અપરાધવિજ્ઞાન
ગુનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, ગુનાઓ પર અંકુશ, ગુનેગારોને ફરમાવવામાં આવતી સજાઓનું સ્વરૂપ વગેરે બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર.
અપરાધ એટલે કોઈ પણ સમુદાયે જે તે સ્થળે અને સમયે વિધિવત્ અપનાવેલ અને અમલમાં મૂકેલ કાયદાનું ઉલ્લંઘન. માત્ર સામાજિક અને સાંસ્કારિક મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિના અપેક્ષિત વર્તનને કાયદાનું નામ આપી શકાય નહિ. એ અપરાધની વ્યાખ્યા એક જ કે નિશ્ચલ રહેતી નથી, પણ સાપેક્ષ છે.
અપરાધવિજ્ઞાન એટલે કાયદાઓ, તેનો અમલ, તેની તંત્રરચના અને સંકળાયેલી એજન્સીઓ કે સંસ્થાઓની કાર્યવાહી, અપરાધના પ્રકારો, તેનાં કારણો, સજા, સમાજનો અપરાધી પ્રત્યેનો અભિગમ વગેરેનો અભ્યાસ દર્શાવતું શાસ્ત્ર. અપરાધવિજ્ઞાન જીવવિજ્ઞાન (biology), નૃવંશશાસ્ત્ર (anthropology), શરીરવિજ્ઞાન (physiology), ભૂગોળ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, મનશ્ચિચિકિત્સાવિજ્ઞાન વગેરે અનેક ભૌતિક અને સામાજિક વિજ્ઞાનોના સિદ્ધાંતો તથા તારણો પર અવલંબે છે.
અપરાધનાં કારણોની સમીક્ષા કરતાં કોઈ નિશ્ચિત સર્વસામાન્ય કારણો બધે મળી આવતાં નથી. ઘણાં બધાં કારણો એકબીજાંમાં ગૂંચવાયેલાં જણાય છે. પ્રાચીન કાળમાં અપરાધ ભૂત-પ્રેતની અસર નીચે થાય છે એવી માન્યતા હતી. અઢારમી સદીના અંતે વ્યક્તિસ્વાતંત્ર્યનો પવન યુરોપમાં વાયો તેના સંદર્ભમાં મનુષ્ય સ્વેચ્છાથી આનંદ મેળવવા અપરાધ કરે છે અને તે માટે એ પૂરો જવાબદાર છે તેવી માન્યતા પ્રસરી. આ વિધાન પણ યથાર્થ ન હતું. મનુષ્ય તેના સંજોગોથી હમેશાં વીંટળાયેલો રહે છે. આ ઉપરાંત અપરાધના આંકડા, ભૌગોલિક કારણો જેવાં કે આબોહવા, ઋતુ, ઠંડી, ગરમી, ઊંચાઈ વગેરે સાથે જોડી અનુમાનો તારવવામાં આવતાં હતાં.
ઓગણીસમી સદીની ઘણું ધ્યાન ખેંચે એવી વિચારધારા ઇટાલીના વૈજ્ઞાનિક લૉમ્બ્રોસોએ ચાલુ કરી. અપરાધ વારસાગત છે એટલું જ નહિ પણ તેનો સંબંધ મનુષ્યના ઘાટ, ખાસ કરીને માથાના આકાર, મુખરેખાઓ અને અણસાર સાથે બંધ બેસે છે, એમ તેણે કહ્યું. પરંતુ આ વિધાન દરેક કિસ્સામાં લાગુ પડતું નથી. અન્ય વિદ્વાનોના મતે વારસામાં અમુક સ્વભાવની કે વર્તનની શક્યતાઓ ઊતરે, પણ તેને જો વાતાવરણમાંથી ઉત્તેજન ન મળે તો અપરાધ થતો નથી.
યુરોપમાં મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગણનાપાત્ર નામના મેળવનાર ફ્રૉઇડ, ઍડલર અને યુંગે વિવિધ પ્રયોગો કરીને વારસાગત શારીરિક લક્ષણોના સિદ્ધાંતોની તરફેણ કરી. જોડકાં બાળકો (twins) બે પ્રકારનાં હોય છે : (1) દેખાવે તદ્દન એકસરખાં અને (2) જુદી અણસારવાળાં. આવાં બાળકોને એક જ સરખા વાતાવરણમાં ઉછેરેલાં અને જુદાં જુદાં વાતાવરણમાં ઉછેરેલાં. તેમના વિકાસનું નિરીક્ષણ કરવાથી ઘણી રસભરી બાબતો બહાર આવી. વાતાવરણ અને વારસો બંનેની અસરો અપરાધી માનસ પર પડે છે તે સ્વીકારાયું.
મનોવિજ્ઞાનીઓએ અપરાધનાં કારણો સમજવાની નવી જ દિશાઓ ખોલી. બાલ્યજીવનના અતિ ઘનિષ્ઠ કૌટુંબિક સંબંધો વ્યક્તિત્વના વિકાસ અને ચારિત્ર્યના ઘડતર ઉપર ખાસ્સી અસર કરે છે. જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત મનોવ્યવહારો ઉપર ઘણું ધ્યાન આપવામાં આવ્યું. બાળકની પાયાની જરૂરતોપ્રેમ પામવાની અને સુરક્ષાની ભાવના અનુભવવાની–જો પૂરી પ્રાપ્ત થાય નહિ તો આગળ જતાં વ્યક્તિત્વ અને આચરણની ઘણી ગ્રંથિઓ (complexes) ઊભી થાય છે, જે પછી તેને અપરાધના રાહ ઉપર દોરી જાય છે.
આ દિશામાં સમાજશાસ્ત્રીઓએ મહત્વનાં સંશોધનો કર્યાં અને માત્ર બાલ્યવયના ઉછેર ઉપરાંત અપરાધી પરત્વે સમાજનો અભિગમ અને નીતિ જવાબદાર છે તેવું જણાયું. સામાજિક કારણોમાં વસ્તીની ગીચતા, કુટુંબના સંબંધો, શિક્ષણપ્રથા, ઉદ્યોગીકરણ, રાજકીય વ્યવસ્થા, કાયદો અને ન્યાયપ્રથા, પોલીસતંત્ર અને જેલોનું સંચાલન – આ બધાંનો સમાવેશ થાય છે. આની સાથે વ્યક્તિગત ખાસિયતો જેવી કે વર્ણ, રંગ, ધર્મ, ઉંમર, જાતિ, બુદ્ધિનો આંક વગેરે પણ આ બાબતમાં સંકળાયેલાં છે.
અમેરિકામાં ઘણી સુબદ્ધ રીતે અપરાધી બાળકો અને બિનઅપરાધી બાળકોનાં બે જૂથનો તુલનાત્મક અભ્યાસ લાંબા ગાળા સુધી હાથ ધરાયો, જેની નેતાગીરી શેલ્ડન અને એમીનોર ગ્લુકે લીધેલી. તેમનું તારણ એ હતું કે જુદાં જુદાં કારણો સમગ્ર રીતે અસર કરે છે, અને તેથી અપરાધ અંગેની આગાહી કરી શકાય નહિ.
કિશોરવયે સમોવડિયા જૂથ (peer group) સાથે મળીને સમૂહમાં અપરાધો કરવા જૂથ(gang)ના નેતાને અનુસરવું, તેની પ્રશંસા કરવી, અન્ય સામાજિક સંબંધોથી અલિપ્ત રહેવું, માતાપિતાનું કહેવું માનવું નહિ વગેરે લક્ષણો અમુક ઉંમરે બધાં બાળકોમાં આવે છે. પણ કિશોરવય પૂરી થતાં આ તબક્કો પસાર થઈ જાય છે. જૂથ-અપરાધો ઘણી વાર શહેરોના અમુક દૂષિત વિસ્તારો(delinquency areas)માં વધુ બને છે. તેમાં દોસ્તો કે સાથીદારોની સોબતની અસર નીચે ગુનાઓ કરવામાં આવે છે. સમાજના ઉચ્ચ અને નીચલા વર્ગ વચ્ચે આર્થિક ભેદભાવો ઘણા નજરે ચડે છે અને નીચલા વર્ગના યુવાનોને વિકાસની પૂરતી તકો દેખાતી નથી. દેખાદેખીથી મોજશોખની વસ્તુઓ પ્રાપ્ત કરવા તેઓ ચોરી વગેરે જેવા ગુનાઓ તરફ દોરાય છે.
શહેરી અને ગ્રામવિસ્તારો વચ્ચેના વિકાસમાં અંતર અને વિસંવાદના પરિણામે શહેરો ભણી જે સ્થળાંતર થઈ રહ્યું છે તેમાં શહેર તરફ રોજગારીની આશાથી ખેંચાઈને આવેલી વ્યક્તિ કે સમુદાય ઘણા સમય સુધી પરાયાપણાની ને એકલતાની લાગણી અનુભવે છે; તે મૂળ વિનાનો (rootless) બની રહે છે. આ પ્રકારની સામાજિક વિસંવાદિતામાંથી અપરાધ ઊભો થવાની શક્યતા છે.
શારીરિક કારણોમાં માનવશરીરમાં અમુક સ્રાવ-ગ્રંથિઓ (endocrine glands) તેના સ્રાવ દ્વારા જુદી જુદી અસર કરે છે. આ ગ્રંથિઓના અનિયમિત સ્રાવથી માનવી અપરાધ તરફ ખેંચાય એવી શક્યતા ઊભી થાય છે. વારસાગત વિચારધારામાં છેલ્લે એવું જણાયું છે કે ઘણા બધા અપરાધીઓનો અભ્યાસ કરતાં જે જીવ-કોષો (genes) મનુષ્યને વારસો આપે છે તેમાં માતાપિતા બંને તરફથી સરખી સંખ્યામાં આ જીવનતત્ત્વના રંગકોષો (chromosomes) મળે છે અને તે સમાન્તરે જોડકાંમાં ગોઠવાઈ જતાં વારસો નિશ્ર્ચિત થાય છે. તેમાં જો કોઈક વાર આવી અર્ધી જોડી રહી જાય તો વિચાર અને વર્તનની વિચિત્રતા જન્મે છે અને ગુનો કરવાની પરિસ્થિતિ નીપજે છે.
ભારતીય સંસ્કારિતાના એક ભાગ તરીકે ‘કર્મ’ના સિદ્ધાંત અને પુનર્જન્મની માન્યતા ઘણા મોટા સમુદાયને અસર કરે છે. જોકે આ માન્યતાઓને હજી સુધી વૈજ્ઞાનિક સમર્થન પ્રાપ્ત થઈ શક્યું નથી. છતાં એમ કહેવું જોઈએ કે ‘કર્મ’નો બદલો આ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવો જ પડે છે તેવી માન્યતા ‘અપરાધ’ને રોકનારા એક વિશિષ્ટ બળ તરીકે કામ કરી શકે. આ ભારતીય સાંસ્કારિક માન્યતાના સંદર્ભમાં વિશેષ સંશોધન થયું નથી.
મનશ્ચિકિત્સાનાં તારણો પણ અપરાધની ઉત્પત્તિ માટે વજૂદ ધરાવે છે. મંદબુદ્ધિ ધરાવતી વ્યક્તિઓ પોતાના કાર્યનો અંજામ શો આવશે તે વિચાર કરી શકે નહિ તે સ્વીકાર્ય છે, પરંતુ ઓછો બુદ્ધિઆંક ધરાવતી બધી વ્યક્તિઓ અપરાધ કરતી નથી.
ગાંડપણ અને માનસિક બીમારી ધરાવતી વ્યક્તિઓ ઘણી વાર જેલોમાં જોવામાં આવે છે. આ વ્યક્તિઓ માનસિક સમતુલા ધરાવતી ન હોઈ તેમના કોઈ પણ કાર્યની જવાબદારી એમના ઉપર ઓઢાડી શકાય નહિ તે ન્યાયશાસ્ત્રનો એક અદનો સિદ્ધાંત છે અને અપરાધીના બચાવમાં આ એક સચોટ દલીલ છે. આમ છતાં જેલોમાં ગાંડપણની બીમારીથી પીડાતા બિનગુનેગાર ગાંડાઓની મોટી સંખ્યા હોય છે. માનસિક હૉસ્પિટલો ન હોય તે કારણે ઇન્ડિયન લ્યૂનસી ઍક્ટ, 1912 નીચે ગાંડા અને કહેવાતા ગાંડાઓને પણ જેલોમાં દાખલ કરાય છે. જેલોની વિસ્ફોટક પરિસ્થિતિમાં આ ગાંડાઓ વિશેષ ઈંધણ પૂરું પાડે છે.
અપરાધીઓ અંગેના કાયદાઓમાં બે ગ્રંથો મુખ્ય છે : ઇન્ડિયન પીનલ કોડ અને ક્રિમિનલ પ્રોસીજર કોડ. આ ઉપરાંત સ્થળે સ્થળે સ્થાનિક કાયદાઓ અને વિશિષ્ટ કાયદાઓ (Special Acts) પણ હોય છે. દેશમાં કેન્દ્રીય સંસદગૃહો અને રાજ્યોની વિધાનસભાઓ આ સૂચિમાં નવા ધારાઓ ઉમેરતાં જ જાય છે. આ ઉપરાંત ન્યાયની અદાલતોએ ભૂતકાળમાં આપેલા ચુકાદાઓ(judgements)ની ગણના પણ કાયદાઓમાં ઉમેરા તરીકે થાય છે. ભારતના કાયદાના મુખ્ય ગ્રંથો ભારતીય દંડસંહિતા (I.P.C.) અને ફોજદારી કાર્યવાહી (Cr.p.c.) પણ હજી પૂરાં સંશોધિત થઈને આધુનિક બન્યાં નથી. કાયદાઓનું બાહુલ્ય, તેનાં અર્થઘટનનો ગૂંચવાડો, અને લાંબા સમય સુધી ઉપરની અદાલતોની સત્તાના અમલનો અવકાશ એ ભારતની વર્તમાન ફોજદારી ન્યાયપ્રથાની મોટી સમસ્યા છે.
ભારતના રાજ્યબંધારણમાં સમાવિષ્ટ ‘રાજ્યનીતિના આદેશક સિદ્ધાંતો’ (Directive Principles of State Policy) નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાની બાંયધરી આપે છે. તેની સાથે જ ‘મૂળભૂત અધિકારો’ (fundamental rights) નાગરિકને સમાનતા અને સ્વતંત્રતા બક્ષે છે, જેથી કોઈ પણ નાગરિકને વિધિવત્ દોષિત ઠરાવ્યા વિના દંડ કે સજા કરી શકાય નહિ એ પાયાનું સૂત્ર છે. આ પાયાના હક્કોને આવરી લેતા ‘માનવ-હક્કોનું જાહેરનામું’ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે અને અન્ય સભ્ય-રાષ્ટ્રો આ માનવહક્કોનું જતન અને અમલ કરવા બંધાયેલાં છે. આ વ્યક્તિસ્વાતંત્ર્ય કોઈ પણ લોકશાસિત તંત્રની ઇમારતનો પાયો છે.
અપરાધીને સજા કરવાનો હેતુ ન્યાયશાસ્ત્રમાં દાખલો બેસાડવાનો એટલે કે અન્ય લોકો ભવિષ્યમાં અપરાધો કરતાં અટકે અને તે દ્વારા સમાજની સુરક્ષા જોખમાય નહિ તે હોવો જોઈએ. પુરાતન સમાજમાં અપરાધીને સજા કરવાની દૃષ્ટિ પાછળ બદલો લેવા(retaliation)ની વૃત્તિ કામ કરતી હતી અને જેટલો ગંભીર અપરાધ તેટલી જ કડક સજા એ સૂત્ર સ્વીકારાયેલું હતું. સમાજ-સુરક્ષા(social defence)ની નવી વિચારસરણી દ્વારા હવે સ્વીકારાયું છે કે વ્યક્તિને અપરાધી ઠરાવ્યા પછી કઈ સજા કરવી તે માત્ર ગુનાના પ્રકાર ઉપરથી જ નહિ, પરંતુ તે વ્યક્તિની વ્યક્તિગત હકીકતો અને અપરાધનાં કારણોનો ઊંડો અભ્યાસ કરીને અપરાધીને બંધબેસતી સજા કરવી જોઈએ અને તે પ્રમાણે ઇલાજ થવો જોઈએ, જેથી તે ફરીવાર ગુનાના વિષચક્રમાં પડે નહિ. અપરાધી દોષિત ઠરે તો તેની સુધારણા કરી તેને પગભર કરવા પગલાં લેવાં ઘટે છે. સજા તરીકે ‘દેહાંતદંડ’ (capital punishment) આ હેતુ બર લાવવામાં નિષ્ફળ જાય છે. તેની અસરકારકતા વિશે દુનિયામાં એકમત નથી. અમુક રાષ્ટ્રોમાં આ સજાને બંધ કરવામાં આવી છે. પરંતુ તેથી ગંભીર અપરાધો વધ્યાના સ્પષ્ટ નિર્દેશો મળતા નથી. આ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી અવારનવાર સર્વેક્ષણ કરવામાં આવે છે.
સામાન્ય નાગરિકનું અપરાધ અને અપરાધી પ્રત્યેનું વલણ સહાનુભૂતિપૂર્વકનું નથી હોતું. આ સ્વાભાવિક છે. તે અપરાધીને પોતાની અને સંપત્તિની સુરક્ષાને પડકાર રૂપે જુએ છે. અપરાધી ઉપર દયા બતાવવાની નહિ, પરંતુ કડક હાથે કામ લેવાની જરૂર છે તેવું તે દૃઢપણે માને છે. કાયદા વધુ સખત બનાવી લાંબામાં લાંબી કેદની સજા થવી જોઈએ અને તેથી સમાજની સુરક્ષા વધુ પ્રાપ્ત થશે તેવું તેનું મંતવ્ય હોય છે.
પરંતુ આ મંતવ્ય અત્યારની જેલપ્રથાનો પ્રત્યક્ષ અભ્યાસ કરતાં સાચું ઠરતું નથી. દુનિયાના મોટાભાગના દેશોનો આ અનુભવ છે કે જેલો, ગમે તેટલા સુધારા દાખલ કરવામાં આવે તે છતાં, માનવસ્વભાવ ને વર્તન બદલવામાં સફળ થયેલ નથી અને તેનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. જેલ એ કોઈ જાદુઈ દુનિયા નથી, જ્યાં મોકલવાથી ગમે તેવા અપરાધી સુધરી જ જાય. ઊલટું સંભવ એવો છે કે જેલમાં જુદા જુદા અપરાધી ભેગા થાય તે સમૂહ જ અપરાધો શીખવવાની શાળા તરીકે કામ કરે. તેમાં જ નવાસવા પ્રથમ ગુનો કરી આવેલા, કાયદાની આંટીઘૂંટીથી અજાણ એવા કિશોરો અને યુવકોની સાથે રીઢા ગુનેગારને પણ ભેગા થવાનું બને છે. અત્યારની ભારતની જેલપ્રથાનો ઝોક કેદી નાસી જાય નહિ તેની તકેદારી રાખવા પૂરતો જ છે. અપરાધીના વ્યક્તિગત પ્રશ્નનું નિદાન કે બંધબેસતી સારવારની જોગવાઈ નામની પણ નથી એમ કહેવું એ અતિશયોક્તિ નથી. આથી જ અપરાધીઓને શક્ય તેટલા પ્રમાણમાં અન્ય પ્રકારની સજા થાય તેનું આયોજન કરવું જોઈએ. બાળકો, કિશોરો અને યુવકોમાંથી પ્રથમ વાર ગુનો કરનારને જેલમાં મોકલવા કરતાં બીજા રસ્તા અપનાવવા જોઈએ.
