેન્માર્કની સરકારે ગ્રીનલૅન્ડ પર આધિપત્ય સ્થાપેલું.

સ્થાન : ગ્રીનલૅન્ડ ઉત્તર ગોળાર્ધમાં આવેલો ટાપુ છે. તે 59.45° ઉ. અક્ષાંશથી 83.39° ઉ. અક્ષાંશ વચ્ચે તેમજ 20° પ. રેખાંશથી 70° પ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે આર્કિટક મહાસાગર, ઈશાને ગ્રીનલૅન્ડ સમુદ્ર, અગ્નિ ખૂણે નૉર્વેનો સમુદ્ર અને આઇસલૅન્ડ ટાપુ આવેલા છે. ટાપુની દક્ષિણે આટલાન્ટિક મહાસાગર તેમજ પશ્ચિમ બાજુએ ડેવિસની સામુદ્રધુની અને બેરિંગ ઉપસાગર આવેલાં છે.

ગ્રીનલૅન્ડ

વિસ્તાર : ગ્રીનલૅન્ડનો કુલ વિસ્તાર 21,66,086 ચોકિમી. જેટલો છે, જે ડેન્માર્ક કરતાં પચાસગણો છે. તે પૈકી હિમાવરણનો ભાગ 17,55,437 ચોકિમી. અને બરફયુક્ત ભાગ 4,10,449 ચોકિમી. જેટલો છે. આર્કિટક સર્કલના કુલ વિસ્તારના 23 કરતાં પણ વધુ વિસ્તાર રોકે છે. આ ટાપુ આશરે 2,960 કિમી. લાંબો અને 1,300 કિમી. પહોળો છે.

આ ટાપુનો 85% એટલે આશરે 17,55,437 ચોકિમી.નો વિસ્તાર બરફથી છવાયેલો રહે છે અને તેમાં 1,500 મીટરની ઊંડાઈ સુધી બરફના થરો આવેલા છે.

પ્રાકૃતિક રચના : આ ટાપુ પહાડી તેમજ મેદાનોવાળો છે. પશ્ચિમ વિભાગનો 1,16,550 કિમી. માર્ગ બરફથી મુક્ત છે. તેની સ્થાનભેદે ઊંચાઈ 609.3થી 1,828 મી. તથા મધ્યનો સૌથી ઊંચો ભાગ 1,523.3 મીટરથી વધુ ઊંચાઈવાળો છે. આ ટાપુનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર માઉન્ટ ગુનબ્યૉર્ન છે. તેની ઊંચાઈ 3,700 મી. છે. તે પૂર્વ કિનારે આવેલો છે. કિનારાના ભાગો સિવાય ટાપુ બારે માસ બરફથી છવાયેલો રહે છે. ગ્રીનલૅન્ડને 39,310 કિમી. લાંબો સમુદ્રકિનારો પ્રાપ્ત થયેલ છે. આ કિનારો હિમનદીને કારણે ખાંચાખૂંચીવાળો છે. કિનારે અનેક ફિયૉર્ડ પૈકી કોસંબી, ફૈઝ, જૉસેફ, કિંગ આસ્કર ગોથાલ અને ઉમિનાફ મુખ્ય છે. બરફના થરોની નીચેથી આવતાં બરફનાં ચોસલાં તૂટીને મોટી મોટી શિલાઓ રૂપે સમુદ્રમાં વહેવા લાગે છે. હિમશિલાઓ ઉત્તર અમેરિકાના કિનારા તરફ તરતી તરતી પહોંચે છે.

ટાપુની આબોહવા અતિશય ઠંડી છે. ઉત્તરના અને દક્ષિણના ભાગો વચ્ચે તાપમાનનો તફાવત બહુ થોડો છે. ઉત્તરના ભાગોમાં શિયાળામાં તાપમાન વધુ નીચું જાય છે. ગ્રીનલૅન્ડના કિનારાની આબોહવા અને ખંડીય પ્રદેશોની આબોહવામાં મોટો તફાવત જોવા મળે છે. ટાપુના દક્ષિણ કિનારાના પ્રદેશનું જાન્યુઆરીનું તાપમાન સરેરાશ 8° સે. અને જુલાઈનું તાપમાન 10° સે. હોય છે. ખંડીય પ્રદેશનું ફેબ્રુઆરીનું સરેરાશ તાપમાન ­–47° સે., જ્યારે જુલાઈનું તાપમાન સરેરાશ ­–12° સે. હોય છે. ગ્રીનલૅન્ડમાં સૌથી ઓછું તાપમાન ­–70° સે (–­81° ફે.) નોંધાયેલું છે. અહીંયાં શિયાળા દરમિયાન તોફાનો, ભારે પવનો, હિમ અને વરસાદનો પણ અનુભવ થાય છે. દુનિયામાં સૌથી વધુ વાદળ અને ધુમ્મસવાળા વિસ્તાર તરીકે આ પ્રદેશની ગણતરી થાય છે.

