અબૂ હનીફા (જ. 5 સપ્ટેમ્બર 699, કૂફા, ઇરાક; અ. 14 જૂન 767, બગદાદ, ઇરાક) : હનફી-ઇસ્લામી ધર્મશાસ્ત્રના પ્રણેતા : મૂળ નામ નુઅમાન બિન સાબિત. પણ અબૂ હનીફાને નામે અને ‘ઇમામ આઝમ’ના ઇલકાબથી પ્રસિદ્ધ. મહાન ધર્મજ્ઞાની. જ્ઞાન, બુદ્ધિમત્તા અને સ્વભાવની સહિષ્ણુતા પરત્વે અજોડ. ઇસ્લામી ધર્મશાસ્ત્રના બંધારણ માટે તેમના ઘડેલા નિયમો વિશાળ લક્ષ્ય ધરાવે છે. તે તેમનું ચિરંજીવ અર્પણ. ઇમામ મુહમ્મદ અને ઇમામ અબૂ યૂસુફ તેમના બે મહાન શિષ્યો હતા. ‘ફતાવાએ આલમગીરી’ હનફી ધર્મશાસ્ત્રનો એક ઉત્તમ ગ્રંથ છે. ભારત અને પાકિસ્તાનના મુસલમાનોમાં સુન્ની હનફી સંપ્રદાય બહુમતી ધરાવે છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