ગોંડવાના રચના : દ્વીપકલ્પીય ભારતમાં વિવૃત થયેલી વિશિષ્ટ ખડકરચના. ભારતના જુદા જુદા વિસ્તારોમાં મળી આવતી પ્રથમ જીવયુગ(પેલિયોઝોઇક યુગ)ની ઊર્ધ્વ કાર્બોનિફેરસ રચનાથી શરૂ કરીને મેસોઝોઇક યુગની જુરાસિક રચનાના લગભગ અંતિમ ચરણ સુધી(કચ્છમાં ઉમિયા સ્તરો સુધી)ના લાંબા કાળગાળાની નિક્ષેપ જમાવટથી બનેલી ખડકરચના. આ ગોંડવાના રચના વિંધ્ય વયની ખડકરચના પછીથી તૈયાર થયેલી ખંડીય નિક્ષેપ-પ્રકાર દર્શાવતી એક વિશિષ્ટ રચના ગણાય છે. ગોંડવાના રચનાની આ નિક્ષેપક્રિયાનો પ્રારંભ આર્યયુગથી થયેલો છે, જેમાં કેટલીક સ્થાનિક અસંગતિઓ રહેલી હોવા છતાં તે લાંબા કાળગાળા સુધી ચાલુ રહેલી. આ વિસ્તૃત ખંડીય નિક્ષેપરચના તેના નિમ્ન વિભાગથી ઊર્ધ્વ વિભાગ સુધી સંગત તેમજ પરસ્પર સંબંધિત સળંગ ક્રમિક સ્તરાનુક્રમનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે. જ્યાંથી સર્વપ્રથમ આ ખડકરચનાના ખડકોની જાણ થઈ તે નર્મદા નદીની દક્ષિણે આવેલાં પુરાણાં ગોંડ રાજ્યો પરથી ભારતીય ભૂસ્તરશાસ્ત્રમાં આ રચના ‘ગોંડવાના રચના’ તરીકે ઓળખાય છે. દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા જેવા દુનિયાના અન્ય ભાગોમાં થયેલા સ્તર-અભ્યાસ-સંશોધનને પરિણામે ત્યાં પણ આ જ પ્રકારની, એકસરખાં પ્રાકૃતિક તેમજ જીવાવશેષ લક્ષણોવાળી સમકક્ષ ખંડીય ખડકરચનાઓ મળી આવી છે. સમાન સંજોગો પરથી તેમજ ભારત, આફ્રિકા અને પેટાગોનિયાની જુરાસિક અને ક્રિટેસિયસ રચનાઓમાં થયેલાં જીવાવશેષોને લગતાં મહત્વનાં સંશોધનોના પુરાવા પરથી ઘણા અગ્રગણ્ય ભૂસ્તરશાસ્ત્રીઓએ દલીલ કરી છે કે દૂર દૂર આવેલા આ વિસ્તારો વચ્ચે હાલના હિંદી મહાસાગર મારફતે એક વિશાળ, સળંગ દક્ષિણભૂમિખંડ અથવા અનેક ભૂમિજોડાણો (સંયોગીભૂમિ) દ્વારા ભૂમિસંબંધ અસ્તિત્વ ધરાવતો હતો. આ વિશાળ ભૂમિસમૂહ પશ્ચિમે દક્ષિણ અમેરિકાથી પૂર્વ તરફ ભારત સુધી વિસ્તરેલો હતો અને તેમાં મલાયાના ટાપુસમૂહો તેમજ ઑસ્ટ્રેલિયા પણ જોડાયેલા હતા. આ વિસ્તારમાંથી મળી આવતા સમાન પ્રાણી-વનસ્પતિના જીવાવશેષો તેમની અનિયંત્રિત સ્થળાંતરક્રિયા લાંબા કાળ સુધી થયેલી હોવાનું સૂચવી જાય છે; એટલું જ નહિ, પણ આજે અલગ અલગ જોવા મળતા આ ભૂમિભાગો ત્યારે જોડાયેલા હોવાનો નિર્દેશ કરી જાય છે. ભારત અને આફ્રિકાનાં અર્વાચીન જીવંત પ્રાણી અને વનસ્પતિનાં લક્ષણો તેમજ વિતરણ પર પણ તે સળંગ ભૂમિખંડની પશ્ચાદ્વર્તી અસર દેખાય છે. ભારત, મધ્ય આફ્રિકા અને માડાગાસ્કરનાં નિમ્ન કક્ષાનાં જીવંત પૃષ્ઠવંશી પ્રાણીઓ વચ્ચે પણ પ્રાણીશાસ્ત્રીઓએ ચોક્કસ સંબંધો હોવાનું દર્શાવ્યું છે, જો આ વિસ્તારો પહેલેથી જ અલગ અલગ હોત તો તે પ્રકારના સંબંધો સંભવી શકે નહિ; એટલું જ નહિ, પરંતુ તે દરેક વિસ્તારનાં પ્રાણીઓની પોતાની ઉત્ક્રાંતિ સ્વતંત્ર રીતે થઈ શકી હોત ! ક્રિટેસિયસ કાળના, ખાસ કરીને સૉરોપૉડ પ્રકારના સરીસૃપ-જીવાવશેષોના વિતરણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીને આધારે પ્રો. વૉન હ્યુન લેમુરિયા (ભારત-માડાગાસ્કરથી બનેલા ભૂમિખંડને આપવામાં આવેલું નામ) મારફતે દક્ષિણ અમેરિકા સુધી સ્પષ્ટ ભૂમિસંબંધ હોવાનું દર્શાવે છે. પ્રો. હ્યુનના મત મુજબ મધ્યપ્રદેશના ક્રિટેસિયસ ડાયનોસૉર જીવાવશેષ માડાગાસ્કરમાંથી પ્રાપ્ત જીવાવશેષ પ્રકારના હતા. વળી માડાગાસ્કરના કેટલાક જીવાવશેષો પેટાગોનિયા, બ્રાઝિલ અને ઉરુગ્વેના જીવાવશેષો સાથે પણ ખૂબ સામ્ય ધરાવે છે. આ હકીકત દર્શાવે છે કે દક્ષિણ ગોળાર્ધસ્થિત વિશાળ ખંડ પર પ્રાણીઓની અનિયંત્રિત સ્થળાંતરક્રિયા થઈ હોવી જોઈએ. આ ખંડની ઉત્તર સરહદ અત્યારના હિમાલયના મધ્યભાગ (મધ્યની હારમાળા) સુધી વિસ્તરેલી હતી, જેની ઉત્તર તરફ અફાટ ટેથીઝ સમુદ્ર ઘૂઘવતો હતો અને તેનો જળરાશિ આ ભૂમિકિનારા પર અથડાઈને ઘસારાનું કાર્ય કરતો હતો.
ભારત-આફ્રિકા ભૂમિજોડાણ અંગેના નિર્ણયનો પુરાવો એટલો તો સબળ અને અનેકવિધ પાસાંવાળો છે કે ભૂસ્તરશાસ્ત્રીઓમાં આ ભૂમિજોડાણના પ્રકાર અને તત્કાલીન ભૌગોલિક સંજોગો માટે મતભેદ પ્રવર્તે છે; પરંતુ દુનિયાના આ ભાગનું ભૂમિજોડાણ હોવાની બાબત ભૂસ્તરશાસ્ત્રની નિ:શંક નિશ્ચિત હકીકત છે. ઘણા લાંબા કાળગાળા સુધી જોડાયેલા, જળવાઈ રહેલા આ ખંડની તત્કાલીન નદીઓ દ્વારા અસ્તિત્વમાં આવેલા જીવાવશેષ સહિતના ભૌગોલિક સંજોગોના સામ્યવાળા ખંડીય નિક્ષેપો તેના સમગ્ર વિસ્તારમાં અસંખ્ય છૂટાંછવાયાં થાળાંમાં મળી આવે છે. આ બધી જ ખડકરચનાઓનો સમાવેશ કરવા માટે ‘ગોંડવાના રચના’ પર્યાયનો ઉપયોગ કરવામાં આવે છે; જ્યારે ‘મેસોઝોઇક’ યુગના ભારત-આફ્રિકા-અમેરિકા-ઍન્ટાર્ક્ટિકા, ઑસ્ટ્રેલિયાથી બનેલા ભૂમિસમૂહ માટે, સંયોગીભૂમિઓથી જોડાયેલા ભૂમિસમૂહ માટે ‘ગોંડવાના ખંડ’ નામ આપવામાં આવેલું છે.
