કાર્શ, યુસુફ (જ. 23 ડિસેમ્બર 1908, માર્ટિન, તુર્કી; અ. 13 જુલાઈ 2002, બોસ્ટન, યુ. એસ.) : કૅનેડિયન ફોટોકલાનિષ્ણાત. દુનિયાની વિખ્યાત વ્યક્તિઓનું લાક્ષણિક વ્યક્તિત્વ દર્શાવતી છબીઓ પાડવા માટે જગમશહૂર બનેલા યુસુફ કાર્શને તુર્કીમાં એક આર્મેનિયન તરીકે ઘણા અન્યાયી જુલમો સહન કરવા પડેલા. 16 વર્ષની વયે તે તુર્કી છોડી કૅનેડાના શેરબ્રુકમાં વસેલા તેમના ફોટોગ્રાફર કાકાને ત્યાં ગયા. 1928થી 1931 સુધી તેમણે બોસ્ટનમાં એક અગ્રગણ્ય ચિત્રકાર અને ફોટોગ્રાફરને ત્યાં તાલીમી મદદનીશ તરીકે કામ કર્યું અને થોડો સમય કલાશાળામાં શિક્ષણ લીધું. 1932માં કૅનેડા પાછા ફરી ઓટાવામાં એક ફોટોગ્રાફરને ત્યાં નોકરીએ રહ્યા અને તે ફોટોગ્રાફર નિવૃત્ત થતાં તેનો સ્ટુડિયો પોતે ચલાવવા લીધો. તેમણે પોતાનું ધંધાદારી નામ ‘કાર્શ ઑવ્ ઓટાવા’ રાખ્યું. 1935માં કૅનેડાની સરકારે તેમને વ્યક્તિછબી(portrait)ના ફોટોગ્રાફર તરીકે નિયુક્ત કર્યા. 1941માં તેમણે સર વિન્સ્ટન ચર્ચિલની તેમનું નિશ્ચયાત્મક વ્યક્તિત્વ દર્શાવતી છબી પાડી અને આ છબી દ્વારા દુનિયાભરમાં નામના મેળવી. 1943માં બીજા યુદ્ધ દરમિયાન તે ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં અગ્રગણ્ય મહાનુભાવો, શાહી પરિવાર, મુત્સદ્દીઓ, કલાકારો, લેખકો વગેરેના ફોટા પાડ્યા. પંડિત જવાહરલાલ નેહરુ (1949), અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વે (1988) અને સેંકડો વિશ્વવિખ્યાત વ્યક્તિઓના ફોટા પાડી તેમણે 1960માં નૅશનલ ગૅલેરી ઑવ્ કૅનેડા, ઓટાવા; જ્યૉર્જ ઇસ્ટમૅન હાઉસ, રોચેસ્ટર, ન્યૂયૉર્કમાં તેમજ દક્ષિણ આફ્રિકાની નાતાલ યુનિવર્સિટીમાં છબીપ્રદર્શનો યોજ્યાં. 1967માં ઓન્ટારિયોના ‘વર્લ્ડ એક્ષપોઝિશન’માં તથા મોન્ટ્રિયલના ‘એક્ષ્પો-67’માં તેમણે પાડેલી મહામાનવોની છબીઓએ આકર્ષણ જમાવ્યું. તેમણે પાડેલી છબીઓનાં આલબમો ‘ફેસિસ ઑવ્ ડેસ્ટિની’ (1946), ‘પોર્ટ્રેટ્સ ઑવ્ ગ્રેટનેસ’ (1959), ‘કાર્શ પૉર્ટફોલિયો’ (1967), ‘ફેસિસ ઑવ્ અવર ટાઇમ’ (1971), ‘કાર્શ પૉર્ટ્રેટ્સ’ (1976) અને ‘કાર્શ કૅનેડિયન્સ’ (1978) ઉપરાંત તેમની આત્મકથા ‘ઇન સર્ચ ઑવ્ ગ્રેટનેસ’ (1962) પ્રગટ થયેલી છે. સાદી પશ્ચાદભૂ પર વિવિધ પ્રકાશયોજના દ્વારા વ્યક્તિના લાક્ષણિક વ્યક્તિત્વને છબીમાં ઉઠાવ આપવા માટે કાર્શ વિશ્વવિખ્યાત છે.
કૃષ્ણવદન જેટલી