કાત્યાયન શ્રૌતસૂત્ર

January, 2006

કાત્યાયન શ્રૌતસૂત્ર : શ્રૌતકલ્પનું નિરૂપણ કરનારું શુક્લ યજુર્વેદનું સૂત્ર. તેમાં અગ્ન્યાધાનથી આરંભી અશ્વમેધ, પુરુષમેધ અને સોમયાગ પર્યન્તના યાગોનું વિગતે નિરૂપણ છે. યજુર્વેદ અધ્વર્યુવેદ છે તેથી આ શ્રૌતસૂત્રમાં અધ્વર્યુકર્મોનું વિશેષે નિરૂપણ છે. સામવેદીય કલ્પોમાં નિરૂપિત કેટલાંક કર્મોનો નિર્દેશ યત્રતત્ર છે. વિગતોની ર્દષ્ટિએ આ શ્રૌતસૂત્ર અન્ય વેદોનાં સૂત્રો કરતાં વિસ્તૃત છે.

કાત્યાયન શ્રૌતસૂત્રના રચયિતા કાત્યાયન અને પાણિનીય અષ્ટાધ્યાયી પર વાર્તિક રચનાર તથા સ્મૃતિકાર કાત્યાયન એ સર્વ એક હોવાનો કેટલાકનો મત છે. પારસ્કર ગૃહ્યસૂત્ર રચનાર કાત્યાયન હતા. કાત્યાયન તેમનું ગોત્રનામ તથા પારસ્કર તેમનું અભિધાન હતું એમ પણ કેટલાકનું કહેવું છે. શુલ્બસૂત્ર અને શ્રાદ્ધકલ્પ વગેરે નાનાં પરિશિષ્ટો પણ તેમણે રચ્યાં છે. કાત્યાયન ગોત્રકાર અને શુક્લ યજુર્વેદની કાત્યાયન શાખાના પ્રવર્તક મનાયા છે.

કાત્યાયન શ્રૌતસૂત્રના છવ્વીસ અધ્યાય છે. અધ્યાયો કંડિકાઓમાં વિભક્ત છે અને કંડિકાઓમાં સૂત્રો છે. તેનો પ્રથમ અધ્યાય પરિભાષાઓનો છે. તેમાં શ્રૌતકર્મના અધિકારી અને યજ્ઞસ્વરૂપનું નિરૂપણ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શ્રોત્રિયને શ્રૌતકર્મનો અધિકાર છે. વિકલાંગ, અશ્રોત્રિય ષંઢને શ્રૌતકર્મનો અધિકાર નથી. સ્ત્રીને અગ્નિહોત્રાદિ કેટલાંક કર્મોનો અધિકાર છે. રથકાર (સુથાર) અગ્ન્યાધાન કરી શકે. નિષાદ સ્થપતિ (ગ્રામમુખ્ય) ત્રૈવર્ણિક ન હોય તોપણ ગવેધુક(યવ)ના ચરુથી યજ્ઞ કરવાનો અધિકારી છે. બ્રહ્મચારી વ્રતસ્ખલન થતાં અવકીર્ણી પ્રાયશ્ચિત્ત તરીકે ગર્દભેજ્યા કરી શકે. શ્રૌતકર્મો આહિત અગ્નિમાં થાય. ઔપાસન અગ્નિમાં પિતૃમેધ જેવાં કેટલાંક શ્રૌતકર્મો થઈ શકે છે. યજ્ઞ એટલે દ્રવ્ય, દેવતા અને ત્યાગ. ઇન્દ્રાદિ દેવતાઓને પુરોડાશચરુમાં આજ્ય આદિ દ્રવ્યોનો વષટ્કારપૂર્વક કે સ્વાહાકારપૂર્વક ત્યાગ  અર્પણ તે યજ્ઞ. કામ્ય યજ્ઞો માટે કાલનિયમ નથી, પણ દર્શપૌર્ણમાસ, આધાન, ચાતુર્માસ્ય, આગ્રયણ આદિ કર્મો નિયત કાલે જ કરવાં જોઈએ. જે તે યજ્ઞકર્મમાં નિયત યજ્ઞસંભાર યથાશક્તિ પ્રાપ્ત કરવા જોઈએ. અનિયમિત યજ્ઞનું ફળ ન મળે. કર્મ માટે જે દ્રવ્યનું વિધાન હોય તે ન મળે તો એ કર્મ ન થઈ શકે. ‘વ્રીહિ વડે યજ્ઞ કરવો’ એ કર્મમાં વ્રીહિ ન મળે તો તે કર્મ ન થાય. યાગોમાં કર્મવિધિના પૌર્વાપર્યનો નિશ્ચિત ક્રમ હોય છે.

ફલ, દેવતા, દ્રવ્ય, દેશકાલ સમાન હોય તેવાં કર્મો એકસાથે થઈ શકે. તેને તંત્ર કહેવાય. ભિન્ન કર્મવાળાં કર્મો એકતંત્રે ન થાય. દર્શપૌર્ણમાસ આદિ કર્મો ઋત્વિજોએ જ કરવાં જોઈએ. પુરોડાશ આદિમાં વ્રીહિ, યવ વગેરે દ્રવ્યોનો સંકર ન થાય. મંત્રો સંહિતાપાઠાનુસાર સસ્વર ભણવા અથવા ભાષિક સ્વરથી ભણવા. એકશ્રુતિપાઠ પણ ચાલે. ઋક્, યજુ, સામ અને નિગદ  એ મંત્રો કહેવાય. પ્રૈષો પણ મંત્રો ગણાય. દ્વિતીય અને તૃતીય અધ્યાયમાં પહેલાં પૌર્ણ માસનું વિગતે નિરૂપણ છે. ચતુર્થમાં પિંડપિતૃયજ્ઞ અને દર્શેષ્ટિનું નિરૂપણ છે. દર્શેષ્ટિ સાથે દાક્ષાયણ યાગ, ઉપાંશુ કર્મો, વ્રીહિ અને યવનું આગ્રયણ (નવાન્ન ઇષ્ટિ) અગ્ન્યાધેય કર્મમાં મંથન, પુનરાધેય, ઉપસ્થાન, વાત્સપ્ર ઉપસ્થાન અને અગ્નિહોત્રનું નિરૂપણ છે. પંચમ અધ્યાયમાં ચાતુર્માસ્યનાં વૈશ્વદેવ, વરુણપ્રઘાસ, શાકમેધ પર્વો તથા પિતૃમેધ, ત્રૈયમ્બક હોમ અને શુનાસીરીય પર્વ, મિત્રવિન્દા ઇષ્ટિનું નિરૂપણ છે. ષષ્ઠ અધ્યાયમાં નિરૂઢ પશુબંધ હવિર્યાગનું વિગતે નિરૂપણ અને પશુહોમની વિગતો છે. સપ્તમ અધ્યાયથી દ્વાદશ અધ્યાય સુધીમાં જ્યોતિષ્ટોમ સોમયાગોનું ત્રણેય સવનોનું અને સોમક્રયણથી આરંભી હોમપર્યન્તનું; ત્રયોદશ અધ્યાયમાં ગવામયન નામના વાર્ષિક સત્રનું અને ચતુર્દશમાં વાજપેયનું સ્વતંત્ર નિરૂપણ છે. પંદરમાંથી રાજસૂયનું નિરૂપણ શરૂ થઈ તેમાં અગ્નિસ્થાન-નિર્માણ, શતરુદ્રીય હોમ આદિનું નિરૂપણ અઢારમા અધ્યાય પર્યંત છે. ઓગણીસમા અધ્યાયમાં સૌત્રામણીનું; વીસમા અધ્યાયમાં અશ્વમેધનું અને એકવીસમા અધ્યાયમાં પુરુષમેધ, સર્વમેધ, સાંવત્સરિક પિતૃમેધ અને તેમાં આવતા સીતાકર્ષણ વિધિનું નિરૂપણ છે. બાવીસમા અધ્યાયમાં છાન્દોગ્યવેદવિહિત એકાહ આદિ યજ્ઞો, વ્રાત્યસ્તોમ, પૃષ્ઠ્ય ષડહ અને વિવિધ દીક્ષણીયા ઇષ્ટિઓનું નિરૂપણ છે. ત્રેવીસમા અધ્યાયમાં અહીન યાગો જેવા કે ત્ર્યહ, પંચાહ, ષડહ યાગો તથા ઉપસદ્ આદિનું નિરૂપણ છે. ચોવીસમા અધ્યાયમાં દ્વાદશરાત્રથી આરંભી ષોડશરાત્ર વગેરે રાત્રિસત્રો, કૌસુરબિન્દત્ર્યહ, સવનસંતનિયાગ, પ્રાયશ્ચિત્ત સત્ર, શાલાસદસ્ હવિર્ધાનમંડપ, આગ્નીધ્રીય વગેરેની તેમજ તુરાયણસત્રની વિગતો છે. પચીસમા અધ્યાયમાં વિવિધ પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ છે.

હોમકાલે ગાર્હપત્યાગ્નિ શાન્ત થઈ જાય કે મંથન દ્વારા અગ્નિ પ્રગટ ન થઈ શકે તેમ હોય ત્યારે કરણીય કર્મ, બ્રાહ્મણહસ્તે હોમ વગેરેનું નિરૂપણ, પુરોડાશ કપાલ નષ્ટ થાય તો કરવાનું કર્મ, યજ્ઞ દરમિયાન યજમાનનું મૃત્યુ થાય ત્યારે તેની અંત્યેષ્ટિ અને અસ્થિસંચયન આદિ વિધિનું નિરૂપણ, ઉપાકૃત પશુ નાસી જાય ત્યારે કરવાનું કર્મ, પ્રાત: સવનમાં ઉપયોગમાં લીધા પછી વધારાના સોમરસ અંગેનું કર્મ, ઉષા (ચરુ વગેરે રાંધવાની તપેલી) પકડતાં કોઈનું મૃત્યુ થાય ત્યારે કરવાનો વિધિ વગેરે અનેક પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ આ અધ્યાયમાં છે. પ્રસંગવશ અશ્વમેધ વગેરેમાં પણ પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. છેલ્લા છવ્વીસમા અધ્યાયમાં પ્રવર્ગ્ય વિધાનનું નિરૂપણ છે.

નટવરલાલ યાજ્ઞિક