ઑર્ડર : પશ્ચિમના શિષ્ટ સ્થાપત્યમાં સ્તંભોની વિવિધ રચના માટે વપરાતો શબ્દ. સામાન્ય રીતે સ્તંભ કુંભી (base), સ્તંભદંડ (shaft) અને શિરાવટી(capital)નો બનેલો હોય છે. તે સુશોભિત અને પ્રમાણસર હોય છે. સ્તંભોની આ શૈલી ડૉરિક, ટસ્કન, આયોનિક, કોરિન્થિયન અથવા કૉમ્પોઝિટ છે. આ સર્વમાં ટસ્કન શૈલીના સ્તંભો સર્વથી સાદા છે અને તે સંભવત: ઇસ્ટ્રુસ્કન પ્રકારના મંદિર-સ્થાપત્યમાંથી ઉદભવ્યા છે. ડૉરિક પ્રકાર સૌથી પ્રાચીન છે અને તે ગ્રીક-ડૉરિક તથા રોમન-ડૉરિક એમ બે પેટાવર્ગમાં વિભક્ત છે. રોમન-ડૉરિક પ્રકારના સ્તંભોમાં કુંભી હોતી નથી. પાર્થેનૉન અને પાએસ્ટમના મંદિરમાં આ પ્રકારના સ્તંભો આવેલા છે. આયૉનિક પ્રકારનો ઉદભવ લગભગ ઈ. પૂ. છઠ્ઠી સદીમાં એશિયા-માઇનૉરમાં થયો હતો. આયૉનિક શૈલીના સ્તંભોની શિરાવટી પ્રારંભની એયોનિક શિરાવટીમાંથી વિકસી. કોરિન્થિયન પ્રકારની શૈલી ઍથેનિયામાં લગભગ ઈ. પૂ. પાંચમી સદીમાં શરૂ થઈ હતી. પરંતુ રોમનોએ તેનો વધારે વિકાસ કર્યો જે રેનેસાંસ ઇમારતોમાં બીબાઢાળ બની ગઈ. આયોનિક અને કોરિન્થિયન શૈલીના મિશ્રણમાંથી બનેલી કૉમ્પોઝિટ શૈલી ઉત્તરીય રોમન શૈલી છે. ડૉરિક, ટસ્કન, આયૉનિક અને કોરિન્થિયન ઑર્ડરનું વિટ્રુવિયસે વર્ણન કર્યું છે અને 1537માં સર્લિયોએ આ વિશે પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકમાં દરેક ઑર્ડરના સ્તંભોનાં વિગતે પ્રમાણ અને તેનાં અર્થઘટન આપ્યાં છે.
થોમસ પરમાર