કાર્બૉક્સિલિક ઍસિડ

January, 2006

કાર્બૉક્સિલિક ઍસિડ : કાર્બૉક્સિલ (>COOH) સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. કાર્બૉક્સિલિક ઍસિડ અને તેનાં વ્યુત્પન્નો કાર્બનિક રસાયણો છે. કુદરતમાં ચરબી, સરકો, દૂધની બનાવટ, ફળના રસ વગેરેમાંથી મળી આવે છે. આ રસાયણો દ્રાવક તરીકે તેમજ પ્લાસ્ટિક, રંગક, ઔષધ અને અન્ય પદાર્થોના ઉત્પાદનમાં ઉપયોગી છે.

કાબૉર્ક્સિલ સમૂહના કારણે લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આ સમૂહમાં રહેલા હાઇડ્રોજન પરમાણુને કારણે તે ઍસિડિક ગુણધર્મો બતાવે છે. ફૉર્મિક ઍસિડ H-COOH સાદો ઍસિડ છે, જેનો ઉપયોગ જંતુનાશક તરીકે અને કાપડ તેમજ કાગળ-ઉદ્યોગમાં ઍસિડિક-વાહક તરીકે થાય છે. એસિટિક ઍસિડનું મંદ દ્રાવણ સરકો કહેવાય છે.

કાર્બોક્સિલિક ઍસિડનું સામાન્ય સૂત્ર R-COOH છે. ઍસિડમાંના -OH સમૂહનું વિસ્થાપન હેલોજન તત્વ અથવા સમૂહ વડે થવાથી તેનાં વ્યુત્પન્નો મળે છે. કાબૉર્ક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કિલ સમૂહ વડે કરવાથી એસ્ટર R-COOR´ મેળવાય છે. કાબૉર્ક્સિલિક ઍસિડ અને આલ્કોહૉલ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી એસ્ટરનું સંશ્લેષણ થાય છે.

જેમાં R અને R’ વિવિધ હાઇડ્રૉકાર્બન સમૂહ છે. એસિટિક ઍસિડ અને ઇથાઇલ આલ્કોહૉલમાંથી બનતો ઇથાઇલ એસિટેટ CH3-COOC2H5 ઔદ્યોગિક ઉત્પાદનમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. તેનો ઉપયોગ દ્રાવક તરીકે, સુગંધિત પદાર્થોમાં તેમજ રાસાયણિક મધ્યસ્થી તરીકે થાય છે. સાદા એસ્ટર પ્રવાહી હોય છે તેમજ તેની સુગંધ પાકા ફળ જેવી હોવાથી સુગંધિત પદાર્થો તરીકે તેનો ઉપયોગ થાય છે.

કાબૉર્ક્સિલિક ઍસિડનાં અન્ય વ્યુત્પન્નો એન્હાઇડ્રાઇડ, હેલાઇડ, ઍમાઇડ વગેરે હોય છે. કાબૉર્ક્સિલિક ઍસિડના બે અણુમાંથી એન્હાઇડ્રાઇડ, હેલોજન વડે ઍસિડ હેલાઇડ અને ઍમોનિયા વડે ઍમાઇડનું સંશ્લેષણ થાય છે. કુદરતમાંથી મળતા ઍમાઇડ અને એસ્ટર કાબૉર્ક્સિલિક ઍસિડનાં અગત્યનાં વ્યુત્પન્નો છે. તેમાંનાં કેટલાંક વ્યુત્પન્નો ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગી હોવાથી સંશ્લેષણથી તેનું ઉત્પાદન થાય છે.

વર્ગીકરણ : સરળ કાર્બન શૃંખલાયુક્ત ઍસિડ ચરબીના ઘટક હોવાથી ચરબીજ ઍસિડ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે કાબૉર્ક્સિલિક ઍસિડમાં જો એલિફેટિક ભાગ હોય તો એલિફૅટિક ઍસિડ કહેવાય છે. આ વ્યાખ્યાને આધારે ચરબીજ ઍસિડ એ એલિફૅટિક ઍસિડ છે. સંતૃપ્ત અથવા અસંતૃપ્તના આધારે તેનું વધુ વર્ગીકરણ થાય છે. જો કાબૉર્ક્સિલ સમૂહનું ઍરોમૅટિક પ્રણાલીમાં સીધું જોડાણ થયું હોય તો તે ઍરોમૅટિક ઍસિડ કહેવાય છે. આ વર્ગનો સાદો ઍસિડ બેન્ઝોઇક ઍસિડ છે. ઍસ્પિરિન અથવા એસેટાઇલ સેલિસિલિક ઍસિડ o-CH3 CO-O-C6H4-COOH માથાના દુખાવા માટેનું ઔષધ છે. જો એક જ અણુમાં એકથી વધુ કાબૉર્ક્સિલ સમૂહ હોય તો ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડ, ટ્રાઇકાબૉર્ક્સિલિક ઍસિડ વગેરે નામથી ઓળખાય છે.

કાબૉર્ક્સિલિક ઍસિડ કુદરતમાં વિસ્તૃત પ્રમાણમાં રહેલા હોય છે. ફૉર્મિક ઍસિડ અને એસેટિક ઍસિડ ઉપરાંત ઘણા સંતૃપ્ત અને અસંતૃપ્ત ફૅટી ઍસિડ ચરબીમાં એસ્ટર તરીકે રહેલા હોય છે. ચરબીના જળવિભાજનથી મુક્ત ફૅટી ઍસિડ સહેલાઈથી મેળવાય છે. કેટલાક કુદરતી પદાર્થોમાંથી બહોળા પ્રમાણમાં વિસ્થાપિત કાબૉર્ક્સિલિક ઍસિડ મળી આવ્યા છે; જેમ કે, દહીંમાંથી લૅક્ટિક ઍસિડ અને ફળમાંથી સાઇટ્રિક ઍસિડ મળે છે. પ્રોટીનના જળવિભાજનથી ઘણા ઍમિનોઍસિડ મળી આવ્યા છે.

ગુણધર્મો : આલ્ડિહાઇડ અને કીટોન અણુઓની જેમ કાબૉર્ક્સિલિક ઍસિડમાં કાર્બોનિલ સમૂહ > C = O રહેલો છે, પરંતુ ઍસિડમાં રહેલા કાર્બોનિલ સમૂહને કારણે રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી. કાબૉર્ક્સિલિક ઍસિડની મુખ્ય લાક્ષણિકતા તેમાં રહેલો ઍસિડિક ગુણધર્મ છે. હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતાં અન્ય કાર્બનિક સંયોજનો કરતાં કાબૉર્ક્સિલિક ઍસિડ વધુ ઍસિડિક છે, પરંતુ ખૂબ જાણીતા ખનિજ ઍસિડ (જેવા કે હાઇડ્રૉક્લોરિક ઍસિડ અને સલ્ફ્યુરિક ઍસિડ) કરતાં તે નિર્બળ ઍસિડિક છે. કાબૉર્ક્સિલ સમૂહમાંથી દૂર થતા પ્રોટૉન અથવા હાઇડ્રોજન આયનને પરિણામે ઍસિડિક ગુણધર્મ ઉદભવે છે. આ દરમિયાન ઋણભારયુક્ત કાબૉર્ક્સિલેટ એનાયન પણ મળે છે.

ઍસિડમાં રહેલા R સમૂહને આધારે ઍસિડિક ગુણધર્મ ઉપર અસર થાય છે. એટલે કે કાબૉર્ક્સિલ સમૂહના પ્રોટૉનનું વિયોજન વત્તુંઓછું થતું હોય છે.

રાસાયણિક ગુણધર્મો : કાબૉર્ક્સિલિક ઍસિડ અને તેનાં વ્યુત્પન્નોની રાસાયણિક પ્રક્રિયાઓ મુખ્ય બે વિભાગમાં વહેંચાયેલી છે :

(i) કેન્દ્રાનુરાગી (nucleophiliphilic) પ્રક્રિયા : તે કાર્બોનિલ કાર્બનને નિર્દેશે છે. આ પ્રક્રિયામાં ખરેખર તો હાઇડ્રૉક્સિલ સમૂહનું વિસ્થાપન ઋણભારયુક્ત Z સમૂહ વડે થાય છે.

આ પ્રકારની પ્રક્રિયાને આધારે યોગ્ય રાસાયણિક પરિસ્થિતિમાં કાબૉર્ક્સિલિક ઍસિડનાં વ્યુત્પન્નો સહેલાઈથી બનાવાય છે.

