ગોલ્ડસ્ટ્યુકર થિયૉડૉર (જ. 18 જાન્યુઆરી 1821, કેનિગ્સબર્ગ, જર્મની; અ. 6 માર્ચ 1872, લંડન) : જર્મનીના સંસ્કૃત ભાષા-સાહિત્યના વિદ્વાન. કેનિગ્સબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી પૅરિસ જઈ તેમણે સંસ્કૃત હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. 1850માં ઇંગ્લૅન્ડ આવી 1851થી મૃત્યુ પર્યંત લંડનની યુનિવર્સિટી કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. પતંજલિના વ્યાકરણ મહાભાષ્યનો કોઈની મદદ વગર જાતે જ અભ્યાસ કરી મહાભાષ્યની આવૃત્તિ તૈયાર કરી. 1874માં તેમના મૃત્યુ બાદ તેનું પ્રકાશન થયું હતું. તેમના પ્રયત્નથી લંડનમાં સંસ્કૃત ટૅક્સ્ટ સોસાયટીની સ્થાપના થઈ હતી. હિંદુ કાયદાના તેમના તલસ્પર્શી જ્ઞાનને કારણે બ્રિટિશ સરકાર પણ જરૂર પડ્યે તેમની સલાહ લેતી.
અરુણોદય જાની