ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી (Royal Greenwich Observatory–RGO) : સરકારી મદદથી ચાલતી યુનાઇટેડ કિંગ્ડમની મુખ્ય ખગોળ- સંસ્થા. 1990થી એનું વહીવટી મથક સંપૂર્ણપણે કેમ્બ્રિજ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ ખગોળસંસ્થાનું મુખ્ય નિરીક્ષણમથક બ્રિટનની બહાર, ત્યાંથી દક્ષિણે આવેલા કૅનેરી ટાપુઓમાંના લા પાલ્મા ખાતે આવેલી રોક દ લો મુશાશો નામની વેધશાળામાં આવેલું છે. દુનિયાની જે કેટલીક જૂનામાં જૂની વેધશાળાઓ હયાત છે, તેમાં ગ્રિનિચની આ વેધશાળાનો સમાવેશ થાય છે. એની સ્થાપના ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજા દ્વારા 1675માં થઈ હતી. આ ઐતિહાસિક વેધશાળાની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ દરિયાખેડુઓને મધ્ય દરિયે સ્થાનનિર્ધારણમાં મદદ કરવાનો હતો. એ કાળે નાવિક વિદ્યા જોઈએ તેવી વિકસી ન હતી. ચોકસાઈભર્યા સમુદ્રી નકશાનો પણ અભાવ હતો. તેથી લાંબી સમુદ્રી મુસાફરીઓમાં નાવિક્ધો સ્થાનનિર્ધારણ કરવામાં ભારે મુશ્કેલી રહેતી.
સ્થાનનિર્ધારણ માટે વહાણના પોતાના અક્ષાંશ અને રેખાંશ જાણવા પડે. આકાશી ધ્રુવોની ક્ષિતિજથી કોણીય ઊંચાઈ જે તે સ્થળના અક્ષાંશ દર્શાવે છે, જે આકાશી જ્યોતિઓના અવલોકન દ્વારા સહેલાઈથી જાણી શકાય; પણ રેખાંશની વાત જુદી છે. વહાણના રેખાંશ શોધવા માટે વહાણની પોતાની મધ્યાહનરેખા અથવા યામ્યોત્તરવૃત્ત (meridian) અને ભૂમિ પર કોઈ એક નક્કી કરી રાખેલા પ્રમાણિત સ્થળની મધ્યાહનરેખા વચ્ચેનો તફાવત જાણવો પડે. આ યામ્યોત્તરવૃત્ત એટલે ખગોળનો એવો બૃહત વૃત્ત કે જે બંને આકાશી ધ્રુવો અને નિરીક્ષકના માથા પરના શિરોબિંદુ (zenith) અને અધોબિંદુ(nadir)માં થઈને પસાર થતો હોય. બીજી રીતે કહીએ તો પ્રમાણિત સ્થળના અને વહાણ પરથી એકીવખતે મપાતા પ્રાકૃતિક સમય (છાયાયંત્ર વડે મપાતા સમય) વચ્ચેનો ફરક વહાણના સમુદ્ર પરના રેખાંશ (પૂર્વ-પશ્ચિમના અંતર કે દેશાંતર) આપે છે. આમ રેખાંશ શોધવા માટે આકાશ-નિરીક્ષણ ઉપરાંત સમયમાપન પણ સંકળાયેલ છે. તેથી સમયમાપનમાં જો બરાબર કાળજી ન લેવાય તો રેખાંશની ગણતરીમાં ભૂલ થાય છે. જૂના સમયમાં સમયમાપનનાં સાધનો બહુ ચોકસાઈભર્યાં ન હતાં. વળી એ કાળે પ્રચલિત એવાં લોલકવાળાં ઘડિયાળ હાલકડોલક થતા વહાણ પર તો તદ્દન નકામાં બની જતાં હતાં. વહાણ પર એવું ઘડિયાળ જોઈએ જે સમુદ્રના ઝંઝાવાતો સામે જ નહિ, સમુદ્રના ભેજ, તાપમાન અને હવાના દબાણમાં થતા ફેરફારો સામે પણ ટક્કર લઈ શકે. આવી ગરજ સારતું કાલમાપક (chronometer) તો બહુ પાછળથી છેક અઢારમી સદીના ઉત્તરાર્ધમાં શોધાયું. આમ સત્તરમી સદીમાં વહાણવટીઓ માટે મુખ્ય સમસ્યા સમુદ્રમધ્યે પોતાના રેખાંશ નક્કી કરવાની હતી. એ કાળનાં સમયમાપનનાં ઉપકરણોની પ્રગતિ જોતાં આ સમસ્યા છેક જ અણઉકેલાયેલી રહે તેમ લાગતું હતું. બ્રિટન જેવા સમુદ્રગમન કે વહાણવટું કરનાર દેશ માટે આ એક મોટો પડકાર હતો. તે કારણે રેખાંશ શોધવા માટેની સમસ્યાના ઉકેલ માટે બ્રિટનના રાજાએ ‘બોર્ડ ઑવ્ લૉજિંટ્યૂડ’ નામે એક ખાસ સમિતિની રચના કરી હતી.
અલબત્ત, રેખાંશ શોધવાની આ ગૂંચના ઉકેલ માટે ચોક્કસ સમય જાણવાની ખગોળ-આધારિત કેટલીક પદ્ધતિઓ હતી ખરી, પણ એ માત્ર સિદ્ધાંતરૂપમાં જ હતી. રીજિયોમૉન્તેનસ નામધારી જર્મન ખગોળશાસ્ત્રી – મૂળ નામ યોહાન્ન મુલરે [Johann Muller : 1436–1476] એ ચંદ્ર-આધારિત આવી એક પદ્ધતિ છેક 1474માં સૂચવી હતી. તારાઓની અપેક્ષાએ ચંદ્ર વધુ નજદીક આવેલો હોઈ એ પ્રમાણમાં વધુ ઝડપથી ખસતો જણાય છે. આ રીતે ચંદ્ર દરરોજ 13 અંશ જેટલું સરકે છે. બીજી રીતે દર્શાવતાં, એક અંશ સરકવા માટે ચંદ્રને 3 મિનિટ અને 56 સેકન્ડ જેટલો સમય લાગે છે. આ રીતે તારાના (કે નક્ષત્રોના) મુકાબલે ચંદ્રનું આ સરકવું બહુ સ્પષ્ટ રીતે પારખી શકાય છે. તેથી રીજિયોમૉન્તેનસે સૂચવ્યું કે ચંદ્રનો ઉપયોગ સમય બતાવનારા ઘડિયાળના કાંટાની માફક થઈ શકે અને એક વાર સમય નિર્ધારિત થઈ શકે તો પછી રેખાંશ શોધી શકાય છે. આમ ચંદ્રની સ્થિતિ શોધી કાઢવાથી કોઈ પણ સ્થળના રેખાંશ શોધી શકાય. તેને માટે ચંદ્રની સ્થિતિ બહુ જ બારીકાઈથી માપવી પડે. તારાની સ્થિતિ દર્શાવતા તારા-નકશા કે તારા-સારણીઓ (star catalogues) પણ બહુ જ ચોકસાઈપૂર્વક તૈયાર કરેલાં હોવાં જોઈએ.
તે સમયે ટાયકો બ્રાહી(1546–1601)એ બનાવેલું એક તારાપત્રક ઉપલબ્ધ હતું ખરું; પરંતુ તે વખતે દૂરબીનની શોધ થઈ ન હતી. એટલે એમાં માત્ર નરી આંખે દેખાતા તારાનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો, તેથી એ અધૂરું હોવા ઉપરાંત ત્રુટિયુક્ત પણ હતું અને બહુ ઉપયોગી ન હતું.
1674ના અંતમાં સેન્ટ પિયેર નામનો એક ફ્રાન્સવાસી ઇંગ્લૅન્ડની મુલાકાતે આવ્યો ત્યારે એણે પણ ચંદ્ર અને તારાના સંદર્ભે વહાણમાંથી રેખાંશ શોધી આપતી પદ્ધતિ સૂચવી હતી. એ બહુ વ્યવહારુ ન હતી. તેમ છતાં એની વાતોએ બ્રિટનના તત્કાલીન રાજા ચાર્લ્સ બીજાનું ધ્યાન દોર્યું અને પરિણામે આ બાબતની ચકાસણી કરવાના હેતુથી રાજાએ એક રૉયલ કમિશનની તાત્કાલિક નિમણૂક કરી. આ સમિતિનું કામ સારા તારાનકશાની મદદથી ચંદ્રનો ઉપયોગ ‘ઘડિયાળ’ તરીકે થઈ શકે કે કેમ તેની ચકાસણી કરવાનું હતું.
જ્હૉન ફ્લેમસ્ટીડ (1646–1719) નામના એક પાદરી અને ખગોળશાસ્ત્રીએ આ અંગેની જરૂરી સલાહ આપી; એટલું જ નહિ, પરંતુ તેમણે સંભવિત અનેક મુશ્કેલીઓનું નિરાકરણ પણ સૂચવ્યું. આથી પ્રભાવિત થઈને રાજાએ આ કામગીરી પાર પાડવાની જવાબદારી તેમને જ સોંપી અને 4 માર્ચ, 1675ના રોજ એને ‘રાજજ્યોતિષી’ એટલે કે ‘ઍસ્ટ્રૉનૉમર રૉયલ’નો દરજ્જો આપ્યો. ઉચિત તારાસારણી બનાવવાના આશયથી એ જ વર્ષે શાહી વેધશાળા(Royal Observatory)ની સ્થાપનાની જાહેરાત પણ કરી; અને તેના નિયામકપદે 29 વર્ષના ફ્લેમસ્ટીડની જ નિમણૂક કરી. આમ ફ્લેમસ્ટીડે ‘ઍસ્ટ્રૉનૉમર રૉયલ’ના અને ‘રૉયલ ઑબ્ઝર્વેટરી’ના નિયામક – એમ બે હોદ્દા મૃત્યુપર્યંત એકસાથે ભોગવ્યા. પછી તો એવો શિરસ્તો પડ્યો કે આ વેધશાળાનો નિયામક આપોઆપ બ્રિટનનો રાજજ્યોતિષી પણ બનતો હતો. આ સિલસિલો છેક 1971 સુધી એટલે કે પૂરાં 296 વર્ષ સુધી ચાલ્યો. આ દરમિયાન ફ્લેમસ્ટીડના દસ અનુગામીઓ આવી ગયા. એકસામટા આવા બે હોદ્દા ભોગવનાર છેલ્લા ખગોળશાસ્ત્રી સર રિચર્ડ વૂલી (1906–1986) હતા અને આ પદે તે 1955થી 1971 (16 વર્ષ) સુધી રહ્યા હતા. તે પછી 1971થી વેધશાળાના નિયામકનો અને રાજજ્યોતિષીનો એમ બન્ને હોદ્દા અલગ કરવામાં આવ્યા.
શાહી વેધશાળાના સ્થળની પસંદગીનું અને એના મકાનની ડિઝાઇનનું કામ સર ક્રિસ્ટૉફર રેન (1632–1723) નામના તે કાળના અતિ પ્રખ્યાત અંગ્રેજ સ્થપતિને સોંપવામાં આવ્યું. રેન માત્ર સ્થપતિ જ નહિ, ખગોળનો રસિયો (amateur astronomer) પણ હતો. ગ્રિનિચ એ કાળે લંડનની નજદીક આવેલું એક નાનકડું ગામડું હતું. અહીંના રૉયલ પાર્કમાં આવેલી એક ટેકરી ઉપર, ટેમ્સ નદીના સાન્નિધ્યમાં આ માટેનું સ્થળ પસંદ કરાયું અને 1676માં વેધશાળાનું પહેલું મકાન ખુલ્લું પણ મુકાયું. પાછળથી આ મકાન એના પ્રથમ નિયામક ફ્લેમસ્ટીડના નામ પરથી ‘ફ્લેમસ્ટીડ હાઉસ’ તરીકે ઓળખાયું. ગ્રિનિચ નામ એટલું લોકપ્રિય બન્યું કે ‘રૉયલ ઑબ્ઝર્વેટરી’ હવે ‘ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી’ના નામે કે બહુધા ‘રૉયલ ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી’, ટૂંકમાં ‘RGO’ના નામે જ ઓળખાવા લાગી.
ફ્લેમસ્ટીડને આ રીતે માન-મરતબો તો ઘણો મળ્યો, પણ એમનો પગાર એટલો ઓછો હતો કે જીવનનિર્વાહ માટે ખાનગી ટ્યૂશનો પણ કરવાં પડતાં. વળી, એકાદ કેળવાયેલો મદદનીશ પણ એમને આપવામાં આવ્યો ન હતો; એટલું જ નહિ, જરૂરી ઉપકરણો પણ પૂરાં પાડવામાં આવ્યાં ન હતાં. જરૂરી ઉપકરણો વસાવવાની વ્યવસ્થા નિયામકે જાતે જ કરી લેવાની હતી. આવી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ફ્લેમસ્ટીડે દૂરબીનની મદદથી 2,935 જેટલા તારાનાં સ્થાન દર્શાવતાં તારાપત્રકો તૈયાર કર્યાં, જે તેમના મૃત્યુ બાદ 1725માં 3 ખંડોમાં પ્રસિદ્ધ થયાં. ટાયકો બ્રાહીની તારા-સારણીઓ કરતાં એ વધુ વિસ્તૃત અને 6 ગણાં વધુ ચોક્કસ હતાં. દૂરબીનની મદદથી બનેલાં એ પ્રથમ પ્રમુખ તારા-પત્રકો હતાં. આધુનિક ખગોળનો પાયો નાંખવામાં તે મહત્વનાં પુરવાર થયાં.
ફ્લેમસ્ટીડ પછી એડમંડ હેલી (1656–1742) અને એ પછી જેમ્સ બ્રેડલે (1693–1762) આ પદે આવ્યા. હેલી 1720થી 1742 (22 વર્ષ) અને બ્રેડલે 1742થી 1762 (20 વર્ષ) આ પદે રહ્યા. આ રીતે આરંભથી જ આ વેધશાળાને પ્રતિભાવંત ખગોળશાસ્ત્રીઓ મળતા રહ્યા.
છેક આરંભથી જ ખગોળમિતિ (positional astronomy) જેવા શાસ્ત્રીય ખગોળશાસ્ત્ર તથા તેને માટેનાં જરૂરી ખગોલીય યંત્રો બનાવવા ઉપરાંત આ વેધશાળાએ સમયના ચોક્કસ માપન માટે પણ પાયાનું કામ કર્યું છે. આવી એક બાબત ‘ગ્રિનિચ મધ્યક સમય’ (Greenwich Mean Time – GMT), અને બીજી છે ગ્રિનિચના રેખાંશ(Greenwich Meridian)ને શૂન્ય ગણી તેની પૂર્વે 180 અને પશ્ચિમે 180 રેખાંશ ગણવાની. આ રીતે ગ્રિનિચની બરાબર વિરુદ્ધ દિશામાં 180 રેખાંશ આવે. આ રેખાંશથી ઉત્તર-દક્ષિણ દોરેલી લીટીને ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા (International Date Line) કહેવામાં આવે છે. 180 રેખાંશની આ લીટીને તારીખ બદલવાના સ્થળ તરીકે નક્કી કરવામાં આવી છે.
આ રીતે પૃથ્વી પરના કોઈ પણ સ્થળના રેખાંશ પરથી ઉત્તર-દક્ષિણ દોરેલી રેખા, રેખાંશ બતાવતી હોઈ એને ‘રેખાંશવૃત્ત’ કહે છે. રેખાંશવૃત્તો દક્ષિણથી ઉત્તર જતાં હોવાથી તેમને ‘યામ્યોત્તરવૃત્ત’ પણ કહે છે. આવી રેખા ઉપર 24 કલાકમાં મધ્યાહન એક જ વખત થતો હોવાથી તેમને ‘મધ્યાહ્નરેખા’ પણ કહે છે. પૃથ્વી જેમ પોતાની ધરી ઉપર ફરતી જાય છે તેમ એક પછી એક મધ્યાહનરેખા બરાબર સૂર્યની સામે આવે છે. આખી મધ્યાહનરેખા (રેખાંશવૃત્ત) એકીસાથે સૂર્યની સામે આવે છે એટલે આખી રેખા ઉપર આવેલાં બધાં સ્થળોએ એકીસાથે મધ્યાહન થાય છે. જે રેખાંશવૃત્ત કે મધ્યાહનરેખા ગ્રિનિચમાં થઈને પસાર થાય છે, તેને મૂળ કે શૂન્ય રેખાંશવૃત્ત કે મૂળ મધ્યાહનરેખા (Prime or Zero or First Meridian) કહે છે.
