ગ્રાફ, સ્ટેફી (જ. 14 જૂન 1969, બ્રુહ, જર્મની) : ટેનિસ રમતની 1994માં વિશ્વક્રમાંક–1ની (top-seeded) જર્મન મૂળની ખેલાડી. આખું નામ સ્ટેફી પીટર ગ્રાફ.
પિતા પીટર ગ્રાફ તથા માતા હેઇડી તરફથી તેને ટેનિસની રમત રમવા પ્રત્યે નાનપણથી પ્રેરણા મળી હતી.
5 ફૂટ 9 ઇંચની ઊંચાઈ ધરાવતી સ્ટેફીએ અમેરિકામાં ટેનિસના કાશી ગણાતા ફ્લૉરિડા ખાતે ગ્લેનેગલ્સ ક્લબમાં જોડાઈને ટેનિસની સઘન તાલીમ મેળવી હતી.
18મી ઑક્ટોબર 1982થી તેણે ધંધાદારી (professional) ખેલાડી તરીકે ટેનિસની સ્પર્ધાઓમાં રમવાની શરૂઆત કરી હતી.
1987માં પૅરિસ ખાતે રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમ ખાતે તેણે ‘ફ્રેન્ચ ઓપન ટેનિસ ટાઇટલ’ જીતીને કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડસ્લૅમ ટાઇટલ જીત્યો હતો.
અત્યાર સુધીમાં ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ, વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટ, ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ તથા યુ.એસ. ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ : વિશ્વની આ ચાર ગ્રાન્ડ સ્લૅમ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લઈને તેણે કુલ 15 ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ્સ સહિત ટેનિસ રમતના 84 જેટલાં ‘ટાઇટલ્સ’ પ્રાપ્ત કર્યાં છે.
17મી ઑગસ્ટ 1987ના રોજ તેણે ટેનિસની મહિલા ખેલાડીઓમાં વિશ્વક્રમાંક 1 મેળવ્યો હતો. આ ક્રમ 10મી માર્ચ 1991 સુધી (સતત 186 અઠવાડિયાં) જાળવીને તેણે વિક્રમ સર્જ્યો હતો. ત્યારપછી યુગોસ્લાવિયાની મોનિકા સેલેસે સ્ટેફીનો વિશ્વક્રમાંક–1 આંચકી લીધો હતો.
1993ના એપ્રિલમાં હમ્બર્ગ ખાતે એક મહિલા ટેનિસ ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેફીના એક ચાહકે મોનિકા સેલેસ પર ઘાતક હુમલો કર્યા બાદ, સેલેસ ટેનિસના તખ્તા પરથી દૂર થતાં સ્ટેફીએ ફરીથી વિશ્વક્રમાંક 1 પ્રાપ્ત કર્યો હતો.
1988માં સ્ટેફીએ એક કૅલેન્ડર વર્ષમાં ચારેચાર ગ્રાન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટ જીતવાનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. એ જ વર્ષે દક્ષિણ કોરિયામાં સોલ ખાતે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં પણ સ્ટેફીએ ‘સુવર્ણચંદ્રક’ જીત્યો હતો. 1989માં ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્ટેફી સ્પેનની એરાંક્ષા સાન્ચેઝ સામે હારી ગઈ હતી.
સ્ટેફીને ટેનિસ ઉપરાંત ફૂટબૉલની રમત ખૂબ પ્રિય છે. આ ઉપરાંત ફોટોગ્રાફી, સંગીત, ચિત્રકલા, વાચન તેના બીજા શોખ છે.
1991ની ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં અને 1994ની યુ.એસ. ઓપનની ફાઇનલમાં સ્પેનની એરાંક્ષા સાન્ચેઝ વિકારિયો સામેના તેના પરાજયો તેની કારકિર્દી માટે પડકારરૂપ છે.
અમેરિકન ટેનિસ ખેલાડી આંદ્રે અગાસી સાથે તે લગ્નગ્રંથિથી જોડાઈ છે.
જગદીશ બિનીવાલે