ગોલકનાથ કેસ : ભારતના બંધારણીય કાયદાના ઇતિહાસમાં કેટલાક અત્યંત મહત્વના યુગપ્રવર્તક કેસોમાંનો એક. આ કેસમાં બંધારણીય કાયદાના અર્થઘટનને લગતા કેટલાક પાયાના પ્રશ્નોનો વિચાર કરી તેમનું ન્યાયનિર્ધારણ કરવામાં આવ્યું હતું. 11 ન્યાયમૂર્તિઓની બનેલી ફુલ બેંચ સમક્ષ સુનાવણી થયેલા આ કેસમાં બંધારણના સત્તરમા સુધારાની બંધારણીયતાનો વિચાર કરવામાં આવ્યો હતો.

આ કેસમાં બંધારણના ‘સુધારા’ amendment – શબ્દના વ્યાપ વિશે સારી ચર્ચા થઈ હતી. બંધારણનો ‘સુધારો’ કરવાને લગતી સત્તાનો ઉપયોગ કરીને બંધારણનો નાશ, સદંતર ફેરબદલ, તેનું સાવ નવસંસ્કરણ કે મૂળભૂત ફેરફારો કરી શકાય નહિ, તેવું કોર્ટનું મંતવ્ય જોવા મળે છે.

આ કેસમાં નિર્ધારિત થયેલા કાયદાકીય મુદ્દા આ પ્રમાણે છે : (1) બંધારણમાં સુધારા કરવા માટેના અનુચ્છેદ 368માં આ અંગેની માત્ર ‘કાર્યવહી’નો ઉલ્લેખ છે. તેમાં બંધારણમાં સુધારા કરવા અંગેની વ્યક્ત કે ગર્ભિત ‘સત્તા’ને સમાવી લેવામાં આવી નથી. (2) બંધારણ કે વિધાનતંત્રના ધારામાં માત્ર કાયદા વડે જ સુધારા કરી શકાય. (3) સંસદની અવશેષરૂપ (residuary) સત્તામાં બંધારણમાં સુધારા કરવાની સત્તાનો સમાવેશ થાય છે. (4) બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા વૈધાનિક (legislative) પ્રક્રિયા છે. કાયદા-ઘડતરની વૈધાનિક પ્રક્રિયા અનુસાર માત્ર સંસદ જ બંધારણમાં સુધારો કરી શકે; તેથી બંધારણમાં સુધારો કરતો ધારો પણ ‘કાયદો’ – law –છે. (5) આવો કાયદો બંધારણના અનુચ્છેદ 13(2)ને અધીન હોય છે. તેથી જો કોઈ કાયદો નાગરિકના મૂળભૂત અધિકારોને છીનવી લે કે તેમને ટૂંકાવી નાખે તો તે કાયદો રદબાતલ છે. (6) સર્વોચ્ચ અદાલતે બંધારણના પહેલા, ચોથા અને સત્તરમા સુધારા આમ કરતા હોવાથી તે ત્રણેય સુધારાને આ ચુકાદાની તારીખથી ભવિષ્યમાં અમલી બને તે રીતે રદબાતલ (prospective overruling) ઠેરવ્યા હતા. (7) કોર્ટે તે સુધારાને જે તારીખે અમલમાં આવ્યા તે તારીખથી રદબાતલ ઠરાવવાનું ઉચિત માન્યું ન હતું.

ગોલકનાથ ચુકાદાએ દેશમાં ભારે વિવાદ સર્જ્યો હતો. આ કેસની મૂળભૂત અધિકારોના રક્ષણહાર તરીકે પ્રશંસા થઈ હતી તો તે વિકસતા સમાજની આર્થિક અને સામાજિક ઉન્નતિમાં નડતરરૂપ છે એમ પણ તેની ટીકા થઈ હતી.

ત્યારપછી આ સુધારાની અસર નષ્ટ કરતો બંધારણનો ચોવીસમો સુધારો પસાર કરવામાં આવ્યો હતો. તેમાં બંધારણના અનુચ્છેદ 368 અને 13(2)માં ઉમેરા કરવામાં આવ્યા હતા. હવે અનુચ્છેદ 368ને અનુચ્છેદ 13(2) લાગુ પડશે નહિ, તેવો સુધારો કરાયો હતો. તથા અનુચ્છેદ 368માં બંધારણમાં સુધારો કરવાની ‘કાર્યવહી’ને બદલે તેમાં તેમ કરવાની ‘સત્તા’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ થવાથી સંસદને મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા બક્ષવામાં આવી હતી. વળી, રાષ્ટ્રપ્રમુખ માટે આવા સુધારાને સંમતિ આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન રહે તેવી પણ જોગવાઈ અનુચ્છેદ 368માં કરવામાં આવી હતી. આ બંધારણમાં સુધારો કરતા ધારા અને સામાન્ય ધારા વચ્ચે ભેદ પાડવામાં આવ્યો હતો.

આ બંધારણનો ચોવીસમો સુધારો કેશવાનંદ ભારતી કેસમાં પડકારવામાં આવ્યો હતો. તેમાં સંસદ બંધારણનાં પાયાનાં લક્ષણોમાં ફેરફાર થતો હોય તે સિવાયનો કોઈ પણ ફેરફાર કરતો સુધારો કરવાની સત્તા ધરાવે છે તેમ ઠરાવવામાં આવ્યું હતું. આમ કેશવાનંદ ભારતી કેસમાં ગોલકનાથ કેસનો સિદ્ધાંત તેટલે અંશે રદ કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એ થયો કે સંસદને બંધારણમાં અમર્યાદ અને નિરંકુશ ફેરફારો કરવાની સત્તા મળતી નથી.

બિપીન શુક્લ