કાર્બોનિફેરસ યુગ : ભૂસ્તરીય અતીતનો ઇતિહાસ દર્શાવતો એક મહત્વનો યુગ. બ્રિટનમાં ડેવોનિયન અને પરમિયન યુગો દરમિયાન કોલસાના (કાર્બનયુક્ત) ખડકો બન્યા; તેને અનુસરીને અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી વિલિયમ કોનિબિયર અને વિલિયમ ફિલિપ્સે (1822) આ બે યુગો વચ્ચેના કાળને કાર્બોનિફેરસ યુગ નામ આપ્યું. આ બે યુગ દરમિયાન મધ્ય ઇંગ્લૅન્ડના ઉત્તર વિસ્તારમાં કોલસાના કાર્બનયુક્ત ખડકો બન્યા હતા, આ ઉપરથી બ્રિટન અને યુરોપમાં ડેવોનિયન નિમ્ન કાર્બોનિફેરસ અને પરમિયન ઊર્ધ્વ કાર્બોનિફેરસ યુગ તરીકે ઓળખાવા લાગ્યા. અમેરિકા(1870)માં કાર્બોનિફેરસ યુગ માટે મિસિસિપિયન (ડેવોનિયન) યુગ અને પેન્સિલ્વેનિયન (પરમિયન) યુગ જેવાં બે જુદાં જુદાં નામ અપાયેલાં છે.
કાર્બોનિફેરસ યુગ આશરે 34.5 કરોડ વર્ષ પૂર્વે શરૂ થયો હતો અને 28 કરોડ વર્ષ પૂર્વે પૂરો થયો હતો. આ યુગના 6.5 કરોડ વર્ષો સુધીના સમય દરમિયાન મુખ્યત્વે યુરોપમાં જૂના રાતા રેતીખડક રચિત ખંડીય વિસ્તારો, મોટી નદીઓના ત્રિકોણ-પ્રદેશો અને નીચાણવાળા છીછરા દરિયાઈ પ્રદેશોમાં દરિયાનાં પાણી ભરાઈ જતાં ચૂનાખડકનાં પડો, રેતીખડક અને ભેજવાળી વનસ્પતિ દટાઈ જતાં કાર્બનયુક્ત કોલસાના ખડકોની રચના થઈ. આ સમય દરમિયાન યુરોપમાં આબોહવા સામાન્ય ગરમ અને ભેજવાળી હતી તેમજ યુગના અંતિમ ચરણ વખતે તથા દક્ષિણ ભાગમાં આબોહવા ઠંડી હતી.
આ સમય દરમિયાન ઉષ્ણ કટિબંધના છીછરા દરિયાઈ પ્રદેશોમાં સદાય લીલાં જંગલોમાં ઝાડની ઊંચાઈ લગભગ 2.5 મીટર જેટલી વધતી હતી અને આ જંગલો ઘણાં ગીચ હતાં. આ યુગ દરમિયાન ઉભયજીવી પ્રાણીઓનાં ઉત્પત્તિ, વૃદ્ધિ અને વિકાસ થયાં. છીછરાં પાણીના વિસ્તારોમાં વનસ્પતિના આધારે સાલામન્ડર જેવા નાના જીવોથી માંડીને 3.5 મીટર કદ ધરાવતાં મોટાં પ્રાણીઓની ઉત્પત્તિ આ સમય દરમિયાન થઈ. આ સાથે પ્રથમ વાર સરીસૃપ (reptiles) ઉત્પન્ન થયાં. ભૂમિ ઉપર સર્પસૃષ્ટિની ઉત્પત્તિ પણ આ જ સમયમાં થઈ.
જ્યોતેન પ્ર. વ્યાસ