જેલના વિકલ્પોનો અત્યારના ધારાઓમાં અવકાશ છે જ. ક્રિમિનલ પ્રોસીજર કોડ, પ્રોબેશન ધારો (1958) (Probation Offenders Act, 1958); બાળ અધિનિયમો (Children’s Acts : Borstal Schools Act, Juvenile Justice Act, 1986) વગેરે આ કક્ષામાં આવે છે. છતાંયે મોટાભાગના આરોપીઓ કેસ ચાલે ત્યાં સુધી રિમાન્ડ ઉપર અને કેસ ચાલી જતાં ટૂંકી સજા ઉપર જેલજીવનની મજા ચાખી આવે છે અને જીવનભરની પારાવાર નામોશીનો ભોગ બને છે. આનાં કારણોમાં જુનવાણી ચીલાચાલુ ન્યાયપ્રથા, ન્યાયાધીશોનું અજ્ઞાન અને તાલીમનો અભાવ અને એક અપરાધી પ્રત્યેની રાષ્ટ્રીય નીતિનો અભાવ અને જેલ રાજ્યની સત્તામાં આવતો વિષય હોઈ રાજ્યોની શિથિલતા પણ જવાબદાર ગણી શકાય. અતિકરુણ ઘટના એ છે કે જેલમાં દાખલ થતા પૈકી 20 ટકા તો બાળકો અને કિશોરો જ હોય છે. દોષ સાબિત થવા છતાં એનાં વ્યક્તિગત સંજોગો અને કારણો ધ્યાનમાં લઈને ન્યાયાધીશો વધુ પ્રગતિશીલ નીતિ અખત્યાર કરી શકે છે.
પરિવીક્ષા અને અન્ય ધારાઓ જોતાં જેલના વિકલ્પો તરીકે ચેતવણી, દંડ, બાંયધરી, જામીન, શરતો સાથેની મુક્તિ, બંધન, પ્રોબેશન અધિકારીની દેખરેખ, સામુદાયિક સેવાઓ અને યુવકો માટેની વિશિષ્ટ સંસ્થાઓ, જે મુખ્યત્વે શૈક્ષણિક હોય, ત્યાં તેને યોગ્ય તાલીમ મળે તેવું આયોજન કરી શકાય. અપરાધી પ્રત્યેનાં સમાજનાં પૂર્વગ્રહ અને ઘૃણાનાં મૂળ એટલાં ઊંડાં છે કે ગુનેગાર સુધારણાની આ દીવા જેવી સ્પષ્ટ હકીકતોને કાયદાના ઘડનારા, કાયદાનો અમલ કરનારા અને સામાજિક ચિંતકો પૂરા અર્થમાં જોઈ શકતા નથી. અપરાધીને ન્યાય કરવાની આપણી પ્રથા(criminal justice system)ની મુખ્ય સમસ્યાઓ સંક્ષેપમાં નીચે મુજબ છે :
(1) અતિ જૂના કાયદાઓ અને પ્રણાલિકાઓ, તેના અર્થઘટનની ગૂંચવણો, જૂના ચુકાદાઓનો તેમાં થતો ઉમેરો.
(2) આરોપીની તપાસમાં થતી અતિશય ઢીલ.
(3) કાચી કેદનો લાંબો ગાળો, અને જેલોમાં સગવડોનો અભાવ.
(4) ન્યાયાલયોમાં જમા થયેલા પડતર કેસોની લાંબી હારમાળા, ચાલુ કેસોના નિકાલમાં લાગતો લાંબો સમય, નવા કેસોનો સતત ઉમેરો અને વધતા જતા અપીલના મુકદ્દમાઓ, અવારનવાર કેસો પડતા રાખી છૂટથી અપાતી નવી તારીખોનો સમય.
(5) નિ:શુલ્ક કાનૂની સહાયની નહિવત્ વ્યવસ્થા, વકીલોની વગ અને વ્યવસાયી નીતિનાં મૂલ્યોનું પતન.
(6) ગરીબ, સાધનહીન આરોપીનું શોષણ અને ત્રાસ, કાયદા અંગે નાગરિક-માર્ગદર્શનનો અભાવ, સમગ્ર પ્રથામાં પેઠેલો ભ્રષ્ટાચાર.
(7) ટૂંકી મુદતની જેલની સજા, તેની નિરર્થકતા, આ ગાળામાં રીઢા ગુનેગારો સાથે સંપર્ક અને તેની બૂરી અસર.
(8) અપરાધી ન્યાયપ્રથામાં સંડોવાયેલી બધી શાખાઓના સંકલન તેમજ સમાન દૃષ્ટિબિંદુનો અભાવ.
(9) રાજકારણ અને લાગવગનો ન્યાયપ્રથામાં પ્રયોગ; ભ્રષ્ટાચાર અને રુશવત.
(10) છૂટેલા કેદી માટે પાછળથી સંભાળનો નહિવત્ ઉપયોગ; સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનું એ તરફ દુર્લક્ષ.
(11) એક વાર ગુનો કરી જેલની સજા ભોગવી પાછા આવનાર માટે પુન: પુન: આ વિષચક્રમાં ફસાતા રહેવાની પરિસ્થિતિ.
(12) અપરાધી જેલવાસ ભોગવે તે દરમિયાન, તેના કુટુંબને ટકાવી રાખવા ભરણપોષણ, શિક્ષણ અને માર્ગદર્શનનો સદંતર અભાવ.
(13) જેલોનું વર્ગીકરણ કરી જુદી જુદી સારવાર આપતી વિશિષ્ટ જેલોનું આયોજન જરૂરી; તાલુકા કક્ષાએ આવેલી સબ-જેલો તદ્દન નવેસરથી ગોઠવવાની તાતી જરૂર.
(14) જુનવાણી જેલોનો કાયદો (1894), કેદીઓ અંગેનો કાયદો (1900) અને એક સદી જૂનાં રાજ્યોનાં જેલ મૅન્યુઅલોને સુધારવાની જરૂર.
(15) સામાન્ય નાગરિક, શિક્ષણકારો, સમાજચિંતકો, કાયદાના પ્રતિનિધિઓ, સંસદસભ્યો, ધારાસભ્યો વગેરેનું આ વિકટ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ.
(16) અપરાધીને અને સમાજને આ સઘળી ક્ષતિઓને કારણે થતું બિનજરૂરી ખર્ચ; ગરીબી હઠાવવાના પવિત્ર કાર્યમાં આ ક્ષતિઓથી પહોંચતો પ્રતિરોધ.
(17) આ ભુલભુલામણીમાં અટવાઈ ગયેલી સ્ત્રીઓ પ્રત્યે અસન્માન અને અશિષ્ટતા; સંસ્કારિતાને લાંછન લાગે તેવા દેખાવ.
ન્યાયતંત્રની અને અપરાધીની તેમજ જેલતંત્રની સુધારણા અંગે ભારતમાં કેન્દ્ર સરકારે નીમેલી ઘણી સુધારણા સમિતિઓની ભલામણો અકબંધ પડી છે (1917-20, 1935, 1952, 1956-60, 1969, 1971, 1977, 1984, 1986). આ જ હેતુથી જુદાં જુદાં રાજ્યોએ નીમેલી તપાસ સમિતિઓની ભલામણો પણ તૈયાર પડેલ છે.
છેલ્લા ચાર દાયકામાં દેશના સામાજિક-આર્થિક વિકાસના અનુસંધાનમાં વ્યાવસાયિક ક્ષેત્રે સફેદ સ્વાંગધારીઓનાં કરતૂતોરૂપ ગેરરીતિઓ (white collar crime) આ સમસ્યામાં નવાં પરિબળો ઉમેરે છે. આ વિષય વધુ વિગતવાર ચિંતન માગે છે.
ભારતમાં અપરાધના આંકડા : યુનિફૉર્મ ક્રાઇમ રિપૉર્ટ (1993)માં જણાવ્યા પ્રમાણે ભારતમાં દર બે સેકન્ડે એક હિંસક ગુનો અને દર ત્રણ સેકન્ડે એક મિલકતનો ગુનો થાય છે. 1992માં દેશમાં કુલ 1,44,38,191 અપરાધો નોંધાયા હતા. અપરાધનો દર પ્રત્યેક એક લાખની વ્યક્તિઓ દીઠ 5,660નો હતો, આ અપરાધો પૈકી 20.6 ટકા અપરાધો ઘરફોડ ચોરીના, 7.8 ટકા હિંસક હુમલાના, 4.7 ટકા લૂંટફાટના, 0.8 ટકા બળપૂર્વક કરવામાં આવતા બળાત્કારના 0.2 ટકા ખૂનના, મોટર વાહન ચોરીના 11.1 ટકા તથા અન્ય અપરાધો 54.8 ટકા નોંધાયા હતા. કુલ અપરાધોમાંથી 80 ટકા અપરાધો અજાણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ગુનાઓનો ભોગ બનનારી વ્યક્તિઓમાં મુખ્યત્વે અશક્ત પુરુષો, યુવાનો, સ્ત્રીઓ, ઓછી આવક ધરાવતાં જૂથો, લઘુમતીઓનો સમાવેશ થતો હતો. આતંકવાદે તેમાં ગુનાઇત માનસ ધરાવનારા રાજકારણીઓનો ઉમેરો કર્યો છે.
ભારતમાં પ્રત્યેક કલાકે 175 ગુનાઓ ભારતીય દંડ સંહિતા હેઠળ અને 488 ગુનાઓ સ્થાનિક અને વિશિષ્ટ ધારા હેઠળ બને છે. આ સિવાય પ્રત્યેક કલાકે 2 ખૂન, 61 લૂંટફાટ, 82 હિંસક અકસ્માતના બનાવો અને 92 બાળ અપરાધો થાય છે. 1970થી ’80ના દાયકા દરમિયાન ગુનાઓમાં 57 ટકા જ્યારે 1980થી ’90ના દાયકા દરમિયાન 8 ટકા વધારો નોંધાયો છે. પ્રત્યેક વર્ષે ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો દ્વારા સમગ્ર દેશના અપરાધોને આવરી લેતા આંકડાઓની વિગતો એકત્ર કરવામાં આવતી હોય છે જેની સંક્ષિપ્ત માહિતી આ પ્રમાણે છે :
| વર્ષ | વસતિનો અંદાજ | ભારતીય દંડ સંહિતા હેઠળ | ગુનાનો દર |
| (IPC) નોંધાયેલા પોલીસ | (દસ લાખની | ||
| અધિકાર હેઠળના અપરાધો | વસતિએ) | ||
| (cognisable crimes) | |||
| 1961 | 437.7 | 6,74,466 | 142-9 |
| 1966 | 489.1 | 7,94,733 | 162.5 |
| 1971 | 551.2 | 9,52,581 | 172.8 |
| 1976 | 613.3 | 10,93,807 | 178.4 |
| 1981 | 690.1 | 13,85,757 | 200.8 |
| 1986 | 766.1 | 14,05,835 | 183.5 |
| 1991 | 849.6 | 1,67,375 | 197.5 |
| 1992 | 867.7 | 16,89,341 | 194.7 |
| 1993 | 883.8 | 16,29,936 | 184.4 |
| 1994 | 899.7 | 16,35,251 | 181.7 |
| 1995 | 966.0 | 16,95,696 | 185.1 |
| 1971-81ના દશ વર્ષમાં વધારો |
24.1% | 45.57% | 17.2% |
| 1981-91નાં દશ વર્ષમાં વધારો |
23.1% | 33.7% | 21.1 |
1971-81નાં દસ વર્ષના ગાળામાં વસતિમાં 24.1 ટકાનો વધારો થયો છે જ્યારે અપરાધોની સંખ્યામાં 45.57 ટકાનો વધારો નોંધાયો છે. 1981-91ના દાયકામાં વસતિમાં 23.1 ટકાનો અને અપરાધોમાં 33.7 ટકાનો વધારો થયો છે.
‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ના અહેવાલ (1997) પ્રમાણે અપરાધો વિષેની કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે :
(1) ઇન્ડિયન પીનલ કોડ (IPC) હેઠળ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ દ્વારા 1995ના વર્ષમાં 16,95,696 ગુનાઓ નોંધાયા છે. આ પૈકી 2,45,332 (14.5%) હિંસક બનાવો; 4,10,813 (24.2%) મિલકતના બનાવો; 48,384 (2.9%) આર્થિક ગુનાઓ અને 9,91,167 (58.4%) અન્ય ગુનાઓ છે.
(2) સ્પેશિયલ ઍન્ડ લોકલ લૉઝ (SLLD) હેઠળ કુલ 42,97,476 અપરાધો નોંધાયા છે. આ પૈકી દારૂબંધીને લગતાં પ્રોહિબિશન ઍક્ટ હેઠળ 6,45,557 (15 %); જુગારને લગતા ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ 1,37,767 (3.2 %); એક્સાઇઝ ઍક્ટ હેઠળ 1,14,355 (2.7 %); શસ્ત્રો ધરાવવા અંગેના આર્મ્સ ઍક્ટ હેઠળ 64,331 (1.5 %) અને અન્ય ઍક્ટ હેઠળ 33,45,496 (77.6 %) અપરાધો નોંધાયા છે.
(3) વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 2,046 ગુનાઓ નોંધાયા છે.
(4) સેન્ટ્રલ બ્યૂરો ઑવ ઇનવેસ્ટિગેશન (CBI) દ્વારા 825 ગુનાઓ નોંધાયા છે.
(5) એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા વિદેશી ચલણના વ્યવહારોને લગતા F.E.R.A. 1973 હેઠળ 5,633 અપરાધો નોંધાયા છે.
(6) સેન્ટ્રલ બોર્ડ ઓવ્ ડાયરેક્ટ ટૅક્સિઝ દ્વારા તથા રેવન્યૂ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 4,612 અપરાધો નોંધાયા છે.
(7) ડિરક્ટરેટ ઓવ્ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા કસ્ટમ ઍક્ટ 1962 હેઠળ 55,947 અપરાધો નોંધાયા છે.
(8) નારકૉટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા NDPS ઍક્ટ 1985 અને PITNDPS ઍક્ટ 1988 દ્વારા 12,799 અપરાધો નોંધાયા છે.
(9) ડિરેક્ટરેટ ઑવ્ પ્રિવેન્ટિવ ઑપરેશન દ્વારા કસ્ટમ ઍન્ડ એક્સાઇઝ કસ્ટમ ઍક્ટ 1962 હેઠળ 23,217 અપરાધો નોંધાયા છે.
આમ કુલ 60,98,269 અપરાધો 1995ના વર્ષ દરમિયાન નોધાયા છે
રાજ્યવાર અપરાધની વાત કરીએ તો સૌથી વધુ ગુનાઓ મધ્યપ્રદેશમાં (11.6 %) નોંધાયા છે. ત્યારપછીના ક્રમે મહારાષ્ટ્ર (11.5 %), ઉત્તરપ્રદેશ (10.5 %); રાજસ્થાન (8.7 %); તામિલનાડુ (7.5 %); ગુજરાત (7.3 %); કર્ણાટક (7.1 %); બિહાર (6.8 %); આંધ્રપ્રદેશ (6.2 %); કેરળ (5.1 %) અને અન્ય રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં (17.7 %) અપરાધો નોંધાયા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ અપરાધો દિલ્હી(89.4 %)માં નોંધાયા છે. ત્યારપછીના ક્રમે ચંડીગઢ (3.8 %), પુદુચેરી (4.5 %) અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં (2.3 %) નોંધાયા હતા.
મેટ્રોપૉલિટન શહેરોની વાત કરીએ તો સૌથી વધુ ગુનાઓ દિલ્હી (17.2 %)માં નોંધાયા છે. ત્યારપછીના ક્રમે મુંબઈ (16.3%); બૅંગાલુરુ (11.7 %); અમદાવાદ (6.2 %); જયપુર (5.1 %); કલકત્તા (4.7 %) અને અન્ય મેટ્રોપૉલિટન શહેરોનો (38.8 %) સમાવેશ થાય છે.
અપરાધોના સ્વરૂપ કે પ્રકારની વાત કરીએ તો ઇન્ડિયન પીનલ કોડ અન્વયે કોગ્નિઝેબલ ક્રાઇમમાં સૌથી વધુ અપરાધો 2,94,306 (17.4 %) ચોરીના નોંધાયા છે. ત્યારપછી અનુક્રમે 1,16,507 (6.9 %) ઘરફોડ ચોરી; 96,520 (5.7 %); હુલ્લડ; 37,464 (2.2 %); ખૂન; 1,30,678 (1.8 %) છેતરપિંડી હત્યાનો પ્રયત્ન 29,571 (1.7 %); લૂંટફાટ 22,433 (9.3 %); અપહરણ 20,426 (1. %); અને અન્ય ફોજદારી ગુનાઓ 10,47,791 (61.8 %) નોંધાયા છે.
બાળકો વિરુધ્ધ થતા અપરાધો હેઠળ કુલ 5,749 બનાવો નોંધાયા છે. આ પૈકી સૌથી વધુ ગુનાઓ બળાત્કાર (16 વર્ષથી ઓછા વયની છોકરીઓ સામે આચરવામાં આવતા)ના 4,167 નોંધાયા છે. આ સિવાય અપહરણના 726; ઉપેક્ષા અને ત્યાગના (Exposure and Abandonment) 570; નાની છોકરીઓને વેશ્યાવૃત્તિ તરફ વાળવાના 107; શિશુહત્યા 139 અને અન્ય અપરાધો 181 નોંધાયા છે. રાજ્યોની દૃષ્ટિએ તપાસીએ તો બાળકો વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓ મધ્યપ્રદેશ 1,164 (20.3 %); મહારાષ્ટ્ર 1002 (17.5 %); ઉત્તરપ્રદેશ 590 (10.3 %); પશ્ર્ચિમ બંગાળ 522 (9.1 %); બિહાર 459 (8 %); આંધ્રપ્રદેશ 398 (6.9 %); ગુજરાત 327 (5.7 %) તથા અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1227 (22.2%) નોંધાયા હતા.
બાળ અપરાધો (Juvenile Delinquency) હેઠળ કુલ 18,793 ગુનાઓ નોંધાયા છે, આ પૈકી ઇન્ડિયન પીનલ કોડ અન્વયે 13,179 અને સ્પેશ્યલ ઍન્ડ લોકલ લૉઝ અન્વયે 5,596 અપરાધો નોંધાયા છે. વયજૂથ પ્રમાણે જોઈએ તો 7થી 12 વર્ષના વયજૂથમાં 3,377 (18%); 12થી 16 વર્ષના વયજૂથમાં (63.9 %); અને 16થી 18 વર્ષના વયજૂથમાં 3,403 (18.1%) ગુનાઓ નોંધાયા છે. કુલ બાળ અપરાધો પૈકી 14,542 (77.4 %) છોકરાઓએ અને 4,251 (22.6%) અપરાધો છોકરીઓએ કર્યા તો રાજ્યોની દૃષ્ટિએ જોઈએ તો બિહારમાં (19.1%); મહારાષ્ટ્ર (18.6%); મધ્યપ્રદેશમાં (14.6 %); ગુજરાત (10.1 %); આંધ્રપ્રદેશ (7.4 %); રાજસ્થાન (6.6 %); હરિયાણા (6.1%); કર્ણાટક (4.3 %) તથા અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (13.2 %) બાળ અપરાધો નોંધાયા છે. સ્થાનિક અને વિશિષ્ટ કાયદા અન્વયે તમિળનાડુ (57.9 %); ગુજરાત (17.2 %); મધ્યપ્રદેશ (8.1 %); મહારાષ્ટ્ર (5.8 %); અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (11 %) બાળકો વિરુદ્ધના અપરાધો નોંધાયા છે.
