કારિસિમી, જિયાકોમો

January, 2006

કારિસિમી, જિયાકોમો (Carissimi, Giacomo) (જ. 18 એપ્રિલ 1605, રોમ, ઇટાલી; અ. 12 જાન્યુઆરી 1674, રોમ) : સત્તરમી સદીના ઇટાલીનો મહત્ત્વનો સંગીતકાર અને સ્વરનિયોજક; ઑરેટોરિયો સંગીત-સ્વરૂપનો જન્મદાતા.

ત્રીસ વરસની ઉંમરે તે રોમ ખાતેની જર્મન કૉલેજ ઑવ્ જેસ્યૂઇટ્સના ચૅપલ સાન ઍપૉલિનેરેનો સંગીત-દિગ્દર્શક બન્યો. મૃત્યુપર્યંત તે આ જ પદ ઉપર રહ્યો. ખાસી કમાણી તે કરતો છતાં ખૂબ કરકસરથી તેણે જીવન વ્યતીત કર્યું. આખી જિંદગી એની પ્રકૃતિ ઘણી રડમસ રહી.

ચર્ચમાં પઠન કરવામાં આવતા ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને બાઇબલમાં પઠનની સ્થાને ગાયકી ગોઠવીને તેણે નાટ્યાત્મક ઑરેટોરિયોનું રૂપ સર્જ્યું. જોકે તેમાં વિવિધ મુદ્રા સહિતની અદાકારી તથા વેશભૂષાનો સમાવેશ થતો નહિ. તેના ઑરેટોરિયોમાં અદાકારી નહિ હોવા છતાં નાટ્યાત્મકતાની ચરમસીમા પ્રાપ્ત થતી વિવેચકોને જોવા મળે છે. ‘બેલ્ટેઝેર’, ‘જેફટે’, ‘જોનાસ’ અને ‘જુડિશિયમ સેલોમોનિસ’ તેના શ્રેષ્ઠ ઑરેટોરિયો ગણાય છે. એણે થોડા કેન્ટાટા પણ લખ્યા છે.

કારિસિમીના શિષ્યો પણ ઝળકી ઊઠેલા. તેમાં જર્મન કર્લ, ક્રીગર તથા ફ્રેન્ચ શાર્પેન્તિયેનો સમાવેશ થાય છે.

અમિતાભ મડિયા