ઑર્લેન્ડો : યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યના મધ્યવિસ્તારમાં આવેલા ઑરેન્જ પરગણાનું ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : 280 32′ ઉ. અ. 810 22′ પ. રે.. 1844ના અરસામાં લશ્કરના એક થાણાના વસવાટમાંથી આ નગર ઊભું થયું હતું; તેને 1856માં પરગણાના મથક તરીકે તથા 1875માં નગર તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેનું મૂળ નામ જર્નિગન હતું, પરંતુ સેમિનોલ યુદ્ધમાં શહીદ થયેલા એક સૈનિક ઑર્લેન્ડો રીવ્ઝની સ્મૃતિમાં 1857માં આ નગરને ઑર્લેન્ડો નામ આપવામાં આવ્યું હતું. વસ્તી : 3,07,573 (2020).
આ નગરને 1880માં દક્ષિણ ફ્લોરિડા રેલમાર્ગ સાથે જોડવામાં આવ્યું. 1883માં આ રેલમાર્ગ નૈર્ઋત્યમાં 160 કિમી. પર આવેલા ટેમ્પા સુધી લંબાવવામાં આવ્યો હતો. નગરની પૂર્વે આશરે 90 કિમી. પર આવેલા કેપ કૅનેડી (મૂળ નામ : કેપ કૅનાવેરલ) હવાઈ તથા અંતરીક્ષ (aerospace) સંકુલના 1950થી શરૂ થયેલા વિકાસને લીધે તથા 1970માં 24 કિમી. નૈર્ઋત્યમાં આશરે 11,000 હેક્ટર જમીન પર ઊભા કરવામાં આવેલા (વૉલ્ટ) ડિઝનીલૅન્ડ નામના આનંદપ્રમોદ તથા મનોરંજનના સ્થળના વિકાસને લીધે આ નગરને આંતરરાષ્ટ્રીય મહત્વ પ્રાપ્ત થયું છે. અમેરિકાના લશ્કરનાં બે મથકો તથા નૌકાદળનું તાલીમકેન્દ્ર ત્યાં આવેલાં છે.
હવાઈ તથા અંતરીક્ષનાં સાધનો, પ્રક્ષેપાસ્ત્રો, વીજળી તથા ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનો, વીજળી ઇત્યાદિ પેદા કરનાર યાંત્રિક ચક્કીઓ જેવી વસ્તુઓનું ત્યાં ઉત્પાદન થાય છે. પર્યટન માટેનું તે મહત્વનું કેન્દ્ર હોવાથી ત્યાં વાણિજ્ય તથા વ્યાપારનો પણ ઝડપી વિકાસ થયો છે. નગરના વિસ્તારમાં પચાસ જેટલાં નાનાંમોટાં સરોવરો છે જેને લીધે તેનું નૈસર્ગિક સૌંદર્ય અનેરું લાગે છે.
જાણીતી ફ્લોરિડા સંગીતમંડળીનું તે જન્મસ્થાન હોવા ઉપરાંત આ નગરમાં કલાકેન્દ્રો, સંગ્રહાલયો તથા પ્લૅનેટોરિયમ છે. ત્યાં ફ્લોરિડા ટેકનિકલ યુનિવર્સિટી ઉપરાંત યુનિવર્સિટી ઑવ્ સેન્ટ્રલ ફ્લોરિડાનું અલાયદું શૈક્ષણિક કેન્દ્ર તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે