કાર્બનચક્ર (Carbon Cycle) : જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો (bio-geo-chemical cycles)માંનું એક.
શ્વસનતંત્રમાં દ્રવ્યોનું ભ્રમણ ચક્રીય પથમાં ઉપયોગમાં લેવાય છે. કાર્બનચક્રમાં વાતાવરણનો કાર્બન ડાયૉક્સાઇડ વનસ્પતિ દ્વારા થતા પ્રકાશસંશ્લેષણ વડે કાર્બોદિત દ્રવ્યોમાં ફેરવાય અને તેમાંથી સર્જાતાં દ્રવ્યો શક્તિપ્રાપ્તિ માટે ચયાપચયમાં વપરાય છે. લીલી વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય અંગારવાયુ (CO2) કાર્બનચક્રમાં પ્રવેશી, શ્વસન દરમિયાન થતાં કાર્બનિક સંયોજનોના વિઘટનથી વાતાવરણમાં પાછો ફરે છે.
સજીવોના મૃતદેહોના વિઘટનથી, જ્વાળામુખી ફાટતાં, ખડકોના ધોવાણમાં તથા બળતણ(કોલસો અને પેટ્રોલિયમ)ના ઉપયોગથી અંગારવાયુ મુક્ત થાય છે. આમ વનસ્પતિ વાતાવરણમાં અંગારવાયુનું યોગ્ય પ્રમાણ જાળવે છે.
બળતણના વધુ પડતા ઉપયોગને કારણે અને વનસ્પતિના અવિચારી નાશને કારણે કાર્બનની સમતુલા ખોરવાતાં હાનિકારક પરિણામો સાંપડે છે.
નરેન્દ્ર ઈ. દાણી