ગોંડવાના રચના અનેક રીતે એક અજોડ ખડકરચના છે. તેનું તળભાગથી ઊર્ધ્વભાગ સુધીનું એકસરખાપણું, આટલા લાંબા કાળગાળા માટે પૃથ્વીના મોટા વિભાગોની ભૂમિસપાટીના જળવાઈ રહેલા ભૂસ્તરીય ઇતિહાસની પૂર્ણતા, સ્તરભંગની અસર હેઠળ અસ્તિત્વમાં આવેલાં તેમજ ક્રમશ: અધોગમન પામતાં જતાં થાળાં (જેમાં ગોંડવાના પ્રદેશની નદીઓના નિક્ષેપો એકત્રિત થયેલા છે) જેવા પ્રકારની નિક્ષેપરચનાની પદ્ધતિ અને તેમાં ભૂસંચલનની અસરરહિત જળવાઈ રહેલા ખનિજ-કોલસાના મૂલ્યવાન જથ્થાને કારણે આ ખડકો ભારતીય ભૂસ્તરરચનાઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
ભૂસંચલનજન્ય સંબંધો : ગોંડવાના રચનાના ખડકોની નિક્ષેપક્રિયા મૂળભૂત રીતે તો ભૂસંચલનજન્ય સંબંધો સાથે સંકળાયેલી છે. સ્તરભંગોની અસર હેઠળ કેટલાક ભૂમિપટ્ટાઓ અવતલન પામ્યા. તેને પરિણામે ઉદભવેલાં થાળાંમાં આજુબાજુના પ્રી-કૅમ્બ્રિયન વિસ્તારોમાંથી શિલાચૂર્ણનો જથ્થો એકત્રિત થતો ગયો. સતત ઉમેરાતા જતા આ જથ્થાના બોજને કારણે થાળાં વધુ ને વધુ અવતલન પામતાં ગયાં. આ પ્રમાણે સ્તરભંગ સરહદોથી બે બાજુએ બંધાયેલાં નિક્ષેપથાળાં અરવલ્લી, વિંધ્ય કે પૂર્વઘાટની હારમાળાઓના કાયાકલ્પ માટે કારણભૂત ગિરિનિર્માણ કે અન્ય ભૂસંચલન ક્રિયાઓની અસરને લીધે ગોંડવાના રચનાના ખડકો અસ્તિત્વમાં આવેલા હોવાનું માનવામાં આવે છે. (જુઓ, આકૃતિ)
ગોંડવાના ખડકોની ઉત્પત્તિના કાળગાળા દરમિયાન આર્કિયન ખડકોમાં થયેલી નિક્ષેપથાળાંની અવતલન ક્રિયાને કારણે જ આ ખડકો જળવાઈ રહેલા છે. વધુમાં, આ રચનાના ખડકસ્તરો પર સ્તરભંગની કે ગેડીકરણની અસર થયેલી નથી. કોઈ પણ પ્રકારના રચનાત્મક વિક્ષેપની અસરો થયેલી નહિ હોવાને કારણે તેમાં આ ખડકો સાથે સંકળાયેલા કોલસાના થરો પણ જળવાઈ રહેલા છે અને આ બાબત ભારત માટે ઘણી જ આર્થિક મહત્વવાળી બની રહી છે. ભારતનો લગભગ બધો જ ખનિજ-કોલસો ગોંડવાના ખડકરચનામાંથી જ મેળવવામાં આવે છે.
