ગોસ્વામી, ત્રૈલોક્યનાથ

February, 2011

ગોસ્વામી, ત્રૈલોક્યનાથ (જ. 3 માર્ચ 1906, નલબારી જિ. કામરૂપ; અ. 1 ડિસેમ્બર 1988) : અસમિયા વાર્તાકાર તથા વિવેચક. તેમના પિતાનું નામ જામિનીકાન્ત ઉર્ફે સિદ્ધેશ્વર અને માતાનું નામ અમૃતપ્રિય દેવી હતું. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નલબારીમાં લીધું. 1926માં મૅટ્રિક થયા. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી ફિલૉસૉફીમાં 1930માં બી.એ. અને અંગ્રેજી સાથે 1932માં એમ.એ. તથા ગુવાહાટીની અર્લ લૉ કૉલેજમાંથી 1935માં બી.એલ.ની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી. શ્રીમતી નલિનીદેવી સાથે લગ્ન કર્યાં.

તેઓ પહેલાં નલબારી હાઈસ્કૂલના શિક્ષક તરીકે જોડાયા અને પછી 1945માં નલબારી કૉલેજના સ્થાપક-પ્રિન્સિપાલ રહ્યા બાદ 1968માં સેવાનિવૃત્ત થયા. તેમણે ‘અરુણા’ (1948), ‘મરીચિકા’ (1948), ‘શિલ્પિર જન્મ’ (1957) અને ‘જીવનાર જીયા જુઈ’ (1970) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘જીયા માનુહ’ નામની તેમની નવલકથા 1954માં પ્રગટ થઈ હતી.

વિવેચક તરીકે તેઓ જાણીતા છે. ‘સાહિત્ય આલોચના’ (1950); ‘આધુનિક ગલ્પસાહિત્ય’ (1961); ‘સમુદ્ર-મંથન’ (1968); અંગ્રેજી ‘સમાલોચના ધારા અરુ અસમિયા સાહિત્યાતિન્યાર પ્રભાવ’ (1970); ‘સાહિત્યકલા અરુ તર વિચાર’ (1972); ‘સાહિત્ય સમીક્ષા’ અને ‘નંદનતત્વ : પ્રાચ્ય અરુ પાશ્ચાત્ય’ (1980) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. તે પૈકી છેલ્લા માટે તેમને 1984ના વર્ષનો આસામ પબ્લિકેશન બૉર્ડ ઍવૉર્ડ અને તેમના ‘આધુનિક ગલ્પસાહિત્ય’ બદલ તેમને 1967ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

1966માં તેમણે ‘મંદાકિની’ નામના સામયિકનું સંપાદન કર્યું હતું. 1960માં પલાસબારી ખાતે યોજાયેલ અસમ સાહિત્ય સભાના તેઓ પ્રમુખ; 1965માં પ્રજાતંત્ર પ્રચારસમિતિ, ઓરિસાના મુખ્ય અતિથિ રહ્યા. તેઓ અસમિયા ઉપરાંત બંગાળી, હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાની જાણકારી ધરાવતા હતા.

ઇન્દિરા ગોસ્વામી