કામરાજ યોજના (1963) : પક્ષને સુર્દઢ કરવા કેટલાક અગ્રણી નેતાઓએ સરકારમાંનાં સત્તાસ્થાનોએથી રાજીનામું આપવાની કામરાજપ્રેરિત યોજના. કૉન્ગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે કામરાજ યોજના અમલમાં મુકાઈ હતી. અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિએ 10 ઑગસ્ટ 1963ના રોજ કામરાજ યોજના અંગેના ઠરાવને મંજૂરીની મહોર મારી હતી. તે અંગેનો પ્રસ્તાવ તે સમયના ચેન્નાઈ રાજ્યના મુખ્ય પ્રધાન કે. કામરાજે કૉન્ગ્રેસ સમિતિમાં રજૂ કર્યો હતો અને તેને તે સમયના કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતાના પ્રધાન શ્રી એસ. કે. પાટીલે ટેકો આપ્યો હતો. પ્રધાનમંડળના ઊંચા સ્થાન પર બેઠેલા કૉન્ગ્રેસ પક્ષના વરિષ્ઠ સભ્યો પોતાના ઊંચા હોદ્દાનો સ્વૈચ્છિક ત્યાગ કરી પોતાની બધી જ શક્તિ અને સમય પક્ષના સંગઠનના કાર્યમાં કામે લગાડે એ પ્રકારનો મુખ્ય ઉદ્દેશ આ યોજનાનો હતો. કૉન્ગ્રેસ સંગઠનમાં ર્દષ્ટિગોચર થયેલ જૂથવાદ અને ફાટફૂટને રોકવાનો પણ આ એક પ્રયાસ હતો. કૉન્ગ્રેસ સમિતિએ કામરાજ યોજના અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. ઠરાવ પસાર થયા પછી કેન્દ્ર અને રાજ્યોમાં કૉન્ગ્રેસ પક્ષના બધા જ પ્રધાનોએ પોતાના હોદ્દાનાં રાજીનામાં કૉન્ગ્રેસ કારોબારી સમિતિને મોકલી આપ્યાં હતાં. કોનાં રાજીનામાં સ્વીકારવાં તે અંગેનો નિર્ણય લેવાની સત્તા આ સમિતિએ પક્ષના પ્રમુખ પંડિત જવાહરલાલ નહેરુને આપી હતી. 1963ની 24 ઑગસ્ટે પંડિત નહેરુએ જે છ કેન્દ્રીય કૅબિનેટ પ્રધાનો અને છ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પક્ષનું સંસ્થાકીય કાર્ય સોંપવાનું હતું, તેમની યાદી કારોબારી સમિતિ સમક્ષ રજૂ કરી હતી. કારોબારી સમિતિએ પંડિત નહેરુની આ ભલામણ મુજબ આ બાર વરિષ્ઠ નેતાઓનાં રાજીનામાં મંજૂર કર્યાં હતાં.
કામરાજ યોજના મુજબ મોરારજી દેસાઈ, લાલબહાદુર શાસ્ત્રી, બાબુ જગજીવનરામ, એસ. કે. પાટીલ, બી. ગોપાલ રેડ્ડી અને ડૉ. ગોપાલ રેડ્ડી – એ છ કેન્દ્રીય પ્રધાનો અને ચેન્નાઈના કામરાજ, ઓરિસાના બિજુ પટનાયક, કાશ્મીરના બક્ષી ગુલામ મહંમદ, યુ.પી.ના સી. બી. ગુપ્તા, બિહારના વિનોદાનંદ જહા અને મધ્યપ્રદેશના બી. એ. મંડલોઈ એ છ મુખ્ય પ્રધાનોએ પક્ષના સંસ્થાકીય કાર્ય માટે ઊંચા હોદ્દા ઉપરથી દૂર થવું પડ્યું હતું. આ યોજનાએ તે સમયે દેશવ્યાપી ધ્યાન ખેંચ્યું હતું. તે અંગે સર્જાયેલા વિવાદને ઘણાં વર્તમાનપત્રોના તંત્રીલેખોએ વાચા આપી હતી. કામરાજ યોજનાએ કૉન્ગ્રેસ પક્ષના સંગઠનનો પ્રભાવ અને અગત્ય વધારવામાં મોટો ફાળો આપ્યો હતો.
રાજેશ ધીરજભાઈ બ્રહ્મભટ્ટ