(ii) અન્ય પ્રક્રિયા આલ્ડિહાઇડ અને કીટોનની પ્રક્રિયાની જેમ થાય

છે; એમાં કાર્બોનિલ સમૂહની નજીકના આલ્ફા કાર્બન ઉપર વિસ્થાપન થાય છે. આ પ્રક્રિયામાં બેઝ વડે સ્થિર કરેલો મધ્યસ્થી એનાયન બને છે, જે ધનભારયુક્ત R´ સમૂહ સાથે પ્રક્રિયા કરે છે.

કાબૉર્ક્સિલિક ઍસિડ કરતાં એસ્ટર અથવા અન્ય વ્યુત્પન્નો સાથે ઉપરની વિસ્થાપનપ્રક્રિયા વધુ ઝડપથી થાય છે.

ભૌતિક ગુણધર્મો : કાબૉર્ક્સિલિક ઍસિડના બે અણુઓ હાઇડ્રોજન બંધ વડે જોડાઈને દ્વિલક (dimer) બનાવે છે.

આ કારણે ઍસિડ જો પ્રવાહી હોય તો પ્રમાણમાં ઊંચું ઉત્કલનબિંદુ

હોય છે. કાબૉર્ક્સિલિક ઍસિડમાં હાઇડ્રૉક્સિલ સમૂહને કારણે તે પાણીમાં દ્રાવ્ય હોય છે; પરંતુ નવ કે તેથી વધુ કાર્બનયુક્ત ઍસિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. કાબૉર્ક્સિલિક ઍસિડનાં વ્યુત્પન્નોમાં યોજન (association) થતું ન હોવાથી તેનાં ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચાં છે. આથી ઍસિડ-એસ્ટર અને ઍસિડ હેલાઇડનાં ઉત્કલનબિંદુ ઍસિડ કરતાં નીચાં હોય છે. કેટલાક ઍસિડ અને તેના મિથાઇલ એસ્ટરનાં ઉત્કલનબિંદુ નીચેના કોઠામાં આપ્યાં છે :

કાર્બનની

સંખ્યા

ઍસિડ

(.બિં. oસે.)

મિથાઇલ એસ્ટર

(.બિં. oસે.)

1. ફૉર્મિક ઍસિડ 101 32
2. એસેટિક ઍસિડ 118 57
3. પ્રોપિયોનિક ઍસિડ 141 80
4. બ્યૂટિરિક ઍસિડ 164 102
5. વેલરિક ઍસિડ 186 127
6. કેપ્રોઇક ઍસિડ 205 151

એલિફૅટિક ઍસિડ : (क) સંતૃપ્ત ઍસિડ : કાબૉર્ક્સિલિક ઍસિડનો સૌથી સાદો સભ્ય ફૉર્મિક ઍસિડ છે. કીડીનો ચટકો બળતરા આપે છે, કારણ કે તેની લાળમાં ફૉર્મિક ઍસિડ હોય છે. ગરમ સોડિયમ હાઇડ્રૉક્સાઇડમાં દબાણ હેઠળ કાર્બન મૉનૉક્સાઇડ પસાર કરવાથી તેનું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે. નીપજને સલ્ફ્યુરિક ઍસિડ વડે તટસ્થ કરવાથી મુક્ત ફૉર્મિક ઍસિડ મળે છે.

અન્ય કાબૉર્ક્સિલિક ઍૅસિડથી વિરુદ્ધ ફૉર્મિક ઍસિડ અપચાયક (reducing) ગુણધર્મ દર્શાવે છે.

બીજા સભ્ય એસિટિક ઍસિડનું ઉત્પાદન ઇથાઇલ આલ્કોહૉલના ઉપચયનથી થાય છે. લાકડાનું નિસ્યંદન હવાની ગેરહાજરીમાં બંધ પાત્રમાં કરતા એસેટિક ઍસિડ મળે છે. તેનું અગત્યનું ઔદ્યોગિક ઉત્પાદન ઍસિટિલીનમાંથી મળતા ઍસિટાલ્ડિહાઇડના ઉદ્દીપકની હાજરીમાં હવા વડે ઉપચયનથી થાય છે.

એસ્ટર અને ઍમાઇડની બનાવટમાં ઉપયોગી એસેટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ એસિટિક ઍસિડમાંથી બને છે.

કુદરતમાં રહેલા ચરબીજ ઍસિડમાં કાર્બનની સંખ્યા બેકી હોય છે. ગાય, ઘેટી અને બકરીના દૂધમાં તેમજ કેટલાંક વનસ્પતિબીજમાં 10 કાર્બનયુક્ત કેપરિક ઍસિડ; કોપરેલ, તજ અને તાડના તેલમાં 12 કાર્બનયુક્ત લોરિક ઍસિડ; અને લગભગ બધા જ પ્રકારની ચરબીમાં 16 કાર્બનયુક્ત પામેટિક ઍસિડ હોય છે. વનસ્પતિજન્ય તેલમાં 18 કાર્બનયુક્ત સ્ટિયરિક ઍસિડ જૂજ પ્રમાણમાં હોય છે.

(ख) અસંતૃપ્ત ઍસિડ : આ પ્રકારના ઍસિડમાં દ્વિબંધ રહેલા હોય છે. મોટાભાગના અગત્યના લાંબી શૃંખલાવાળા અસંતૃપ્ત ઍસિડ ચરબીમાંથી મેળવાય છે. નાની શૃંખલાવાળા કેટલાક અસંતૃપ્ત ઍસિડ (જેવા કે એક્રિલિક, ક્રોટોનિક, મિથાક્રિલિક ઍસિડ) પણ અગત્યના છે. એક્રિલિક ઍસિડનો મિથાઇલ એસ્ટર એક્રિલેટ બહુલક બનાવવામાં વપરાય છે. પ્લેક્સિગ્લાસ અને પૉલિએક્રિલો-નાઇટ્રાઇલ (PAN) બહુલક બનાવવા માટે મિથાક્રિલિક ઍસિડનો એસ્ટર અને એક્રિલોનાઇટ્રાઇલ એકલક તરીકે ઉપયોગી છે.

કુદરતમાં રહેલા 90થી વધુ અસંતૃપ્ત ઍસિડ એક અથવા વધુ દ્વિબંધ ધરાવે છે. ખૂબ જ સામાન્ય ચરબીજ ઍસિડ ઓલિક ઍસિડ છે. અસંતૃપ્ત ચરબીજ ઍસિડમાં મોટે ભાગે 9 અને 10 કાર્બન વચ્ચે અસંતૃપ્ત રહેલી છે. આ બધા ઍસિડ અસંતૃપ્તતા અને ઍસિડના ગુણધર્મો બતાવે છે. ઍસિડનું પ્રાથમિક આલ્કોહૉલમાં અને અસંતૃપ્ત ઍસિડનું હાઇડ્રૉજનેશન, હાઇડ્રૉક્સિલેશન અને હેલોજનેશન થાય છે. જુદી જુદી ઉપચયન પ્રક્રિયાઓથી નાની શૃંખલાવાળા ઑક્સિજનયુક્ત પદાર્થો મળે છે. કુદરતમાં 16, 18, 20 અથવા 22 કાર્બનયુક્ત અને 2, 3 અથવા 4 દ્વિબંધયુક્ત ઍસિડ રહેલા હોય છે.

(ग) વિસ્થાપિત ઍસિડ : લાંબી શૃંખલાવાળા કાબૉર્ક્સિલિક ઍસિડમાં હેલો, હાઇડ્રૉક્સિ, આલ્કૉક્સિ, ઇપૉક્સિ અથવા કીટો જેવા એક અથવા વધુ સમૂહો હોઈ શકે છે. આ ક્રિયાશીલ સમૂહો સ્વતંત્ર રીતે વર્તતા હોવાથી તેના ગુણધર્મો બંને ક્રિયાશીલ સમૂહો પર આધારિત હોય છે. કેટલીક વખત બંને ક્રિયાશીલ સમૂહોને કારણે નવો જ ગુણધર્મ ઉદભવે છે.

ક્લોરિન અથવા સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ વડે ઍસિડમાંથી આલ્ફા વિસ્થાપિત હેલો ઍસિડ અથવા હેલો ઍસિડ ક્લોરાઇડ બનાવી શકાય છે.

જો ઍસિડમાં દ્વિબંધ હોય તો હેલોજન ઍસિડ સાથે યોગશીલ પ્રક્રિયા કરવાથી અન્ય સ્થાનમાં હેલોજન દાખલ કરી શકાય છે.

