ઓઝમા પ્રૉજેક્ટ : લાંબા અંતરે આવેલા ગ્રહો ઉપરના રહેવાસીઓ વચ્ચે એકબીજાના સંપર્ક અર્થે, જો કોઈ રેડિયો-સંદેશાઓની આપલે થતી હોય, તો તેમને ઝીલવા માટેનો એક પ્રૉજેક્ટ. અમેરિકન લેખક એલ. ફ્રૅન્ક બૌમની વાર્તાના અતિ દૂર આવેલા એક સુંદર કાલ્પનિક સ્થળ ‘ઓઝ’(Oz)ના નામ પરથી આ પ્રૉજેક્ટના નિયામક ફ્રેન્કે-ડી-ડ્રેડે પ્રૉજેક્ટનું નામ ‘ઓઝમા પ્રૉજેક્ટ’ આપ્યું. એક પ્રબળ માન્યતા અનુસાર આપણા સૂર્યમંડળ જેવા અનેક તારા છે. તેમની આસપાસ સૂર્યમંડળની જેમ, અનેક ગ્રહો પરિભ્રમણ કરતા હોય છે. આમાંના કેટલાક ગ્રહો ઉપર આપણા જેવું જ ઉત્ક્રાંત જીવન હોવું જોઈએ. દૂર દૂર વસેલા આવા જીવો વચ્ચે એકબીજાના સંપર્ક માટે રેડિયો-સંદેશા પ્રસારિત કરવામાં આવતા હોવા જોઈએ. સંભવ છે કે તેને માટે આંતરતારકીય માધ્યમમાં રહેલા હાઇડ્રોજન દ્વારા, કુદરતી રીતે ઉત્સર્જિત થતા 21 સેમી. તરંગલંબાઈ(1420.4 MHz આવૃત્તિ)ના રેડિયો-તરંગોનો ઉપયોગ કરવામાં આવતો હશે. આ તરંગોને ઝીલવા માટે યોગ્ય રેડિયો-ટેલિસ્કોપ ઉપર આધારિત એવો કોઈ પ્રૉજેક્ટ પણ હોવો જોઈએ. તેને માટે અમેરિકાના પશ્ચિમ વર્જિનિયાના ગ્રીન  બકમાં આવેલી યુ.એસ. નૅશનલ રેડિયો એસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરીના 26 મીટરના રેડિયો ટેલિસ્કોપનો બે જુદા જુદા પ્રૉજેક્ટ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પહેલી અવલોકનશ્રેણી ઓઝમા I : આ અવલોકનશ્રેણીમાં 1960ના ચાર માસ દરમિયાન, ત્રુટક ત્રુટક કુલ આશરે 150 કલાક સુધી રેડિયો-અવલોકનો લેવામાં આવ્યાં હતાં. પૃથ્વીથી આશરે 11 પ્રકાશવર્ષ દૂર આવેલા બે તારકો – ε વૈતરણી (Eridanus) અને τ તિમિ (cetus) તરફ તે ટેલિસ્કોપ તાકવામાં આવ્યો હતો, કારણ કે આ બંને તારકો આપણા સૂર્ય જેવા છે. ખગોળશાસ્ત્રમાં નક્ષત્રના તારાઓને તેમના પ્રકાશક્રમ અનુસાર દર્શાવવા માટે ગ્રીક મૂળાક્ષરો પૂર્વગ તરીકે વપરાય છે. આ કારણે અહીં ગ્રીક મૂળાક્ષરો ‘એપસાઈલોં’ (ε) = ε અને ટાઓ τ વાપરેલા છે. તેમની આસપાસ જીવસૃષ્ટિની શક્ય અનુકૂળતાવાળા ગ્રહો પરિભ્રમણ કરતા હોય છે.

બીજી અવલોકનશ્રેણી ઓઝમા II : આ શ્રેણી દરમિયાન બેન્જામિન ઝકરમન અને પેટ્રિક પામર નામના વિજ્ઞાનીઓએ ચાર વર્ષ(1973-1976)ના ગાળા દરમિયાન પૃથ્વી નજીક આવેલા G, K અને M પ્રકારના તારકો (તાપમાન 3000-6000 K) તરફ ટેલિસ્કોપ તાક્યો હતો. આ બંને અવલોકનશ્રેણી દરમિયાન, જેને સંદેશો કહી શકાય તેવા રેડિયો-સંકેતો મળ્યા નહિ.

આ જ હેતુ માટે 1971માં બી. ઑલિવરની આગેવાની હેઠળ પ્રૉજેક્ટ સાઇકલૉપ્સની પરિયોજના ઘડવામાં આવી હતી. આશરે 16 કિમી. જેટલા વિસ્તારમાં પથરાયેલા, લગભગ 1000-2500 જેટલા 30 મીટરના રેડિયો-ટેલિસ્કોપના સંકુલ દ્વારા, 1420થી 1660 MHz વેવબેન્ડમાં અવલોકન લેવામાં આવ્યાં, જેથી કરીને જો 1000 પ્રકાશવર્ષ જેટલા અંતરે આવેલા ગ્રહવાસીઓ તરફથી કોઈ અર્થપૂર્ણ રેડિયો-સંદેશા આવતા હોય તો ઝીલી શકાય. પરંતુ અબજો ડૉલરના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલો આ પ્રૉજેક્ટ પણ સફળ થઈ શક્યો નહિ.

પ્ર. દી. અંગ્રેજી