ઑસ્ટ્રેલિયન આલ્પ્સ : ઑસ્ટ્રેલિયાના પૂર્વકિનારે ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ(પૂર્વનો પહાડી પ્રદેશ)નો સૌથી ઊંચો અગ્નિકોણીય વિસ્તાર (જે મહદ્અંશે પૂર્વ વિક્ટોરિયા અને દ. પૂ. ન્યૂ સાઉથવેલ્સ રાજ્યોમાં પથરાયેલો છે). વિશાળ કદ ધરાવવા ઉપરાંત તેના ઊંચા ભાગો પાંચ-છ માસ સુધી હિમાચ્છાદિત રહે છે, જેને આધારે તેને ઑસ્ટ્રેલિયન આલ્પ્સ નામ અપાયું છે. તેનાં અનેક ભવ્ય શિખરો પૈકીનું સર્વોચ્ચ શિખર માઉન્ટ કૉસ્યુસ્કો 2230 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ શિખરની આસપાસના ભાગોમાં લગભગ 5372 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલા ‘કૉસ્યુસ્કો સ્ટેટ પાર્ક’માં પ્રવાસન અને શિયાળુ રમતો જેવી પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે. વિક્ટોરિયા અને ન્યૂ સાઉથવેલ્સ રાજ્યોની સીમા પર નદીઓના જળવિભાજક પ્રદેશો આવેલા છે, જ્યાંથી મરે અને તેની શાખારૂપ નદીઓનાં વહેણ પશ્ચિમ તરફ અને સ્નોઈ તથા અન્ય નદીઓનાં વહેણ પૂર્વ તરફ જાય છે. આ ભાગમાં આવેલા બરફ-આચ્છાદિત-પર્વતોમાં બંને રાજ્યોના સંયુક્ત સહકારથી ‘સ્નોઈ બહુહેતુક પરિયોજના’ સાકાર થઈ છે, તે ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. બંધો અને બુગદાંની સંકુલ રચનાઓ દ્વારા પૂર્વ તરફ વહેતા સ્નોઈ નદીનાં પાણીને પશ્ચિમ તરફનો પ્રવાહ ધરાવતી મરે નદીમાં વાળવામાં આવ્યાં છે. આ પરિયોજનામાં કુલ 16 વિદ્યુતમથકો સ્થાપવામાં આવ્યાં છે અને મરે-થાળાવિસ્તારને સિંચાઈની વધુ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.
આ આલ્પાઇન જિલ્લામાં પરિયોજનાનું કેન્દ્ર કૂમા તથા તેનાં પરાં તેમજ પાટનગર કૅન્બેરા સહિતનો ઑસ્ટ્રેલિયન પાટનગર-પ્રદેશ અગત્યના શહેરી વિસ્તારો છે.
બીજલ પરમાર