કુદરતમાં રહેલો ફ્લોરોએસેટિક ઍસિડ અત્યંત વિષાળુ સંયોજન છે. કેટલાંક બીજમાં રહેલો 18-ફ્લોરોઓલિક ઍસિડ ઝેરી પદાર્થ છે.

હાઇડ્રૉક્સિ ઍસિડની બનાવટ મુખ્યત્વે હેલો ઍસિડના જળવિભાજનથી થાય છે.

આ ઍસિડનું નિર્જળીકરણ થતું નથી, પરંતુ હાઇડ્રૉક્સિ સમૂહ 2, 3, 4 અને 5 કાર્બન પર હોય તો અસંતૃપ્ત ઍસિડ અને લૅક્ટોન આપે છે.

કુદરતમાં રહેલા હાઇડ્રૉક્સિ ઍસિડ મુખ્યત્વે ગ્લાયકોલિક ઍસિડ, લૅક્ટિક ઍસિડ અને રિસિનોલિક ઍસિડ છે.

પ્રોટીનમાં રહેલા 20થી વધુ વિવિધ આલ્ફા-ઍમિનો ઍસિડ R.CH (NH2).COOH ખૂબ અગત્યના છે.

હાઇડ્રૉક્સિ-ઍસિડના ઑક્સિડેશનથી કીટો-ઍસિડ મળે છે, જેમાંનાં બીટા-કીટો ઍસિડ સંયોજનો અગત્યનાં છે અને તે ખાસ પ્રકારની સંઘનન પ્રક્રિયાથી બને છે. એસેટો-ઍસિટિક ઍસિડના ઇથાઇલ એસ્ટરનાં બે બંધારણમાં કીટો અને ઇનોલ સમૂહ હોય છે. આથી તે બે બંધારણ ધરાવતું સંતુલન મિશ્રણ હોય છે. આ પ્રકારના ગુણધર્મને ચલાવયવતા (tautomerism) કહે છે. આ સંયોજન કીટો અને ઇનોલ ક્રિયાશીલ સમૂહના ગુણધર્મો બતાવે છે.

આ પદાર્થમાં રહેલો -CH2– સમૂહ ક્રિયાશીલ હોવાથી બંને હાઇડ્રોજનનું ક્રમશ: વિસ્થાપન થઈ શકે છે.

ઍરોમૅટિક ઍસિડ : જો કાબૉર્ક્સિલ સમૂહ ઍરોમૅટિક વલયને સીધો જોડાયેલો હોય તો તેને ઍરોમૅટિક ઍસિડ કહે છે; દા.ત., બેન્ઝોઇક ઍસિડ. આમાં રહેલા કાબૉર્ક્સિલિક સમૂહને કારણે બેન્ઝિન વલયમાં નિષ્ક્રિયતા ઉત્પન્ન થતી હોવાથી બીજો સમૂહ વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન મેટા સ્થાનમાં પ્રવેશ કરે છે. બેન્ઝોઇક ઍસિડનું નાઇટ્રેશન કરવાથી મેટા-નાઇટ્રોબેન્ઝોઇક ઍસિડ મળે છે. જો બેન્ઝિન વલયમાં બીજો કાબૉર્ક્સિલ સમૂહ દાખલ કરવામાં આવે, તો ડાયબેઝિક ઍસિડના ત્રણ સમઘટકો મળે છે; દા.ત., થેલિક ઍસિડ, આઇસોથેલિક ઍસિડ અને ટરથેલિક ઍસિડ.

કેટલાક ઍસિડમાં ઍરોમૅટિક વલય હોય છે, પરંતુ કાબૉર્ક્સિલ સમૂહ એલિફૅટિક શૃંખલાને જોડાયેલો હોય છે. ખરેખર તો તેને ઍરોમૅટિક ઍસિડ કહી શકાય નહિ; દા.ત., ફિનાઇલ ઍસિટિક ઍસિડ, મેન્ડેલિક ઍસિડ અને સિન્નેમિક ઍસિડ.

ઍરોમૅટિક કાબૉર્ક્સિલિક ઍસિડની બનાવટ નાઇટ્રાઇલના જળવિભાજનથી અથવા કાર્બનિક તત્વોના સંયોજનમાં કાર્બન ડાયૉક્સાઇડની યોગશીલ પ્રક્રિયાથી બને છે. આલ્કાઇલ સમૂહ યુક્ત ઍરોમૅટિક હાઇડ્રૉકાર્બનના ઉપચયનથી પણ તે મેળવી શકાય છે. કુદરતમાં રહેલા ગમ બેન્ઝોઇનમાંથી બેન્ઝોઇક ઍસિડ મળે છે. વિસ્થાપિત બેન્ઝોઇક ઍસિડ જેવા કે સેલિસિલિક ઍસિડ અને એન્થ્રેનિલિક ઍસિડ ઉદ્યોગોમાં અગત્યના છે.

સેલિસિલિક ઍસિડનું ઔદ્યોગિક ઉત્પાદન સોડિયમ ફિનોલેટ (C6H5ONa) અને કાર્બન ડાયૉક્સાઇડ વચ્ચેની પ્રક્રિયા દબાણ હેઠળ 120o-140o સે. તાપમાને કરતાં થાય છે. સેલિસિલિક ઍસિડનાં વ્યુત્પન્નો જેવાં કે ફિનાઇલ સેલિસિલેટ અને ઍસ્પિરિન (એસિટાઇલ સેલિસિલિક ઍસિડ) ઔષધ તરીકે વપરાય છે.

ઑર્થો-ઝાયલીનના ઑક્સિડેશનથી થેલિક ઍસિડ મળે છે, જેને ગરમ કરવાથી થેલિક એન્હાઇડ્રાઇડ સહેલાઈથી મેળવાય છે. પૅરા-ઝાયલીનના ઑક્સિડેશનથી મળતાં ટરથેલિક ઍસિડ સંશ્લેષિત રેસા-ટેરિલીન બનાવવામાં ઉપયોગી છે.

પૉલિકાબૉર્ક્સિલિક ઍસિડ : ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડનું સામાન્ય સૂત્ર HOOC(CH2)nCOOH છે, એમાં n = કાર્બનની સંખ્યા બદલાતી રહે છે.

n = 0 ઑક્સેલિક ઍસિડ

n = 1 મેલોનિક ઍસિડ

n = 2 સક્સિનિક ઍસિડ

n = 3 ગ્લુટેરિક ઍસિડ

n = 4 એડિપિક ઍસિડ

કુદરતમાં રહેલો ઑક્સેલિક ઍસિડ ખાંડના ઉપચયનથી મળે છે. મેલોનિક ઍસિડનો એસ્ટર ડાયઇથાઇલ મેલોનેટ સંશ્લેષિત રસાયણમાં એસિટોઍસિટિક એસ્ટરની જેમ અગત્યનો પદાર્થ છે. સક્સિનિક ઍસિડ અને ગ્લુટેરિક ઍસિડને ગરમ કરતાં સહેલાઈથી ચક્રીય એન્હાઇડ્રાઇડ મળે છે. એડિપિક ઍસિડના કૅલ્શિયમ ક્ષારને ગરમ કરતાં ચક્રીય સાઇક્લોપેન્ટેનોન મળે છે. એડિપિક ઍસિડનો ઉપયોગ નાયલૉનની બનાવટમાં પણ થાય છે.

કાબૉર્ક્સિલિક ઍસિડનાં વ્યુત્પન્નો : કાબૉર્ક્સિલિક ઍસિડમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કિલ સમૂહ વડે કરવાથી એસ્ટર મળે છે. ઍસિડની આલ્કોહૉલ સાથેની પ્રક્રિયા સલ્ફ્યુરિક ઍસિડ જેવા ઉદ્દીપકની હાજરીમાં કરવાથી એસ્ટર મળે છે. એ પ્રક્રિયાને એસ્ટરીફિકેશન કહે છે, જેમાં ખરેખર તો કાબૉર્ક્સિલ સમૂહમાંના હાઇડ્રૉક્સિલ સમૂહનું વિસ્થાપન આલ્કૉક્સિ (RO-) સમૂહ વડે થાય છે.

કાબૉર્ક્સિલ ઍસિડનાં અન્ય વ્યુત્પન્નોમાં ઍમાઇડ, ઍસિડ હેલાઇડ, એન્હાઇડ્રાઇડ વગેરે સંયોજનો જે તે સ્થાને વર્ણવેલાં છે.

ઈશ્વરજી ગોવિંદજી વશી