આવકમર્યાદાના સંદર્ભમાં તપાસીએ તો સૌથી વધુ બાળ અપરાધો ઓછી આવક એટલે કે રૂ. 500 સુધીની માસિક આવક ધરાવતા જૂથમાં (52.9 %) નોંધાયા છે. નિમ્ન મધ્યમ આવક જૂથ એટલે કે રૂ. 501થી રૂ. 1,000 સુધીની માસિક આવક ધરાવતા જૂથમાં (29.2 %); મધ્યમ આવક જૂથ એટલે કે રૂ. 1001થી 2000 સુધીની માસિક આવક ધરાવતા જૂથમાં (11.4 %); ઉચ્ચ મધ્યમ આવક જૂથમાં રૂ. 2001થી 3000 સુધીની માસિક આવક ધરાવતા જૂથમાં (4.1 %) અને ઉચ્ચ આવક રૂ. 3000થી વધારે માસિક આવક ધરાવતા જૂથમાં (2.4 %) અપરાધો નોંધાયા છે. આ ઉપરથી એમ કહી શકાય કે ગરીબી એ અપરાધવૃત્તિને પોષણરૂપ સૌથી મહત્ત્વનું પરિબળ છે.
અપરાધોના સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો 42.2 ટકા મિલકત પરત્વેના; 19.5 % હિંસક બનાવો હેઠળ ; 0.9 ટકા અપરાધો આર્થિક બાબતો અંગેના અને 37.4 ટકા બાળ અપરાધો અન્ય અપરાધો અન્વયે નોંધાયા છે. સ્થાનિક અને વિશિષ્ટ કાયદા અન્વયે પ્રોહિબિશન ઍક્ટ હેઠળ (13.1%) એક્સાઇઝ ઍક્ટ (3.5 %); ગૅમ્બલિંગ ઍક્ટ અન્વયે (4.6 %) આર્મ્સ ઍક્ટ અન્વયે (1.1 %) અને અન્ય સ્થાનિક અને વિશિષ્ટ ધારા હેઠળ (75.9 %) અપરાધો નોંધાયા છે.
1985થી 95ના દાયકાના બાળ અપરાધના આંકડા આ પ્રમાણે :
|
વર્ષ |
ફરજિયાત નોંધણીપાત્ર | 21 વર્ષથી નીચેના વયજૂથના |
| (કૉગ્નિઝેબલ) ગુનાઓની સંખ્યા | ગુનાઓની સંખ્યા | |
| 1985 | 13,84,731 | 43,317 |
| 1987 | 14,06,992 | 52,610 |
| 1988 | 14,40,356 | 24,827 |
| 1990 | 16,04,449 | 15,230 |
| 1992 | 16,89,341 | 12,588 |
| 1993 | 16,29,336 | 9,465 |
| 1994 | 16,35,251 | 8,561 |
| 1995 | 16,95,696 | 9,766 |
ઉપરના આંકડા દર્શાવે છે કે 1985 પછીના ગાળામાં ભારતમાં કુલ ગુનાઓ અને બાળગુનાઓનું પ્રમાણ વઘતું ગયું છે, જોકે 1988માં બાળ અપરાધની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો જેમાં છોકરાની વય 16 વર્ષ અને છોકરીની વય 18 વર્ષની જાહેર કરવામાં આવી. તેને પરિણામે ભારતીય દંડ સંહિતા હેઠળ નોંધાયેલા બાળ ગુનાઓનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. 1990થી ગુનાઓના આંકડા તપાસીએ તો બાળગુનાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. આ સિવાય કેટલાક બાળઅપરાધો સ્થાનિક અને વિશિષ્ટ કાયદા હેઠળ નોંધાયા છે.
મહિલા વિરુદ્ધના અપરાધો(Crimes against women)ની સંખ્યા 1,06,471ની છે. આ પૈકી સૌથી વધુ અપરાધો સ્ત્રીઓને ત્રાસ આપવાની બાબતને લગતા નોંધાયા છે, જેની સંખ્યા 31,127 (29.2 %) છે. ત્યારપછીના ક્રમે છેડતી 28,475 (26.7 %), ભગાડી જવાના અને અપહરણના 14,063 (18.2%); બળાત્કારના (12.9 %) વ્યભિચાર 28,047 (7.4 %); દહેજને કારણે થતાં મૃત્યુ 5,092 (4.8 %); જાતીય સતામણી 4,756 (4.5 %) અને અન્ય અપરાધો 757 (0.8%) નોંધાયા છે. રાજ્યવાર આંકડા તપાસીએ તો મહારાષ્ટ્રમાં 16,340 (15.3 %); મધ્યપ્રદેશમાં 15,358 (14.4 %); ઉત્તરપ્રદેશ 11976 (11.2 %); રાજસ્થાન 9,422 (8.8%); આંધ્રપ્રદેશ 9,097 (8.5 %); તમિળનાડુ 8,774 (8.2 %); પશ્ચિમ બંગાળ 6,832 (6.0 %); કર્ણાટક 5,685 (5.3%), ગુજરાત 4,392 (4.1 %) અને અન્ય રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18,422 (18.2%) અપરાધો નોંધાયા હતા.
બળાત્કારના કુલ 13,744 બનાવો નોંધાયા છે. વયજૂથની દૃષ્ટિએ જોઈએ તો 10 વર્ષની અંદર (747); 10-16વર્ષ (3320); 16થી 30 (7,752) અને 30 વર્ષથી વધુ (1955) બનાવો બન્યા છે. આ ઉપરથી કહી શકાય કે 10થી 30 વર્ષનું વયજૂથ ધરાવતી મહિલાઓ બળાત્કારનો વિશેષ ભોગ બને છે. રાજ્યવાર સંખ્યા જોઈએ તો સૌથી વધુ કિસ્સાઓ મધ્યપ્રદેશમાં 3,119 (2.7 %) બન્યા છે. ત્યારપછીના ક્રમે ઉત્તરપ્રદેશ 1,808 (13.1%); મહારાષ્ટ્ર 1,362 (9.9 %); બિહાર 1,312 (9.5 %); રાજસ્થાન (7.8 %) તથા અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5,137 (37) બનાવો બન્યા છે. ભારતમાં પ્રત્યેક કલાકે એક મહિલા બળાત્કારનો ભોગ બને છે.
1995માં અનુસૂચિત જાતિ વિરુદ્ધ કુલ 32,996 અપરાધો નોંધાયા છે. આ પૈકી ભારતીય દંડ સંહિતા હેઠળ 17,543 અને સ્થાનિક અને વિશિષ્ટ ધારા હેઠળ 15,443 ગુનાઓ નોંધાયા છે. અપરાધના પ્રકારોમાં ખૂન (571); ધાડ પાડવાના (70), લૂંટફાટ (218) ઇરાદાપૂર્વક ગુનાઇત કૃત્ય કરવાના (500); અપહરણ અને ભગાડીને લઈ જવાના (276); બળાત્કાર (873); નાગરિક હક્ક સંરક્ષણ ધારા હેઠળ (1,528); હાનિકારક હત્યાના (4,544); અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અત્યાચાર રોકવાના (13,925) તથા અન્ય અપરાધો (10,492)નો સમાવેશ થાય છે. રાજ્યવાર આંકડા જોઇએ તો સૌથી વધારે અપરાધો ઉત્તરપ્રદેશ 14205 (43.1 %)માં નોંધાયા છે ત્યારપછીના ક્રમે રાજસ્થાન 5197 (15.8 %); મધ્યપ્રદેશ 3,979 (12.1%); આંધ્રપ્રદેશ 1764 (5.3 %); ગુજરાત 1724 (5.2 %) મહારાષ્ટ્ર 1,622 (4.9 %) અને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4,505 (13.6 %) અપરાધો નોંધાયા છે.
અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ કુલ 5,498 ગુનાઓ નોંધાયા છે. આમાંથી 3,947 ભારતીય દંડ સંહિતા હેઠળ અને 1,551 સ્થાનિક અને વિશિષ્ટ ધારા હેઠળ નોંધાયા છે. ગુનાના પ્રકારોમાં ખૂનના (75); ધાડ પાડવાના (18); લૂંટફાટના (27); ઇરાદાપૂર્વક ગુનાઇત કૃત્ય કરવાના (40); અપહરણ અને ભગાડીને લઈ જવાના (74); બળાત્કાર (369); નાગરિક હક્ક સંરક્ષણ ધારા હેઠળ (71); હાનિકારક હત્યા (688); અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અત્યાચાર (1,486) અને અન્ય અપરાધો (265) બન્યા છે. રાજ્યવાર આંકડા જોઈએ તો સૌથી વધુ અપરાધો રાજસ્થાનમાં 1784 (32.4 %) બન્યા છે ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ 1696 (8.8 %); મહારાષ્ટ્ર 515 (9.2 %); ગુજરાત 486 (8.8 %) અને અન્ય રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,027 (18.9 %) અપરાધો નોંધાયા છે.
1995 વર્ષના સમગ્ર ભારતના અપરાધોની રાજ્યવાર તુલના કરીએ તો –
(1) મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધારે અપરાધો બન્યા છે.
(2) આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને તામિલનાડુમાં એક લાખથી દોઢ લાખ જેટલા ગુનાઓ નોંધાયા છે.
(3) કેરળ ઓરિસા અને પશ્ચિમ બંગાળમાં પચાસ હજારથી એક લાખ વચ્ચે અપરાધો નોંધાયા છે.
(4) આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા સંઘ પ્રદેશ દિલ્હીમાં 10 હજારથી 50 હજાર જેટલા ગુનાઓ નોંધાયા છે.
(5) અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ, ત્રિપુરા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન-નિકોબાર ટાપુઓ, ચંડીગઢ, દાદરા-નગરહવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ તથા પુદુચેરીમાં દસ હજાર કરતાં ઓછા ગુનાઓ નોંધાયા છે.
પોલીસતંત્ર દ્વારા ભારતીય દંડસંહિતા હેઠળ 21,53,628 અપરાધોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 8,861 (0.4 %) ફરિયાદો રદબાતલ કરવામાં આવી હતી, 16,86,209 (78.3 %) અપરાધોનું નિરાકરણ (પોલીસતંત્ર દ્વારા) લાવવામાં આવ્યું હતું અને બાકીના 4,58,558 (21.3 %) ગુનાઓની તપાસ કરવાની બાકી હતી. સ્થાનિક અને વિશિષ્ટ ધારા હેઠળ 45,34,213 અપરાધોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 35,351 (0.8 %) ફરિયાદો રદબાતલ કરવામાં આવી હતી, 42,51,407 (93.7 %); અપરાધોનું નિરાકરણ લાવવામાં આવ્યું અને 2,47,455 (5.5 %) ગુનાઓની તપાસ કરવાની બાકી હતી.
ન્યાયાલય દ્વારા ભારતીય દંડ સંહિતા હેઠળ 50,42,744 ગુનાની ફરિયાદો નોંધવામાં આવેલી. આ પૈકી 1,58,357 (3.1%) ફરિયાદો રદબાતલ કરવામાં આવી હતી 7,63,944 (15.2 %) ગુનાનું નિવારણ કષ્ટવામાં આવ્યું અને બાકીની 41,20,433 (81.7 %) ફરિયાદો પરીક્ષણ હેઠળ હતી જ્યારે સ્થાનિક અને વિશિષ્ટ ધારા હેઠળ 69,01,921 ગુનાની ફરિયાદો નોંધવામાં આવી હતી આ પૈકી 3,00,180 (4.3 %) ફરિયાદો રદ કરી હતી. 36,00,654 (52.2 %) ફરિયાદોનો નિકાલ લાવવામાં આવ્યો હતો અને 30,01,087 (43.5 %) ફરિયાદોની તપાસ કરવાની બાકી હતી.
અપરાધો સ્વરૂપની દૃષ્ટિએ તપાસીએ તો ખૂનના અપરાધોમાં 65.7 % ગુનાનો નિકાલ પોલીસતંત્ર દ્વારા કરવામાં આવ્યો અને 34.3 % બાકી હતા. જ્યારે ન્યાયાલય દ્વારા 15.3 % ખૂનકેસોનો નિવેડો લાવવામાં આવ્યો હતો અને 84.7 % બાકી હતા. બળાત્કારના કિસ્સાઓમાં 72.9 % કિસ્સાઓનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો હતો અને 21.1 % કિસ્સાઓની તપાસ બાકી હતી. ન્યાયાલય દ્વારા 16.9 ટકા કેસોનો નિવેડો લાવવામાં આવ્યો અને 83.1% કેસો બાકી હતા. ધાડ પાડવાના બનાવોમાં 54.5 % કેસોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો હતો અને 45.5 % કેસો બાકી હતા, જ્યારે ન્યાયાલય દ્વારા 12 ટકા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને 88 ટકા કેસો બાકી હતા. લૂંટફાટની 69.4% ફરિયાદોના નિકાલ પોલીસ દ્વારા કરવામાં આવ્યો અને 30.6 % બાકી હતા, કૉર્ટ દ્વારા આવી ફરિયાદો નોંધાઈ નથી. ઘરફોડ ચોરીમાં 77 ટકા કેસોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 23 ટકાની તપાસ બાકી હતી કૉર્ટ દ્વારા 16.2 % ફરિયાદોના ઉકેલ લવાયો અને 83.8 ફરિયાદો બાકી રહી ચોરીની 78.6 % ફરિયાદોનો ઉકેલ પોલીસ દ્વારા લવાયો અને 21.4 % ફરિયાદોની તપાસ બાકી હતી. કૉર્ટ દ્વારા 17.2 % બનાવોનો ઉકેલ લાવવામાં આવ્યો અને 82.8 ટકાની તપાસ બાકી હતી. હુલ્લડના બનાવોમાં 77.6%નો નિવેડો પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 22.4 ટકાની તપાસ કરવાની બાકી રહી. કૉર્ટ દ્વારા 15.9 % બનાવો ઉકેલાયા અને 84.1 %ની તપાસ બાકી રહી. ગુનાઇત કૃત્ય કરવાની 76.6 % ફરિયાદોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 23.4%ની તપાસ બાકી હતી. કૉર્ટ દ્વારા 17.6 % બનાવોનો ઉકેલ લવાયો અને 82.4 %ની તપાસ બાકી હતી. દહેજને કારણે મૃત્યુના કિસ્સાઓમાંથી 78.6 %નો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 21.4 %ની તપાસ બાકી હતી. કૉર્ટ દ્વારા 12.9 ટકાનો નિવેડો લાવવામાં આવ્યો અને 87.1 % બનાવોની તપાસ બાકી રહી. જાતીય સતામણીના 95.7 % બનાવોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 4.3%ની તપાસ બાકી હતી. કૉર્ટ દ્વારા 71.3 ટકા તપાસ બાકી છે અને 28.7 ટકાનો નિવેડો લાવવામાં આવ્યો છે. આમ એકંદરે જોઈએ તો 78.3 % અપરાધોનો નિકાલ પોલીસતંત્ર દ્વારા લાવવામાં આવ્યો છે અને 21.3% અપરાધોની તપાસ કરવાની બાકી હતી. જ્યારે કૉર્ટ દ્વારા 18.2 % ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો અને 81.2% અપરાધોની તપાસ પરીક્ષણ હેઠળ છે.
સ્થાનિક અને વિશિષ્ટ ધારા હેઠળના અપરાધોમાં હથિયારબંધી ધારા હેઠળના 83.9 ટકા ફરિયાદોનો નિકાલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 23.1 ટકાની તપાસ બાકી રહી. કૉર્ટ દ્વારા 21.3 ટકાનો ઉકેલ લવાયો અને 78.6 % બાકી હતા. નશાબંધી ધારા હેઠળની 66.5 ટકા ફરિયાદોનો ઉકેલ પોલીસ દ્વારા લવાયો અને 33.5 ટકાની તપાસ બાકી રહી. ન્યાયાલય દ્વારા 16.8 ટકાનો ઉકેલ લવાયો અને 83.2 ટકાની તપાસ બાકી હતી. જુગારબંધી ધારા હેઠળ 97.1 ટકા બનાવોનો ઉકેલ પોલીસ દ્વારા લવાયો અને 2.9 ટકા બાકી રહ્યા, જ્યારે કૉર્ટ દ્વારા 38.2 ટકા ફરિયાદોનો ઉકેલ લાવ્યા અને 61.8 ટકાની તપાસ બાકી રહી. આબકારી જકાત ધારા હેઠળના 84.1% કેસોનો નિવેડો પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 18.6% કેસોની તપાસ બાકી હતી, જ્યારે કૉર્ટ દ્વારા 31.7 % કેસો ઉકેલાયા અને 68.3 %ની તપાસ બાકી રહી. દારૂબંધીના કાયદા હેઠળના 88 ટકા બનાવોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 12 ટકાની તપાસ બાકી રહી. કૉર્ટ દ્વારા 28.4 ટકા કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો અને 71.6 %ની તપાસ બાકી હતી. વિસ્ફોટક પદાર્થ અને ખાસ દ્રવ્ય હેઠળ નોંધાયેલા 58.7 ટકા બનાવોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 41.3 ટકાની તપાસ બાકી હતી. કૉર્ટ દ્વારા 15.6 ટકા બનાવોનો નિકાલ લાવવામાં આવ્યો હતો અને 84.4 ટકાની તપાસ કરવાની બાકી હતી. વ્યભિચાર અટકાયતી ધારા હેઠળના 94.8 ટકા બનાવોનો પોલીસ દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો અને 5.2 ટકાની તપાસ બાકી હતી, કૉર્ટ દ્વારા 60.2% બનાવો ઉકેલાયા અને 39.8 ટકાની તપાસ બાકી હતા. નાગરિક હક્ક સંરક્ષણ ધારા હેઠળના 84.2 % કેસોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો. કૉર્ટ દ્વારા 23.1 ટકા બનાવોનો નિકાલ કરવામાં આવ્યો અને 76.9 ટકા બનાવોની તપાસ બાકી હતી. દહેજ પ્રતિબંધક ધારા હેઠળના 69.5 % બનાવોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 30.5 % બનાવોની તપાસ બાકી હતી. કૉર્ટ દ્વારા 22.3 ટકાનો ઉકેલ લવાયો અને 77.7 ટકાની તપાસ બાકી હતી. ત્રાસવાદી અને વિધ્વંસક પ્રવૃત્તિ ધારા (TADA) હેઠળના 40.6 ટકા બનાવોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 59.4 ટકાની તપાસ બાકી રહી. કૉર્ટ દ્વારા માત્ર 5.5 ટકા ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો અને 94.2 ટકાની તપાસ બાકી હતી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ થતા અત્યાચારો રોકવા અંગેના ધારા હેઠળના 92.4 ટકા બનાવોનો ઉકેલ પોલીસ દ્વારા લવાયો અને 7.6 ટકા બનાવોની તપાસ બાકી હતી. કૉર્ટ દ્વારા 14.1 % કિસ્સાનો ઉકેલ લાવવામાં આવ્યો અને 85.9 ટકાની તપાસ બાકી હતી. વનકાયદા હેઠળના 92.1 ટકા બનાવોનો ઉકેલ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો અને 7.9 ટકાની તપાસ બાકી હતી. જ્યારે કૉર્ટ દ્વારા 17.8 % ફરિયાદોનો ઉકેલ લવાયો અને 7.9 ટકાની તપાસ બાકી હતી. જ્યારે કૉર્ટ દ્વારા 17.8 % ફરિયાદોનો ઉકેલ લવાયો અને 82.2 ટકાની તપાસ બાકી હતી. આમ એકંદરે જોઈએ તો 94.5 % કિસ્સાઓનો ઉકેલ પોલીસતંત્ર દ્વારા લાવવામાં આવ્યો અને 5.5 ટકાની તપાસ પરીક્ષણ હેઠળ રહી. જ્યારે કૉર્ટ દ્વારા 56.5 ટકા ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો અને 43.5 ટકા બનાવો બાકી રહ્યા. આમ સમગ્ર ચિત્ર પરથી કહી શકાય કે પોલીસતંત્રની કાર્યવાહીની તુલનામાં ન્યાયાલયની કાર્યવાહી સંપૂર્ણ સફળ નીવડી નથી.
