ગોવા-મુક્તિસંગ્રામ : ગોવામાંના પોર્ટુગીઝ શાસનને હઠાવી તેને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવા ખેલાયેલો મુક્તિસંગ્રામ. ગોવામાંથી પોર્ટુગીઝ સત્તાને હઠાવવા માટે ચાલેલું યુદ્ધ છેક સત્તરમી સદીથી આરંભાયું હતું. સૌપ્રથમ ઈ. સ. 1654માં કાસ્ત્રુ નામના ખ્રિસ્તી ધર્મગુરુએ હિંદુઓની મદદથી ગોવામાંથી પોર્ટુગીઝોને હાંકી કાઢવાની યોજના કરી હતી; પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી હતી. પછીથી 1787માં કૌતુ અને ગોન્સાલ્વીસ નામના બે ધર્મગુરુઓએ સિપાહીઓ, અમલદારો, અમુક ધર્મગુરુઓ અને પ્રજાની મદદથી ગોવામાં સશસ્ત્ર ક્રાંતિની યોજના ઘડી હતી; પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી હતી. ઈ. સ. 1755થી 1824 દરમિયાન રાણે લોકોએ કુલ સોળ વાર વિદ્રોહ કર્યા હતા; પરંતુ તેમને એકે વાર સફળતા મળી નહોતી. છતાં તેનું એક સુપરિણામ એ આવ્યું કે પોર્ટુગલની પાર્લમેન્ટમાં ગોવાના ત્રણ પ્રતિનિધિઓને સ્થાન મળ્યું. 1895માં પોર્ટુગલે પોતાનાં આફ્રિકાનાં સંસ્થાનોનાં રક્ષણ માટે ગોવાના હિંદુ સૈનિકોને મોકલતાં ફરી વિદ્રોહની આગ ભડકી ઊઠી હતી.
ગોવાની સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરનાર પ્રથમ ગોવાનીઝ હતો લુસી ફ્રાંસિસ્કો ગોમ્સ (1862માં). 1880માં મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગેનો વિરોધ કરનાર સરઘસ ઉપર ગોળીબાર કરાતાં 23 માણસો મૃત્યુ પામ્યા હતા. 1910માં પોર્ટુગલ ગણરાજ્ય બન્યું. 1918માં ગોવામાં પ્રજાના પ્રતિનિધિઓના સલાહકાર મંડળની રચના કરવામાં આવી હતી. 1926માં પોર્ટુગલમાં ક્રાંતિ થઈ અને ત્યાં સાલાઝારની સરમુખત્યારશાહી સ્થપાઈ.
ગોવામાં પોર્ટુગીઝ શાસનના અન્યાય અને અત્યાચારનો સામનો કરવા 1928માં વ્યંકટેશરાવ સરદેસાઈ અને ડૉ. ટ્રિસ્ટાઓ બ્રગાન્ઝા કુન્હાએ ‘ગોવા કૉંગ્રેસ’ની સ્થાપના કરી. 1936માં પીટર અલ્વારીસ. લોબો, માયેકર વગેરેએ મુંબઈમાં તેની શાખા ખોલી અને ‘ગોવા કૉંગ્રેસ’ને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે જોડી દેવામાં આવી. 1942માં ‘ભારત છોડો’ આંદોલન વખતે માયેકર, અલ્વારીસ વગેરેએ ‘ગોવા છોડો’ આંદોલન શરૂ કર્યું હતું અને તેને પંડિત જવાહરલાલ નહેરુનું સમર્થન હતું. ભારતના સ્વાતંત્ર્ય-આંદોલનની ઝડપી ગતિ સાથે ગોવા-મુક્તિઆંદોલન પણ જોર પકડતું ગયું. ભારતના સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયા ગોવાને ભારતના મોઢા ઉપરનો ખીલ કહેતા હતા. તેમણે 18–6–1946માં ગોવામાં સવિનય કાનૂનભંગ ચળવળ શરૂ કરી. મડગાંવના મ્યુનિસિપલ મેદાનમાં પ્રજા સમક્ષ ‘જયહિંદ’નો નારો લગાવ્યો અને ત્રિરંગો ઝંડો ફરકાવ્યો. ગોવાની પોલીસે તેમની તથા તેમના મિત્ર ડૉ. મેનેઝિસની ધરપકડ કરી. 30 જૂન, 1946ના રોજ મુંબઈના ચોપાટીના મેદાનમાં સમાજવાદી પાર્ટીએ મોટી સભા કરી ગોવાને આઝાદ કરવાની માગણી કરી હતી. ગાંધીજીએ પણ પોતાના ‘હરિજન’માં લેખ લખીને ડૉ. લોહિયાની માગણીને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગથી ગોવાના યુવાનોને પ્રેરણા મળી અને તેમણે ‘ગોમાંતક કૉંગ્રેસ’ની સ્થાપના કરી. ગોવાની સરકારે ક્રુઝ, તાલાવલીકર અને ભંડારે જેવા નેતોઓને જેલમાં પૂરી દીધા.
પછીથી ગોમાંતક કૉંગ્રેસ અને નૅશનલ કૉંગ્રેસને ભેળવી દઈને ‘નૅશનલ કૉંગ્રેસ’ સંસ્થા સ્થાપવામાં આવી. તેના અધ્યક્ષ શ્રી ભેંબ્રે હતા. ભારતમાં વચગાળાની સરકાર હતી ત્યારે ગોવા સરકારે ભેંબ્રે, કાકોડકર વગેરે નેતાઓને ગોવામાંથી દેશનિકાલ કર્યા હતા.
1947માં મુંબઈમાં ગોવા રાજકીય પરિષદની એક સભાનું ઉદઘાટન કમલાદેવી ચટ્ટોપાધ્યાયે કર્યું હતું. ગોવાની પૂર્ણ સ્વતંત્રતા તથા તેને ભારતમાં ભેળવી દેવા માટેની માગણી ચાલુ રહી. સશસ્ત્ર ક્રાંતિ કરવાના હેતુ સાથે ‘આઝાદ ગોમાંતક દળ’ પણ સ્થપાયું, જેણે ગેરીલા યુદ્ધ કરવાનું શરૂ કર્યું હતું; પરંતુ તેના ઘણા કાર્યકરો પકડાયેલા. તેમને પોર્ટુગલની જેલમાં મોકલી દેવાયા. તેમાં તેમના મુખ્ય ક્રાંતિકારી મોહન રાનડે ઉપરાંત પ્રભાકર સિનારી, મુકુંદ ધાકણકર, નારાયણ નાઇક અને જયવંત કુંદે પણ હતા. ‘આમચે ગોવા’, ‘દીપગૃહ’, ‘જ્વાલા’, ‘ફ્રી ગોવા’ જેવાં સામયિકોએ પણ લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
ગોવા-મુક્તિઆંદોલનની સફળતાનું પ્રથમ સોપાન 1954માં દમણ પાસેનાં દાદરા-નગરહવેલી સ્વતંત્ર કરાવાયાં તે હતું. તે દરમિયાન ગોવાના સાલાઝાર તંત્રના અત્યાચારની ટીકા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ કરવામાં આવી. ગોવાની મુક્તિ માટેના આંદોલનનું એક મુખ્ય કેન્દ્ર મુંબઈ હતું, જ્યાં 1958માં ‘ગોવા એક્શન કમિટી’ પ્રોફેસર એલોયેસિયસ સોએરસના નેતૃત્વ હેઠળ સ્થપાઈ હતી. ગોવામાં પોર્ટુગીઝ શાસનના અત્યાચારોને કારણે ગોવાની મુક્તિ માટેની માગણી વધુ તીવ્ર બની. તેમાં પણ એક ભારતીય વેપારી જહાજ ઉપર ડિસેમ્બર, 1961માં પોર્ટુગીઝ આક્રમણ કરાતાં અને પણજીમાં પોર્ટુગીઝ ગવર્નર-જનરલની પાકિસ્તાની સેનાના વડા સાથેની મુલાકાતના સમાચાર દિલ્હી પહોંચતાં ભારત સરકારે ‘ઑપરેશન વિજય’ નામની વ્યૂહરચના કરી મેજર જનરલ કે. પી. કેન્ડેથના નેતૃત્વ હેઠળ 18 ડિસેમ્બર, 1961ની રાત્રે ગોવા ઉપર આક્રમણ કરી બીજે જ દિવસે કુલ 36 કલાકમાં ગોવા જીતી લઈ તેને ભારતીય સંઘમાં જોડી દેશનું એક અંગ બનાવી દીધું. આ લડાઈમાં 46 પોર્ટુગીઝ સૈનિકો મર્યા અને 55 ઘાયલ થયા, જ્યારે ભારતના 22 સૈનિકો મૃત્યુ પામ્યા અને 53 ઘાયલ થયા. આમ ગોવામાંના 450 વર્ષના પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો.
ગોવાના અંતિમ ગવર્નર-જનરલ વેસેલો ડિ સિલ્વાએ ભારતીય સેનાના બ્રિગેડિયર ઢિલ્લોં સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. 20–12–1961ના રોજ મેજર જનરલ કે.પી. કેન્ડેથે દીવ-દમણ-ગોવાના લશ્કરી ગવર્નરનો હોદ્દો સંભાળ્યો. 8 જૂન, 1962ના રોજ ત્યાં મુલકી વહીવટ સ્થપાયો અને 9 ડિસેમ્બર, 1963ના ત્યાં પુખ્ત વય મતાધિકાર પ્રમાણે ચૂંટણી યોજાઈ અને 20–12–1963ના રોજ પ્રથમ પ્રધાનમંડળની દયાનંદ બાંદોડકરના નેતૃત્વ હેઠળ શરૂઆત થઈ. 1961થી 1987 સુધી દીવ-દમણ-ગોવા કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યાં. 12–8–1987થી ગોવાને ભારતની સંસદના કાયદાથી એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે ભારતનું 25મું રાજ્ય બન્યું. ગોવાની મુક્તિ સાથે ભારતમાંથી પાશ્ચાત્ય સંસ્થાનવાદના છેલ્લા અવશેષ નાબૂદ થયા.
શશિકાન્ત વિશ્વનાથ જાની