ઓજત (નદી) : પશ્ચિમ સૌરાષ્ટ્રની મહત્વની નદી. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં ગીરની ટેકરીઓમાંથી નીકળી આ નદી પશ્ચિમે વહી નવી બંદર નજીક ભાદર નદી સાથે અરબી સમુદ્રને મળે છે. જૂનાગઢ નજીક વંથલી ગામ પાસે તેને ઉબેણ નદી મળે છે. ગીરના જંગલવિસ્તારના મોટાભાગમાંથી આ નદી વહે છે; તેથી સિંચાઈ કરતાં વિશેષ તો તે વન્ય પશુઓને પીવાનું પાણી પૂરું પાડે છે. એકંદરે 96 કિમી. લાંબી આ નદી ચોમાસા બાદ ઓછો જળરાશિ ધરાવે છે. તેના પર જૂનાગઢ અને કેશોદની વચ્ચે એક બંધ બાંધવામાં આવેલો છે, જેના દ્વારા જૂનાગઢ જિલ્લાના મગફળીના પાકવાળા પ્રદેશોને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થયેલી છે.

મહેશ મ. ત્રિવેદી