કાલવૈશાખી (લૂ) : ગરમ અને સૂકા પવનો. ભારતમાં 15 માર્ચથી 15 જૂન સુધી ઉનાળાની ગરમ ઋતુ પ્રવર્તે છે. કર્કવૃત્ત ભારતના મધ્યભાગમાંથી પસાર થાય છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારત પર સૂર્યનાં સીધાં કિરણો પડતાં હોવાથી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. આ કારણે ભારતમાં હલકા દબાણનાં કેન્દ્રો ઉદભવે છે. વિશેષે કરીને ઉત્તર અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશોમાં ખૂબ જ ગરમ, સૂકા પવનો વાય છે. અહીં તે લૂ તરીકે ઓળખાય છે. એનાથી ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોનું તાપમાન ઉનાળામાં 45o સે. જેટલું ઊંચું રહે છે. રાજસ્થાનનો પશ્ચિમ ભાગ, સિંધ અને બલૂચિસ્તાન ઊંચા તાપમાનની અસર હેઠળ આવે છે. મે માસમાં વાતા અતિશય ગરમ અને સૂકા પવનોથી ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં દર વર્ષે અનેક લોકો તથા પશુપક્ષીઓ મોતનો ભોગ બને છે, વળી તેનાથી જમીનો તેમજ વનસ્પતિ પણ સુકાઈ જાય છે.
મે-જૂનમાં વર્ષાઋતુ શરૂ થાય એ પહેલાં પશ્ચિમ બંગાળ પર વાયવ્ય દિશાએથી ધૂળની ડમરીઓવાળા ગરમ-સૂકા પવનો ધસી આવે છે, તેને કાલવૈશાખી (નૉર્વેસ્ટર) કહે છે. તેથી ક્યારેક આસામ, પશ્ચિમ બંગાળ અને ઓરિસામાં થોડોઘણો વરસાદ પડે છે.
આ જ પ્રમાણે આવા સૂકા પવનો દુનિયાના જુદા જુદા ભાગોમાં પણ વાય છે. તેમને જે તે પ્રદેશ પ્રમાણે જુદાં જુદાં પ્રાદેશિક નામ અપાયેલાં છે. વસંતઋતુમાં સહરાના રણ પરથી આવતા, ધૂળની ડમરીઓ સહિતના પવનો ભૂમધ્ય સમુદ્ર ઓળંગી સિસિલી અને ઇટાલીના દક્ષિણ ભાગમાં વાય છે, તેને ત્યાં ‘સિરોક્કો’ કહે છે. પશ્ચિમ આફ્રિકાના ગિનીના અખાતના કિનારાના પ્રદેશો પર વાતા સહરાના રણના અતિશય ગરમ-સૂકા અને ધૂળિયા પવનો ‘હરમેટન’ તરીકે ઓળખાય છે. શિયાળામાં ફ્રાંસમાં ર્હોન નદીના ત્રિકોણ-પ્રદેશમાં એની વાયવ્ય બાજુએ આવેલા ઉચ્ચપ્રદેશ પરથી સૂકા-ઠંડા પવનો વાય છે, એ ‘મિસ્ટ્રલ’ તરીકે ઓળખાય છે. આવા જ પવનો યુગોસ્લાવિયામાં ઍડ્રિયાટ્રિક સમુદ્રના કિનારા પર પણ વાય છે, તેને ત્યાં ‘બોરા’ કહે છે.
ગિરીશભાઈ પંડ્યા