ગોલક વીજ (ball or globe lightning) : હવામાં કેટલાક સેન્ટિમીટર વ્યાસવાળા પ્રદીપ્ત (luminous) ગોળા-સ્વરૂપે ઉદભવતી એક ઘટના. સામાન્યત: તે ગાજવીજ સાથેના વાવાઝોડા (thunder-storm) દરમિયાન જમીનની નજીક ઉદભવે છે અને ગોળો લાલ, નારંગી કે પીળા રંગનો જણાય છે. ગોલક વીજ ઉદભવે ત્યારે ઘણી વાર તેની સાથે એક સિસકારો (hissing sound) તથા એક વિશિષ્ટ પ્રકારની ગંધ પણ જોવા મળે છે. આ ઘટના થોડીક ક્ષણો પૂરતી જ હોય છે અને પછી એકાએક શાંતિપૂર્વક કે મોટા ધડાકા સાથે વિલીન થઈ જતી હોય છે. ગોલક વીજ અને સામાન્ય વીજ વચ્ચે કોઈ નિશ્ચિત સંબંધ રહેલો નથી. ગોલક વીજ માટેનાં કારણો અજ્ઞાત છે પરંતુ તેની સમજૂતી નીચે પ્રમાણે આપવામાં આવેલી છે :
હવા કે વાયુની અસાધારણ વર્તણૂક (abnormal behaviour); ઉચ્ચ ઘનતા ધરાવતો પ્લૅઝમા; પ્રદીપ્ત વાયુનો હવાનો એક ભ્રમિલ (vortex); અને પ્લૅઝમા કવચ(shell)માં રહેલું સૂક્ષ્મ તરંગ વિકિરણ (microwave radiation).
[પ્લૅઝમા = પદાર્થનાં ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણ સ્વરૂપ ઉપરાંત આ ચોથું સ્વરૂપ, જે ખૂબ ઊંચા તાપમાને વિદ્યુતભારિત કણ (ions) ધરાવતું વાયુસ્વરૂપ છે.]
એરચ મા. બલસારા