ગૉર્કી : પ. રશિયાના ગૉર્કોવ્સ્કાયા વહીવટી વિભાગનું પાટનગર, આશરે 56° 20´ ઉ. અ. તથા 44° 00´ પૂ. રે. પર આવેલું છે. ઈ. સ. 1221માં વ્લાદીમિરના પ્રિન્સ સેવૉલૉડૉવિચે (Vsevolodovich) લશ્કરી થાણા તરીકે આ શહેર વસાવેલું અને તે વખતે તેનું નામ નિઝની નોવગોરોડ (Nizhny Novgorod) હતું. પણ તે પછી ત્યાં ઈ. સ. 1868માં મૅક્સિમ ગૉર્કી નામના લેખકનો જન્મ થયેલો અને તેમના માનમાં ઈ. સ. 1932માં આ શહેરનું ફરીથી નામકરણ કરવામાં આવેલું.
આ શહેર વૉલ્ગા અને ઓકા નદીઓના સંગમસ્થાન પર આવેલું છે. તે નૌકાગમ્ય એવી ઓકા નદી દ્વારા વ્લાદિમિર-મૉસ્કો પ્રદેશને સાંકળે છે; એટલું જ નહિ, પણ તે યુરલ અને સાઇબીરિયા સાથે સંકળાયેલું છે. આમ બાલ્ટિક સમુદ્રને મધ્ય એશિયા સાથે જોડતા ‘મહાન વૉલ્ગા માર્ગ’ પરનું તેનું સ્થાન તેના વ્યૂહાત્મક મહત્વને સ્પષ્ટ કરે છે.
ઈ. સ. 1392માં વૉલ્ગા તરફથી આવતા તાતારના હુમલાને ખાળવા માટે તેને કિલ્લેબંધીવાળું શહેર બનાવવામાં આવ્યું. સોળમી સદીના મધ્ય ભાગમાં રશિયનોએ વૉલ્ગા પ્રદેશને જીતી લીધો, તેથી આ શહેરના વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ઈ. સ. 1817માં આ શહેરમાં રશિયાનો સૌથી મોટો અને અગત્યનો વ્યાપારી મેળો ભરાયો. આ મેળાથી યુરોપના અને એશિયાના અનેક વેપારીઓ આકર્ષિત થયા. બૉલ્શેવિક ક્રાંતિ તથા લોકક્રાંતિના ગાળા સિવાય આ વાર્ષિક મેળો ઈ. સ. 1930 સુધી ચાલુ રહ્યો. આ શહેર ભારે ઉદ્યોગો અને ખાસ કરીને ઇજનેરી ઉદ્યોગોનું કેન્દ્ર બન્યું. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધો દરમિયાન આ શહેરના પશ્ચિમના ઔદ્યોગિક ભાગોને કેટલુંક નુકસાન થયું હતું.
આધુનિક ગૉર્કી શહેર, એ રશિયાનાં સૌથી મોટાં શહેરો પૈકીનું એક છે અને તે વિશાળ શહેરી વિસ્તાર ધરાવે છે. આ શહેરમાં મોટરકાર, અનેક પ્રકારનાં જહાજો, ડીઝલ એન્જિન, યંત્રસામગ્રી, મશીન-ટૂલ્સ જેવા અનેક પ્રકારના રાસાયણિક અને વપરાશી માલનું ઉત્પાદન થાય છે. તેના પડખે અનેક ઉપનગરો આવેલાં છે. આ પૈકીનું વૉલ્ગાને પેલે પાર આવેલું બોર, મોટરકારના વિશિષ્ટ પ્રકારના કાચ બનાવે છે. આ સિવાય બાલાખ્ના અને પ્રાવડિન્સ્ક કાગળનું તેમજ ઝેર્ઝિન્સ્ક રસાયણો અને ખાતરોનું ઉત્પાદન કરે છે, જ્યારે બોગોરોડ્રસ્કમાં ચામડાનો સરસામાન અને પગરખાં બને છે. બાલાખ્નાનું તાપવિદ્યુતમથક તથા ઝાવોલ્ઝીનું જળવિદ્યુતમથક ગૉર્કી નગરને જરૂરી વિદ્યુતપુરવઠો પૂરો પાડે છે. આ શહેર અદ્યતન પ્રકારની પરિવહન-સેવાઓ(નદી-જળમાર્ગ, સડક, રેલ, હવાઈ)નું કેન્દ્ર છે. તે રેલમાર્ગે મૉસ્કો, કિરોવ તથા ટ્રાન્સ-સાઇબીરિયન રેલમાર્ગ પરના આર્ઝામાસને જોડે છે. ગૉર્કી અને તેના પરાંવિસ્તારો વચ્ચે વિદ્યુત-સંચાલિત અત્યંત ઝડપી રેલસેવાઓ ઉપલબ્ધ છે.
આ શહેરમાં ઈ. સ. 1918માં પ્રસ્થાપિત એન. આઈ. લોબાચેવ્સ્કી સ્ટેટ યુનિવર્સિટી તેમજ ઉચ્ચશિક્ષણની બીજી આઠ સંસ્થાઓ આવેલી છે. આ સિવાય અહીં લલિત કલાઓનું મોટું સંગ્રહસ્થાન છે. વળી અહીં જૂનું નાટ્યગૃહ છે, જેમાં સોળમી સદીનું ઐતિહાસિક ક્રેમલિનનું સ્થાપત્ય નોંધપાત્ર છે. વસ્તી 31,41,000 (2022) છે.
બીજલ પરમાર