કામદાર, કેશવલાલ હિંમતલાલ
January, 2006
કામદાર, કેશવલાલ હિંમતલાલ [જ. 15 એપ્રિલ 1891, રાજકોટ; અ. 25 નવેમ્બર 1976, વડોદરા (?)] : ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ. ગોંડળના વતની. દશા શ્રીમાળી સ્થાનકવાસી. એમનો પરિવાર રાવ કુંભાજીના વખતમાં બગસરાથી ગોંડળ આવી વસ્યો અને રાજ્ય તેમજ પ્રજાહિતનાં કાર્યો કરી ગોંડળમાં એક અગ્રેસર શેઠકુટુંબ તરીકે પ્રતિષ્ઠા પામ્યો.
કેશવલાલનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડળમાં અને ઉચ્ચ શિક્ષણ જૂનાગઢ, અમદાવાદ અને પુણેમાં થયું. 1912માં પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષયો સાથે બી.એ. થયા. 1916માં એમ.એ. થયા. આ ઉચ્ચ અભ્યાસ દરમિયાન તેમને (1) કહાનદાસ મંછારામ અને (2) ધીરજલાલ મથુરદાસ – એ બે સ્કૉલરશિપો મળતી હતી. 1918માં તેઓ સૂરતની સાર્વજનિક કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે અને બીજા વર્ષે બરોડા કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા. ત્યાં નિવૃત્ત થતાં સુધી કામગીરી બજાવતા રહ્યા.
રામનારાયણ પાઠક અને વિજયરાય વૈદ્ય જેવા વિદ્વાનોની પ્રેરણાથી તેમણે ‘શરદચંદ્ર’ના ઉપનામથી ‘વસંત’, ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ જેવાં સામયિકોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજકારણને સ્પર્શતા લેખો લખવા માંડ્યા. ‘ગુર્જરરાષ્ટ્ર’ના ઉપનામથી 1930ના સત્યાગ્રહની તાત્વિક ચર્ચા કરતા લેખો પણ પ્રગટ કર્યા. તેમનાં પુસ્તકોમાં ‘સરસ્વતીચંદ્રનું રાજકારણ’, ‘ગુજરાતના સંસ્કારિત્વનું ઘડતર’, ‘દિગ્વિજયી જંગીસખાં’, ‘અકબર’ તેમજ ‘ગુજરાતનો સોલંકીયુગ’ જેવા સ્વાધ્યાયપૂર્ણ લેખો ધરાવતો ‘સ્વાધ્યાય 12’ નામનો લેખસંગ્રહ (1940), ‘હિન્દુસ્તાનનો શાળોપયોગી ઇતિહાસ’ (1926), ‘હિંદની પ્રજાનો ટૂંકો ઇતિહાસ’ (1927), ‘અ હિસ્ટરી ઑવ્ મુઘલ રુલ ઇન ઇન્ડિયા’ (1928), ‘બ્રિટિશ લોકોનો ઇતિહાસ’ (1929), ‘અર્થશાસ્ત્ર’ (1933), ‘સ્વાધ્યાય અવબોધિકા’ (1934) તેમજ ‘ગુજરાતની ઇતિહાસસમૃદ્ધિ’(1944)નો સમાવેશ થાય છે.
કેશવલાલે ‘ગ્રામજીવન’ માસિકના તંત્રી તરીકેની કામગીરી પણ થોડો સમય બજાવી હતી. 1964થી 1966 દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી. તેમના અધ્યક્ષસ્થાને વડોદરા મુકામે યોજાયેલા અધિવેશનમાં ઇતિહાસવિદ્યાને વાસ્તવિક રીતે સમજી ભારત તેમજ ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિનું અખંડ દર્શન કરવા અંગેના તેમના વિચારો ભારે પ્રશંસા પામ્યા હતા.
પ્રવીણચંદ્ર પરીખ