ગોંડવાના રચનાના ખડકસ્તરોની નદીજન્ય (fluviatile) ઉત્પત્તિ : ગોંડવાના ખડકોની નદીજન્ય ઉત્પત્તિ તેમાં મળી આવતા ખંડીય વનસ્પતિઅવશેષો, ક્રસ્ટેસિયન પ્રાણીઓ, જંતુઓ, માછલી, ઉભયજીવી, સરીસૃપો વગેરે પ્રાણીઓના જીવાવશેષોની હાજરીને લીધે પુરવાર થાય છે; પરંતુ તે નિક્ષેપનાં લક્ષણ અને પ્રકૃતિ નદીઓની પહોળી ખીણો અને થાળાંઓમાં થયેલા જમાવટ-પ્રકારનો નિ:શંક પુરાવો આપે છે. સ્થૂળ તેમજ સૂક્ષ્મ દાણાદાર રેતીખડકની વારંવાર જોવા મળતી વારાફરતી ગોઠવણી અને ખડકોમાં સ્થાનિક રીતે જોવા મળતા અનેક ફેરફારો જેની ગતિ અને પ્રવાહમાં સતત ફેરફાર થયા કરે છે તેવાં કોઈક પ્રાકૃતિક પરિબળનો નિર્દેશ કરે છે. નદી આ પ્રકારનું પ્રાકૃતિક પરિબળ છે. સામાન્ય રીતે નદીની ખીણોમાં જોવા મળતાં કાંપનિક્ષેપનાં અન્ય લક્ષણો, જેવાં કે પ્રવાહસ્તર અને પ્રવાહની અસામાન્ય ગતિને કારણે અગાઉ એકઠા થયેલા નિક્ષેપની વહનક્રિયા થયેલી છે. સમકાલીન ઘસારાને કારણે અસ્તિત્વમાં આવેલી સ્થાનિક અસંગતિઓનું અસ્તિત્વ મોટી સ્તરરચનાવાળા રેતીખડકોમાં મળી આવતા પત્રબંધવત્ માટીના આંતરસ્તર વગેરે પણ નદીજન્ય ઉત્પત્તિ હોવા માટેનો એક વધુ પુરાવો બની રહે છે.
કેટલાંક સ્થાનોમાં નિક્ષેપક્રિયા નદીથાળાંમાં નહિ; પરંતુ સરોવરથાળાંમાં બનેલી હોવાનું પણ શક્ય છે; જેમ કે, ગોંડવાના રચનાના તળમાં રહેલા તાલ્ચીર કક્ષાના સૂક્ષ્મદાણાદાર શેલખડકસ્તરો. સરોવરજન્ય નિક્ષેપનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મોટા કદવાળો નિક્ષેપ સરોવર કે થાળાના કિનારાના ભાગમાં જ મળી આવે છે અને ત્યાંથી કેન્દ્ર તરફ જતાં ક્રમશ: ઘટતી જતી કણકદ ગોઠવણી જોવા મળે છે. ત્યાં સૂક્ષ્મદાણાદાર કાંપ અવક્ષેપિત થયેલો જોવા મળે છે. બ્રેક્સિયા, કોંગ્લૉમરેટ અને ગ્રિટ ખડકો જૂનાં સરોવરોની હદ દર્શાવે છે, જ્યારે સૂક્ષ્મ પત્રબંધવાળા રેતીખડક અને માટી થાળાના મધ્યભાગમાં મળી આવે છે. તાલ્ચીર શ્રેણીના ગોંડવાના ખડકોમાં આ લક્ષણો જોવા મળે છે.
