કાનોવા, ઍન્તૉનિયો (જ. 1 નવેમ્બર 1757, પોસાન્યો, વેનિસ નજીક, ઇટાલી; અ. 13 ઑક્ટોબર 1822, વેનિસ, ઇટાલી) : નવપ્રશિષ્ટ ઇટાલિયન શિલ્પી.
પિતા કડિયા હતા. પિતાનું મૃત્યુ 1761માં થતા દાદાએ કાનોવાને ઉછેરીને મોટો કર્યો. દાદા પણ કડિયા હતા. અગિયાર વરસની ઉંમરે 1768માં ‘તોરેતી’ તખલ્લુસ ધરાવતા જ્વેસેપે બર્નાર્દી નામના શિલ્પી પાસે શિલ્પકલા શીખવા માટે કાનોવા પાન્યાનો ગયો. એ જ વર્ષે બર્નાર્દીએ સ્ટુડિયો પાન્યાનોથી વેનિસ ખસેડતાં કાનોવા તેની સાથે વેનિસ ગયો. વેનિસમાં જીવંત નગ્ન માનવ મૉડેલનો અભ્યાસ કર્યો.
1775માં કાનોવાએ વેનિસમાં પોતાનો સ્વતંત્ર સ્ટુડિયો ઊભો કર્યો. ‘વેનેશિયન રિપબ્લિક’ માટે તેણે આરસમાંથી શિલ્પ ‘દાયદાલુસ ઍન્ડ ઇકૅરુસ (Daedalus and Icarus)’ કંડાર્યું. તેમાં કંડારેલી માનવઆકૃતિઓ સમકાલીનોને એટલી જીવંત જણાઈ કે કાનોવાએ જીવંત મૉડલો પરથી કાસ્ટિન્ગ કર્યું હોવાનો આક્ષેપ તેમણે મૂક્યો.
1779 અને 1780નાં વર્ષો કાનોવાએ રોમમાં વિતાવ્યાં. અહીં તે સ્કૉટિશ ચિત્રકાર ગૅવિન હેમિલ્ટનને મળ્યો. હેમિલ્ટને પ્રાચીન રોમન કલાકૃતિઓમાં કાનોવાને ઊંડો રસ લેતો કર્યો. પ્રાચીન નગરો પૉમ્પેઈ, પાસ્તુમ, હર્ક્યુલેનિયમનાં પુરાતત્વકીય સ્થળો તથા નેપલ્સની કાનોવાએ મુલાકાત લીધી. ટૂંકા ગાળા માટે તે 1781માં વેનિસ આવ્યો, પણ ફરી પાછો તે રોમ ગયો; જ્યાં તેણે બાકીની સમગ્ર જિંદગી પસાર કરી. બીજા ચિત્રકારો અને શિલ્પીઓ તરફ કાનોવાનું વર્તન હંમેશાં ખૂબ જ સહાનુકંપાભર્યું રહેતું. એમના માટે કલાના ઘરાકો અને આશ્રયદાતાઓ શોધવા માટે તે હંમેશાં સક્રિય રહેતો.
કાનોવાએ 1783માં સાન્તા એપોસ્તોલી ચર્ચમાં પોપ ક્લેમેન્ત ચૌદમાની કબર કંડારી. એ જ વર્ષે સેન્ટ પીટર્સ કેથીડ્રલમાં પોપ ક્લેમેન્ત તેરમાની કબર કંડારવી શરૂ કરી, જે 1792માં પૂરી કરી. પ્રાચીન ખંડેરોની તેની યાત્રા પછી પ્રાચીન ગ્રેકોરોમન કલાની સ્પષ્ટ અસર આ બે કબરો પર જોવા મળે છે.
1798માં રોમ ઉપર ફ્રેન્ચ આક્રમણ થતાં કાનોવા ભાગી છૂટ્યો. વિયેનામાં તેણે ઑગસ્ટિનેર્કિર્ખ (Augustinerkirche) મેમૉરિયલમાં મારિયા ક્રિસ્ટિનાની કબરયાત્રાને આલેખતું શોકગ્રસ્ત શિલ્પ કંડાર્યું. પોપની ઇચ્છાને માન આપીને તે પૅરિસ ગયો અને જૉસેફ બોનાપાર્તેનો દરબારી શિલ્પી બન્યો. 1806માં જૉસેફની ઇચ્છાનુસાર કાનોવાએ નેપોલિયોં બોનાપાર્તેનું બસ્ટ-શિલ્પ તથા સમગ્ર શરીરને દર્શાવતું નેપોલિયોંનું એક ઘોડેસવાર-શિલ્પ આરસમાંથી કંડાર્યાં.
1807માં કાનોવાએ નેપોલિયોં બોનાપાર્તેનાં બહેન પૉલીન બૉર્ગીઝ(Pauline Borghese)ને સોફા પર નગ્ન અવસ્થામાં આડી પડેલી આરસમાં કંડારી. આ શિલ્પને કાનોવાએ ‘વિનસ વિક્ટ્રિક્સ (Venus Victrix)’ નામ આપીને પ્રશિષ્ટ ગ્રેકોરોમન સંદર્ભ આ શિલ્પમાં મૂક્યો. 1811માં કાનોવાએ નેપોલિયોં બોનાપાર્તેના બે વિરાટકાય નગ્ન શિલ્પ કંડાર્યાં. આ બંને શિલ્પોમાં નેપોલિયોંને પ્રાચીન ગ્રીક નાયક જેવો દર્શાવ્યો. આ ઉપરાંત ગ્રેકોરોમન પુરાકથાઓમાંથી પ્રેરણા લઈને બીજાં બે શિલ્પ ‘‘પર્સ્યુસ વિથ મેડુસા’ઝ હેડ’’ અને ‘પુગિલિસ્ટ્સ’ પણ કંડાર્યાં.
1815માં કાનોવા લંડન ગયો અને ત્યાં પ્રિન્સ રિજન્ટે (જે પછી જ્યૉર્જ ચોથો બન્યો) તેની પાસે ‘વિનસ ઍન્ડ માર્સ’ શિલ્પ કંડારાવ્યું. 1820માં કાનોવાએ જ્યૉર્જ વૉશિંગ્ટનનું શિલ્પ પણ કંડાર્યું, જે 1830માં નાશ પામ્યું.
અમિતાભ મડિયા