કાલ, આજ તે ભાલક (1972) : પંજાબી લેખક હરચરણસિંઘનું 1973માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિકપ્રાપ્ત નાટક. પ્રવર્તમાન રાજકીય ભ્રષ્ટાચાર વિશે ગંભીર કટાક્ષવાળું હળવું પ્રહસન. પથભ્રષ્ટ ધાર્મિક ઉપદેશક મહંત ચરણદાસની તમામ ઇચ્છાઓ સ્વપ્નમાં પરિપૂર્ણ થાય છે. તે પ્રધાન બને છે અને ભૌતિક આનંદની તેની એષણા સંતોષે છે. આ નાટકની પશ્ચાદભૂમિકામાં નાટ્યલેખકે લોકનાટ્ય અને સમૂહનૃત્યના અંશોનો સમન્વય કર્યો છે. તેની તીવ્ર અંતર્દ્રષ્ટિ અને વિચક્ષણ પાત્રાલેખનને કારણે આ કૃતિનું સમકાલીન પંજાબી સાહિત્યમાં ઉત્કૃષ્ટ સ્થાન છે.
ગુરુબક્ષસિંહ