ગ્રાફિક કણરચના : ક્વાર્ટ્ઝ અને ફૅલ્સ્પારની વ્યવસ્થિત આંતરવિકાસ ગૂંથણીમાંથી ઉદભવતી કણરચના. આ પ્રકારની કણરચના મહદ્અંશે ગ્રૅનાઇટ બંધારણવાળા ખડકોમાં જોવા મળે છે. બે ખનીજોનું જ્યારે એકીસાથે સ્ફટિકીકરણ થાય છે ત્યારે આ પ્રકારનું માળખું ગોઠવાય છે. આવી કણરચનાવાળા માળખામાં ફૅલ્સ્પારની પશ્ચાદભૂમાં ફૅલ્સ્પારની લગોલગ ક્વાર્ટ્ઝના વીક્ષાકાર સ્ફટિકો ગોઠવાયેલા જોવા મળે છે. આ બે ખનીજો ઉપરાંત ક્યારેક કેટલાંક અન્ય ખનીજો પણ મળી આવે છે. આ પ્રકારની કણરચનામાં ખનીજો સૂક્ષ્મ પરિમાણવાળાં હોય ત્યારે એને માઇક્રોગ્રાફિક અથવા ગ્રેનોફાયરિક કણરચના તરીકે ઓળખાવાય છે. ગ્રાફિક ગ્રૅનાઇટ, માઇક્રો-પૅગ્મેટાઇટ તથા ગ્રેનોફાયર આવી કણરચનાવાળા ખડકોનાં ઉદાહરણ છે.

ગિરીશભાઈ પંડ્યા