અપરાધ જેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે. પ્રતિબંધ અને નિયંત્રણ : અપરાધ એ. પરિવર્તનશીલ સામાજિક કાયદાકીય ઘટના છે, જેનો આધાર મુખ્યત્વે સમાજની પરિસ્થિતિ ઉપર રહેલો છે. અપરાધી વ્યક્તિ તરફ સમાજની પ્રતિક્રિયા પ્રતિકૂળ હોય છે. સમાજ આરોપીને શંકાની નજરે નિહાળે છે. ગુનેગારોને સામાજિક નિયંત્રણના માપદંડો સહાનુભૂતિપૂર્વક સમજાવવામાં આવે તો તેમના જીવનમાં સુધારો લાવી શકાય છે. વિવિધ સંસ્થાઓના સક્રિય સહયોગથી અપરાધોને અટકાવી શકાય છે.
કાયદો અને ન્યાયતંત્રની જટિલ પ્રક્રિયા લોકશાહી સમાજ સાથે સુસંગત રીતે સંકળાયેલી છે. આમાં આરોપીની તપાસ કરીને ફરિયાદના પુરાવા સાથેની નોંધ, નિર્દોષ કે શંકાસ્પદ બાબતોની સંપૂર્ણ તપાસ હાથ ધરાયા પછી જ ગુનેગારને ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવે છે.
અપરાધ એક સામાજિક સમસ્યા છે, જે તે સમુદાયના લોકોની સભ્યતા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. એકલી ફોજદારી કાર્યવાહી અપરાધને નિયંત્રિત કરી શકતી નથી. તેની સાથે સામાજિક તત્ત્વો, સમાજ અને કુટુંબની ભૂમિકા પણ મહત્ત્વની છે. સાનુકૂળ વાતાવરણ, શૈક્ષણિક સવલતો, મનોરંજનની સગવડો, સલાહ અને માર્ગદર્શનની સેવાઓ વડે અપરાધ અટકાવી શકાય છે. કેટલાંક અસામાજિક તત્ત્વો સાથે સંકળાયેલી વ્યક્તિઓને ગુનેગાર તરીકે શોધીને ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં સમુદાયના સભ્યો મદદરૂપ બને છે. પ્રાચીન ભારતમાં અપરાધને અટકાવવા માટે જનસમુદાયના સભ્યોની મદદ લેવાતી હતી. ગ્રામ પંચાયતો, ન્યાય પંચાયતો આરોપીના વર્તન ઉપર ચાંપતી નજર રાખતા અને સ્થાનિક સ્તરે સ્થળ પર ઝઘડાનો નિકાલ કરતા. આ પદ્ધતિ ઝડપી અને ઓછી ખર્ચાળ હતી. મુઘલ સામ્રાજ્ય અને બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાન આવી સંસ્થાઓની અવનતિ થઈ. આઝાદી પછી તેમને પુનર્જીવિત કરવાના પ્રયત્નો કર્યા છતાં તેમની ભૂમિકા ઘણી મર્યાદિત રહી છે.
કેટલાંક સ્વૈચ્છિક સંગઠનો, સ્વાયત્ત સંસ્થાઓ, ક્લબો પણ અપરાધ પ્રતિબંધમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રામકૃષ્ણ મિશન મહિલા સમાજ જેવી નામાંકિત સંસ્થાઓએ પ્રશંસનીય કામગીરી કરી છે, પરંતુ આવી સંસ્થાઓ અપરાધ સાથે સીધી સંકળાયેલી નથી. અખિલ ભારતીય ગુના નિવારણ સમાજ કેટલાંક વર્ષોથી અપરાધનિયંત્રણનું કાર્ય કરે છે. તેવી જ રીતે ચિલ્ડ્રન એઇડ સોસાયટી બાળઅપરાધોના નિવારણનું કાર્ય કરે છે. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો સમુદાયની ભૂમિકા અપરાધને અટકાવવામાં અપર્યાપ્ત છે.
અપરાધ સુધારણા અને પુન:સ્થાપન : અપરાધી પરત્વે દંડનીય કાર્યવાહીને બદલી હવે સુધારાવાદી અભિગમ અપનાવવામાં આવે છે. ગુનેગારોની સુધારણાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને તેનો પ્રચાર જનસંપર્કનાં માધ્યમો દ્વારા અથવા ઑડિયો વિઝયુઅલ સાધનો દ્વારા તેનો પ્રસાર થવો જોઈએ.
સંસ્થાકીય સેવાઓમાં ગુનેગારની તપાસ કરી તેના સામાજિક-આર્થિક સંજોગો, તબીબી અહેવાલ વગેરેની તપાસ થાય છે. સુધારણાના કાર્યક્રમો જેવા કે શિક્ષણ, ધાર્મિક પ્રચાર, વ્યવસાયલક્ષી તાલીમ, મનોરંજન વગેરેનું આયોજન કરીને અપરાધીને સુધારવામાં આવે છે. ગુનેગારને કામમાં વ્યસ્ત રાખીને કેટલાંક પ્રોત્સાહકો જેવાં કે સજામાંથી માફી, લાંબી મુદતની રજા (parole), ઉત્પાદકીય કામ બદલ વળતર વગેરે આપીને એમને સુધારવામાં આવે છે.
અપરાધશાસ્ત્રમાં પરિવીક્ષા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પરિવીક્ષા એટલે ગુનેગારની અજમાયશી ધોરણે મુક્તિ. અપરાધના કિસ્સાઓમાં અપરાધનો પ્રકાર, અપરાધીની વય, સામાજિક-આર્થિક પરિબળોની તપાસ કર્યા પછી ન્યાયાધીશને લાગે કે ગુનેગારને સજા કરવાથી નુકસાન થાય તેની સંભાવના છે ત્યારે સજાનો અમલ ન કરતાં અપરાધીને અજમાયશી ધોરણે છોડવા અને તેને તેનું ચારિત્ર્ય સુધારવા માટે પરિવીક્ષા ધારા હેઠળ છૂટ આપવામાં આવે છે. અપરાધીનાં હિતોની રક્ષા અને સમાજની સુરક્ષા કરવાનું કાર્ય પ્રોબેશન અધિકારીઓ કરતા હોય છે. અજમાયશી ધોરણે છૂટેલો આરોપી તેને મળેલી તકનો ગેરલાભ ઉઠાવીને કોઈ ગુનામાં સંડોવાય તો તેને સજા કરી શકાય છે. એકંદરે જોતાં આખા સમાજની સુરક્ષા જોખમાતી નથી.
સામાન્ય જનતા, સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, સેવાભાવી કાર્યકરો, સામાજિક કાર્યકરો સમજાવટથી ગુનેગારનો પૂર્વગ્રહ સફળતાપૂર્વક દૂર કરી શકે છે. પરિવીક્ષા અને પુન:સ્થાપનનું કાર્ય કરતી સંસ્થાઓ આમાં સામેલ થાય તો ગુનેગારોને અપરાધ કરતાં અટકાવી શકાય અને તેમનું ભાવિ સુધારી શકાય.
પહેલાંના સમયમાં નાનામોટા ગુનાઓ માટે સખત કેદની અથવા મૃત્યુદંડની સજાઓ કરવામાં આવતી. આની પાછળનો હેતુ વ્યક્તિઓ ઉપર ધાક બેસાડવાનો અને ભવિષ્યમાં બીજા ગુનેગારો ગુનો ન આચરે એ માટે દાખલો બેસાડવાનો હતો. પરંતુ આની વિપરીત અસર જોવા મળી. આ સંદર્ભમાં બૉસ્ટનના નાગરિક જૉન ઑગસ્ટસનું કામ નોંધપાત્ર છે. તેઓ અનેક ગુનેગારોને પોતાની સંભાળ હેઠળ રાખીને અપરાધીઓને જીવનના સાચા રાહ પર લાવ્યા અને ગુનેગાર સુધારણા ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી. આમાંથી જ પરિવીક્ષા પદ્ધતિનો ઉદય થયો. ભારતમાં એની શરૂઆત 1923માં કરવામાં આવી. આના પરિણામે વિવિધ બાળ અધિનિયમો પસાર કરવામાં આવ્યા અને બાળ-અદાલતો દ્વારા બાળ ગુનેગારોને પ્રોબેશન ઉપર છોડવાની અને દેખરેખ રાખવાની જવાબદારી પ્રોબેશનરી ઑફિસરોને સોંપવામાં આવી. જેલની સુધારણાના પ્રશ્ન પરત્વે ડૉ. વૉલ્ટર સી. રેકલેસની સેવાઓ ઘણી મહત્ત્વની છે. તેમણે કેદીઓનું વર્ગીકરણ કરીને ગુનેગારોને અલગ પાડ્યા. તેમની વય પ્રમાણે લાંબી અને ટૂંકી મુદતની સજા ગોઠવી જેલના કર્મચારીઓની પરિષદ બોલાવી અને તાલીમ વર્ગનું આયોજન કર્યું. આ દરમિયાન અભ્યાસ- જૂથની રચના કરી અને એમના અભ્યાસને આધારે પરિવીક્ષા અધિનિયમને પસાર કરાવ્યાં, જેનો અમલ ચાલુ છે. આ કાયદાનો પ્રયોગ ન્યાયાધીશના વિવેક ઉપર રહે છે.
સરકારી કે સ્થાનિક સત્તાવાળાઓ તરફથી હાથ ધરાતાં બાંધકામો માટે ટેન્ડર મંગાવવામાં, મંજૂરી આપવામાં, કામની દેખરેખ રાખવામાં, શરતોનું પાલન થયું છે તેનું સર્ટિફિકેટ આપવામાં પણ ઉભય પક્ષે એટલે કે અધિકારી અને કોન્ટ્રૅક્ટર પરસ્પરને સહકાર આપતા હોય એવું લાગે ! કામના કયા તબક્કે કેટલા રૂપિયાનું બિલ તૈયાર કરવું એ વ્યવસ્થિત ગોઠવાયેલું રહે છે અને મંજૂર કરનાર કચેરીઓના માણસોના હિસ્સા નક્કી થયેલા હોય છે, એમ માનવાને કારણ રહે છે. આ લાંચને ‘‘ધંધાનો વિવેક’’ (professional courtesy) ગણવામાં આવે છે. બેપાંચ વર્ષે ઊતરતી કક્ષાનો માલ વાપરીને અધકચરું બંધાયેલ મકાન કે પુલ કે સડક ધરાશાયી થાય તે પહેલાં તો ઘણા માણસો અને કર્મચારીઓ બદલાઈ ગયા હોય છે ને કોની બેજવાબદારી આ માટે કારણભૂત થઈ તે નક્કી કરી શકાતું નથી. દર વર્ષે કરોડો રૂપિયાનો વહીવટ કરતા આ જાહેર બાંધકામ વિભાગો સફેદ કૉલરધારી અપરાધીઓ માટે સોનાની ખાણ બરાબર છે. સરકારે ઊભાં કરેલાં સ્વાયત્ત નિગમો-(corporations)ને તો ટેન્ડર મંગાવવા વગેરેની વિધિને વળગી રહેવાની પણ જરૂર નથી હોતી. મોટેભાગે ભળતા નામે કંપની કાઢી પોતાના નજીકના સગાને આ કામોના કોન્ટ્રૅક્ટ અપાય છે.
ખોટી અગર અતિશયોક્તિભરી જાહેરખબરો આપીને ભલાભોળા માણસોને છેતરીને હલકી વસ્તુઓ વેચવી એ પણ સફેદ શઠના કારસ્તાનમાં આવે છે. શબ્દરચના-હરીફાઈઓ અને હવે તો દરેક રાજ્ય દ્વારા ચાલતી લૉટરીઓમાં ઘણા પ્રકારની ગોલમાલ થાય છે ને અમુક નંબરો જ વિજેતા થાય છે. અદના નાગરિક્ધો પોતાની અન્ય જવાબદારીઓ ઉઠાવતાં પોતાનો નંબર લાગ્યો કે નહિ તે જોવાની પણ ફુરસદ હોતી નથી. વિજેતા પાસે સફેદ ઠગો તુર્ત જ પહોંચી જાય છે. અને પોતાનાં કાળાં નાણાંને સફેદ કરવા ઇનામ મેળવતી લૉટરીની ટિકિટ બમણે ભાવે ખરીદવા તૈયાર થઈ જાય છે.
અખાતના દેશો(gulf countries)માં ભૂગર્ભમાંથી નીકળેલા તેલની ઊંચી કિંમતોને કારણે આવેલી સંપત્તિની છોળ અને રોજગારીથી લોભાઈને ઘણા અબુધ અને ભોળા કામદારો અને કારીગરો ત્યાં જવા ઇચ્છે તે સ્વાભાવિક છે. નોકરીની ખાતરી આપી મોટી રકમો પડાવી પછી ખોટા પાસપૉર્ટ ને નિમણૂકના પત્રો વગેરે પકડાવી હવાઈ જહાજની ખાલી સહેલ કરાવી પછી પોતે પેઢી સંકેલી લઈ છૂ થઈ જવાના ઘણા કિસ્સા પ્રગટ થયેલા છે. ઘણી વાર નોકરી માટે આ રીતે ગયેલા લોકોને બીજી જ વળતી સફરમાં પાછા ભારત આવવું પડે છે. અગર તો ત્યાંના દેશોની જેલમાં સબડવું પડે છે. આ ધંધાદારી લૂંટમાં તે તે દેશોના મજૂર કોન્ટ્રૅક્ટરો પણ ભળેલા હોય છે. માનવ નિકાસ નિગમ(Human Export Corporation)ને નામે આ સફેદ વસ્ત્રધારીઓ છેતરવાની અનેક તરકીબો કરે છે.
આવી જ રીતે ગરીબ સ્ત્રીઓને અને બાળાઓને અખાતના દેશોમાં સારા પગારે કામવાળી, રસોઇયણ કે આયા તરીકે નોકરીની લાલચ આપીને પરદેશ લઈ જવામાં આવતી હતી, પણ આ સ્ત્રીઓને છેતરી તેમને અનીતિનાં ધામોમાં વેચી નાખવામાં આવતી હતી. થોડાં વર્ષો પહેલાં ભારત સરકારે આવી સ્ત્રીઓને પાસપૉર્ટ ન આપવાની સૂચના આપી હતી.
લોહીનો વેપાર નાનાં બાળકોને પણ છોડતો નથી. યુરોપ અને અમેરિકામાં બાળકોની અછત રહે છે અને ઘણાં નિ:સંતાન યુગલો પૂર્વના દેશોમાંથી બાળકને દત્તક લેવા ઇચ્છા ધરાવતાં હોય છે. સફેદ ઠગો આવાં યુગલોનો સંપર્ક સાધી ગરીબ માબાપનાં નાનાં બાળકોને અગર અનાથાશ્રમોમાં આશ્રય પામેલાં નાનાં બાળકોને વેચાતાં લઈને પછી ઘણી વધુ કિંમતે આ પરદેશી યુગલોને વેચી દેતા માલૂમ પડ્યા છે. આ બાળકોનું ભવિષ્ય કેવું હોય છે, કે મોટાં થયા પછી તેમનું શું થાય છે તેની તકેદારી કોઈ રાખતું નથી. સુપ્રીમ કૉર્ટે એક ચુકાદામાં આ અંગે માર્ગદર્શક સૂચનાઓ આપી છે, પરંતુ તે પછી સરકારી સ્તરે સ્પષ્ટ નીતિનિયમો કે કાયદો ચોક્કસ કરેલો ન હોઈ બાળકોનું આ દત્તક-વેચાણ રોકી શકાતું નથી. દેશમાં જ વસતા નાગરિકો માટે બધી કોમોને લાગુ પડતું બિલ સંસદ સમક્ષ મુસદ્દાના રૂપે રજૂ થયું હતું, પણ મુસ્લિમ લઘુમતી કોમના પ્રણેતાઓએ આમાં શરિયતનું કે ઇસ્લામી કાયદાનું ઉલ્લંઘન થવા અંગે વિરોધ કરેલો તેથી કામ અટકી ગયું. આ મુસદ્દો હવે તો સમયરેખા બહારનો (time barred) થઈ ગયો છે. ‘શાહબાનુ કેસ’ના અનુસંધાનમાં સમાન સિવિલ કોડનો ધારો લાવી લગ્ન અને કુટુંબજીવનનાં બધાં પાસાંને આવરી લેતું, સ્વૈચ્છિક રીતે લાગુ પડે તેવું બિલ રજૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ શુભ આશય કયા તબક્કે કાયદા સ્વરૂપે અમલી બનશે તેની કોઈ આગાહી કરી શકે નહિ.
આથીયે વધુ કરુણ કથની તો ઉંમરલાયક કન્યાઓની છે. દહેજ અને મહેર જેવા રિવાજોને લઈને પોતાની દીકરીઓને પરણાવી ન શકતાં ગરીબ માતાપિતા આરબ દેશોમાંથી આવતા લગ્નના ઇચ્છુક પૈસાદાર ઇસમોના દલાલો દ્વારા સારી રકમ લઈ નિકાહ કરાવી આપે છે. આ માલેતુજારો ભારતમાં રહે ત્યાં સુધી છોકરીઓને હોટેલોમાં હેરવી-ફેરવી અને પછી પાછળથી હવાઈ સફરની ટિકિટ મોકલી પોતાના દેશ બોલાવી લેવાનું વચન આપીને જતા રહે છે અને નિકાહ થયેલી છોકરીઓને રખડાવે છે. કોઈ કન્યાઓને સાથે લઈ જાય તો પણ આરબ દેશોમાં તલ્લાક આપીને લોહીનો વેપાર (traffic in human beings) થાય છે અને કૂટણખાનાંઓમાં તેમને ગુલામીની દશામાં જીવન વ્યતીત કરવાનું થાય છે.
