અપરાધભાવ (guilt-feeling) : પોતે જ અપરાધ કર્યો હોય તેવી લાગણી. સર્વ પ્રાણીઓમાં માનવી જ એક એવું પ્રાણી છે, જે અપરાધભાવ અનુભવવા અને તેનું પ્રત્યક્ષીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. પોતાની માન્યતા મુજબ કે સામાજિક ધારાધોરણો મુજબ વ્યવહાર ન કરી શકે તો વ્યક્તિ અપરાધભાવનો અનુભવ કરે છે. ફ્રૉઇડના મંતવ્ય મુજબ માનવ-વ્યક્તિત્વ ત્રણ તત્વોનું બનેલું છે : ‘ઇડ’, ‘ઈગો’, અને ‘સુપર ઈગો’. ઇડ એટલે આપણી પાશવી વૃત્તિઓ. તે હંમેશાં ‘આનંદ’ ઝંખે છે. તે ‘આનંદના સિદ્ધાંત’(pleasure principle)ને અનુલક્ષીને જ વર્તે છે. ‘ઈગો’ એટલે વાસ્તવનો ખ્યાલ. વૃત્તિઓને સંતોષવી આ પળે યોગ્ય છે કે અયોગ્ય તેનો દૂરંદેશીથી નિર્ણય કરનાર તત્વને ફ્રૉઇડ ‘ઈગો’ કહે છે. તે ‘વાસ્તવિકતાના સિદ્ધાંત’(reality principle)ને અનુલક્ષીને વર્તે છે. જ્યારે ‘સુપર ઈગો’ એટલે અંતરાત્મા. સામાજિક ઉછેર દરમિયાન આપણે આ સાચું અને આ ખોટું, આ સારું અને આ ખરાબ, આ યોગ્ય અને આ અયોગ્ય, આમ કરવું નૈતિક અને આમ કરવું અનૈતિક, આ પાપ અને આ પુણ્ય એવું સમજતા થઈએ એટલે આપણા ‘અંતરાત્મા’(સુપર ઈગો)નો વિકાસ થાય છે. સુપર ઈગો ‘નૈતિકતાના સિદ્ધાંત’ને અનુલક્ષીને વર્તે છે. જાણ્યે-અજાણ્યે કશુંક પણ અનુચિત થઈ જાય તો આ ‘સુપર ઈગો’ને ડંખે છે. આનાથી જ અપરાધભાવ પેદા થાય છે.

અપરાધભાવ એ એક અણગમતો અનુભવ છે અને તેથી વ્યક્તિ જાણ્યે-અજાણ્યે તેમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. જે કાંઈ બન્યું તેમાં પોતાનો કોઈ દોષ નહોતો એવું બતાવવા તે કોઈ ને કોઈ પ્રકારનું બચાવનામું ઘડી કાઢે છે અથવા તો બચાવ-પ્રયુક્તિઓનો આશ્રય લે છે. ‘અપરાધભાવ’નો બોજો અતિશય વધી જાય તો વ્યક્તિ ‘અપરાધગ્રંથિ’(guilt-complex)નો ભોગ બને છે. આવી ગ્રંથિવાળી વ્યક્તિઓ દરેક બાબતમાં પોતે જ અપરાધી છે અને પોતાની નિર્બળતા, અસહાયતા, અકર્મણ્યતા અને લાચારીને લીધે જ આ બધું બને છે, એવું માનવા લાગે છે. અપરાધગ્રંથિની માનસિક પીડાને લીધે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. તે મનોવિકૃતિનો ભોગ થઈ પડે છે. અતિશય અપરાધભાવવાળી વ્યક્તિઓ ખિન્નતા-(depression)નો ભોગ બને છે. ક્યારેક આપઘાત પણ કરી બેસે છે. માતાપિતા બાળકોને માટે ઉચ્ચતમ ધોરણોનો દુરાગ્રહ સેવતાં હોય અને બાળકો તે મુજબ ન વર્તી શકે તો બાળકોમાં અપરાધભાવ જન્મે છે.

અપરાધભાવ એક આત્મલક્ષી અનુભવ છે. આ અનુભવમાં વ્યક્તિ કેટલી તાણ (tension) અનુભવશે તેનો આધાર વ્યક્તિના ઉછેર અને પૂર્વાનુભવ પર રહેલો છે. કેટલાક લોકો નાના અમથા સ્ખલનને ‘મહાપાપ’ માની આત્મપીડનમાં સરી પડે છે, જ્યારે કેટલાક રીઢા ગુનેગારો જઘન્ય ગુનો કરે તો પણ અપરાધભાવ અનુભવતા નથી. અપરાધભાવમાંથી વ્યક્તિને મુક્ત કરવા માટે માનસોપચાર(psychotherapy)નો આશ્રય લઈ શકાય.

નટવરલાલ શાહ