કાત્રક, સોરાબજી મહેરવાનજી

January, 2006

કાત્રક, સોરાબજી મહેરવાનજી (જ. 1870; અ. 1929 ?) : ગુજરાતી રંગભૂમિના નટ અને દિગ્દર્શક. તેમના પિતા પારસી ધર્મગુરુ હતા અને તેમની ઇચ્છા સોરાબજીને મોબેદ (ધર્મગુરુ) બનાવવાની હતી. સોરાબજી અભ્યાસમાં મૅટ્રિક સુધી પહોંચી શક્યા નહિ પણ વાચનના ખૂબ શોખીન હતા. શેક્સપિયરનું ‘હૅમ્લેટ’ નાટક તેમણે મોડી રાતે ઘર બહાર ગલીના ફાનસના અજવાળે વાંચી પૂરું કર્યું હતું. નાટકના પ્રખ્યાત કલાકાર, દિગ્દર્શક સોરાબજી ઓગરાએ કાત્રકને રંગભૂમિની દુનિયાનું ઘેલું લગાડ્યું. દાદાભાઈ ઠૂઠીએ કાત્રકને પંદર વર્ષની વયે ખાનસાહેબ નસરવાનજીકૃત ‘ગુલ બંકાવલી’માં ઉતાર્યા. તે પછી ‘હામાન’ નાટકમાં તેમને ભૂમિકા મળી. સોરાબજી ઓગરા કાત્રકને ન્યૂ આલ્ફ્રેડ થિયેટ્રિકલ કંપનીમાં લઈ ગયા અને ‘દિલ ફરોશ’માં ઝાર-ઍન્ટોનિયોનું જવાબદારીભર્યું પાત્ર સોંપ્યું અને કાત્રકે ગાયેલાં ગીતો ખૂબ વખણાયાં. ‘ભૂલભુલૈયા’માં કાત્રકને શમ્સનું પાત્ર અપાયું. પારસી-ઇમ્પીરિયલ થિયેટ્રિકલ કંપનીના ‘હૂરે અરબ’ નાટકમાં ખલનાયક શમ્માસનું પાત્ર ભજવતાં કાત્રકને આવેશમય અભિનય કરતાં દર્દનો હુમલો થયો હતો. ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ના દિગ્દર્શક દયાશંકર વસનજીએ એમને સહ-દિગ્દર્શક બનાવી ‘કરણઘેલો’ નાટકમાં ‘અલેફખાં’ની ભૂમિકા આપી. 16-12-1897ના રોજ કાત્રકના લાભાર્થે એ નાટક ભજવાયું હતું. મહાશંકર વેણીશંકર ભટ્ટે સ્થાપેલી ‘રૉયલ નાટક મંડળી’માં કાત્રકને બધી જવાબદારી સોંપાઈ. 1920માં ‘એક જ ભૂલ’માં કાત્રકના ગીત ‘આ દુનિયા છે જાદુની માયા’ પર પ્રેક્ષકો વારંવાર ‘વન્સ મોર’ માગતા. ‘રૉયલ’નાં બધાં નાટકોનું સફળ દિગ્દર્શન કાત્રકે કરેલું. 1929માં રૉયલ કંપની બંધ થઈ પછી તે રણજિત નાટક સમાજમાં દિગ્દર્શક તરીકે જોડાયા અને ત્યાં તેમને પ્રયોગદીઠ પુરસ્કાર મળતો. ‘એ કોનો વાંક ?’માં વૃદ્ધ કાત્રકને નકુભાઈ શેઠે આગ્રહથી ઉતાર્યા હતા.

કૃષ્ણવદન જેટલી