કાલવ્યુત્ક્રમ (anachronism) : ઐતિહાસિક ઘટનાઓમાં ક્રમ ઉલટાવવાથી થતો દોષ. કોઈ પણ વક્તવ્યમાં કે લખાણમાં એના વિષયભૂત ઐતિહાસિક સમયમાં અસ્તિત્વ ન ધરાવતાં (ખાસ કરીને ભૂતકાળનાં) વ્યક્તિ, વસ્તુ, વિચાર, રૂઢિ, રિવાજ કે ઘટનાનું નિરૂપણ થાય ત્યારે આ દોષ ઉદભવે છે. ઉ.ત. ‘જુલિયસ સીઝર’ નાટકમાં શેક્સપિયરે ઘડિયાળમાં પડતા ડંકાનો ઉલ્લેખ કરેલો છે તે સીઝરના સમય સાથે સુસંગત નથી.

ગુજરાતી સાહિત્યમાં દર્શકે ‘સૉક્રેટિસ’માં કરેલી ઐતિહાસિક ઘટનાઓની હેરફેર અને 1857ના બળવાના સમયને આલેખતી નવલકથા ‘ભારેલો અગ્નિ’માં ર. વ. દેસાઈએ નિરૂપેલી અહિંસાની ગાંધીયુગીન ભાવનાને કાલવ્યુત્ક્રમનાં ઉદાહરણો ગણાવી શકાય.

સામાન્ય રીતે સાહિત્યિક રચનામાં દોષરૂપ મનાતા આવા નિરૂપણને કેટલાક સાહિત્યકારોએ જાણીબૂજીને વ્યંગ કરવા માટે કે હાસ્ય નિષ્પન્ન કરવાની યુક્તિ તરીકે પ્રયોજેલ છે; ઉ.ત. અંગ્રેજી સાહિત્યમાં માર્ક ટ્વેનની કૃતિ ‘અ યૅન્કી ઍટ ધ કૉર્ટ ઑવ્ કિંગ આર્થર’. ગુજરાતી સાહિત્યમાં વિનોદ ભટ્ટના ‘અને હવે ઇતિહાસ’ના નિબંધોમાં પણ પ્રસંગોપાત્ત હાસ્ય નિષ્પન્ન કરવા કાલવ્યુત્ક્રમનો આશ્રય લેવાયો છે.

ધનંજય પંડ્યા