ગોંડવાના કાળના આબોહવાગત ફેરફારો : ગોંડવાના રચના, તેના ખડકોમાંથી મળી આવતા આબોહવામાં થયેલા ફેરફારોના પુરાવાને કારણે મહત્વની બની રહે છે. તેના તળભાગમાં મળી આવતો ગુરુગોળાશ્મ સ્તર આ કાળના પ્રારંભમાં પ્રવર્તેલી હિમયુગની ઠંડી આબોહવાનો ઉલ્લેખ કરે છે. હઝારા, કાશ્મીર, સિમલા, સૉલ્ટરેન્જ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસા જેવા એકબીજાથી દૂર અને અલગ રહેલા વિસ્તારોમાં નિમ્ન કક્ષાએ રહેલા ગુરુગોળાશ્મ સ્તર આ પુરાવાને સમર્થન આપે છે. માત્ર ભારતમાં જ નહિ; પરંતુ ગોંડવાના ખંડના અન્ય ભાગોમાં ઊર્ધ્વ કાર્બોનિફેરસ કાળમાં હિમયુગ પ્રવર્તેલો તે પુરવાર થયેલી બાબત છે; દા. ત., ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા. ત્યારપછીના ખડકોમાં મળી આવતા કોલસાના જાડા સ્તર વનસ્પતિની વિપુલતાનો નિર્દેશ કરે છે, જે વધુ હૂંફાળી આબોહવા પ્રવર્તેલી હોવાનું સૂચન કરે છે. પછીની પંચેટ શ્રેણીમાં ફરીથી પાછું ઠંડી આબોહવાનું બીજું ચક્ર જોવા મળે છે, જેનો પુરાવો તેના જળકૃત ખડકોમાં રહેલા રાસાયણિક ફેરફાર રહિત ફેલ્સ્પાર કણોમાંથી મળી રહે છે. આ હકીકત ધોવાણનાં પરિબળોમાં બરફનો સમાવેશ કરે છે કે જેમાં હિમક્રિયા દ્વારા સપાટી પરના સ્ફટિકમય ખડકોની વિભંજનની ક્રિયા બની અને સામાન્ય પ્રકારની આબોહવાની માફક ખડકોની વિઘટનની ક્રિયા થઈ શકી નહિ. પંચેટ શ્રેણી ઉપર રહેલા મધ્ય ગોંડવાના વિભાગના જાડાઈવાળા રાતા રેતીખડક ત્યારપછીના કાળની સૂકી આબોહવાનું સૂચન કરે છે. આ રેતીખડકોમાં વધુ પ્રમાણમાં રહેલું લોહયુક્ત દ્રવ્ય તેમજ વનસ્પતિનો લગભગ સંપૂર્ણપણે અભાવ આ નિર્ણયનું સમર્થન કરે છે.
ગોંડવાના યુગના જીવાવશેષ : આ ખડકરચનામાંથી મળી આવતા વિવિધ જીવાવશેષો ગોંડવાના ખંડનો નૈસર્ગિક ઇતિહાસ પૂરો પાડે છે. આ પૈકી વનસ્પતિના જીવાવશેષો અસંખ્ય છે અને એ આગળ પડતું સ્થાન ધરાવે છે. જીવાવશેષશાસ્ત્રની ર્દષ્ટિએ તે મહત્વના છે; પરંતુ સામાન્ય સ્તરવિદ્યાની ર્દષ્ટિએ તે ગોંડવાના રચનાના જુદા જુદા વિભાગોની સમકાલીનતા દુનિયાના અન્ય ભાગો સાથે નક્કી કરવા માટે ઉપયોગી નીવડતા નથી. જીવશાસ્ત્રના સંદર્ભમાં ખંડીય કે નદી જીવાવશેષોનું મહત્વ ઓછું અંકાય છે, કારણ કે તે તેમની ઉત્ક્રાંતિનો સમગ્ર ઇતિહાસ પૂરો પાડી શકતા નથી. વધુમાં દરિયાઈ મૃદુશરીરાદિ પ્રાણીઓ, શૂળત્વચી (એકિનોડર્મ) વગેરેની જેમ તેમની ઉપજાતિઓનું ભૌગોલિક વિતરણ વિસ્તૃત હોતું નથી. અલબત્ત, ગોંડવાના રચનામાં વિપુલ પ્રમાણમાં મળતા વનસ્પતિ-અવશેષો જુદા જુદા સમૂહની