કાત્જુ, કૈલાસનાથ

January, 2006

કાત્જુ, કૈલાસનાથ (જ. 17 જૂન 1887, જાવરા; અ. 17 ફેબ્રુઆરી 1968, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અગ્રગણ્ય કાયદાશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. હાલના મધ્યપ્રદેશના માળવા પ્રદેશમાં સ્થાયી થયેલા મધ્યમ વર્ગના કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો. 1905માં લાહોર યુનિવર્સિટીની વિનયનની પદવી મેળવી. 1906માં મૂર સેન્ટ્રલ કૉલેજમાંથી તેમણે વકીલની સનદી પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી તેમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ઉત્તરોત્તર અભ્યાસ કરીને તેમણે એલએલ.બી., એમ.એ., એલએલ.એમ. અને એલએલ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી.

શરૂઆતમાં થોડોક સમય કાનપુરમાં અને તે પછી અલ્લાહાબાદમાં વકીલાત કરી. અહીં તે પંડિત મોતીલાલ નેહરુ, દુર્ગાચરણ બૅનરજી વગેરે ધારાશાસ્ત્રીઓના સંપર્કમાં આવ્યા. મીરત કાવતરા કેસમાં બચાવ પક્ષના મુખ્ય વકીલ તરીકે તેમણે સેવા આપી. 1937માં રાજકારણમાં જોડાયા અને ઉત્તરપ્રદેશમાં ગોવિંદ વલ્લભ પંતના પ્રધાનમંડળમાં કાનૂન અને ન્યાય ખાતાના મંત્રી બન્યા. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે કૉંગ્રેસે વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો. તેમાં ભાગ લેવા માટે તેમને સજા થઈ અને તે પૂરી થતાં અટકાયતી ધારા નીચે તેમની ધરપકડ કરવામાં આવી. 1943માં કારાવાસમાંથી છૂટ્યા પછી ફરીથી વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી સ્વાતંત્ર્યપ્રાપ્તિ થતાં ઉત્તરપ્રદેશના નવા પ્રધાનમંડળમાં જોડાયા. ઓરિસા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અને રક્ષામંત્રી તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

રાજકારણમાંથી નિવૃત્તિ લીધા પછી અલ્લાહાબાદમાં સ્થાયી થયા હતા. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના અનુરાગી, દલિતવર્ગ તરફ અનુકંપાશીલ, શિક્ષણક્ષેત્રમાં ઊંડો રસ ધરાવતા અને સગાવાદના પ્રખર વિરોધી ડૉ. કાત્જુનું અંગત જીવન સાદું અને કરકસરયુક્ત હતું.

જયન્તિલાલ પો. જાની