કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ (જ. ઈ. પૂ. 84 ?; અ. ઈ. પૂ. 54 ?) : રોમન કવિ. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એક વાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં એમની વિદ્વત્તાનો પરિચય થાય છે. એ રોમમાં નવીન કવિઓના નેતા હતા. એ રોમના એક અગ્રણી રાજકીય નેતા મેતેલ્લુસના આમંત્રણથી યુવાનવયે રોમમાં વસ્યા હતા અને આરંભમાં એ મેતેલ્લુસના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. એ મેતેલ્લુસનાં મોહક, મેધાવી અને મહત્વાકાંક્ષી પત્ની ક્લાઉડિયાના પ્રેમમાં હતા. ક્લાઉડિયા એમનાથી વયમાં મોટાં હતાં. બંને વચ્ચે તીવ્ર, ઉત્કટ રોમૅન્ટિક પ્રેમ હતો. આ પ્રેમમાં એમને આરંભમાં સ્વર્ગના આનંદનો અને અંતમાં નરકની યાતનાનો અનુભવ થયો હતો. આ અનુભવની પ્રેરણાથી એમણે જે પ્રેમકાવ્યો રચ્યાં તે માત્ર રોમન કવિતામાં જ નહિ, પણ જગતકવિતામાં પણ વિરલ અને વિશિષ્ટ છે. આ પ્રેમકાવ્યોમાં પ્રેમનો અનુભવ એની સમગ્રતામાં પ્રગટ થાય છે. આ પ્રેમકાવ્યોને કારણે યુરોપીય પ્રેમકવિતાના ઇતિહાસમાં પુર:કાલીન ગ્રીક કવિ સાફો અને અનુકાલીન કવિઓ શેક્સપિયર, બૉદલેર, યેટ્સ આદિની સાથે એમનું સ્થાન છે. એ સિસેરો આદિ રોમના અનેક અગ્રણી નાગરિકો, નેતા, બૌદ્ધિકો અને કવિઓના મિત્ર હતા. ઈ. પૂ. 57-56 એમના ભાઈનું ટ્રૉયની નિકટ ત્રોઆદમાં અવસાન થયું હતું. વરસેક પછી એમની સમાધિ પર એમને અંજલિ અર્પણ કરવા અને ક્લાઉડિયાના પ્રેમના ત્રાસમાંથી મુક્ત થવા એમણે ત્રોઆદ અને પૂર્વના અનેક પ્રદેશોનો પોતાની અંગત યાદમાં પ્રવાસ કર્યો હતો અને એમના ભાઈ પર એક અત્યંત ઋજુ કરુણપ્રશસ્તિ રચી હતી. એમનાં પ્રેમકાવ્યોમાં ઉન્માદ અને ઉદ્રેક તથા સરળતા અને સુકુમારતા છે. આ એમની કવિતાનો વિશેષ છે. એમણે પ્રેમ ઉપરાંત કવિ, કવિતા, મૈત્રી, રાજકારણ આદિ વિષયો પર પણ કાવ્યો રચ્યાં છે. ઈ. પૂ. 54માં ત્રીસ વર્ષની વયે એ રોમમાંથી અને જગતમાંથી અલોપ થયા હતા. એમનું અવસાન ક્યાં, ક્યારે અને કેમ થયું એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એમના અવસાન પછી એમનાં કાવ્યો પણ એમની જેમ અલોપ થયાં હતાં. હજારેક વરસ લગી એમનાં કાવ્યોનો કોઈ પત્તો ન હતો. છેક ઈ. સ. 1300ની આસપાસ વેરોનામાં એક કલાલના ઘરમાં ભોંયરામાં દારૂના પીપમાંથી એમનાં કાવ્યોની હસ્તપ્રત અકસ્માત્ જડી આવી હતી. આમ એમનાં કાવ્યોએ હજારેક વરસનો અજ્ઞાતવાસ વેઠ્યો હતો. એમનાં કુલ 116 કાવ્યો ઉપલબ્ધ છે. સમગ્ર અનુકાલીન યુરોપની પ્રેમકવિતા પર એમની પ્રેમકવિતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ પણ પ્રબળ પ્રભાવ છે.
નિરંજન ભગત