ઑર્ફિઝમ (Orphism) : આધુનિક ચિત્રકલાનો એક વાદ. તેનું નામકરણ 1913માં ફ્રેંચ કવિ ઍપૉલિનોરે (Apollinaire) કર્યું હતું. વાસ્તવિક જગતમાંથી કોઈ પણ ઘટકો કે આકારોનું અહીં કૅન્વાસ પર અનુકરણ કરવાની નેમ નથી, પણ માત્ર કલાકારના મનોગતમાં પડેલી કપોલકલ્પનાને લાલ, પીલો અને વાદળી – એ ત્રણ મૂળ રંગો વડે તેમની છટા (tints) સહિત ચીતરવામાં આવે છે. આમ આકૃતિપરક તેમજ રંગપરક એમ બંને રીતે ઑર્ફિઝમ આધુનિકતાની બધી જ શાખાઓમાંથી શુદ્ધ કલાની સૌથી વધુ નજીક છે. ડેલોને (Delaunay) પ્રમુખ ઑર્ફિસ્ટ ચિત્રકાર ગણાય છે.
અમિતાભ મડિયા