કાત્યાયન શુલ્બસૂત્ર : ઘરમાં કે ઘર બહાર કરવાના યજ્ઞો માટે મંડપ, વિવિધ વેદિઓ, ચિતિઓ આદિના નિર્માણ માટેનું શાસ્ત્ર. વૈદિક ધર્માચરણ યજ્ઞપ્રધાન છેåå. શ્રૌત અને ગૃહ્ય કલ્પોમાં વિવિધ હવિર્યજ્ઞો અને પાકયજ્ઞોનાં નિરૂપણ છે. શુલ્બસૂત્ર કલ્પનું એક અંગ છે. કાત્યાયન શુલ્બસૂત્ર તેના શ્રૌતસૂત્ર સાથે સંબદ્ધ છે. તેમાં ભૂમિમાપન, તેનાં સાધનો અને તેમના ગણિતશુદ્ધ પ્રયોગનું નિરૂપણ છે. મંડપનિર્માણ માટે પ્રાચીસાધન કરવું, શુલ્બ(પ્રમાણરજ્જુ)નો પ્રયોગ કરવો, મંડપમાં અગ્નિઓનાં સ્થાન નક્કી કરવાં, વેદિઓ, ચિતિ વગેરેનું નિર્માણ કરવું, હવિર્ધાની (હવિર્દ્રવ્યોનું સંગ્રહસ્થાન), ઉત્કર (હર્વિદ્રવ્યો, પૂજાદ્રવ્યો વગેરેનો કચરો નાખવાનું સ્થાન) વગેરેનાં સ્થાન અને પ્રમાણ, અગ્નિઓ માટેના સ્થંડિલો કે કુંડનો આકાર, તેમનું પ્રમાણ આદિ વિષયો તેમાં ચર્ચાયેલા છે.
કાત્યાયન શુલ્બસૂત્રની સાત કંડિકાઓમાંની પહેલી છ સૂત્રાત્મક છે. તેમાં કુલ એકસોબે સૂત્રો છે. સાતમી કંડિકામાં ઓગણચાલીસ પદ્યો છે. કાત્યાયન શુલ્બસૂત્રના બે ભાષ્યકારો – કર્ક અને મહીધરે આ પદ્યોને છઠ્ઠી કંડિકાના ભાષ્યને અંતે भवन्ति चात्र श्लोकाः એમ કહી ઉતાર્યા છે. તેથી લાગે છે કે એ કાત્યાયનની રચના નહિ હોય.
પ્રથમ કંડિકામાં શુલ્બ માનસૂત્ર(માપ માટેની દોરી)નો પ્રયોગ કરવાની રીત, પ્રાચીસાધન (પૂર્વદિશા નિશ્ચિત કરવી તે), ચતુરસ્રના અંશ (ઉપરના ખૂણા) અને શ્રોણીઓ(નીચેના ખૂણા)નો નિશ્ચય શકટમુખચયનમાં શ્રોણીના સ્થાનનો નિશ્ચય, પ્રાગ્વંશ (પૂર્વપશ્ચિમ રાખેલો વાંસનો મોભ), શાલા, સદસ્(સદસ્યોની બેઠક)નાં પ્રમાણ, ઉદીચી સાધન, ગાર્હપત્યાદિ ત્રણ અગ્નિઓનાં સ્થાન આદિના સાધનપ્રકારનું નિરૂપણ છે. દ્વિતીય કંડિકામાં રથસંમિત (રથ આકારની) અને પૈતૃમેધિક (પિતૃમેધયજ્ઞની) વેદિનાં પ્રમાણો, યજ્ઞભૂમિના ક્ષેત્રનું માપન, ક્ષેત્રત્રિગુણીકરણ અને તૃતીયાંશકરણની રીત આદિનું નિરૂપણ છે. તૃતીય કંડિકામાં વિવિધ પ્રમાણનાં ચતુરસ્રોનું સમીકરણ, ક્ષેત્રફળ જાણવાનો ઉપાય, વૃત્ત આદિ વિષયો નિરૂપાયા છે. ચતુર્થ કંડિકામાં વિવિધ અગ્નિઓ અને અગ્નિસ્થાનોના આકારપ્રકારનું નિરૂપણ છે. પંચમ કંડિકામાં અશ્વમેધ ચિતિની રચના, તે ચિતિમાં વપરાતી બૃહતી તથા પદમાત્રી નામે ઇષ્ટિકાઓ(ઈંટ)નાં પ્રમાણ, અરત્નિ આદિ પ્રમાણોનો પ્રયોગ આદિનું નિરૂપણ છે. છઠ્ઠી કંડિકામાં અગિયાર સ્તંભોવાળી શિખંડિની વેદિની રચના વર્ણવાઈ છે. સાતમી શ્લોકાત્મક કંડિકામાં પૌર્ણમાસી, સૌમિકી, સૌત્રામણી આદિ વેદિઓની રચના, સુકાવા તેમજ શેકાવાથી ઇષ્ટિકાનું પ્રમાણ ઘટે નહિ એ રીતે કરવાની પ્રમાણવૃદ્ધિ આદિ વિષયો છે.
શુલ્બસૂત્રો વૈદિક આર્યોના ભૌમિતિક જ્ઞાન અને રચનાકૌશલનાં પ્રત્યક્ષ ઉદાહરણો છે.
નટવરલાલ યાજ્ઞિક