કેટલીક વાર મિશનરીઓ ગરીબ કુટુંબોને થોડા પૈસા આપી ફોસલાવીને તેમની પુત્રીઓને અભ્યાસ માટે પરદેશ મોકલવાની લાલચ આપીને રોમ મોકલતા. ત્યાંથી આ યુવતીઓને અભ્યાસ કરાવવાને બદલે યુરોપના દેશોમાં જુદા જુદા દેવળમાં સાધ્વીઓ (nuns) તરીકે ભરતી કરવામાં આવતી હતી. યુરોપના દેશોમાં નવી પેઢીમાંથી દેવળોમાં સાધ્વી થવા આવતી સ્ત્રીઓની સંખ્યા બહુ ઘટી ગઈ છે. તેથી અવિકસિત દેશોમાંથી આ બાળાઓને વેચાતી લાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય દવા બનાવતી પેઢીઓમાં નવી દવા મનુષ્યો ઉપર અજમાયશ કરવા માટે બાળકોની જરૂર પડે છે અને આ રીતે વેચાણ થઈને ગયેલાં અમુક બાળકોને આ પ્રયોગો માટે ભરતી કરવામાં આવે છે. વાંદરાં અને દેડકાં જેવાં પ્રાણીઓની આ હેતુસરની નિકાસ રોકવા માટે ભારતમાં ‘સોસાયટી ફૉર પ્રિવેન્શન ઑવ્ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ’ એટલે કે જીવદયા મંડળી દ્વારા પણ કોઈ વાર અવાજ ઉઠાવવામાં આવે છે. જ્યારે જીવતાંજાગતાં કુમળી વયનાં બાળકોનો પક્ષ કરે તેવી કોઈ સંસ્થા નથી.
તબીબી વ્યવસાયની પવિત્ર મનાતી આચારસંહિતા (professional ethical code) મોટાભાગના તબીબો અનુસરતા હશે. પરંતુ સફેદ વસ્ત્રધારી અપરાધીઓ તેમાં પણ પ્રવેશ પામી ગયા છે. ગરીબ દર્દીને સાદી બીમારીમાં સીધી સારવાર આપવાને બદલે એક નિષ્ણાત તેને બીજા નિષ્ણાત પાસે જુદી જુદી તપાસ (test) કરાવવા મોકલે છે. મોંઘામાં મોંઘી દવાઓ લખી આપવામાં આવે છે. નવી ઊભી થયેલી ફાર્મસીઓના કાગળ ઉપર જ પ્રિસ્ક્રિપ્શન લખે છે. અને કહેવાય છે કે આવા ડૉક્ટરોને રાજી રખાય છે. કુદરતી પ્રસૂતિ થવાને બદલે વધુ સંખ્યામાં ‘સીઝેરિયન’ શસ્ત્રક્રિયાથી પ્રસૂતિઓ કરાવાય છે. કેટલીક વાર તેની પાછળ પણ અપ્રામાણિક વ્યવહાર રહેલો હોય છે.
શરીરના જુદા જુદા અવયવોનું બીજાનાં અંગો ઉપર આરોપણ થઈ શકે છે તેથી વેપારી ધોરણે અંગ-ઉપાંગો વેચાતાં મેળવી આપનારાઓ માટે શઠપ્રવૃત્તિના શ્રીગણેશ મંડાઈ ગયા છે. લોહીના બાટલા તો વેચાતા મળે જ છે.
તબીબી કારણોસર ગર્ભપાતનો કાયદો (Medical Termination of Pregancy Act) અમલમાં આવતાં હવે વસ્તીવધારો રોકવા, કુટુંબ નાનું રાખવા અગર કુમારી કે વિધવા માતાને બચાવવા ગર્ભપાત કરાવવો એ ગુનો ઠરતો નથી. આ કાયદો આવ્યા પહેલાં આ પ્રકારની ગર્ભપાતની પ્રૅક્ટિસ પૈસા કમાવાનું સાધન હતું. કોઈ વિચક્ષણ બુદ્ધિએ આ કાયદાનો તેના પ્રણેતાઓએ નહિ ધારેલો તેવો પ્રયોગ જુદા જ હેતુસર કરવાનું શોધી કાઢ્યું છે. ગર્ભમાં રહેલા બાળકની જાતિ હવે અમુક પ્રકારની તપાસ(test)થી જાણી દીકરીના જન્મ પરત્વે હજી મોટાભાગના રૂઢિચુસ્ત હિંદુ સમાજમાં સૂગ દર્શાવાય છે અને છેલ્લા સમાચાર મુજબ રૂઢ માનસ ધરાવતાં કુટુંબો પોતાની વહુ કે દીકરીને આ ટેસ્ટ કરાવી જો ગર્ભમાં કન્યા છે તેમ જાણ થાય તો ગર્ભપાત તુરત જ કરાવી નાખે છે. સૃષ્ટિની કિરતારે રચના કરી ત્યારે પુરુષ-સ્ત્રીની સંખ્યાની સમતુલાનું બહુ દીર્ઘદૃષ્ટિથી આયોજન કર્યું હતું. હવે જો આ શઠપ્રવૃત્તિ ચાલુ રહે તો કુદરતે દીધેલી આ સમતુલામાં વિક્ષેપ થતાં એનાં શાં શાં પરિણામો આવશે તે તો સમય જ કહી શકે. અત્યારે જ ભારતમાં દર હજાર પુરુષે સ્ત્રીની સંખ્યા 941 છે. સમાજશાસ્ત્રીઓ કહે છે કે કદાચ બહુપતિત્વ(polyandry)ના દિવસો પાછા આવે !
‘‘ગરીબી હટાવો’’ ઝુંબેશના એક ભાગ તરીકે ભારતમાં રાષ્ટ્રીયકૃત અને અન્ય બૅન્કો દ્વારા વિવિધ બાબતો માટે લોન આપવાની પ્રવૃત્તિ જોસમાં ચાલે છે. આ યોજનાની અસરકારકતા તપાસવા લાભાર્થીઓની મુલાકાતો લેતાં જણાય છે કે ખરેખરી સહાય અધવચ્ચે જ ક્યાંક અટવાઈ જાય છે. ગરીબીની રેખા એ કાલ્પનિક રેખા બની રહે છે. સીમાન્ત ખેડૂતો, વેઠે કામ કરવા બંધાયેલા, જમીનવિહોણા શ્રમિકો, જેમની જમીનો મોટા બંધ ને સરોવરમાં દબાઈ જાય છે, આદિવાસી વિસ્તારનાં જંગલો કપાઈ જાય છે ને આદિવાસીની જંગલની પેદાશોની રોટીરોજી લૂંટાઈ જાય છે, તેમના પુનર્વસવાટની યોજના વગેરે કાગળ ઉપર જેવી આકર્ષક છે તેટલી વાસ્તવમાં નથી. સફેદ સ્વાંગધારી અપરાધીઓ તેમાં પણ ભાગ પડાવે છે. બૅન્કોની લોનનું અર્થકારણ ગૂંચવાડાભર્યું હોય છે અને કરોડોની લોનો કદી પાછી અપાતી નથી.
મોટી પેઢીઓના મૅનેજરો અને મુખ્ય વહીવટકર્તાઓને પગાર ઉપરાંત એક વિશેષ સગવડ અપાય છે, તે છે ‘ખર્ચના હિસાબે’ પૈસા (expense account). આ અંગે કરવાના ખર્ચની અવારનવાર મર્યાદા નથી હોતી ને કાળાં નાણાંના બધા સદુપયોગ ચાલે છે. આમાં વાહન, પ્રવાસ, હોટલ, ભોજન-સમારંભો, ગેસ્ટ-હાઉસ, ભેટસોગાદો, મનોરંજન, પીણાંઓ વગેરેનો સમાવેશ થઈ જાય છે. ભ્રષ્ટાચાર કરનાર અને કરાવનાર બંનેને આ પ્રથા ઉપયોગી નીવડે છે અને તેનો કર ભરવો પડતો નથી.
ભારતભરમાં જીવનના દરેક ક્ષેત્રમાં ભરડો લીધેલ આ ભ્રષ્ટાચારને નાથવા અને નિવારવા અવારનવાર ઘણી સમિતિઓ અને સુધારણાપંચો ભલામણ કરી ગયાં છે. આ બધી ભલામણો ઉપર અમલ થયો નથી. ‘લોકપાલ’ અને ‘લોક-આયુક્ત’ જુદી જુદી રીતે જુદા જુદા મંચો ઉપર ચર્ચાયા કરે છે, પરંતુ કાર્યક્ષમ નીવડતા નથી. પરિણામે સામાન્ય નાગરિક બધી રીતે છેતરપિંડીનો ભોગ બને છે. તેની રક્ષા કાજે ગ્રાહક સુરક્ષા સંગઠન કે આંદોલન શરૂ થયું છે. ગ્રાહક સુરક્ષા ધારાનો યોગ્ય અમલ થાય તો તે આશા ઊભી કરે છે. સફેદ વસ્ત્રધારી અપરાધીઓની વ્યવસ્થિત ચાલ સામે એકલવાયો નાગરિક ટકી શકતો નથી.
ઘણી વાર ગેરકાયદેસર એકઠાં કરેલાં નાણાંનો ઉપયોગ આંખને બેહૂદા લાગે તેવા ખર્ચાળ કાર્યક્રમોમાં કરવામાં આવે છે. વિશિષ્ટ ખર્ચ(conspicuous consumption)માં લગ્ન, જન્મદિન, ઉત્સવો, દિવાળી, નાતાલ, નવું વર્ષ વગેરેના પ્રસંગોએ વીજળીની રોશની, બૅન્ડવાજાં, ફટાકડા, દહેજ અને ભેટસોગાદો, ફોટાઓ, જાહેરખબરો, દાન, લહાણી, નૃત્ય, ગરબા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
સફેદ વસ્ત્રધારી અપરાધીઓ દ્વારા આચરવામાં આવતાં કુકર્મો એટલાં પ્રચલિત થયાં છે કે અઢારમી અને ઓગણીસમી સદીમાં ગુનાઓના આંકડા, કારણો, વિધાયક પરિબળો વગેરે ઉપર મદાર રાખીને ઘડાયેલા ભારતીય અપરાધશાસ્ત્રના અત્યારના સિદ્ધાંતો અને પાયાની ભાવનાઓ ઊણાં પડે છે. તેને અંગે નવી પરિસ્થિતિમાં નવેસરથી સંશોધન થવું જરૂરી છે, એમ આધુનિક સમાજશાસ્ત્રીઓ કહે છે તેમાં ઘણું તથ્ય રહેલું છે.
અપરાધવિજ્ઞાન : કિશોર અપરાધવૃત્તિ : ‘કિશોર’ શબ્દનો પ્રયોગ ભારતના અપરાધ-ન્યાયના કાયદામાં ખાસ આવતો નથી. સાધારણ રીતે ‘બાળક’ શબ્દ નાની ઉંમરના અપરાધી માટે વપરાય છે, જેની વ્યાખ્યા જુદાં જુદાં રાજ્યોના બાળ અધિનિયમોમાં (1960) એકસરખી નથી. પરંતુ હવે એવો અભિપ્રાય સ્થિર થયો છે કે કેન્દ્રીય ધારાના પગલે રાજ્ય સરકારોએ પણ બાળકના વ્યાખ્યામાં એકતા અને સમાનતા લાવવી અને બાળક એટલે 16 વર્ષથી નીચેની ઉંમરનો છોકરો અને જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય એવી છોકરી એમ સ્વીકારવું.
બાળઅપરાધનાં કારણો : બાળકો કયાં કારણોસર ગુનેગારી તરફ દોરાય છે તે અંગે વિદ્વાનો અને સમાજશાસ્ત્રીઓ એકમત નથી. કર્મના સિદ્ધાંત મુજબ પાછલા ભવની લેણદેણને જુનવાણી સમાજમાં ગુના માટે કારણભૂત માનવામાં આવતી. ભૂત, પિશાચ કે શયતાન પણ કારણરૂપ બનતાં. ઓગણીસમી સદી સુધી ગુનાગીરી વારસાગત છે એવો એક વિશિષ્ટ સિદ્ધાંત ઊભો કરવામાં આવેલ. અપરાધીના ચહેરાનો ઘાટ, અણસાર, શરીરનો બાંધો અને આકૃતિ સાથે અપરાધને સંબંધ છે તેવો અભિપ્રાય પણ હતો. પરંતુ પછીના દસકાઓમાં સમાજશાસ્ત્રીઓએ એવું પ્રતિપાદન કરવા પ્રયત્નો કર્યા છે કે વારસાગત લક્ષણો મૂળમાં પડેલાં હોય તે છતાં જો તેને અનુકૂળ વાતાવરણ કે સંજોગો મળે નહિ તો વારસાના અવગુણો બહાર આવતા નથી. વારસાગત માનસિક મંદતા અને ગાંડપણ પણ આ કક્ષામાં ગણાવી શકાય. સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોના મત મુજબ બાળકના ઘરનું વાતાવરણ, માતાપિતાના સંબંધો, બાળકનો ઉછેર, સંયુક્ત કુટુંબ, પડોશ, મિત્રો, શાળાના પ્રાથમિક અનુભવો વગેરે બાળકના ઘડતર પર વધુ અસર કરે છે. વળી બાળક્ધાી કેટલીક પાયાની શારીરિક જરૂરિયાતો હોય છે. પણ ઉપરાંત માનસિક ભૂખ, સુરક્ષા અને પ્રેમ પ્રાપ્ત કરવાની અને પ્રેમ આપી શકવાની તેની શક્તિઓની કદર કે ગણના થાય, નવા અનુભવો અને સાહસો કરવાની એને છૂટ મળે વગેરે પરિસ્થિતિ એના માનસઘડતરમાં મૂળભૂત ભાગ ભજવે છે. આ ભાવનાઓ બાળપણથી ન પોષાય તો બાળકનાં વ્યવહાર અને વર્તનમાં વિકૃતિઓ પેદા થાય છે.
ઘણી વાર માતાપિતા અગર અન્ય વ્યક્તિઓનાં વધારેપડતાં લાડકોડ અને લાગણીવેડા અને અતિરક્ષણ અગર તો તેનાથી ઊલટું બાળક પ્રત્યે તુચ્છકાર અને ધિક્કાર બાળકના સ્વસ્થ ઘડતર માટે નુકસાનકારક ગણાય છે. બાળકો સાથેના વ્યવહારમાં શિસ્તનું અને નીતિ-નિયમોનું એકસૂત્રી માળખું ઘડવું જોઈએ. આ અંગેનું બેવડું ધોરણ બાળકને મૂંઝવનારું નીવડે છે.
ગરીબી, બેકારી, પાયાની જરૂરિયાતોનો અભાવ, ગ્રામ-વિસ્તારોમાંથી શહેરો પ્રતિ સ્થળાંતર, ગીચ અને ગંદા વિસ્તારોમાં રહેઠાણ, સામાજિક સંઘર્ષો, કોમ અગર જાતિનાં બંધનો, પછાતપણું, એકાકીપણું, પરાયાપણું, જૂનાં મૂલ્યોનો વિચ્છેદ અને સંસ્કારોની સંકરતા–આ બધાંની અસર ગુનાપ્રેરક બળોમાં મહત્ત્વ ધરાવે છે. કુદરતી અગર માનવસર્જિત હોનારતો અને વિનાશ પણ અપરાધોની ભૂમિકા સર્જે છે.
બાળકની પાસેથી ગજા ઉપરાંતનું કામ લેવું, લાંબા કલાકો સુધી તેને શ્રમમાં રોકી રાખવું, આરોગ્યની તકોનો અને શિક્ષણ તથા મનોરંજનનો અભાવ, ઓછો પગાર અને ક્રૂરતા — એ બાળકોના શોષણના સંજોગો ઊભા કરે છે. બાળક્ધો ઉઠાવી જવું, તેને ક્રૂરતાથી અપંગ બનાવવું, ભીખ મંગાવવી કે નશાના ધંધામાં જોડાવાની ફરજ પાડવી એ હજી ભૂતકાળની કથા બની નથી.
છોકરીઓને ભગાડી જવી, માતાપિતા અથવા ઘરના રક્ષિત વાતાવરણમાંથી દૂર લઈ જવી, તેમનું વેચાણ કરી અનીતિના ધંધામાં ધકેલી દેવી, માદક દ્રવ્યોની હેરાફેરીમાં એમનો ઉપયોગ કરવો વગેરે સંજોગો કન્યાઓના અનૈતિક શોષણ અને માનવદેહના વ્યાપારનું દૃશ્ય ખડું કરે છે.
માતાપિતા કે ઘરનો આશ્રય ન હોય તેવાં બાળકો, અપર મા કે બાપના ત્રાસમાં જીવતાં અને ઘર છોડી ભાગી જતાં બાળકો માટે અપરાધી જીવનનાં દ્વાર ખૂલી જાય છે.
માનવશરીરની રચનામાં અમુક ગ્રંથિઓ મનુષ્યની વર્તણૂક, સ્વભાવ અને વ્યક્તિત્વ પર સીધી અસર કરે છે તેમ સાબિત થયું છે. આ ગ્રંથિઓનો અનિયમિત સ્રાવ વ્યક્તિમાં ઉછાંછળાપણું, આક્રમકતા, ગુસ્સો અને ઉશ્કેરાટ ઊભાં કરી ગુનાગીરીનો જનક બને છે એવું અમુક દાખલામાં જણાયું છે.
શારીરિક વારસાના વાહકો તરીકે જનીનો (વારસાગત રૂપે માતાપિતા બંને તરફથી મળતાં જનીનતત્ત્વો) રંગસૂત્રોમાં ગૂંથાયેલાં હોય છે. રંગસૂત્રો હંમેશાં જોડમાં હોય છે. મનુષ્યના દરેક કોષમાં 46 રંગસૂત્રો હોય છે. તેમાં કાંઈક અનિયમિતતા થતાં તે પણ ગુનાના કારણરૂપ બને છે એવું અમુક કિસ્સામાં જોવામાં આવ્યું છે. પરંતુ આ કારણો દરેકને લાગુ પડતાં નથી.
આમ અમુક નિશ્ચિત કારણોસર જ બાળકો ગુનો કરે છે તેવું કહી શકાય તેમ નથી. વારસાગત, શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક એમ ઘણાં પરિબળો એકસાથે કામ કરતાં હોય છે. આથી દરેક બાળકની બાબતમાં ઊંડાણથી તપાસ કરી શોધ કરવાની રહે છે, અને દરેક બાળકને અલગ અલગ સારવાર આપવાની રહે છે.
બાળકો અને કિશોરો માટે ગુનાની સારવાર કરવા ન્યાયતંત્રમાં જુદાં જ નિયમો, રીતિ અને પદ્ધતિ અપનાવવાની જરૂર છે. સાથે બાળકોને પ્રૌઢ ગુનેગારોથી જુદાં રાખી શકાય તેવી વિશિષ્ટ સંસ્થાઓની જરૂર રહે છે, તેમને પરંપરાગત જેલોમાં મોકલવાં ઉચિત નથી. આજે પણ ભારતમાં મોટી સંખ્યામાં બાળકો અને કિશોરો જેલોમાં રહે છે.
