ગોર, આલ્બર્ટ (જુનિયર) (જ. 31 માર્ચ 1948, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના 45મા ઉપપ્રમુખ અને 2007ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. આ પુરસ્કારમાં સહભાગી હતી ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ નામની સંસ્થા. અમેરિકાના આ અગ્રિમ રાજનીતિજ્ઞ બહુમુખી પ્રતિભા ધરાવતા નેતા છે. તેમના પિતા આલ્બર્ટ ગોર સિનિયર લાંબો સમય અમેરિકાની પ્રતિનિધિસભા અને સેનેટના સભ્ય તરીકે ટેનેસી રાજ્યમાંથી ચૂંટાતા હતા. માતા પૌલાઇન (લા ફોન) ગોર વાન્ડરબિલ્ટ લૉ સ્કૂલનાં પ્રથમ મહિલા-સ્નાતક હતાં.
ગોર કુટુંબ ટેનેસી અને વૉશિંગ્ટન – એમ બંને સ્થળે સ્થાયી વસવાટ ધરાવતું હોવાથી તેઓ બંને વિસ્તારના માહોલથી ઘણા પરિચિત હતા. શાલેય અભ્યાસ પૂરો કરી તેઓ 1965માં હાર્વર્ડમાં જોડાયા હતા. ભાવિ ફિલ્મ સ્ટાર ટૉમી લી જોન્સની સાથે તેઓ એક જ રૂમમાં રહેતા હતા. રાજ્યશાસ્ત્ર અને વિશેષે વિવિધ સરકારો તેમના અભ્યાસનો કેન્દ્રીય વિષય હતો. 1969માં સ્નાતક થઈને તેમણે ‘ધ ઇમ્પેક્ટ ઑવ્ ટેલિવિઝન ઑન ધ કન્ડક્ટ ઑવ ધ પ્રેસિડેન્સી’ (1947–1969) વિશે લઘુનિબંધ તૈયાર કર્યો હતો.
તેઓ અને તેમના પિતા બંને તે વેળા ચાલતા વિયેતનામ યુદ્ધના વિરોધી હતા, છતાં યુવાન નાગરિક તરીકે તેમને યુદ્ધમાં જોડાવાનું જણાવવામાં આવ્યું ત્યારે વ્યક્તિગત વિરોધ છતાં દેશના બંધારણીય નિયમોનું સન્માન કરવાની જરૂરિયાત મુજબ તેઓ લશ્કરમાં જોડાયા. આ યુદ્ધમાં લશ્કરના ખબરપત્રી અને ‘ટેનેસિયન’ના ખબરપત્રી તરીકે પણ કામગીરી બજાવી. તત્વચિંતન (ફિલૉસૉફી) અને ફિનૉમિનૉલૉજીનો અભ્યાસ કરવા તેમણે વાન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો (જ્યાં તેમની માતા પ્રથમ મહિલા-સ્નાતક હતાં.). શાળા-કૉલેજના જીવન દરમિયાન ફૂટબૉલ ટીમના ખેલાડી હોવા ઉપરાંત અન્ય રમતોમાં તેઓ રસ લેતા. 1974માં કાયદાના અભ્યાસ માટે તેમણે લૉ સ્કૂલમાં પ્રવેશ લીધો. આ પછી ટેનેસીના રાજકારણમાં તેઓ સક્રિય બન્યા અને સ્થાનિક ચૂંટણીમાં ભાગ લીધો. 1976ની સામાન્ય ચૂંટણીમાં સ્ટેનલી રોજર્સ સામે તેઓ ચૂંટણી જીત્યા. સતત ચાર મુદત સુધી તેઓ ચૂંટણી જીતતા રહ્યા તો બીજી તરફ પર્યાવરણ અંગેની સમસ્યાઓમાં રસ લેવા સાથે તેઓ તેમાં ઊંડા ઊતર્યા. 1980માં સુપરફંડ ખરડો લાવીને તેમણે રાસાયણિક કચરો અને ભૂમિ પર ખડકાતા અન્ય ઔદ્યોગિક કચરાઓની સફાઈ અંગે નોંધપાત્ર ભૂમિકા અદા કરી. આ નાના-શા પ્રારંભે ભાવિના પર્યાવરણીય પ્રશ્નોમાં તેમને ઊંડો રસ લેતા કર્યા. અમેરિકાની રાજકીય કારકિર્દીના અંતે તેમણે પૂરો સમય આ પર્યાવરણીય કામને ફાળવ્યો. આ જ અરસામાં અણુનિ:શસ્ત્રીકરણ અંગે પણ તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી.
ડેમૉક્રેટિક પક્ષ વતી તેમણે અમેરિકાની કૉંગ્રેસ(ધારાસભા)માં લાંબી કારકિર્દી વિકસાવેલી. 1977–1985 સુધી પ્રતિનિધિસભાના સભ્ય અને 1985–1993 દરમિયાન ટેનેસી રાજ્યમાંથી તેઓ સેનેટર તરીકે ચૂંટાયા હતા. 1988માં ડેમૉક્રેટિક પક્ષ વતી તેમણે પ્રમુખીય ઉમેદવારીમાં ઝંપલાવવાની શરૂઆત કરી. 1992માં બિલ ક્લિન્ટન સાથે તેમણે ઉપપ્રમુખીય ઉમેદવાર બનવાનું પસંદ કર્યું. આ જોડી ચૂંટણીમાં સફળ નીવડતાં તેઓ 1993–2001 સુધી અમેરિકાના ઉપપ્રમુખ રહ્યા. આ જ અરસામાં ‘અર્થ ઇન ધ બૅલેન્સ : હીલિંગ ધ ગ્લોબલ એન્વાયરન્મેન્ટ’ (1992) ગ્રંથ પ્રકાશિત કર્યો, જે તેમની બહુમુખી પ્રતિભા અને પર્યાવરણીય ચિંતાનો દ્યોતક છે. ઉપપ્રમુખીય કારકિર્દી દરમિયાન તેમણે પર્યાવરણીય સભાનતા અંગેની પ્રવૃત્તિઓ જાળવી રાખી, અમલદારશાહીની પર્યાવરણ માટેની જોખમી પ્રવૃત્તિઓ પર કાપ મૂક્યો.
અલબત્ત, 1996ની ઉપપ્રમુખીય પુન:ચૂંટણી દરમિયાન હોદ્દા પર હોવા છતાં ચૂંટણી-ફંડ ઊભું કરવા કરેલા ટેલિફોનો માટે તેમની વિરુદ્ધ ફરિયાદ થયેલી, કેસ પણ ચાલ્યો અને અમેરિકાની સર્વોચ્ચ અદાલતની નજરે તેઓ દોષિત પણ ઠરેલા, જે અંગે અદાલતે તેમને ઠપકો આપી વાતને આટોપી લીધી હતી. આ એક અપવાદ સિવાય તેમની રાજકીય કારકિર્દી ઉત્તરોત્તર તેજસ્વી રહી છે. 2000માં અલ ગોર ડેમૉક્રેટિક પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં પ્રમુખપદના દાવેદાર હતા. તેમના સામે પક્ષે બુશ ઉમેદવાર હતા. સ્થાનિક મતોમાં અલ ગોર આગળ હતા, પણ ઇલેક્ટૉરલ કૉલેજના મતોની ગણતરી કરાતાં તેમાં અલ ગોરને ઓછા મત મળ્યા હતા. પરિણામે બુશ ચૂંટાયેલા ઘોષિત થયા હતા. અમેરિકાના ઇતિહાસની આ સૌથી તીવ્રતમ અને સૌથી વધુ કલહભરી પ્રમુખીય ચૂંટણી બની રહી હતી.
નિજી જીવનમાં એપ્રિલ, 1989માં તેમને ગંભીર આઘાતનો સામનો કરવો પડેલો. તેમનો છ વર્ષનો પુત્ર તેમની સાથે જ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે આકસ્મિક એક ગાડી સાથે ટકરાતા જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો. તે ટૂંકી માંદગી બાદ અવસાન પામ્યો. આ વેળા પ્રમુખીય પ્રચારયુદ્ધથી દૂર ખસી જઈ તેમણે કુટુંબ સાથે રહેવાનું પસંદ કર્યું હતું. આ ગાળા દરમિયાન તેમનો ‘અર્થ ઇન ધ બૅલેન્સ’ (1991) ગ્રંથ પ્રકાશિત થયો, જે અમેરિકાના ચાલુ સેનેટર દ્વારા પ્રકાશિત થયેલો પ્રથમ ગ્રંથ હતો અને તે વર્ષે ન્યૂયૉર્ક ટાઇમ્સનો એ બેસ્ટ સેલર ગ્રંથ નીવડ્યો હતો.
તેમણે 2004માં જનરલ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટ કંપનીની શરૂઆત કરી. આ સંસ્થા પર્યાવરણને અનુકૂળ બનીને નવી કંપનીઓ ખોલવા અંગે કામ કરે છે. 2006માં તેમણે ‘એલાયન્સ ફૉર ક્લાઇમેટ પ્રૉટેક્શન’ સંગઠન સ્થાપ્યું, જે પર્યાવરણીય જાગૃતિના ક્ષેત્રે પ્રવૃત્ત છે. 2006માં તેમણે ‘ઇનકન્વિનિયન્ટ ટ્રૂથ’ નામક દસ્તાવેજી ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી. આ દસ્તાવેજી ફિલ્મને એકૅડેમી ઍવૉર્ડ ફૉર ડૉક્યુમેન્ટરી ફિચરનું સન્માન પ્રાપ્ત થયું હતું. પર્યાવરણની આ સક્રિયતાના સંદર્ભમાં આલ્બર્ટ ગોર અને ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ સંસ્થાને સરખે હિસ્સે 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો. ઉપર્યુક્ત સંસ્થાના અધ્યક્ષ ભારતીય વિજ્ઞાની રાજેન્દ્ર પચૌરી છે. તેમને પ્રાઇમટાઇમ એમી ઍવૉર્ડ, વેબી ઍવૉર્ડ, પ્રિન્સ ઑવ્ ઑસ્ટુરિયા ઍવૉર્ડ ફૉર ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન જેવા અન્ય ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાને તેઓ પર્યાવરણીય સુધારાઓ દ્વારા હલ કરવા પ્રયત્નશીલ છે.
રક્ષા મ. વ્યાસ