કાસરવલ્લી, ગિરીશ

January, 2006

કાસરવલ્લી, ગિરીશ (જ. 1949, કાસરવલ્લી, કર્ણાટક) : કન્નડ સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે નામના અપાવનાર કન્નડ ફિલ્મસર્જક. ધાર્મિક, સંસ્કારી ખેડૂત પિતાનું એ ત્રીજું સંતાન હતા. ફાર્મસીમાં ઊંડા રસના કારણે 1971માં ફાર્મસીની ડિગ્રી સાથે સ્નાતક થયા. હૈદરાબાદમાં આવેલી ઇન્ડિયન ડ્રગ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં તાલીમ માટે પ્રવેશ લીધો. પરંતુ થિયેટર અને ફિલ્મો પ્રત્યે હૃદય આકર્ષિત રહ્યું. યુ. આર. અનંથમૂર્તિ, લંકેશ, ચિત્તલ, પૂર્ણચંદ્ર તેજસ્વી, શિવરામ કારંથ અને બી. વી. કારંથ જેવી તેજસ્વી પ્રતિભાઓના સંપર્કને કારણે કન્નડ થિયેટર અને સિનેમાના ક્ષેત્રે તે આકર્ષાયા. 1972માં પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ માટે પ્રવેશ લીધો. તે સમયે ગિરીશ કર્નાડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરના હોદ્દા ઉપર હતા. 1975માં ડિપ્લોમા ફિલ્મ તરીકે તેમણે પ્રથમ લઘુચિત્ર ‘અવશેષ’ બનાવ્યું ત્યારે ગિરીશની ઉંમર માત્ર 24 વર્ષની હતી. આ ફિલ્મને રાષ્ટ્રપતિનો રજત ચંદ્રક ઉપરાંત ‘બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ’ તરીકે પણ નામના મળી. ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની પદવી પ્રાપ્ત થયા પછી ગિરીશે બી. વી. કારંથની ફિલ્મ ‘ચોમાના ડુડી’, ટી. એસ. નાગભારાનાની ફિલ્મ ‘ગ્રહણ’ અને સી. આર. સિંહાની ફિલ્મ ‘કાકાના કોટે’માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. 1977માં ગિરીશે પોતાની પ્રથમ સ્વતંત્ર ફિલ્મ ‘ઘટશ્રાદ્ધ’ બનાવી. બાળવિધવાની કરુણ મનોવ્યથા અને સમાજની કઠોર પ્રતિક્રિયાને પ્રતિબિંબિત કરતી આ ફિલ્મને 19 પારિતોષિકો મળ્યાં હતાં. આ ફિલ્મે ગિરીશને આંતરરાષ્ટ્રીય નામના અપાવી. 1979માં તેમણે ‘આક્રમણ’ નામની ફિલ્મ બનાવી, જેમાં તેમનાં પત્ની વૈશાલીને ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નું પારિતોષિક મળ્યું. ત્રીજી ફિલ્મ ‘મુરુ દારિગાલુ’ 1981માં બની. પ્રથમ બે ફિલ્મો ટિકિટબારી ઉપર સફળ જતાં તેમાં રોકાયેલાં નાણાં મળી ગયાં હતાં, પરંતુ આ ત્રીજી ફિલ્મ એકદમ નિષ્ફળ પુરવાર થઈ. ગિરીશની ફિલ્મનિર્માણની કારકિર્દી અહીં અટકી ગઈ. આજીવિકા માટે તેમને બૅંગલોરની આદર્શ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષકની નોકરી સ્વીકારવી પડી. પાંચ વર્ષના લાંબા સમય બાદ નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની સંપૂર્ણ આર્થિક સહાય મળતાં 1986માં ‘તાબરાના કથે’ બનાવી, જેને 1987માં શ્રેષ્ઠ ફિલ્મનો નૅશનલ એવૉર્ડ મળ્યો. માત્ર આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ ફિલ્મે વિદેશોમાં પણ ખૂબ નામના પ્રાપ્ત કરી. 1988માં બનેલી ‘બન્નાડા વેશા’ અને 1989માં બનેલી ‘માને’ ફિલ્મોને શ્રેષ્ઠ કન્નડ કથાચિત્રો માટે રાષ્ટ્રપતિના રજત ચંદ્રક પ્રાપ્ત થયા હતા.

પીયૂષ વ્યાસ