વિવૃતિઓના પેટાવિભાગો પાડવા માટે તેમજ વધુ ચોકસાઈથી તેમનો અંદરોઅંદર સહસંબંધ નક્કી કરવા માટે ઉપયોગી નીવડે છે ખરા. નિમ્ન ગોંડવાના વિભાગમાં અસંખ્ય ટેરીડોસ્પર્મ, હંસરાજ અને ઇક્વિસેટમ વનસ્પતિ-અવશેષો મળી આવે છે. મધ્ય ગોંડવાના વિભાગમાં વનસ્પતિ-અવશેષ પ્રમાણમાં ઓછા છે; પરંતુ તેમાં અપૃષ્ઠવંશી તેમજ પૃષ્ઠવંશી પ્રાણીઓના વિવિધ જીવાવશેષ, જેવા કે ક્રસ્ટેસિયા પ્રાણીવર્ગ, જંતુઓ, માછલી, ઉભયજીવી અને મગર તેમજ વિશાળકાય સરીસૃપો (dinosaurian reptile) જોવા મળે છે. ઊર્ધ્વ ગોંડવાના વિભાગમાં વનસ્પતિ-અવશેષનું પ્રાધાન્ય ફરીથી જોવા મળે છે; પરંતુ તેમાં મુખ્યત્વે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ(સ્પર્મેટો-ફાઇટા), સાયકડ અને કોનિફર્સ સહિત માછલી તેમજ અન્ય પૃષ્ઠવંશી જીવાવશેષો મળી આવે છે.
વર્ગીકરણ : ગોંડવાના ખડકરચનાના નિમ્ન, મધ્ય અને ઊર્ધ્વ – એ મુજબના ત્રણ મુખ્ય વિભાગો છે. સ્તરવિદ્યાની ર્દષ્ટિએ જોતાં આ ત્રણ વિભાગો અનુક્રમે યુરોપની પર્મિયન, ટ્રાયાસિક અને જુરાસિક રચનાઓ સાથે સામ્ય ધરાવે છે અને ખડકવિદ્યાની તેમજ પ્રાચીન પ્રાણીવિદ્યાની ર્દષ્ટિએ જુદા પડે છે. નિમ્ન ગોંડવાના ખડકોમાં કોલસાના સ્તરો રહેલા છે; જેમાં ટેરીડોસ્પર્મ, હંસરાજ અને ઇક્વિસેટમ જેવા નિમ્ન કક્ષાના વનસ્પતિ-અવશેષો છે. મધ્ય ગોંડવાના ખડકો કોલસાના સ્તરરહિત છે; જેમાં વનસ્પતિ અવશેષોનું ઘણું જ ઓછું પ્રમાણ છે; પરંતુ માછલી, ઉભયજીવી અને સરીસૃપ પૃષ્ઠવંશી પ્રાણી-અવશેષો મળે છે. મધ્ય વિભાગ રાતા કે પીળા રેતીખડકોથી બનેલો છે, જે તે વખતે પ્રવર્તેલી શુષ્ક આબોહવાનો નિર્દેશ કરે છે. મધ્ય વિભાગ કરતાં ઊર્ધ્વ વિભાગ ખડકવિદ્યાની ર્દષ્ટિએ ચૂનાખડકના તેમજ કોલસાના સ્તરોના અસ્તિત્વને કારણે જુદો પડે છે અને તેમાં સાયકડ અને કોનિફર્સ જેવા ઉચ્ચ કક્ષાના વનસ્પતિ-અવશેષ મળી આવે છે. આ રચનાનું સારણીરૂપ વર્ગીકરણ નીચે મુજબ છે :
ખડકવિદ્યા : સમગ્ર ર્દષ્ટિએ જોતાં ગોંડવાના રચના ગુરુ-ગોળાશ્મ સ્તર, કૉંગ્લૉમરેટ, રેતીખડક, શેલ, ચૂનાખડક અને કોલસાના સ્તરોનો સમાવેશ કરતા જળકૃત ખડકોથી બનેલી છે. ગોંડવાના કાળ દરમિયાન થયેલી આગ્નેય પ્રક્રિયાની પેદાશો સ્વરૂપે આ રચનાના નિમ્ન વિભાગમાં ડૉલેરાઇટ કે અલ્ટ્રાબેઝિક ખડક(માઇકા પેરિડોટાઇટ)નાં ડાઇક અને સિલ જેવાં અંતર્ભેદકો પણ મળે છે. ઉપરાંત ઊર્ધ્વ ગોંડવાના વિભાગની રાજમહાલ શ્રેણી બેસાલ્ટ કે ડૉલેરાઇટ ખડકોથી બનેલી છે. આ ખડકો સિલ અને ડાઇક જેવાં અંતર્ભેદકો દ્વારા ભૂગર્ભ સાથે જોડાયેલા છે.
