કાસલ્સ, પાબ્લો (જ. 29 ડિસેમ્બર 1876, વેન્ડ્રૅલ, સ્પેન; અ. 22 ઑક્ટોબર 1973, સાન જોન, પુઅર્તો રિકો) : વિશ્વવિખ્યાત ચૅલોવાદક, સ્વરનિયોજક તથા ઑર્કેસ્ટ્રા-સંચાલક.
પિયાનોવાદન, ચૅલોવાદન અને સ્વરનિયોજનની તાલીમ લીધા બાદ બાર્સેલોનામાં 1891માં ચૅલોવાદનનો પ્રથમ જાહેર જલસો કર્યો. એ પછી તેઓ મૅડ્રિડ, બ્રુસેલ્સ તથા પૅરિસમાં સંગીતનો વધુ અભ્યાસ કરવા ગયા. પાછા ફરીને બાર્સેલોનામાં ગ્રાન્ડ થિયેટરમાં 1898થી મુખ્ય ચૅલોવાદક તરીકે જોડાયા. 1898થી 1917 સુધી તેમણે પશ્ર્ચિમ યુરોપ, અમેરિકા તથા દક્ષિણ અમેરિકાનાં અનેક નગરોની મુલાકાત લઈ સંગીતના અનેક જલસા કર્યા. 1905માં પિયાનોવાદક આલ્ફ્રેડ કોર્ટોટ અને વાયોલિનવાદક જાક થિબોડ (Thiban) સાથે એક ત્રિપુટી(Trio)ની રચના કરી. હવે કાસલ્સને એક ચૅલોવાદક તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. 1919માં તેમણે બાર્સેલોનામાં પાબ્લો કાસલ્સ ઑર્કેસ્ટ્રાની તથા પૅરિસમાં ઍકોલૅ નોર્માલે દે મુસિક નામે સંગીતશાળાની સ્થાપના કરી.
ફાસીવાદની તીવ્ર ટીકા કરવાને પ્રતાપે કાસલ્સે સ્પૅનિશ તાબાના સ્પેન છોડીને 1936માં ભાગવું પડ્યું. સ્પૅનિશ ગૃહયુદ્ધ દરમિયાન એટલે કે 1939 સુધી પણ તેઓ સ્પેન પરત આવ્યા નહિ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રેડ ક્રૉસ માટે ફાળો એકઠો કરવા માટે કાસલ્સે સંગીતના ઘણા જલસા કર્યા. 1956માં તે પુઅર્તો રિકો રહેવા ગયા.
અમિતાભ મડિયા