ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris) : સૂર્ય, ગ્રહ, ચંદ્ર, ધૂમકેતુ અને કેટલાક પસંદ કરેલા લઘુગ્રહોની ભ્રમણકક્ષા નિર્ધારિત કરીને, તેની ઉપરથી કાલાનુક્રમ અનુસાર આવતાં ગાણિતિક સ્થાનો દર્શાવતું કોષ્ટક. તેની પ્રસિદ્ધિ લગભગ એક કે બે વર્ષ અગાઉથી કરવામાં આવે છે. ખગોલીય પંચાંગ(almanacs)માં આવી સૂચિ, સામાન્યપણે દિવસવાર આપવાનો રિવાજ છે. તેમાં મુખ્યત્વે કરીને ખગોલીય પિંડના પૃથ્વીપટ ઉપરથી દેખાતાં ખગોલ ઉપરનાં સ્પષ્ટ (apparent) સ્થાનદર્શક વિષુવાંશ અને ક્રાંતિનો સમાવેશ કરવામાં આવે છે.
ભારત સરકારની સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી મિનિસ્ટ્રીમાં આવેલું ઇન્ડિયા મિટિયોરૉલૉજિક્લ ડિપાર્ટમેન્ટ, વેધશાસ્ત્રીઓના તેમજ અન્ય વૈજ્ઞાનિકોના ઉપયોગ માટે પ્રત્યેક વર્ષનું ‘ધ ઇન્ડિયન ઍસ્ટ્રોનૉમિકલ ઇફીમોરિસ’ નામનું ગ્રહસ્થાનકોષ્ટક પ્રતિવર્ષ પ્રસિદ્ધ કરે છે. તેવી જ રીતે યુ.કે., યુ.એસ., ફ્રાન્સ, રશિયા, સ્પેન, જાપાન અને ચીન એમ અન્ય 7 રાષ્ટ્રો પણ ગ્રહસ્થાન કોષ્ટક નિયમિત રૂપે પ્રસિદ્ધ કરે છે. આ આઠેય પ્રકાશનોમાં 1985થી શરૂ કરીને તમામ ગણતરી 2000ની સાલના જાન્યુઆરી 1ના, 12 કલાક માટેના વસંતસંપાત અનુસાર કરવામાં આવેલી છે.
પ્ર. દી. અંગ્રેજી