બાળકો માટે જુદા કાયદાઓની શરૂઆત ભારતમાં સને 1850માં પસાર થયેલ એપ્રેન્ટિસશિપ ઍક્ટ(તાલીમાર્થી નોકરી ધારા)થી થઈ. 10થી 18 વર્ષની વયના અપરાધ કરનાર કિશોરોને જેલમાં મોકલવાને બદલે ઉદ્યોગ અને ધંધાના સંચાલકોને સોંપવામાં આવતા કે જેથી તે કિશોરો તાલીમ પામીને પગભર થઈ શકે. ભારતીય દંડસંહિતા(ઇન્ડિયન પીનલ કોડ, 1860)માં કલમ 82 અને 83માં ગુનેગારની વ્યાખ્યામાં 12 વર્ષથી નીચેનાં બાળકોનો સમાવેશ કરેલો નથી. ફોજદારી કાર્યવાહી અધિનિયમ (ક્રિમિનલ પ્રોસીજર કોડ) 1861માં દાખલ થયો અને 1884 તથા 1898માં તેમાં સુધારા થયા. આ ધારાની કલમો 29 (બી), 399 તથા 562 બાળકોને સ્પર્શતી હતી. આ કલમો દ્વારા જે બાળકો 15 વર્ષથી નીચેનાં હોય તેમનો મુકદ્દમો જિલ્લાના ન્યાયાધીશ દ્વારા ચલાવવા અને ગુનો સાબિત થતાં અપરાધીને જેલમાં ન મોકલતાં બાળસુધાર ગૃહ(reformatary)માં મોકલવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. કલમ 562 નીચે 21 વર્ષથી નીચેના કિશોરો અને યુવાનોને જેલમાં મોકલવાને બદલે સારી ચાલચલગત રાખવાની શરતે પરિવીક્ષા (probation) ઉપર એટલે અજમાયશી ધોરણે મુક્ત રાખવાની જોગવાઈ પણ ઊભી થઈ.
બાળસુધાર શાળા અંગેનો ધારો સને 1876માં પસાર થયો, જે બ્રિટિશ શાસન નીચેના પ્રદેશોમાં બાળકો માટેનો સ્વતંત્ર ધારો હતો. તેમાં પછીથી એવો પ્રબંધ થયો કે ફોજદારી કેસ ચલાવતા ન્યાયાધીશ પોતાની મુનસફી વાપરીને કિશોર ગુનેગારને 3થી 7 વર્ષની મુદત માટે બાળસુધાર શાળામાં મોકલી શકે. સાથે સાથે શાળાના સંચાલક કે ઉપરી 14 વર્ષથી ઉપરના અંતેવાસીને સંસ્થાની મુલાકાત સમિતિ સમક્ષ રજૂ કરી, તેની સલાહ અનુસાર નગરના કોઈ પ્રતિષ્ઠિત નાગરિકના ભરોંસે પરવાના ઉપર સુધારવા મોકલી શકે એવી છૂટ મુકાઈ. વળી ગુનેગાર જાતિઓના ધારા-1897 (Criminal Tribes Act, 1897)માં સુધારા દ્વારા કથિત ગુનેગાર જાતિઓનાં 4 વર્ષથી 18 વર્ષની વયનાં સંતાનોને ઔદ્યોગિક, કૃષિવિષયક વસાહત અને બાળસુધાર શાળામાં મોકલવાની જોગવાઈ કરવામાં આવી છે.
ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં 19મી સદીના પૂર્વાર્ધમાં નાના અપરાધો કરતાં બાળકોને મોટેરાંઓની જેમ બહુ જ સખત સજા થતી. આની સામે સામાજિક કાર્યકરોનો વિરોધવંટોળ ઊભો થયો અને તેમના પ્રયાસોથી ઇંગ્લૅડમાં બાળસુધાર શાળા ધારો (Reformity Schools Act) 1854માં દાખલ કરાયો. જે બાળકો ગેરરસ્તે જવા સંભવ હોય તેમને માટે ઔદ્યોગિક શાળાઓના ધારા નીચે ખાસ શાળાની શરૂઆત થઈ (1857). એ રીતે બાળકો માટે ત્યાં ન્યાયની અલગ પદ્ધતિનો સ્વીકાર થયો.
બ્રિટનમાં બાળકો માટે સુધારણાની ગતિવિધિઓને અનુસરીને તે સમયના ભારતમાં પણ હિલચાલ શરૂ થઈ. સને 1917માં ‘સોસાયટી ફૉર ધ પ્રોટેક્શન ઑવ્ ચિલ્ડ્રન ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ની સ્થાપના મુંબઈ ખાતે થઈ. 1919-20માં ભારતીય જેલ સમિતિએ નાની વયના અપરાધીઓ માટે જુદી જ ન્યાયપદ્ધતિ અપનાવવાનો આગ્રહ કર્યો. આ ભલામણોના પ્રતાપે મદ્રાસ(ચેન્નાઈ), બંગાળ અને મુંબઈ ખાતે અનુક્રમે 1920, 1922 અને 1924માં બાળ અધિનિયમો દાખલ કરાયા. તેનું ધ્યેય બાળકોને સજા કરવાને બદલે માર્ગદર્શન આપી બચાવવાનું હતું. સને 1923માં ફોજદારી કાર્યવાહી અધિનિયમમાં કલમ 562માં સુધારો કરી નાની વયના ગુનેગારોને જેલમાં મોકલવાને પદલે પરિવીક્ષા (probation) પર છોડવાના ઉદાર રસ્તાઓ દાખલ કરાયા. સને 1948 પછી પંજાબ, ઉત્તરપ્રદેશ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ વગેરે પ્રાંતોમાં પણ બાળ અધિનિયમો ઘડવામાં આવ્યા. સને 1960માં ભારત સરકારે કેન્દ્રશાસિત રાજ્યો માટે બાળ અધિનિયમ પસાર કર્યો. આ કેન્દ્રીય ધારાનું નવીન તત્ત્વ એ હતું કે બાળક તરીકે છોકરાની વયમર્યાદા 16 વર્ષથી નીચેની અને છોકરીની 18 વર્ષથી નીચેની જાહેર કરવામાં આવી. ગુનો કરતાં અને ઉપેક્ષિત બાળકો માટે જુદી તંત્રરચના દાખલ કરાઈ.
ભારતનું રાજ્ય બંધારણ તેની કલમો 39 (1)માં દર્શાવે છે કે રાજ્ય સરકાર પોતાની નીતિઓ દ્વારા સતત એવી સંરક્ષણ વ્યવસ્થા કરશે કે બાળકો અને યુવકો નૈતિક અને દૈહિક શોષણ અને પરિત્યાગનો ભોગ થતાં અટકે. બાળકો અંગેના સંરક્ષક ધારાઓના પાલનની ચકાસણી કરતાં આ બંધારણીય વચનનું સંપૂર્ણપણે પાલન થતું લાગતું નથી.
બાળ અધિનિયમો : બાળ અધિનિયમોનો હેતુ કુમળી વયના કિશોરો અને યુવાનોને સંરક્ષણ આપી, શિક્ષણ અને તાલીમ આપી સમાજના મુખ્ય સ્રોતમાં ભેળવવાનો છે. તેણે ગુનો કર્યો છે કે નહિ તે સાબિત કરવું ગૌણ છે. તેની સજા ભારતીય દંડસંહિતા કે ફોજદારી કાર્યવાહી અધિનિયમના ગણિતને અનુસરીને નક્કી કરવાની હોતી નથી. બાળકને જેલની સજા પર પ્રતિબંધ છે. બાળ અદાલત દ્વારા રાજ્ય સરકાર બાળકનું વાલીપણું સ્વીકારે છે. બાળ અદાલતની કાર્યવાહી સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, જેમાં બાળકની મૂંઝવણ સમજી માર્ગ કાઢી શકાય. બાળ અધિનિયમ માત્ર અપરાધ કરનારા કિશોરો માટે જ નથી. નિરાધાર ને ઉપેક્ષિત તેમજ શોષણનો ભોગ બનેલાં બધાં બાળકોની એમાં વ્યવસ્થા વિચારાઈ છે. બાળકની વ્યાખ્યા રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના બાળ અધિનિયમોમાં એકસરખી નથી, પણ એ દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે. સમગ્ર ભારત દેશને લાગુ પડે તેવા જુવેનાઇલ જસ્ટિસ ધારાના ખરડાની ઑગસ્ટ 1986માં ભારતની સંસદ સમક્ષ રજૂઆત થઈ છે, તેમાં છોકરાની ઉંમર 16 વર્ષની અને છોકરીની 18 વર્ષથી નીચેની હોય તો તે બાળક ગણાય એવો નિર્દેશ છે.
પોલીસ સૌપ્રથમ આવાં બાળકોના સંપર્કમાં આવે છે. બાળકને પોલીસનો ભય ન લાગે તે માટે તેમણે ગણવેશને બદલે સાદાં વસ્ત્રોમાં બાળ અદાલત સમક્ષ રજૂ થવું તેવું સૂચન છે. પોલીસે બાળ ન્યાયાલયનો તુરત જ સંપર્ક સાધીને બાળકને સુરક્ષિત સ્થાન પર મોકલવું તેવો પ્રબંધ છે. કામચલાઉ અટકાયત વખતે પોલીસ લૉકઅપ કે સબજેલમાં બાળકને રાખવા પર નિયંત્રણ છે. તેને બદલે બાળકને સુરક્ષિત સ્થાન તરીકે માન્ય થયેલ નિરીક્ષણ ગૃહ (observation home) કે પ્રતિપ્રેષણ ગૃહ(remand home)માં રાખવું જરૂરી છે. અટકાયત પછીના 24 કલાક દરમિયાન આ કાર્યવાહી થવી જોઈએ.
પ્રતિપ્રેષણ ગૃહ કે નિરીક્ષણ ગૃહનું વાતાવરણ એવું હોવું જોઈએ કે ત્યાં બાળકને શારીરિક અને માનસિક રીતે સુરક્ષાની ભાવના પ્રાપ્ત થાય. આ ગૃહોનું પ્રમુખ કાર્ય બાળકોનું નિદાન અને વર્ગીકરણ કરવાનું છે. બાળકની તપાસ કરી તેના સામાજિક, આર્થિક સંજોગો, દાક્તરી અહેવાલ, ઉંમર અંગેની ચકાસણી વગેરેનો અહેવાલ પરિવીક્ષા અધિકારીએ કરવાનો હોય છે. આમાં ઘરની તથા માતાપિતા અને મિત્રો સાથે પ્રત્યક્ષ મુલાકાત, શાળાની વિગતો અને અન્ય સંપર્કોનો અભ્યાસ કરી બાળકના કયા સંજોગો તેને અત્યારની પરિસ્થિતિમાં મૂકવામાં જવાબદાર છે તેનું તારણ કાઢી બાળ અદાલત કે બાળકલ્યાણ બૉર્ડ સમક્ષ તેને રજૂ કરવાનું હોય છે. આ અહેવાલને ખાનગી ગણવામાં આવે છે.
બાળકોની અદાલત એ જિલ્લા ન્યાયતંત્રની ખાસ ઊભી કરાયેલી પાંખ છે. તેમાં પ્રમુખસ્થાને ન્યાયાધીશનો હોદ્દો ધરાવતા સભ્ય હોય છે. સાથે સામાજિક કલ્યાણ અને બાળ મનોવિજ્ઞાનના જાણકાર એવા બે માનાર્હ કાર્યકરો પણ સભ્ય હોય છે. આમાંનાં એક સ્ત્રી કાર્યકર હોવાં જોઈએ. બાળ અદાલતની બેઠક પણ બાળકને ડર ન લાગે તેવા વાતાવરણમાં ગોઠવાવી જોઈએ. ન્યાયાધીશનો ઊંચો મંચ કે સાક્ષીનું પાંજરું ત્યાં હોવું જોઈએ નહિ. સિદ્ધાંત તરીકે વકીલોને દાખલ કરવાના હોતા નથી. બાળકને પણ જરૂર પડે ત્યારે જ બોલાવવામાં આવે છે. બાળ અદાલતની વ્યવસ્થા નિરીક્ષણ ગૃહના એક ખંડમાં જ કરવામાં આવે તે ઇષ્ટ ગણાય. એક વ્યક્તિ તરીકે બાળકના ઘડતર અને વ્યક્તિત્વની સમીક્ષા કરી બાળકનું આગળ શું કરવું તેનો નિર્ણય બાળ અદાલતે લેવાનો રહે છે. તેને માતાપિતાને સોંપી શકાય કે લાયક વ્યક્તિની સંભાળ અને દેખરેખ નીચે પણ મોકલી શકાય છે. બાળકનાં વય, અભ્યાસ અને ક્ષમતા ધ્યાનમાં રાખીને બંધબેસતી માન્ય શાળા કે સંસ્થામાં તે મોટું થાય ત્યાં સુધી મોકલી શકાય. બાળ અદાલતનો હુકમ બાળકને નોકરી માટે ગેરલાયક (disqualified) ઠરાવતો નથી. મંદબુદ્ધિ, ગાંડપણ કે ચેપી રોગો ધરાવતાં બાળકોને તે માટેની વિશિષ્ટ સંસ્થામાં મોકલી શકાય છે. આવી સંસ્થાઓને માન્ય શાળા, વિશેષ શાળા કે બાળગૃહ એવાં નામ આપવામાં આવેલ છે.
સંસ્થાઓમાં રહીને ઊછરતાં કે અભ્યાસ કરતાં બાળકોને સંસ્થામાંથી મુક્ત કરતા પહેલાં તેમની તે પછીની સંભાળ(after-care)નું આયોજન કરવું જરૂરી છે. સંસ્થાનું સમૂહજીવન પણ એક જાતનું પરાવલંબન ઊભું કરે છે તેથી બાળકની મુદત પૂરી થતા પહેલાં, સાનુકૂળ સંજોગો હોય તો, પરિવીક્ષા અધિકારીની દેખરેખ નીચે બાળકને મુક્ત કરી શકાય છે.
અપરાધી, ઉપેક્ષિત કે શોષિત બાળકોની સુગ્રથિત વિચારણા બાળ અધિનિયમોમાં કરવામાં આવી છે. બાળકના પ્રશ્નોને સમજીને બાળ અદાલતો કે બાળ કલ્યાણ બોર્ડ સારવાર નક્કી કરે છે. બાળકોના ભોગે કમાણી કરવા ઇચ્છતા સમાજવિરોધી શખ્સોને બાળધારા અન્વયે સજાની અને દંડની જોગવાઈ પણ છે.
કેન્દ્રશાસિત પ્રદેશો માટેનો કેન્દ્રીય ધારો (1960) બાળકની વ્યાખ્યામાં પ્રથમ વાર છોકરા અને છોકરી માટે જુદી જુદી ઉંમર સ્વીકારે છે. તે અપરાધી બાળકો અને ઉપેક્ષિત કે ભોગ બનેલાં બાળકો આ બંનેના પ્રવાહને જુદા પાડીને બાળ અદાલત કે બાળ કલ્યાણ બોર્ડ એમ જુદી જુદી સક્ષમ સત્તા(competent authority)નું નિર્માણ કરે છે. આ બંને સત્તાઓની કામની કાર્યસાધકતા હજી વિગતે સંશોધિત થઈ નથી.
શોષિત બાળકોનો અને કિશોરોનો મોટો વર્ગ બાળશ્રમિકોનો છે. હજી સુધી આર્થિક જીવનમાં મોટા પાયા ઉપર બાળમજૂરી પ્રચલિત છે અને ખેતી, પશુપાલન, કારખાનાં, ગૃહઉદ્યોગો, બગીચા, ખાણ તેમજ ઘરોમાં અને હોટલમાં અસંખ્ય બાળકો કામ કરી પેટિયું રળે છે. આ આર્થિક બેહાલી પણ બાળકોને ગુનાખોરી તરફ વાળતી હોય છે. ભારતમાં બાળમજૂરીના નિવારણ અંગેનો કાયદો હોવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.
હજી બાળકો અંગેના કાયદાઓનો પૂરો અમલ દરેક રાજ્યમાં થયો નથી. બધા જિલ્લાઓને આ ધારા લાગુ પડતા નથી. બાળ અદાલતો, નિરીક્ષણગૃહો કે માન્ય શાળાઓ જે રાજ્યોમાં સ્થપાઈ નથી ત્યાં હજી બાળકો અને કિશોરોને સામાન્ય અદાલતો દ્વારા જેલમાં મોકલવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે જેલની કુલ વસ્તીના 20% જેટલા અંતેવાસીઓ 21 વર્ષથી નીચેની વયના હોય છે. અમુક રાજ્યોમાં જેલને જ પ્રતિપ્રેષણગૃહ કે નિરીક્ષણગૃહને માન્ય શાળા તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે.
આસામ, નાગાલૅન્ડ અને અરુણાચલ સિવાય અન્ય રાજ્યોમાં અને પ્રદેશોમાં આવો બાળકો માટેનો ધારો ઘડાયો છે. પણ દરેક રાજ્યમાં બધા જિલ્લાઓ અને તાલુકાઓમાં તેનો પૂર્ણ રીતે અમલ થયો નથી (1983). ખાસ કરીને બાળ અદાલતો અને નિરીક્ષણગૃહોની સ્થાપના થઈ હોવાથી ચાલુ ફોજદારી અદાલતોને બાળ અદાલત જાહેર કરી અને સબ જેલને નિરીક્ષણગૃહ તરીકે ઠરાવીને બાળકોની અટકાયત કરવામાં આવે છે. આસામ, બિહાર, હરિયાણા, મણિપુર અને મેઘાલય, નાગાલૅન્ડ, ઓરિસા, સિક્કિમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ (કૉલકાતા સિવાયના) વિસ્તારોમાં બાળ અદાલતોની સ્થાપના થઈ નથી. ભારતના બધા જિલ્લામાંથી 355માં બાળધારાનો અમલ થયો છે. પ્રતિપ્રેષણ અને નિરીક્ષણ ગૃહોની સંખ્યા 227ની છે, માન્ય શાળાઓ 106 છે, અન્ય સંસ્થાઓ 39 છે, જ્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ 546 છે, અને ચાલુ જેલોમાં બાળકોની સંખ્યા અંદાજે 20,000 જેટલી છે. અમુક રાજ્યો(મદ્રાસ-1925, મુંબઈ-1929, મધ્યપ્રદેશ-1928, મૈસૂર-1933, પંજાબ-1926, ઉત્તરપ્રદેશ-1938, બંગાળ-1928, કેરળ-1961 અને આસામ-1968)માં બોર્સ્ટાલ શાળાનો ધારો અમલમાં છે. આ રાજ્યોમાં 16થી 21 વર્ષની વયમાં આવતા યુવાન અપરાધીને જેલમાં મોકલવાને બદલે ફોજદારી અદાલત દ્વારા બે કે ત્રણ વર્ષની મુદતથી માંડીને 23 કે 25 વર્ષનો થાય ત્યાં સુધી અટકાયતમાં રાખવા બૉર્સ્ટાલ શાળામાં મોકલવામાં આવે છે. આ ધારાનો હેતુ પણ યુવાન ગુનેગારોને પ્રૌઢ ગુનેગારોથી અલગ રાખવાનો છે. આ રાજ્યોમાં ભાગ્યે જ એકાદી બૉર્સ્ટાલ શાળા આવેલી છે. આ જૂના મર્યાદિત ધારાને સંશોધિત કરીને યુવાન ગુનેગારોને સાર્વત્રિક રીતે સારવાર, સુધારણા અને પુનર્વાસની તકો આપતા કેન્દ્રીય ધારાની જરૂર છે.
કિશોર અપરાધવૃત્તિ રોકવા ઘણા કાર્યક્રમો હજુ હાથ ધરવાના રહે છે. આ અંગે સામાન્ય જનતા અને ખાસ કરીને માતાપિતાનું લોકશિક્ષણ મહત્ત્વનું છે. જુદાં જુદાં માધ્યમો દ્વારા બાળકોના વ્યવસ્થિત ઉછેર અંગેનું ને ગુનાઓ થતા અટકાવવાનું જ્ઞાન ઘણું ઉપયોગી છે. આ અંગે લોકજાગૃતિ ઊભી થાય તો મોટા પાયા પર ચાલતાં બાળકોનાં શોષણ અને ગેરઉપયોગ તેમજ બાળકોને સહન કરવી પડતી ક્રૂરતા અટકાવી શકાય.
અપરાધવિજ્ઞાન : પરિવીક્ષા (probation) : અપરાધશાસ્ત્રમાં અપરાધીને શિક્ષા કરવાની બાબતમાં પરિવીક્ષા (probation of offenders) અનોખું સ્થાન ધરાવે છે. તેનો અર્થ એ થાય છે કે અમુક કિસ્સાઓમાં અપરાધ સાબિત થતો હોય છતાં ગુનાનો પ્રકાર, ગુનેગારની ઉંમર અને ગુનો બન્યાનાં સામાજિક, આર્થિક પરિબળો વગેરે જોતાં ન્યાયાધીશને લાગે કે તે ગુનેગારને કેદની સજા કરવાથી કાંઈ લાભ થવાને બદલે નુકસાન થવા સંભવ છે ત્યારે, અને ખાસ કરીને કુમળી વયના અપરાધીએ પહેલી વાર નાનોસૂનો ગુનો સંવેદનશીલ અવસ્થામાં ગેરમાર્ગે દોરવાઈને કર્યો હોય ત્યારે, તેને ટૂંકી મુદત માટે જેલમાં મોકલવાથી ત્યાં તે અન્ય રીઢા ગુનેગારની સોબતમાં વધુ પાકો અપરાધી બનશે અને તેની કારકિર્દીને કાયમી બટ્ટો લાગશે ત્યારે તે સજાનો અમલ મોકૂફ રાખી શકે છે. આવા કેસોમાં પરિવીક્ષા અધિનિયમ મદદે આવે છે. ન્યાયાધીશ પોતાની મુનસફી વાપરીને પસંદ કરાયેલા અપરાધીને તેની સમગ્ર પશ્ચાદભૂમિકાને નજરમાં રાખીને જેલ મોકલવાને બદલે તેના કિસ્સામાં અજમાયશી ધોરણે, સજા અંગેનો નિર્ણય લટકતો રાખીને, કેસ ફાઇલ કરવો, અપરાધીને પોતાનું ચારિત્ર્ય સુધારવા શિખામણ આપી છોડી દેવો, ગુનેગારને પોતાની આપજવાબદારી ઉપર બંધનખત સાથે છોડવો, પ્રોબેશન અધિકારીની દેખરેખ નીચે કે દેખરેખ વિના મુક્ત રાખવો, અપરાધનો ભોગ બનેલ વ્યક્તિને વળતર અપાવવું, સજા રૂપે માત્ર આર્થિક દંડ કરવો, સામાજિક સેવાના કાર્યમાં ફરજિયાત જોડવો, પરિવીક્ષાની મુદત દરમિયાન અમુક નિશ્ચિત જગ્યાએ રહેવાની અગર અભ્યાસ કે નોકરીમાં રહેવાની શરતે છોડવો વગેરે હુકમો કરી શકે છે. પરિવીક્ષાના આ હુકમનો ઉપયોગ જેની સજા આજીવન કારાવાસ કે મૃત્યુદંડ થતી હોય, તેવા ગુનેગારોને લાગુ પડતો નથી. આમ ફોજદારી અદાલતના ન્યાયાધીશોને તેમની મુનસફી વાપરવાની વિપુલ છૂટ પરિવીક્ષા ધારામાં અપાઈ છે.
દંડસંહિતાના સજ્જડ ચોકઠાની ઢબે માત્ર ગુનો જોઈને કરવાના અંધન્યાય સામે માનવસ્વભાવની વૃત્તિઓ સમજીને અને 19મી તથા 20મી સદીમાં વિકસેલાં સામાજિક વિજ્ઞાનો દ્વારા વ્યક્તિના ગુણદોષ, સામાજિક, આર્થિક સંજોગો વગેરે જોઈને થતો ન્યાય વધુ પ્રગતિશીલ છે તેમજ સુધારણા અને પુનર્વસવાટ માટે વધુ કારગત નીવડે છે. ખાસ તો ન્યાયાધીશે ગુનો સાબિત કર્યા પછી પ્રોબેશન અધિકારીનો સામાજિક તપાસનો અહેવાલ, સજા કરતાં પહેલાં મંગાવવાનો હોય છે. આ ઉપરાંત અપરાધીના હિતમાં અપરાધીને જરૂર લાગે તો પ્રોબેશન અધિકારીની દેખરેખ નીચે મૂકી શકાય છે. આની સાથે સાથે રહેઠાણ, અભ્યાસ કે નોકરી કે રોજગારી અંગેની શરતો અદાલત મૂકી શકે છે. ખાસ કરીને આ ધારાનો ઝોક 21 વર્ષથી નીચેની વયના અપરાધીઓને જેલની સજામાંથી બાકાત રાખવા ઉપર છે. 21 વર્ષથી નીચેનાં અપરાધીને જેલમાં મોકલવા અંગે ન્યાયાધીશની સત્તા ઉપર સ્પષ્ટપણે નિયંત્રણ છે. છતાં જો ન્યાયાધીશ આ શખ્સને જેલમાં મોકલવાનો હુકમ કરવા ઇચ્છે તો કેદની સજા જરૂરી છે તેનાં કારણો તેના હુકમમાં સ્પષ્ટ રીતે લખવાં જરૂરી છે. આવો હુકમ કરતાં પહેલાં પ્રોબેશન અધિકારીનો અહેવાલ મંગાવવો ફરજિયાત છે. આથીયે આગળ જઈને સજા કરતાં પહેલાં આ અધિનિયમમાં ઠરાવેલી કાર્યવાહી(procedure)નો અમલ થયો હોય તો દોષિત વ્યક્તિ પોતે, તેના વતી અન્ય કોઈ, અગર તો પ્રોબેશન અધિકારી પણ, ઉપરની કૉર્ટમાં અપીલ કરી શકે છે.
હજી સુધી સામાન્ય રીતે જનસમાજમાં અને ન્યાયતંત્રનાં વર્તુળોમાં પરંપરાગત એવી ગેરસમજ પ્રવર્તે છે કે પરિવીક્ષા જેવા ઉદાર રીતે કરેલા ન્યાયથી ગુનાને ઉત્તેજન મળે છે અને સમાજની સુરક્ષા જોખમાય છે. આ શંકા અસ્થાને છે. પ્રોબેશન એટલે ગુનેગારની અજમાયશી મુક્તિ. એનો અર્થ એ થયો કે અપરાધ સાબિત થયા પછી જે કેદની સજા કરવાની થાય તેને તત્કાલીન લટકતી રાખવી અને તેની અવેજીમાં અપરાધીને નિયંત્રણમાં રાખવા અન્ય શરતો દાખલ કરવી. એ પછી ગમે ત્યારે અજમાયેશ ઉપર છૂટેલો અપરાધી જો તેને આપેલી સોનેરી તકનો ગેરલાભ લઈ ફરીવાર ગુનામાં સંડોવાય તેવો સંભવ લાગે તો પોલીસ કે પ્રોબેશન અધિકારીનો અહેવાલ મળતાં પગલાં લઈ, ફરી મુકદ્દમો ચલાવ્યા વિના બાકી રાખેલી સજાનો અમલ કરી શકાય છે. સમાજની સુરક્ષા આ પદ્ધતિથી જોખમાતી નથી.
બીજી બાજુ, જેલમાં શું બનવા પામે છે તેનો ખ્યાલ કરવો પણ જરૂરી છે. સામાન્ય રીતે મોટાભાગની જેલોમાં સમાવી શકાય તેનાથી વધારે સંખ્યામાં દરેક પ્રકારના અપરાધીઓ ભેગા થાય છે. મકાનોની અગવડ અને અત્યારની જેલોની વહીવટી વ્યવસ્થામાં વર્ગીકરણ અને દરેક વ્યક્તિદીઠ તાલીમ કે સારવારનો અવકાશ નથી અગર ઘણો મર્યાદિત છે. આમાં અપરાધીઓના 80 % જેટલા બેચાર દિવસથી માંડીને ત્રણ મહિનાથી ઓછી સજાવાળા હોય છે. આ મુદતની મર્યાદા જોતાં જેલવાસ દરમિયાન કોઈ સારવાર કે તાલીમ પ્રાપ્ત કરવાની શક્યતા નહિવત્ છે. ટૂંકા ગાળાની કેદની સજા કોઈને પણ ઉપયોગી નીવડતી નથી એવું સાર્વત્રિક મંતવ્ય છે. આવો શખ્સ ત્રણ મહિના કે તેથી ઓછાવત્તા ગાળા માટે સમાજમાં ફરતો-હરતો બંધ થાય તો સમાજની સુરક્ષા એથી વધી જતી નથી. ઉપરાંત એક વાર જેલની સજાનો અનુભવ લીધા પછી તેની ભીતિ ભાંગી જાય છે અને તે જ જેલમાં પૂરેલા અઠંગ ઉઠાવગીરો જેવા રીઢા કેદીઓ અને અવરજવર થતા કાચા કામના કેદીઓ નવા આવેલા સભ્યોને ગુનાના નવા નુસખા અને તરકીબો શીખવવા તૈયાર જ હોય છે. એટલે અજમાયેશ પર છૂટેલા કિશોર કે યુવા ગુનેગારને બહાર રાખીને સુધરવાની એક વધુ તક અપાય તો સમાજની સલામતીને આંચ આવવાની નથી. વહીવટી દૃષ્ટિએ કેદમાં પૂરેલા અપરાધીને તે ભાગી કે નાસી જાય નહિ તેની તકેદારી ને ચોકી રાખવી અને ઉપરથી બેઠે બેઠે ખવરાવવું એ ઘણું જ ખર્ચાળ હોય છે, જ્યારે પરિવીક્ષા ઉપર પોતાની જવાબદારી પર છોડેલી ને પ્રોબેશન અધિકારીની દેખરેખ નીચે રહેલી અજમાયશી વ્યક્તિનું ખર્ચ ઘણું જ ઓછું આવે છે. એક વાર જેલમાં નિવાસ કરી આવેલા કેદીનું પુનર્વસવાટનું કાર્ય ઘણું જ કપરું બની જાય છે, કારણ કે સમાજ તેને સ્વીકારવા તૈયાર થતો નથી, જ્યારે પ્રોબેશન ઉપર ઉતારેલા માણસને પોતાના ચાલુ જીવનના રાહથી દૂર કરી દેવામાં આવતો નથી. તેથી તેનું પુનર્વસન અઘરું નથી. દુનિયાના ઘણા દેશોમાં આવા પ્રયોગોથી સાબિત થયું છે કે જેલની સજા એ બીજો કોઈ ઉપચાર બાકી ન રહે ત્યારે જ અપરાધી માટે વાપરવાનું સાધન છે.
સમાજની સુરક્ષાને સુદૃઢ કરવાના પુનિત કાર્યમાં પરિવીક્ષા અધિકારીનું કાર્ય ઘણું મહત્ત્વનું અને રચનાત્મક છે. પરિવીક્ષા ધારાએ બક્ષેલી સત્તાઓની સીમામાં રહીને અને અપરાધીની વ્યક્તિગત જરૂરિયાતોની સહાનુભૂતિપૂર્વકની સમજ દાખવી સુમેળ સાધવાનું કાર્ય બહુ સહેલું નથી. સરકારના અને અદાલતના પ્રતિનિધિ હોવા ઉપરાંત પરિવીક્ષા પર છોડેલા માનવીના મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક થઈને રહેતા તેણે સતત તકેદારી રાખવાની હોય છે કે પરિવીક્ષાની પદ્ધતિનો ગેરલાભ લઈને યુવા અપરાધી ફરી જૂનો રાહ પકડે નહિ.
મોટાભાગના પરિવીક્ષા પર મૂકેલ અપરાધીઓ સંજોગોનો શિકાર બનેલા હોય છે. તેના ઉછેરનાં અને ઘડતરનાં મહત્વનાં પાસાંઓ સમજીને એનાં સારાં તત્વો ઉપર મદાર બાંધીને તેનો વિશ્વાસ સંપાદન કરીને તેના હિતમાં તેનો પૂરો સહકાર પ્રાપ્ત કરવો જરૂરી છે. ઘણી વાર રહેવાનું સ્થળ, આજીવિકાનું સાધન અને કુટુંબ સાથે મેળ ન હોય તો તેના વિકલ્પો ઊભા કરવાના હોય છે. જૂના સાથીદારો કે મિત્રો જો તેના ગુના માટે જવાબદાર હોય તો તેવા સંપર્કો છોડાવીને નવું વાતાવરણ ઊભું કરવાનું રહે છે. વ્યસનો, જુગાર અને મોજશોખના ખોટા ખર્ચથી બચાવવા તેના ઉપર નિરીક્ષણ રાખવું પડે છે. ખાસ કરીને ન્યાયાલયે તેના પરિવીક્ષા હુકમમાં મૂકેલી શરતોનું નિષ્ઠાપૂર્વક પાલન થાય તે જોતા રહેવું જરૂરી છે. ન્યાયાધીશને પ્રોબેશનરની પ્રગતિથી દર માસે અહેવાલ મોકલીને વાકેફ કરવાના રહે છે. શાળા કે તાલીમ સંસ્થા, રોજગાર અધિકારી, સમાજસુરક્ષા વિભાગ, કે હૉસ્પિટલ વગેરેના સંપર્કમાં રહી તેનો સહયોગ જોડવો જોઈએ. સામાન્ય જનતાનો ગુનેગાર પ્રત્યેનો પૂર્વગ્રહ સમજાવટથી દૂર કરીને ગુનેગારને ફરી સામાજિક અને આર્થિક રીતે પગભર કરવાનો રહે છે. સેવાભાવી નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને માન્ય કરાવી તેમની માનાર્હ સેવાઓનો ઉપયોગ દેખરેખના કાર્યમાં સફળતાથી જોડી શકાય છે. પરિવીક્ષા અને પુનર્વસવાટના કાર્યમાં સંકળાયેલી બધી એજન્સીઓ, જેવી કે પોલીસ, અદાલતો, ન્યાયાધીશો, જેલ, શિક્ષણ, રોજગાર, રહેઠાણ, સુરક્ષા વિભાગ અને સેવાભાવી સંસ્થાઓનું સંકલન કરી, વિચારોની આપલે કરી પરિવીક્ષાના કાર્યને ઊજળું બનાવી શકાય છે.
પરિવીક્ષા અધિકારીની એ પણ પવિત્ર ફરજ છે કે સર્વ પ્રયત્નો છતાં જો પ્રોબેશનર પોતાની ગુનાપ્રવૃત્તિમાં પાછો સરી જતો હોય તેવાં લક્ષણો દેખાય તો અદાલતની સમક્ષ વાસ્તવિક અહેવાલ રજૂ કરી ન્યાયાધીશને પૂરા વાકેફ કરી જરૂર લાગે તો પરિવીક્ષાનો હુકમ પાછો ખેંચાવી પ્રથમ તબક્કે મુલતવી રાખેલી કેદની કે અન્ય સજાનો અમલ કરાવવાનો રહે છે.
આથી ઊલટું, જ્યાં જ્યાં અપરાધી તેના વ્યક્તિત્વ અને પૂર્વસંજોગો જોતાં તેમજ કુમળી કે યુવાન વય જોતાં અધિનિયમ પ્રમાણે પરિવીક્ષાને માટે લાયક હોય છતાં ન્યાયાલયે તે પ્રમાણેની પ્રથાને અનુસરીને પરિવીક્ષાનો હુકમ ન કર્યો હોય તો તેની સામે અપીલ કરવાની સત્તા આરોપીને, અન્ય કોઈ વ્યક્તિને અને સાથે પ્રોબેશન ઑફિસરને પણ છે.
પરિવીક્ષા અધિકારીની વિવિધ જવાબદારીઓ દર્શાવે છે કે તે પદની લાયકાત ઘણી ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ. તેઓ સામાજિક વિજ્ઞાનોમાં પારંગત, કાયદાઓ અને ન્યાયસંહિતાના જાણકાર, તેમજ માનવીય સંબંધોના પૂરા અભ્યાસી હોય તેમજ સુધારણાલક્ષી કાર્યનો પ્રત્યક્ષ અનુભવ હોય તેમજ સ્વચ્છ વહીવટના આગ્રહી હોય તે આવશ્યક છે.
પ્રોબેશન અધિકારીની વિસ્તૃત અને ગંભીર કામગીરી જોતાં દરેક ફોજદારી અદાલતમાં એટલે કે પ્રત્યેક તાલુકે એક પૂરા સમયના પ્રોબેશન અધિકારી હોવા જોઈએ અને કામના બોજાના પ્રમાણમાં ધોરણો ઊભાં કરી વધારાના અધિકારીઓ નીમવા જોઈએ. અત્યારે સારાયે ભારતનું સરવૈયું લેતાં માંડ દરેક જિલ્લે એક પ્રોબેશન અધિકારી આવે છે. આ ઉપરાંત સમાજકલ્યાણ, સમાજસુરક્ષા, પછાત વર્ગ કલ્યાણ અને અન્ય વિભાગોની જવાબદારી પણ ઘણી વાર તેમના ઉપર નાખવામાં આવે છે. આને પરિણામે પ્રોબેશનના અસલ કાર્યનો માત્ર આંશિક અમલ જ શક્ય બને છે.
ગુનાના નિરોધક કાર્યમાં તેમજ સમાજસુરક્ષા જાળવવામાં અને અપરાધીની સારવારમાં બિનસંસ્થાકીય સેવાઓ વધારે કારગત નીવડે છે એ દુનિયાના ઘણા પ્રગતિશીલ દેશોમાં વૈજ્ઞાનિક રીતે સ્થપાયેલું સત્ય છે. આ દેશોમાં જેલમાં મોકલ્યા પછી પણ બંધનની ચડતીઊતરતી વર્ગીકૃત કક્ષાઓ વિકસેલી છે. આમાં વધુ કડક, સખતીવાળો, મધ્યમ કક્ષાની સખતીવાળો અને ઓછામાં ઓછી સખતીવાળો જાપતો ધરાવતી (maximum security, medium security and minimum security) જેલો, ખુલ્લી જેલો, દિવસે બહાર કામ માટે મોકલે ને રાતે શયન પૂરતું જેલમાં આવવાનું હોય, એવી વ્યવસ્થા હોય છે. શનિરવિની રજાઓ પૂરતી જેલ હોય, જેથી વ્યક્તિ પોતાનો જીવનવ્યવસાય નિભાવી શકે. ખાનગી માન્ય કરેલી સંસ્થાઓ દ્વારા ચલાવાતી ઓછા નિયંત્રણવાળી છાત્રાલય જેવી સંસ્થાઓમાં બદલી, પેરોલ એટલે કેદની મુદત પૂરી થાય તે પહેલાં કેદીની પ્રગતિ જોતાં બહાર વહેલા પ્રસ્થાપનની શક્યતાઓ હોય તો તેને દેખરેખ નીચે રાખી મુક્ત કરી શકાય વગેરે પ્રકારો નજરે ચડે છે. પ્રોબેશન એટલે કે પરિવીક્ષા આ સેવાઓમાં અગ્રતા ધરાવે છે. જાપાન, અમેરિકા, કૅનેડા, ઇંગ્લૅન્ડ ને સ્વીડન જેવા દેશોમાં લગભગ પોણા ભાગની ગુનેગારની બિનસંસ્થાકીય સેવાઓથી સંભાળ લેવાય છે, જેથી સુધારણાકાર્યમાં ન જ સુધરી શકે તેવા ગુનેગારોને પરંપરાગત જેલોમાં રહેવા દેવામાં આવે છે. ભારતે આ પ્રગતિશીલ પદ્ધતિઓ સ્થાપવાની દિશામાં ઘણું કરવાનું બાકી રહે છે.
