ગ્રાહક-ભાવાંક : વસ્તુઓ અને સેવાઓના છૂટક ભાવોમાં થતા ફેરફારોને લીધે નિર્વાહખર્ચ પર થતી અસરો માપવાની પદ્ધતિ. તેને સૂચક અંક (index number) તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય સૂચક અંક તૈયાર કરતી વેળાએ મોટા ભાગના લોકો પોતાની આવકનો નોંધપાત્ર હિસ્સો જે વસ્તુઓ અને સેવાઓની ખરીદી પર ખર્ચે છે તે વસ્તુઓ વસ્તીની યાર્દચ્છિક મોજણી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને તે વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં નિર્ધારિત સમયના ગાળામાં જે ફેરફાર થાય છે તેની પાયાના વર્ષ સાથેની સરખામણી દ્વારા લોકોનાં જીવનધોરણ પર થતી અસરો માપવામાં આવે છે. આમ ગ્રાહક-ભાવાંક દ્વારા નાણાંના મૂલ્યમાં, એટલે કે તેની ખરીદશક્તિમાં થતા ફેરફારો જાણી શકાય છે.

ગ્રાહક-ભાવાંકનાં કેટલાંક લક્ષણો : (1) સામાન્ય રીતે આવા ભાવાંક વેતન કે પગાર જેવી બાંધી મુદતની આવક કમાતા ઔદ્યોગિક કામદારો કે નોકરિયાત વર્ગ માટે તૈયાર કરવામાં આવે છે. (2) કેટલીક વાર વિશિષ્ટ આર્થિક વર્ગ માટે પણ તે તૈયાર કરાય છે. (3) જે વર્ગ માટે ભાવાંક નિર્ધારિત કરવાનો હોય તે વર્ગની સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતા ફેરફારો ધ્યાનમાં લેવાતા હોય છે. (4) સામાન્ય રીતે મહાનગરો, નગરો કે શહેરોમાં રહેતા લોકોના જીવનધોરણમાં થતા ફેરફારો માપવાના હેતુથી ભાવાંક ગણવામાં આવે છે. (5) સમગ્ર દેશની પ્રજાના આર્થિક કલ્યાણમાં થતા ફેરફારો માપવા હોય તો સર્વગ્રાહી સૂચક અંક તૈયાર કરવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય સ્તર પર મહત્વની ગણાય તેવી મુખ્ય વસ્તુઓના ભાવોમાં થતા ફેરફારો ધ્યાનમાં લેવાય છે; દા. ત., ખોરાક, કપડાં, ભાડું, શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન. આવા ગ્રાહક-ભાવાંકનો ઉપયોગ સર્વસામાન્ય આર્થિક વિશ્લેષણ માટે કરવામાં આવે છે.

ગ્રાહક-ભાવાંકમાં બધી જ વસ્તુઓ અને સેવાઓ એકસરખું મહત્વ ધરાવે છે તેવી ધારણા દ્વારા જે સૂચક અંક તૈયાર કરવામાં આવે છે તેને સાદો ભાવાંક કહેવામાં આવે છે; પરંતુ ભાવાંકમાં દાખલ કરવામાં આવતી દરેક વસ્તુનું સાપેક્ષ મહત્વ નક્કી કરી તે મુજબ દરેક વસ્તુ અને સેવાને ભારાંક (weights) આપી તે ધોરણે સૂચક અંકની ગણતરી કરવામાં આવે તો તેને ભારિત ભાવાંક (weighted index number) કહે છે. સાદા ભાવાંક કરતાં ભારિત ભાવાંક નિર્વાહખર્ચમાં થતા ફેરફારોનું વધુ વાસ્તવિક ચિત્ર ઉપસાવે છે.

ગ્રાહક-ભાવાંક નક્કી કરવા માટે કેટલીક બાબતોની અનિવાર્ય રીતે જરૂર પડે છે : (1) પાયાના વર્ષની પસંદગી. સામાન્ય રીતે વધુ પડતી આર્થિક ઊથલપાથલ ન થઈ હોય તેવા સામાન્ય વર્ષની પાયાના વર્ષ તરીકે પસંદગી થાય તે ઇષ્ટ છે. (2) પાયાના વર્ષના તથા નિર્ધારિત વર્ષના અધિકૃત ભાવોની માહિતી, જેના પર ગ્રાહક-ભાવાંકનું પ્રામાણ્ય અવલંબે છે. (3) વસ્તુઓ અને સેવાઓની પસંદગી. (4) ભારિત ભાવાંકની ગણતરી કરવી હોય તો દરેક વસ્તુ અને સેવાના સાપેક્ષ મહત્વને આધારે તેના ભાર નક્કી કરવા. આ ચારે બાબતોમાં વસ્તુલક્ષિતા જેટલી વધારે તેટલા પ્રમાણમાં ગ્રાહક-ભાવાંકનું પ્રામાણ્ય વધારે ગણાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે