કાર્વોન (carvone) : ફુદીનો (spearmint) તથા શાહજીરું(caraway)ના તેલમાંનો એક પદાર્થ. સુવા(dill)ના બીજમાંના તેલમાં પણ તે મળી આવે છે. સૂત્ર C10H14O. તે કીટોન પ્રકારનું સંયોજન છે. બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :
અણુભાર 150.22. તે દ્વિબંધ ધરાવતું એકચક્રીય સંયોજન છે. ફૉસ્ફોરિક ઍસિડ સાથે ગરમ કરવાથી તેમાંથી કાર્વાક્રૉલ (carvacrol) નામનું સંયોજન બને છે. કાર્વોનનું સંશ્લેષણ α-ટર્પિનિયોલમાંથી કરવામાં આવે છે. તે લાક્ષણિક સુગંધવાળા, ઝાંખા-પીળા અથવા રંગવિહીન પ્રવાહી રૂપે મળે છે. તેનું ઉ.બિં. 230-231o સે. છે. તેનાં d-, l- એમ બે પ્રકાશક્રિયાશીલ તથા dl (રેસેમિક) સ્વરૂપો જાણીતાં છે. તે પાણીમાં અદ્રાવ્ય પણ ઈથર, આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ વગેરેમાં દ્રાવ્ય છે. તે દહનશીલ છે.
તે માદક પીણાંઓને સુગંધ આપવા, અત્તર તરીકે, તથા સાબુમાં સુગંધકારક (perfume) તરીકે વપરાય છે. તબીબી વ્યવસાયમાં તે મેદવૃદ્ધિ સામે વાતહારક (carminative) તરીકે ઉપયોગી છે.
જ. પો. ત્રિવેદી