કારર, પૉલ (જ. 21 એપ્રિલ 1889, મૉસ્કો; અ. 18 જૂન 1971, ઝુરિક) : કૅરોટિનોઇડ અને ફ્લેવિન સંયોજનો તથા વિટામિન A અને B2નાં બંધારણ અંગે સંશોધન કરનાર સ્વિસ રસાયણવિદ. આ સંશોધન માટે તેમને 1937ના વર્ષનો નોબેલ પુરસ્કાર ગ્રેટ બ્રિટનના સર વૉલ્ટેર હેવર્થ (Walter Haworth) સાથે સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો હતો.
1908માં તેઓ આલ્ફ્રેડ વર્નરના હાથ નીચે કામ કરવા ઝુરિક યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1911માં નાઇટ્રોસો-પેન્ટામાઇનોકોબાલ્ટ ક્ષારો ઉપરના મહાનિબંધ બદલ ડૉક્ટરેટ પદવી પ્રાપ્ત કરી. એક વર્ષ બાદ તેઓ ફ્રૅન્કફર્ટ(Frankfurt am Main)માંની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એક્સપેરિમેન્ટલ થેરાપીમાં પૉલ અરલિક (Ehrlich) સાથે આર્સેનિકનાં કાર્બનિક સંયોજનો ઉપર કામ કરવા જોડાયા. 1918માં તે ઝુરિક ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે પરત આવ્યા અને 1919માં વર્નરની નિવૃત્તિ બાદ કેમિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક તરીકે નિમાયા અને નિવૃત્તિ સુધી તે પદે ચાલુ રહ્યા.
કારરના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર શર્કરાઓ અને પૉલિસેકેરાઇડ્ઝ જેવા વિરાટ અણુઓનું ઉત્સેચકો દ્વારા વિદારણ અને તેમના બંધારણનું સ્પષ્ટીકરણ હતું. સેલ્યુલોઝ રેસાઓનાં એમિનેશન ઉપરનાં તેમનાં કાર્ય દ્વારા રંગવાની ક્રિયા સમજવામાં સારી મદદ મળી છે.
1926માં કારરે વનસ્પતિજ વર્ણકો (pigments) ખાસ કરીને ગાજરમાંના પીળા રંગ સાથે સંકળાયેલ કૅરોટિનૉઇડો તથા લાયકોપિન અને ઝેન્થોફિલનો અગ્રયાયી (pioneering) અભ્યાસ શરૂ કર્યો. તેમણે આ પદાર્થોનાં રાસાયણિક બંધારણ વર્ણવ્યાં અને બતાવ્યું કે તેમાંના કેટલાક શરીરમાં વિટામિન Aમાં ફેરવાય છે. 1930 સુધીમાં તેમણે આલ્ફા અને બીટા કૅરોટિનનાં બંધારણ પ્રસ્થાપિત કર્યાં હતાં અને બતાવેલું કે કૅરોટિનૉઇડ વર્ણકો મૂળભૂત રીતે આઠ આઇસોપ્રિન એકમોમાંથી રચાય છે. કૅરોટિનૉઇડ ઉપરનાં તેમનાં સંશોધનો (1931) તેમને કોડ લિવર તેલમાંથી વિટામિન Aને અલગ કરવા તરફ દોરી ગયાં.
1931માં કારરે બતાવ્યું કે વિટામિન A1(C20H29OH)ની સંરચના એ કૅરોટિનના અર્ધઅણુની ઑક્સિડેશન-નીપજ છે. આલ્બર્ટ ઝેન્ટગ્યૉર્ગી(SzentGyorgyi)એ સૂચવેલાં વિટામિન Cના બંધારણને પુષ્ટિ આપી. તેમણે વિટામિન B2 (રિબૉફ્લેવિન) (1935), B12 અને વિટામિન E (ટૉકોફેરોલ) (1938)નાં બંધારણો નક્કી કર્યાં અને સંશ્લેષણ દ્વારા તેને સમર્થન આપ્યું. ક્યુરેર અને અન્ય આલ્કેલૉઇડોનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન તેમણે બ્રોમિનેશન માટે બ્રોમિન સક્સિનિમાઇડ અને રિડક્શન માટે લિથિયમ ઍલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો વિશિષ્ટ ઉપયોગ કર્યો હતો. કોએન્ઝાઇમની (સહ-ઉત્સેચકની) રાસાયણિક પ્રકૃતિનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો.
1927માં તેમનું પુસ્તક Lehrbuch der Organischen Chemieની પ્રથમ આવૃત્તિ બહાર પડી, પણ માંગ એટલી બધી હતી કે બાર આવૃત્તિઓ બહાર પાડવી પડી હતી. 1948માં તેમણે Monographie Über Carotenoide નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.
જ. દા. તલાટી