ગોંડવાના ખડકોનું વિતરણ : દ્વીપકલ્પીય ભારતના જૂના ખડકોમાં બનેલાં છૂટાંછવાયાં અસંખ્ય થાળાંમાં ગોંડવાના રચનાના વિવૃત ભાગો અમુક ચોક્કસ રીતે મળી આવે છે, જે દક્ષિણ ભારતની કેટલીક નદીઓની વહનદિશાને લગભગ અનુસરે છે. દ્વીપકલ્પીય ભારતના ત્રણ મોટા વિસ્તારો ગોંડવાના રચનાના મુખ્ય વિભાગો તરીકે દર્શાવી શકાય : (1) રાજમહાલ ટેકરીઓ સહિતનો બંગાળની દામોદર નદી ખીણનો લાંબો વિશાળ વિસ્તાર; (2) મધ્યપ્રદેશનો મોટો વિવૃત ભાગ જે અગ્નિકોણમાં મહા નદી ખીણને અનુસરતા પટ્ટા રૂપે લંબાયેલો છે; (3) નાગપુર નજીકથી શરૂ કરીને ગોદાવરી નદીના ત્રિકોણપ્રદેશની શરૂઆતના ભાગ સુધીનો લગભગ સળંગ થાળાંનો બનેલો લાંબો પટ્ટો.
આ મુખ્ય વિસ્તારો ઉપરાંત ઊર્ધ્વ ગોંડવાના ખડકોની નવવિવૃતિઓ (outliers) સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ રાજસ્થાનમાં અને ખૂબ મહત્વની વિવૃતિઓ પૂર્વ કિનારા પર મળી આવે છે.
ગોંડવાના રચનાના ખડકો માત્ર ભારતના દ્વીપકલ્પીય વિસ્તારમાં જ મળી આવે છે એવું નથી. તેમની નવવિવૃતિઓ દ્વીપકલ્પીય ભારતની ઉત્તરે સિંધુ-ગંગાના મેદાનની બીજી બાજુ પર પંજાબના સૉલ્ટ રેન્જ, શેખબુદ્દીન ટેકરીઓ, હઝારા, અફઘાનિસ્તાન, કાશ્મીર, સિક્કિમ, ભુતાન, આસામ અને એબોર પ્રદેશ જેવા દૂર દૂરના વિસ્તારોમાં પણ જોવા મળે છે.
આર્થિક મહત્વ : નિમ્ન ગોંડવાના વિભાગ ખનિજ-કોલસાની સંપત્તિથી સમૃદ્ધ છે. તેમાં દેશનાં કોલસાનાં ખૂબ જ ઉપયોગી અને ઉત્પાદનશીલ ક્ષેત્રો આવેલાં છે. વળી ગોંડવાના ખડકો ગેડીકરણની અસર રહિત હોવાથી ખનનકાર્ય સરળ બની રહે છે. તે ઉપરાંત કોલસા સાથે અતિસ્ફોટક વાયુ (marsh gas/fire damp) ખાસ ન હોવાથી ખાણકાર્ય જોખમવાળું પણ નથી; તેમ છતાં ક્યારેક તેમાં આગ કે અવતલનની ક્રિયાઓ મુશ્કેલીઓ જરૂર સર્જે છે.
