અબૂ યૂસુફ (કાઝી) (731-798) : અરબી ધર્મગુરુ. નામ યાકૂબ બિન ઇબ્રાહીમ અન્સારી–કૂફી. અટક અબૂ યૂસુફ. ઇમામ અબૂ યૂસુફને નામે જાણીતા. એમના ગુરુ ઇમામ અબૂ હનીફા (આઠમી સદી). તેઓ હનફી સુન્ની સંપ્રદાયના ઇમામ હતા. ઇસ્લામી ધર્મશાસ્ત્ર અને કાનૂનમાં નિષ્ણાત. બગદાદમાં તેમની કાઝી તરીકે નિમણૂક થયેલી. તેમણે અબ્બાસી ખલીફા હાદી, મેહદી અને હારૂન રશીદના રાજ્યમાં કાઝીનું પદ ભોગવેલું. હારૂન અર્ રશીદે તેમને તેમની કુશળ કામગીરી માટે કાઝી ઉલ કુઝ્ઝાત(ઉચ્ચ ન્યાયાધીશ)ની પદવી આપેલી. આવી પદવી પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ હતા.
તેમણે રચેલો ‘કિતાબ અલ ખરાજ હનફી ફિકા’ (હનફી કાયદાશાસ્ત્ર) ગ્રંથ કાયદાના વિષયમાં પ્રમાણભૂત લેખાય છે. જાહેર દ્રવ્ય, કરવેરા અને દંડના નિયમો દર્શાવતો આકરગ્રંથ એમણે હારૂન અર્ રશીદની વિનંતીથી લખ્યો હતો. એમની અન્ય કૃતિઓમાં ‘કિતાબ અલ્ અત્હર’, ‘કિતાબ ઇખ્તિલાજ અબી હનીફા વ ઇબ્ન લયીદ’ તથા ‘કિતાબ અલ્ હિયાલ’ છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