અપરાધવિજ્ઞાનમાં પ્રોબેશન પદ્ધતિની શોધ કોઈ મોટા સામાજિક વિજ્ઞાનીએ કે સંશોધનકારે કરી નથી. અઢારમી સદીના અંતમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં નાનાસૂના ગુનાઓ માટે કડક શારીરિક સજાઓ કે મૃત્યુદંડની સજાઓ કરવી તે સામાન્ય હતું. સજાનો હેતુ બદલો લેવાનો અને અન્ય વ્યક્તિઓ ઉપર ધાક બેસાડવાનો હતો, જેથી ભવિષ્યમાં દાખલો બેસે, પણ વ્યવહારમાં એથી ઊલટું બનતું. કહેવાય છે કે ઇંગ્લૅન્ડમાં દાખલો બેસાડવા નાની ચોરી કરનાર ગુનેગારને ગામના જાહેર ચોકમાં અન્ય નાગરિકોની ભીડ વચ્ચે ફાંસીને માંચડે લટકાવવામાં આવતો. બરાબર તે જ વખતે ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરુઓ પ્રેક્ષકોનાં ખિસ્સાં કાપવામાં વ્યસ્ત રહેતા. આ પરિપ્રેક્ષ્યમાં અમેરિકાના બૉસ્ટન શહેરમાં રહેતો અદનો નાગરિક જૉન ઑગસ્ટસ, જે મોચીનું, કામ કરતાં કરતાં બાજુમાં આવેલી કૉર્ટમાં રજૂ થતા યુવાન અપરાધીઓને થતી આકરી સજાઓ જોતો અને તેનું હૃદય દ્રવી ઊઠતું. એક વાર એક દારૂડિયા છોકરાનો જામીન થઈને તેણે તેને કૉર્ટની સજાથી બચાવી પોતાની સંભાળ નીચે રાખ્યો. થોડાં અઠવાડિયાંમાં છોકરો દારૂની લતમાંથી છૂટી ગયો. જૉન ઑગસ્ટસને આ વિષયમાં રસ જાગ્યો. આ પ્રયોગ સફળ થતાં વિસ્તૃત થતો ગયો અને તેમાં સ્ત્રીઓ, બાળકો ને પુખ્ત વયના ગુનેગારોનો પણ સમાવેશ થતો ગયો. ભાતભાતના ગુનેગારોને તેણે છાડાવ્યા. 1859માં ઑગસ્ટસનું અવસાન થયું ત્યાં સુધીમાં તે 2,000 જેટલા ગુનેગારોને સુધારી તેમને જીવનના સાચા રાહ ઉપર લાવવામાં સફળ થયો હતો. આ રીતે એક અદના પણ સંવેદનશીલ આદમીની માનવતા અને કરુણામાંથી ગુનેગાર-સુધારણાક્ષેત્રે એક મોટી સિદ્ધિ સાંપડી. પરિવીક્ષા પદ્ધતિનો ઉદય થયો. ગુનેગારની પસંદગી, તેની સજા પૂર્વે તપાસ અને છોડ્યા પછીની દેખરેખ તથા સંભાળનાં મુખ્ય તત્ત્વો ઑગસ્ટસના અનુભવમાંથી મળ્યાં હતાં. અમેરિકા અને યુરોપનાં ઘણાં રાજ્યોમાં પ્રોબેશનનો સ્વીકાર થયો. તેને કાયદાનાં પુસ્તકોમાં સ્થાન મળ્યું અને પ્રોબેશન અધિકારીને એક જાહેર કર્મચારી તરીકે સ્વીકૃતિ મળી. સમય જતાં હવે દુનિયાના બધા દેશોએ આ પદ્ધતિને અપનાવી છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી તેને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રાજ્યની સત્તા કાયદાના શસ્ત્ર દ્વારા માનવના મૂળભૂત હક્કો ઉપર તરાપ ન મારે અને તેના ગૌરવનો ભંગ ન કરે તે દૃષ્ટિથી પરિવીક્ષા પદ્ધતિ માનવગૌરવના પક્ષે ગણાય છે.
ભારતમાં પરિવીક્ષા પદ્ધતિની શરૂઆત સને 1923માં ક્રિમિનલ પ્રોસીજર કોડ(1898)ની કલમ 562માં સુધારા કરીને કરવામાં આવી. અને પ્રથમ વાર ગુનો કરનાર સગીર વયનાં ગુનેગાર અને સ્ત્રી-બાળકોને મર્યાદિત રીતે છોડવાની જોગવાઈ દાખલ કરાઈ. એ પહેલાં બ્રિટિશ સરકારે નીમેલી ઇન્ડિયન જેલ્સ કમિટીએ 1919માં તેના અહેવાલમાં ફોજદારી અદાલતો અને જેલને બદલે બાળકો માટે અલગ ન્યાયતંત્ર અને આચારવિધિ અને સંસ્થાઓ દાખલ કરવાનું સૂચન કર્યું હતું. આના પરિણામે મદ્રાસ બાળ અધિનિયમ 1920માં, બંગાળ બાળ અધિનિયમ 1922માં અને મુંબઈ બાળ અધિનિયમ 1924માં પસાર કરવામાં આવ્યા હતા, જેની નીચે પણ બાળ અદાલતો દ્વારા પ્રોબેશન પર બાળકોને છોડવાની અને તેમની દેખરેખ પ્રોબેશન ઑફિસરોને આપવાની જોગવાઈ દાખલ કરાઈ હતી. બ્રિટિશ રાજ્ય દરમિયાન પુખ્ત ઉંમરના અપરાધીઓને પ્રોબેશન પદ્ધતિનો લાભ મળે તે હેતુથી એ વખતના મુંબઈ ઇલાકા અને સંયુક્ત પ્રાન્તોમાં 1938માં અને મધ્ય પ્રદેશ અને મદ્રાસ ઇલાકામાં સને 1939માં પરિવીક્ષા અધિનિયમ દાખલ કરવામાં આવ્યો હતો.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી જેલોની સુધારણાના પ્રશ્ન પર ધ્યાન ખેંચાયું અને તે કાર્યમાં નિષ્ણાત સલાહ અને તકનીકી માર્ગદર્શન માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે ભારતે માગ મૂકી. તેના ફળસ્વરૂપે ડૉ. વૉલ્ટર સી. રેક્લેસની નિષ્ણાત તરીકેની સેવાઓ 1951–52માં ઉપલબ્ધ કરવામાં આવી. સારાયે દેશની જેલોનું સરવૈયું કાઢીને ડૉ. રેક્લેસે વિસ્તૃત અહેવાલ તૈયાર કરી વિશદ ભલામણો કરી હતી. તેમની સલાહનો મુખ્ય સૂર એ હતો કે ભારતની જેલોમાં બહુ મોટી સંખ્યામાં કાચા કામના કેદીઓ લાંબા ગાળા સુધી મુકદ્દમાનો નિકાલ થયા વિના જેલમાં રહે છે. તેમજ સજાપાત્ર ઠરેલા (convicted) કેદીઓની પણ 80 % જેટલી સંખ્યા ત્રણ માસથી ટૂંકી મુદતની સજાવાળાની હોય છે. આમાં પણ બાળ ગુનેગારો અને કિશોરોની સંખ્યા ઠીક ઠીક મોટી છે. કેદીઓનું વર્ગીકરણ કરી દરેક વ્યક્તિને તેના નિદાન અનુસાર સારવાર આપવાની શક્યતા આ અવરજવરમાં બહુ ઓછી રહે છે. જેલો માત્ર માણસોને પૂરી રાખવા પૂરતી જ કામગીરી બજાવે છે. કેદીઓ માત્ર પોતાની સજાનો સમય ત્યાં ગાળે છે. આ મોટી સંખ્યામાંથી બાળકો અને યુવા ગુનેગારોને અલગ પાડી તેમને અંગે જુદા કાયદા અને સંસ્થાનું આયોજન જરૂરી હતું. તેમના કિસ્સામાં સજા કરતા પહેલાં ઝીણવટથી વ્યક્તિગત તપાસ કરી જેલની બહાર રાખી સુધરવાની તક આપવી જોઈએ, તેવું તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું. ડૉ. રેક્લેસની ઉપસ્થિતિમાં બધાં રાજ્યોના ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પ્રિઝન્સની કૉન્ફરન્સ 1952માં બોલાવવામાં આવી અને બધાં રાજ્યોના ઉચ્ચ કક્ષાના જેલ સંચાલકો માટે છ માસના એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. આ ગાળા દરમિયાન એક વિશિષ્ટ અભ્યાસજૂથે કેન્દ્રીય ધોરણે પસાર થઈ શકે તેવા અપરાધ પરિવીક્ષા અધિનિયમોનો ખરડો તૈયાર કર્યો. આ ધારો 1958માં અત્યારના સ્વરૂપે ભારતની સંસદે પસાર કર્યો.
| ક્રમ | સૈદ્ધાંતિક વ્યાખ્યા | રચયિતાનું નામ | રજૂઆતનું વર્ષ | અપરાધનાં મુખ્ય કારણો |
| 1 | ક્લાસિકલ (classical) | બૅકેરિયા (Baccaria) | 1764 | માનવીને વિવેકપૂર્ણ પ્રેરણા સુખવાદ |
| કે સુખપીડાનો સિદ્ધાંત | ||||
| 2 | જૈવકીય (biogenic) | |||
| o વિકાસવાદી પૂર્વજાનુરૂપ | લૉમ્બ્રોસો | 1876 | શારીરિક ક્ષતિચિહનો કે દોષયુક્ત | |
| સિદ્ધાંત | સંગઠિત શરીર-રચના | |||
| o ગોરિંગનો સિદ્ધાંત | ચાર્લ્સ ગોરિંગ | 1919 | દોષપૂર્ણ શારીરિક રચના | |
| o હટ્ટનનો | હટ્ટન | 1939 | જૈવિક લઘુતાગ્રંથિ સિદ્ધાંત | |
| o શારીરિક બંધારણનો | શેલ્ડન | 1940 | શરીરબંધારણ, દોષપૂર્ણ વ્યક્તિત્વ | |
| સિદ્ધાંત | ||||
| 3 | મનોજનીનગત/મનોજનીનિક (psychogenic) | |||
| o મનશ્ચિકિત્સાત્મક સિદ્ધાંત | વિલિયમ હીલે | 1915 | માનસિક રોગ, ભાવાત્મક ગભરાટ | |
| o મનોવિશ્લેષણાત્મક | ઍડલર અને | 1915 | શીખેલી બાબત અને સમાજ- | |
| સિદ્ધાંત | અબ્રાહમ સેન | પર્યાવરણથી પ્રભાવિત | ||
| o મનોવિજ્ઞાનિક સિદ્ધાંત | ગોડાર્ડ | 1919 | વારસાગત મંદબુદ્ધિ | |
| 4 | સામાજિક જનીનિક (sociogenic) | |||
| A પ્રક્રિયા સંબંધી | ||||
| o વિભિન્ન સંપર્ક સિદ્ધાંત | સધરલૅન્ડ | 1939 | અપરાધી અનુમાનોનો સંપર્ક અને | |
| તેનો સામાજિક પ્રભાવ | ||||
| o લેબલિંગ સિદ્ધાંત | હાવર્ડ બેકર | 1963 | અપરાધીઓ પર અન્ય વ્યક્તિઓ દ્વારા | |
| લાદવામાં આવેલાં નિયમનો અને | ||||
| દંડનાં પરિણામો | ||||
| B સંરચનાત્મક વ્યાખ્યા | ||||
| o આર્થિક સિદ્ધાંત | ફોનસટી અને | 1894, 1916 | આર્થિક પરિસ્થિતિ, ગરીબી અને | |
| બૉન્ગર | અમીરી, આર્થિક વિષમતાઓ | |||
| o ભૌગોલિક સિદ્ધાંત | ડેક્સટર, ક્વિટલેટવ. | 1904 | ભૌગોલિક કારણો જેવાં કે તાપમાન, | |
| પર્યાવરણ | ||||
| o સમાજશાસ્ત્રીય સિદ્ધાંત | મર્ટન | 1938 | લક્ષ્યો અને સાધનો વચ્ચે આયોજનના | |
| એનોમીનો સિદ્ધાંત | અભાવે ઉત્પન્ન થતો તણાવ | |||
| વિવિધ અવસર સિદ્ધાંત | ક્લોવાર્ડ અને | 1960 | સફળતા, લક્ષ્યપ્રાપ્તિ માટે ઉપલબ્ધ | |
| ઓહલિન | ઔપચારિક સાધનોમાં તફાવત | |||
| મૂલ્ય અભિમુખીકરણ | કોહેન | 1955 | પ્રભુત્વ ધરાવતાં મૂલ્યોનો | |
| અથવા વિચલિત પેટા- | અસ્વીકાર અને વિચલિત મૂલ્યોનો | |||
| સાંસ્કૃતિક સિદ્ધાંત | વિકાસ | |||
| વિરોધનીતિ અંગવિષ્ટ | વૉલ્ટર રેકલેસ | 1967 | પ્રતિકૂળ આત્મધારણા | |
| સિદ્ધાંત |
આ ધારાની જોગવાઈઓ ઘણી વિસ્તૃત અને ઉદાર છે. પ્રથમ દૃષ્ટિએ એમ લાગશે કે સુધારણાલક્ષી વહીવટનું કાર્ય ઘણું ઝડપથી આગળ ચાલતું હશે અને નાની ઉંમરના કોઈ અપરાધી ટૂંકી મુદત્ માટેની સજા ઉપર જેલમાં જતા નહિ હોય. પરંતુ ઘણાં કારણોને લીધે પ્રોબેશનનો પ્રયોગ ન્યાયાલયો એક કે બે ટકા જેટલા જ કેસોમાં કરે છે. આનાં કારણોમાં મુખ્ય ન્યાયાધીશોનું પરંપરાગત જુનવાણી માનસ, ફોજદારી કૉર્ટોમાં પડી રહેલા લાંબી મુદતના કેસોનું ભારણ, દરેક અદાલતમાં પ્રોબેશન અધિકારીની અનુપસ્થિતિ, એક કરતાં વધારે અદાલતોની જવાબદારી, પ્રોબેશન અધિકારીનો અહેવાલ મેળવવામાં થતી ઢીલ વગેરે છે. આ બધું જોતાં ન્યાયાધીશોની સ્થિતિ સમજી શકાય છે. વકીલો, બચાવપક્ષે પોતાના અસીલને નિર્દોષ ઠરાવી ન શકે પણ જ્યાં પાત્રતા હોય ત્યાં પરિવીક્ષા ધારાના અમલનો આગ્રહ કરી શકે છે. પોલીસ અને પ્રોસીક્યૂટર અપરાધને સાબિત કરી આપવા ઉપરાંત પાત્રતા ધરાવતા અપરાધીને માટે પ્રોબેશનના હુકમની ભલામણ અને માંગ કરી શકે છે. આ બધાં પાછળ સામાન્ય નાગરિકનો અપરાધી પ્રત્યેનો વહેમ અને શંકાભર્યો અભિગમ જોવામાં આવે છે. વિશેષ તો આ ક્ષેત્ર ન્યાયતંત્રની નેતાગીરી માગે છે. કારણ કે કાયદામાં પરિવીક્ષાનો ઉપયોગ કરવો કે નહિ તે ન્યાયાધીશના વિવેક ઉપર આધાર રાખે છે. આવી પરિસ્થિતિના સંદર્ભમાં ભારત સરકારના કેન્દ્રીય સમાજસુરક્ષા નિર્દેશાલય (Central Bureau of Correctional Services) તરફથી 1971ના વર્ષને ‘પ્રોબેશન વર્ષ 1971’ તરીકે ઊજવવામાં આવેલું, જેમાં સુપ્રીમ કૉર્ટના, રાજ્યની હાઈકૉર્ટના, તેમજ જિલ્લા અને સેશન્સ કૉર્ટોના ન્યાયાધીશો દ્વારા પરિપત્રો મોકલી ચર્ચાસભાઓ, સેમિનાર તથા તાલીમ અને ઓપવર્ગો ગોઠવીને પ્રોબેશન અને તેના જેવી બિનસંસ્થાકીય સારવારનું મહત્ત્વ ઠરાવવામાં આવેલું હતું. તે પછી આ ક્ષેત્રમાં શી પ્રગતિ થઈ અને નવા કયા ઉપાયો યોજવાની જરૂર છે તે તપાસવાનો સમય પાકી ગયો છે અને નવા દાખલ થતા ન્યાયાધીશોને તાલીમની જરૂર છે તેમ સર્વ ઉચ્ચ કક્ષાની અદાલતોના ન્યાયમૂર્તિઓએ સ્વીકાર્યું હતું. તે દિશામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તેમજ જેલોમાં દાખલ થતા અપરાધીઓમાં બાળકો, કિશોરો તથા 21 વર્ષથી નીચેના અપરાધીઓને કેદમાંથી છોડાવી પરિવીક્ષા અગર પેરોલ ઉપર છોડવાના વ્યવસ્થિત માર્ગો તપાસી પગલાં લેવાની જરૂર પર ભાર મુકાઈ રહ્યો છે. અપરાધી ન્યાયતંત્રના આ સુધારાઓ જ્યાં સુધી પૂર્ણ રૂપે અમલી બને નહિ ત્યાં સુધી ભારતના રાજ્ય બંધારણે બક્ષેલો આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય સિદ્ધ થયેલો ભાગ્યે જ કહી શકાય. અપરાધ એ એવી ઘટના છે કે જેમાં જુદી જુદી ગંભીરતાવાળાં ભિન્ન ભિન્ન પ્રકારો, વર્ગીકરણો અને કારણોનો સમાવેશ થાય છે. અપરાધનાં કારણોની સૈદ્ધાંતિક સમીક્ષા આ પ્રમાણે થઈ શકે છે.
આમ અપરાધકારણો અનેક બાબતો સાથે સંકળાયેલાં છે. અપરાધ માટેના કારણદર્શી સિદ્ધાંતો અનેક સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ ધરાવતા હોય છે.
જ્યોત્સ્ના શાહ
હર્ષિદા દવે