જેમ પ્રાચીન કાળમાં ભારતના આર્યભટ્ટ, વરાહમિહિર વગેરે ખગોળશાસ્ત્રીઓ ઉજ્જૈની નગરીના રેખાંશવૃત્તને માનક કે મૂળ કે આરંભિક યામ્યોત્તરરેખા ગણતા હતા અને તેના સંદર્ભે દુનિયાનાં અન્ય સ્થળોના રેખાંશ તફાવત અનુસાર ત્યાંના સ્થાનિક સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરેનું વિવેચન કરતા હતા તેવી જ રીતે આધુનિક કાળમાં ગ્રિનિચના રેખાંશવૃત્તને આ દરજ્જો આપવામાં આવ્યો છે અને તેના પરથી પૂર્વ-પશ્ચિમ રેખાંશવૃત્તો અને સમયના પટ્ટા (Time Zones) ગણવામાં આવ્યા છે.
સૂર્ય અસમાન ગતિથી આકાશી યાત્રા કરતો હોવાથી સૂર્ય-આધારિત સમયમાં વિસંગતિ જોવા મળે છે. આમ ન થાય એટલા માટે ક્રાંતિવૃત્તને બદલે અવકાશી વિષુવવૃત્ત પર એકસરખી મધ્યમ ગતિથી આકાશી યાત્રા કરતા સૂર્યની કલ્પના કરવામાં આવી છે. આવી એકસરખી મધ્યમ ગતિથી આકાશી યાત્રા કરતા કલ્પિત સૂર્યને ‘મધ્યમ-સૂર્ય’ (mean sun) કહે છે. આ ‘મધ્યમ-સૂર્ય’ પરથી ગણતરી કરીને કોઈ પણ સ્થળનો જે સ્થાનિક સમય મેળવાય તેને તે સ્થળનો ‘મધ્યકાલ’ કે ‘મધ્યમ-સમય’ (mean time) કહે છે. આ પ્રમાણે મેળવાયેલા તે સ્થળના સ્થાનિક સમયને સમગ્ર દેશ માટેનો સમય લેખવામાં આવે ત્યારે આ પ્રકારના સમયને ‘પ્રમાણસમય’ (standard time) કહે છે. 1880માં આ માન ગ્રિનિચને મળ્યું. એટલે કે ગ્રિનિચના સ્થાનિક સમયને ઇંગ્લૅન્ડનો પ્રમાણસમય ગણવાનું ચાલુ થયું. આમ, ‘ગ્રિનિચ મીન ટાઇમ’–‘ગ્રિનિચ મધ્યકાલ’ (GMT) અસ્તિત્વમાં આવ્યો અને ગ્રિનિચના સ્થાનિક સમયને પ્રમાણસમય ગણીને તે પ્રમાણે સમગ્ર બ્રિટનમાં ઘડિયાળો ગોઠવવાનું ચાલુ થયું. એ પછી GMTને આંતરરાષ્ટ્રીય સમયના સંદર્ભે પણ સ્વીકારવામાં આવ્યો, એટલે કે એને સમગ્ર વિશ્વના ‘પ્રમાણસમય’ સંદર્ભે સ્વીકારવામાં આવ્યો. સાદી ભાષામાં આનો અર્થ એવો થયો કે આખી દુનિયાના સમયનું કેન્દ્ર ગ્રિનિચ વેધશાળા ખાતે સ્થાપવામાં આવ્યું. એ પછી 1972માં GMTનું સ્થાન ‘પરમાણુસમયે’ (Atomic Time) લીધું.
વિષુવવૃત્તની જેમ રેખાંશની શરૂઆત કોઈ ચોક્કસ સ્થળેથી થઈ શકતી નથી. એટલે એનો આરંભ ક્યાંથી કરવો એની વિચારણા માટે 1884માં વૉશિંગ્ટન ખાતે એક ‘International Meridian Conference’ ભરવામાં આવી અને એમાં થયેલી સમજૂતી અનુસાર ગ્રિનિચ વેધશાળામાંથી પસાર થતાં યામ્યોત્તરવૃત્ત એટલે કે ઉત્તર દિશા, માથા પરનું શિરોબિંદુ અને દક્ષિણ દિશામાં થઈ પસાર થતા વૃત્તને મૂળ રેખાંશવૃત્ત કે શૂન્ય અંશ રેખાંશવૃત્ત તરીકે સ્વીકારવામાં આવ્યું. આ વૃત્તની પૂર્વે તેમજ પશ્ચિમે એક એક અંશને અંતરે 180 રેખાંશવૃત્તો દોરવામાં આવ્યાં છે, જેમને તેમની સ્થિતિ અનુસાર પૂર્વ યા પશ્ચિમ રેખાંશવૃત્તો કહેવાય છે. વિષુવવૃત્ત શૂન્ય અક્ષાંશવૃત્ત છે એટલે કે એના વડે પૃથ્વીના ગોળાના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ એવા બે ભાગ પડે છે; તેવી જ રીતે ગ્રિનિચ વેધશાળામાંથી પસાર થતા શૂન્ય રેખાંશવૃત્ત વડે પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ પડે છે.
આકાશી જ્યોતિઓના યામ્યોત્તરવૃત્ત ઓળંગવાની ઘટનાને યામ્યોત્તર-ગમન (transit) કહેવાય છે. તેની નોંધ લેતા ઉપકરણને યામ્યોત્તર-ગમન-દૂરબીન (transit telescope) કે યામ્યોત્તરવૃત્તયંત્ર (transit circle) કહે છે. આકાશી પિંડો ખરેખર ક્યારે યામ્યોત્તર થાય છે એ સમય અત્યંત ચોકસાઈથી માપતું આવું એક ઉપકરણ વેધશાળાના સાતમા નિયામક સર જ્યૉર્જ બિડેલ એરી(1801–1892)એ બનાવેલું હતું. તેના માનમાં આ ઉપકરણને ‘એરી યામ્યોત્તરવૃત્ત’ કહેવામાં આવ્યું. આવા યામ્યોત્તર-નિરીક્ષણ દ્વારા વિષુવાંશ (right ascension), ક્રાંતિ (declination) હોરાકોણ કે કાલકોણ (Houre angle) અને નિરીક્ષકની સ્થાનસ્થિતિ શોધવામાં અનુકૂળતા રહે છે. આ યંત્રનું મહત્વ એ છે કે તેમાંથી શૂન્ય રેખાંશવૃત્ત કે મૂળ મધ્યાહનરેખા (prime meridian) પસાર થતી હોય છે.
ગ્રિનિચ વેધશાળાનું ‘ટાઇમ ડિપાર્ટમેન્ટ’ પણ ઘણું જાણીતું બન્યું છે. આ વિભાગ બધા દેશો માટે સમય માપે છે અને તાર તથા રેડિયો-સંકેતો દ્વારા તેની જાણ કરે છે. 1972થી સમયમાપનની અતિસૂક્ષ્મ એવી પરમાણુ-ઘડિયાળ (atomic clock) આધારિત પરમાણુ-સમય જેવી વ્યવસ્થા પણ અહીં કરવામાં આવેલી છે. ગ્રિનિચના આ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા સમયસૂચક સંકેતોને વહાણો અન્ય વેધશાળાઓ અને ખગોળશાસ્ત્રીઓ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. વહાણવટીઓ પોતાના રેખાંશ શોધવા માટે તેનો ઉપયોગ કરે છે. તે માટે ગ્રિનિચ સમયમાંથી પોતાના સ્થાનિક સમયને બાદ કરે છે; અથવા આથી ઊલટું, પોતાના સ્થાનિક સમયમાંથી ગ્રિનિચ સમયને બાદ કરે છે અને જે આંકડો આવે તેને 15 વડે ગુણી કાઢે છે. એ રીતે વહાણના રેખાંશ મળે છે. શેમાંથી શું બાદ કરવું એનો આધાર પોતાનું સ્થાન ગ્રિનિચથી પૂર્વમાં આવેલું છે કે પશ્ચિમમાં, તેના પર અવલંબે છે; દા. ત., ગ્રિનિચ-સમય બપોરના 12 પછી 3નો છે. એટલે 3 અપરાહન (p.m.) છે અને વહાણનો સ્થાનિક સમય 1 અપરાહન છે, તો બંને વચ્ચેનો તફાવત 2 કલાક આવશે. આનો અર્થ એ થયો કે વહાણ (2 x 15 =) 30 અંશ રેખાંશ પશ્ચિમમાં છે.