જોકે ભારતમાં આસામ, પંજાબ, રાજસ્થાન, કચ્છ અને કાલાબાગના જુરાસિક ખડકોમાં પણ કોલસો મળી આવે છે; છતાં પણ નિમ્ન ગોંડવાના વિભાગની દામુદા શ્રેણી ભારત માટે કોલસાપ્રાપ્તિ માટેનું મુખ્ય સ્થાન બની રહેલ છે. તે ભારતના કોલસા-ઉત્પાદનનો 80 % ભાગ પૂરો પાડે છે. (વધુ માહિતી માટે જુઓ ‘કોલસો’.) કોલસાનાં મુખ્ય ક્ષેત્રો નીચે પ્રમાણે છે :
(1) પ. બંગાળ અને ઝારખંડના વિસ્તારો – રાણીગંજ, ઝરિયા, ગિરિદિહ, બૉકારો, કરણપુરા, રામપુર; (2) મધ્યપ્રદેશ – પેંચવેલી, બેલારપુર, કોરિયા; (3) ઓરિસા – તાલ્ચીર; (4) હૈદરાબાદ – સિંગારેણી, તાંદુર.
ગોંડવાના રચનામાં મળી આવતો કોલસો બિટ્યૂમિનસ પ્રકારનો અને મધ્યમથી ઉચ્ચ કક્ષાનો છે તેમજ વરાળ અને વાયુપ્રાપ્તિ માટેના ઇંધનને યોગ્ય છે. તેમાં 11 % થી 20 % ભસ્મપ્રમાણ છે, કૅલરિફિક મૂલ્ય 6,000થી 8,500 સુધીનું છે. ભારતની ગોંડવાના રચનામાં ઍન્થ્રેસાઇટ પ્રકારનો કોલસો જવલ્લે જ જોવા મળે છે.
ભારતની કોકિંગ કોલસાની લગભગ બધી જ સંપત્તિ ઝરિયા – ગિરિદિહ – બૉકારો ક્ષેત્રો પૂરતી મર્યાદિત છે. ગિરિદિહનો કોલસો ફૉસ્ફરસરહિત છે અને તેથી તે ફૅરો-મેંગેનીઝ ઉત્પાદન માટે મહત્વનો બની રહે છે.
બિહાર અને મધ્યપ્રદેશમાં કોલસાના ઉત્પાદન ઉપરાંત લોહધાતુખનિજો, ફાયરક્લે, કેઓલિન અને ટેરાકોટા માટી જેવી સંપત્તિ પણ સંકળાયેલી છે. નિમ્ન ગોંડવાના વિભાગની બારાકાર-કક્ષાનાં રેતીખડક અને ગ્રિટ ઘંટિયા પથ્થર તરીકે વપરાય છે.
ઊર્ધ્વ ગોંડવાના વિભાગના ખડકોમાં પણ કોલસાના સ્તરો રહેલા છે. આ વિભાગના સૂક્ષ્મ દાણાદાર રેતીખડકોનો ઉપયોગ કટક અને તિરુપતિની ઇમારતોના બાંધકામમાં થયેલો છે. માટી સિરેમિક ઉદ્યોગમાં; ચૂનાખડકો ચૂનો બનાવવામાં; હૅમેટાઇટ-લિમોનાઇટ, શેલ ધાતુગાળણ કાર્ય માટે તથા ગેરુ તરીકેના ઉપયોગ માટે મેળવવામાં આવે છે. ગુરુદાણાદાર ગ્રિટ અને રેતીખડકો ઘંટિયા પથ્થર તરીકે ઉપયોગમાં લેવાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે