ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સ : અખિલ ભારતીય રમતગમત સમિતિ. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન, રાષ્ટ્રસેવાની ધગશથી વ્યાયામનો વિકાસ થયો હતો. પરંતુ સ્વતંત્ર થયા પછી આ પ્રકારની લોકપ્રવૃત્તિમાં ઓટ આવી. રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં લેવામાં આવ્યાં અને 1954માં ભારત સરકારે ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સની રચના કરી; તેનાં મુખ્ય કાર્યો નીચે દર્શાવ્યાં છે : (1) રમતગમત સંબંધી તમામ બાબતોમાં ભારત સરકારને સલાહ આપવી; (2) રાષ્ટ્રકક્ષાનાં વિવિધ રમતમંડળોને સલાહ તથા આર્થિક મદદ માટે ભલામણ કરવી; (3) રાષ્ટ્રકક્ષાનાં રમતમંડળો અને સરકાર વચ્ચે કડીરૂપ ભાગ ભજવવો; (4) સ્ટેડિયમો બાંધવાં, રમતગમતનાં સાધનોની ખરીદી કરવી તથા પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવું; (5) રાષ્ટ્રકક્ષાની રમતગમત ટુકડીઓને વિદેશોમાં મોકલવા માટેના નાણાકીય ભંડોળ પર નિયંત્રણ રાખવું; (6) પ્રવાસી ટીમો માટે થતા ખર્ચને પહોંચી વળવા આર્થિક સહાયની ભલામણ કરવી; (7) અર્જુન એવૉર્ડ, પદ્મશ્રી, પદ્મવિભૂષણ જેવા નૅશનલ એવૉર્ડ માટે દેશના ઉત્તમ રમતવીરોની ભલામણ કરવી.
ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સના માળખામાં શારીરિક શિક્ષણના ચાર અને યોગના એક એમ પાંચ તજજ્ઞો, રાજ્ય રમતગમત સમિતિના પાંચ પ્રતિનિધિઓ, રમતગમતના વિકાસમાં મદદ કરનાર છ વ્યક્તિઓ, રમતલેખક, રમતસમીક્ષક કે રમત ઉદઘોષકમાંથી એક, બે શિક્ષણશાસ્ત્રીઓ, લોકસભાના બે અને રાજ્યસભાના એક પ્રતિનિધિ, ઉપરાંત નાણાં વિભાગના બે સભ્યો, ચૅરમૅન, વાઇસચૅરમૅન વગેરે સરકારનિયુક્ત હોય છે.
1982માં ભારતમાં યોજાયેલ નવમા એશિયાડનાં પરિણામોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સ દ્વારા રમતગમતની નવી રાષ્ટ્રીય નીતિ જાહેર કરી. તેના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે : (1) લોકોમાં રમતો અને આરોગ્યની સભાનતા વિકસાવવી અને તેને કારણે રમતગમતમાં નિયમિત ભાગ લઈને રાષ્ટ્રને આરોગ્યશીલ અને મજબૂત બનાવવું. (2) આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગૌરવપદ સ્થાન મેળવીને અને ઉચ્ચ દેખાવ કરીને દેશને ગૌરવ અપાવવું. (3) ભારતભરમાં દરેક રાજ્યમાં દરેક રમત માટે યોગ્ય સ્ટેડિયમ, પૂરતાં મેદાનો, સાધનો અને રાહબર (coach) વગેરે મળી રહે તેવા પ્રયત્નો કરવા. આ માટે સ્કૂલ તથા કૉલેજોમાં રમતગમત અને શારીરિક શિક્ષણ ફરજિયાત બનાવવું અને મોટાં ઔદ્યોગિક એકમો તથા નાનાં કારખાનાંના કામદારો માટે રમતગમતની પ્રવૃત્તિઓ ફરજિયાત કરવી અને તે માટે સુવિધાઓ પૂરી પાડવી. 1996માં ભારત સરકારની રમતગમત અંગેના નવા નીતિ નિયમો આવેલા હોવાથી આ સમિતિનું અસ્તિત્વ રહ્યું નથી.
હર્ષદભાઈ પટેલ