આવી જ રીતે આ વેધશાળાની ‘નૉટિકલ ઑલ્મનેક ઑફિસ’ દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતાં નાવિક પંચાંગો (nautical almanac) અને પત્રકો (catalogues) તથા નાવિકવિદ્યા સાથે સંકળાયેલાં વિવિધ પ્રકાશનો દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ, દરિયાખેડુઓ અને સર્વેક્ષણ કરનારાઓ વગેરે માટે બહુ ઉપયોગી થઈ પડ્યાં છે. ‘ઍસ્ટ્રૉનૉમિકલ ઑલ્મનેક’ (ખગોલીય પંચાંગો) જેવાં પ્રકાશનો આજે પણ ‘યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઑબ્ઝર્વેટરી’ના સહયોગથી નિયમિત પ્રસિદ્ધ થાય છે. તેવી જ રીતે, 1766માં આ વેધશાળા દ્વારા આવું નાવિક પંચાંગ સૌપ્રથમ પ્રસિદ્ધ થયા પછી આ સેવા આજ સુધી ચાલુ રહી છે. ભારતમાં આવું દૈનિક જ્યોતિષપત્રક કે પંચાંગ (ephemeris) 1958માં અને નાવિક પંચાંગ 1957માં પ્રસિદ્ધ થયું હતું.
આકાશ નિરીક્ષણ, ખગોલમિતિ, આંતરરાષ્ટ્રીય ધોરણે સમયમાપન, વિવિધ પ્રકારનાં પંચાંગો પ્રસિદ્ધ કરવાં વગેરે કાર્યો માટેનાં જરૂરી ઉપકરણો અહીં આવેલાં છે. આમાં તારાનું સ્થાન ખૂબ ચોકસાઈથી નિર્ધારિત કરતા એક વિશિષ્ટ પ્રકારના ટેલિસ્કોપની ફોટોગ્રાફિક ઝેનિથ ટ્યૂબ(PZT)નો પણ સમાવેશ થાય છે, જે 1955થી ગોઠવવામાં આવેલી છે. ઉપરાંત 91 સેમી.ના દર્પણવાળું ‘Yapp reflecting telescope’ 1932માં અને 96 સેમી.નું દર્પણ ધરાવતું Hargreaves reflector 1972માં ગોઠવવામાં આવેલું છે. 76 સેમી. વ્યાસવાળાં બે પરાવર્તક (reflector) દૂરબીનો અને 66 સેમી.ના વ્યાસનો લેન્સ ધરાવતું એક વર્તક (refractor) દૂરબીન પણ રાખવામાં આવેલાં છે.
વીસમી સદીમાં વેધશાળાએ ખગોલભૌતિકી કે ભૌતિકખગોળ (astrophysics) ઉપર વધુ ઝોક આપવા માંડ્યો અને તેવી રીતે ખગોલ ફોટોગ્રાફીનો વપરાશ વધવા લાગ્યો. તે દરમિયાન લંડન ગ્રિનિચમાંથી આકાશનિરીક્ષણ કરવાનું કાર્ય મુશ્કેલ બનતું ચાલ્યું એટલે બીજા વિશ્વયુદ્ધ પછી વેધશાળાને ગ્રિનિચમાંથી ખસેડવાનો નિર્ણય લેવાયો અને 1948માં ખસેડીને એને સસેક્સમાં આવેલા હેર્સ્ટમૉનસે કાસલ નામના એક પુરાણા પણ ભવ્ય કિલ્લામાં લઈ જવામાં આવી. સમગ્ર વેધશાળાનું સ્થાનાંતર 1958માં પૂરું થયું. હવે આ વેધશાળા ગ્રિનિચ મેરિડિયન પર આવેલી ન હતી, તેમ છતાંય એના ગૌરવવંતા ભૂતકાળ સાથે કડી સચવાઈ રહે તે માટે જૂના નામને જ ચાલુ રાખવામાં આવ્યું. ગ્રિનિચ ખાતેના પુરાણા ઐતિહાસિક મકાનમાં આજે તો એક રાષ્ટ્રીય સામુદ્રિક સંગ્રહસ્થાન (National Maritime Museum) ઊભું કરવામાં આવ્યું છે જેમાંનાં અમુક અપવાદને બાદ કરતાં મોટા ભાગનાં ઉપકરણો મૂળ ઉપકરણોની આબેહૂબ નકલો (replicas) જ છે. એરી દ્વારા 1951માં બનાવવામાં આવેલું અને પૃથ્વીના ગોળાને પૂર્વ-પશ્ચિમ ગોળાર્ધોમાં વહેંચતું યામ્યોત્તરવૃત્ત-ઉપકરણ પ્રતિકૃતિ રૂપે નહિ પણ એના મૂળ રૂપમાં જ સાચવી રાખવામાં આવ્યું છે તેથી સંગ્રહસ્થાનની મુલાકાતે આવતા સંખ્યાબંધ સહેલાણીઓ માટે તે એક મુખ્ય આકર્ષણ બન્યું છે. એ જે મકાનમાં રાખવામાં આવ્યું છે (‘ફ્લેમસ્ટીડ હાઉસ’) એ મકાનની આગળની દીવાલ ઉપરથી શૂન્ય રેખાંશનું નિર્દેશન કરતી તાંબાની એક પટ્ટી પણ મારવામાં આવેલી છે.
1970 સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું કે સસેક્સમાંથી તો શું, સમગ્ર બ્રિટનમાંથી પ્રથમ દરજ્જાનું આકાશ-નિરીક્ષણ કરવું શક્ય નથી. ઉત્કૃષ્ટ આકાશ-નિરીક્ષણ કરી શકાય તે હેતુથી વેધશાળાનું ત્રીજી વાર સ્થાનાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વખતે તો એનું નિરીક્ષણ મથક બ્રિટનની બહાર કૅનેરી ટાપુઓમાંના એક, એવા લા પાલ્મા ખાતે લઈ જવામાં આવ્યું છે. અહીં આવેલી શેક દ લો મુશાશો વેધશાળા કેટલાક દેશો વચ્ચેના કરાર મુજબ એકમેકના સહકારથી કામ કરે છે અને એમાં ‘રૉયલ ગ્રિનિચ વેધશાળા’નાં નીચે મુજબના મુખ્ય ટેલિસ્કોપ આવેલાં છે :
- વિલિયમ હર્ષલ ટેલિસ્કોપ
- જેકોબસ કાપ્તાઇન ટેલિસ્કોપ (JKT) અને
- આઇઝેક ન્યૂટન ટેલિસ્કોપ (INT).
ઉપરનાં 3 પરાવર્તક દૂરબીનોને સંયુક્ત રીતે ‘આઇઝેક ન્યૂટન ગ્રૂપ’ એવા એક નામથી ઓળખવામાં આવે છે.
વિલિયમ હર્ષલ ટેલિસ્કોપના અરીસાનો વ્યાસ 4.2 મીટર છે અને તે 1987થી કામ કરે છે. એનો ઉપયોગ યુનાઇટેડ કિંગ્ડમ ઉપરાંત સ્પેન અને નેધરલૅન્ડ્ઝના ખગોળશાસ્ત્રીઓ કરે છે.
જેકોબસ કાપ્તાઇન ટેલિસ્કોપના અરીસાનો વ્યાસ 1 મીટર છે અને તે 1984થી કામ કરે છે. એનું સંચાલન RGO હસ્તક છે. યુનાઇટેડ કિંગ્ડમ ઉપરાંત તેનો ઉપયોગ સ્પેન, નેધરલૅન્ડ્ઝ અને આયર્લૅન્ડ કરે છે. આ ટેલિસ્કોપની વિશિષ્ટતા એ છે કે વિશાળ ક્ષેત્રે ફોટોચિત્રણ (wide field photography) તથા પ્રકાશમાન કે પ્રકાશમિતિ (photometry) જેવા ચોક્કસ હેતુઓ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે.
આઇઝેક ન્યૂટન ટેલિસ્કોપના અરીસાનો વ્યાસ 2.5 મીટર છે અને એનું સંચાલન પણ RGO કરે છે. એનો ઉપયોગ યુનાઇટેડ કિંગ્ડમ ઉપરાંત સ્પેન અને નેધરલૅન્ડ્ઝના ખગોળશાસ્ત્રીઓ પણ કરે છે. આમ તો આ દૂરબીનનું નિર્માણ 1967માં જ પૂર્ણ કરવામાં આવેલું અને તેને હેર્સ્ટમૉનસે કાસલ ખાતે લઈ જતાં પહેલાં એમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા, જેમાંનો મુખ્ય સુધારો એનું મુખ્ય દર્પણ (primary mirror) બદલવાનો હતો. આ ટેલિસ્કોપ લા પાલ્મા ખાતે 1984થી કામ કરે છે.
સુશ્રુત પટેલ