અપહરણ : ભારતીય ફોજદારી ધારા મુજબ થતો એક ગુનો. ક. 359 મુજબ અપહરણના બે પ્રકાર છે : (1) ભારતમાંથી અપહરણ અને (2) કાયદેસરના વાલીપણામાંથી અપહરણ. ક. 360 મુજબ જો કોઈ માણસ બીજા માણસને તેની સંમતિ વગર અથવા તેની વતી કાયદેસર રીતે અધિકૃત માણસની સંમતિ વગર ભારતની સરહદોની બહાર લઈ જાય તો તેણે તેનું અપહરણ કર્યું કહેવાય. ક. 361 મુજબ જો કોઈ વ્યક્તિ 16 વર્ષથી નાના છોકરાને અથવા 18 વર્ષથી નાની છોકરીને અથવા કોઈ અસ્થિર મગજની વ્યક્તિને તેના કાયદેસરના વાલીની સંમતિ વગર તેના સંરક્ષણમાંથી લઈ જાય કે તેને લલચાવીને ભગાડે તો તેણે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું કહેવાય. કાયદેસરના વાલીના અર્થમાં એવી વ્યક્તિ કે જેને કાયદેસર રીતે સગીરની કે બીજા માણસની સંભાળ માટેની સોંપણી કરી હોય તેનો અને જે હકીકતમાં (de facto) વાલી હોય તેનો પણ સમાવેશ થાય છે. જે માણસ શુદ્ધબુદ્ધિથી માનતો હોય કે પોતે અનૌરસ બાળકનો પિતા છે અથવા શુદ્ધબુદ્ધિથી માનતો હોય કે પોતે આવા બાળકનો કાયદેસરનો કબજો રાખવાનો અધિકાર ધરાવે છે તેને આ કલમ લાગુ પડતી નથી, પરંતુ આવું કૃત્ય તેણે અનૈતિક કે ગેરકાયદેસર હેતુ માટે કર્યું હોય તો તે અપહરણનો ગુનો થાય.
કોઈ બાળક પોતાની સંમતિથી વાલીના જુલમમાંથી છૂટવા માટે બીજા માણસનું રક્ષણ લે તો તે અપહરણ ગણાય નહિ. હિન્દુ કાયદા પ્રમાણે સગીરનો કુદરતી વાલી પિતા ગણાય છે અને તેના મૃત્યુ પછી માતા ગણાય છે. સુન્ની મુસ્લિમ કાયદા મુજબ સાત વરસ સુધીના પુત્ર અને પંદર વર્ષ સુધીની પુત્રીની વાલી માતા અને ત્યારબાદ પિતા ગણાય છે. શિયા કાયદા મુજબ બે વરસ સુધીના પુત્ર અને સાત વર્ષ સુધીની પુત્રીની વાલી માતા અને ત્યારબાદ પિતા ગણાય છે.
અપહરણના ગુનાની સાબિતી માટે લઈ જનારનો હેતુ કે ઇરાદો ધ્યાનમાં લેવાતો નથી, પરંતુ સજાનું પ્રમાણ નક્કી કરવા માટે તે ધ્યાનમાં લઈ શકાય. ક. 363 મુજબ અપહરણના અપરાધ માટે સાત વરસ સુધીની સાદી કે સખત કેદની સજા તથા દંડ થઈ શકે.
છોટાલાલ છગનલાલ ત્રિવેદી