ઑબ્સિડિયન (obsidian) : એક પ્રકારનો જ્વાળામુખીજન્ય ખડક. ઑબ્સિડિયન એ જ્વાળામુખીજન્ય કુદરતી કાચ માટે અપાયેલ જૂનું નામ છે. મોટાભાગના ઑબ્સિડિયન કાળા રંગના હોય છે, તેમ છતાં લાલ, લીલા કે કથ્થાઈ ઑબ્સિડિયન પણ મળી આવે છે. ક્યારેક તે પટ્ટીરચનાવાળા પણ હોય છે. તેમનો ચળકાટ કાચમય અને ભંગસપાટી (પ્રભંગ) કમાનાકાર – વલયાકાર હોય છે, જે આ ખડક માટેની લાક્ષણિક પરખકસોટી બની રહે છે. તે સંપૂર્ણપણે કાચદ્રવ્યનો બનેલો હોવાથી તેની કણરચના પણ સંપૂર્ણ કાચમય (holohyaline) હોય છે. તાજેતરનાં વર્ષોમાં ઑબ્સિડિયન નામ પિચસ્ટોન અને પર્લાઇટને મુકાબલે ઘણી ઓછી જળમાત્રા ધરાવતા કુદરતી કાચ માટે જ મર્યાદિત રાખવામાં આવ્યું છે. મોટાભાગના ઑબ્સિડિયન રહાયોલાઇટ બંધારણવાળા હોય છે. ઍસિડિક બંધારણવાળા, પરંતુ બિલકુલ કાચદ્રવ્યના બનેલા જ્વાળામુખીજન્ય ખડકને ઑબ્સિડિયન કહેવાય છે અર્થાત્ ઍસિડિક બંધારણવાળા રહાયોલાઇટનું અંતિમ કાચમય સ્વરૂપ એટલે ઑબ્સિડિયન.

ગિરીશભાઈ પંડ્યા