ગ્રીનલૅન્ડની એક વસાહત

હિમાચ્છાદિત પ્રદેશોહિમનદી : ગ્રીનલૅન્ડના દક્ષિણના વિસ્તારમાં 2,000 મી. અને ઉત્તરના વિસ્તારમાં 1,000 મી.ની ઊંચાઈના વિસ્તારમાં બરફ છવાયેલો જોવા મળે છે. આર્કિટકના વિભાગમાં સૌથી વધુ બરફનો સમૂહ ગ્રીનલૅન્ડના ખંડીય વિસ્તારમાં જોવા મળે છે. ઉત્તર ગોળાર્ધમાં સૌથી મોટો બરફનો જથ્થો પથરાયેલા વિસ્તારો ચોરસ આકારે આવેલા છે. સમુદ્રની સપાટીથી પણ 3,333 મી.ની ઊંચાઈ સુધી બરફના થરો આવેલા છે. ગ્રીનલૅન્ડમાં નિર્માણ થયેલી તરતી હિમશિલાઓ લાબ્રાડોરના પ્રવાહ સાથે ખેંચાઈને આટલાન્ટિકના જલવિસ્તારમાં ઢસડાઈ આવે છે.

વનસ્પતિપ્રાણીજીવન : ઉત્તર ધ્રુવના વાતાવરણને કારણે વનસ્પતિ અને પ્રાણીજીવન પ્રમાણમાં કુંઠિત છે. લીલ અને શેવાળ સમગ્ર પ્રદેશમાં જોવા મળે છે. આ ઉપરાંત કાલોપ્લા નામનું ઘાસનું પ્રમાણ પણ વધુ છે.

આ પ્રદેશના પ્રાણીજીવનમાં રેન્ડિયર, સફેદ સસલાં, રીંછ, કેરિબૂ, શિયાળ અને ઘેટાં મુખ્ય છે. ગ્રીનલૅન્ડમાં કેરિબૂ વધુ જોવા મળે છે. તે તેમની કામધેનુ ગણાય છે. સીલ, વહેલ, કૉડ અને ઝિંગા (prawn) જેવી માછલીઓ પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં છે.

લોકજીવન : ઉત્તર ધ્રુવની પ્રજા મુખ્યત્વે એસ્કિમો અથવા લૅપ પ્રજા તરીકે જાણીતી છે. આજે એસ્કિમો યુ.એસ., કૅનેડા, રશિયા અને ગ્રીનલૅન્ડમાં મુખ્યત્વે વસે છે. વર્લ્ડ બૅંકની માહિતી અનુસાર એસ્કિમોની વસ્તી 57,792 (2022) હતી. તેમાં 51.40% પુરુષો અને 48.60% સ્ત્રીઓ હતી. તેઓ હવે કાયમી પથ્થરનાં મકાનોમાં રહે છે. ગ્રીનલૅન્ડમાં વસનારા આધુનિક યુગ સાથે ઘનિષ્ઠ રીતે ભળી ગયા છે. તેઓ આજે આયાતી ખોરાક, કપડાં, શિક્ષણ અને વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે. તેઓએ યુરોપિયન, કૅનેડિયન, અમેરિકન અને રશિયન સંસ્કૃતિ સાથે સમન્વય કર્યો છે. સૌથી વધુ વિકાસ ગ્રીનલૅન્ડમાં થયો છે. તેઓની ભાષા એસ્કિમો છે. આ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને ડેનિશ ચર્ચ જોડે સંકળાયેલા છે.

ગ્રીનલૅન્ડ પર 1979 સુધી ડેન્માર્કનું આધિપત્ય હતું. 1979થી ગ્રીનલૅન્ડ સ્વતંત્ર થયું છે.

ખનિજ : ગ્રીનલૅન્ડમાં કોલસાના ભંડારો મળ્યા છે પણ હજુ ઉદ્યોગ તરીકે તેનો વિકાસ થયો નથી. 1948માં સીસા અને જસતની ખાણો પણ મળી છે. 1958માં સીસાનું ઉત્પાદન 8,460 મેટ્રિક ટન હતું. આ ટાપુની મુખ્ય આયાત મશીનરી, વીજળીશક્તિનાં સાધનો, પેટ્રોલિયમ પેદાશો, વાહનવ્યવહારનાં સાધનો અને કપડાં છે; જ્યારે નિકાસમાં માછલાં, માછલાંની પેદાશો, અબરખ, ફેલ્સપાર, ચામડાં વગેરે છે. રેલમાર્ગ વિકસી શક્યો નથી. સડકમાર્ગ વિકસી રહ્યો છે. મુખ્ય મથક ટૂલી છે.

ગિરીશ ભટ્ટ