ઑક્ઝૅલિક ઍસિડ : એલિફેટિક ડાઇકાબૉંકિસલિક ઍસિડ. શાસ્ત્રીય નામ ઈથેનડાયોઇક ઍસિડ. ઑક્ઝલિસ (Oxalis) અને રુમેક્સ (Rumex) કુળની વનસ્પતિમાં તે પોટૅશિયમ અથવા કૅલ્શિયમ ક્ષારના સ્વરૂપે મળી આવે છે. તે ઘણી ફૂગ(mold)ના ચયાપચયનની પેદાશ છે. પેનિસિલિયમ અને ઍસ્પરજિલસ પ્રકારની ફૂગમાં રહેલી શર્કરાનું 90 % સુધી કૅલ્શિયમ ઑક્ઝૅલેટમાં રૂપાંતર થાય છે. લાકડાના વહેરને કૉસ્ટિક સોડા સાથે હવાની હાજરીમાં પિગાળતાં સોડિયમ ઑક્ઝૅલેટ મળે છે. તેને પાણીમાં ઓગાળીને ચૂનાનું પાણી નાખતાં અદ્રાવ્ય કૅલ્શિયમ ઑક્ઝૅલેટ મળે છે. જરૂરી માત્રામાં સલ્ફ્યુરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરતાં ઑક્ઝૅલિક ઍસિડ મળે છે. ખાંડ/સ્ટાર્ચ જેવા કાબૉર્હાઇડ્રેટનું વેનેડિયમ પેન્ટૉક્સાઇડ(V2O5)ની હાજરીમાં નાઇટ્રિક ઍસિડ વડે ઉપચયન (oxidation) કરવાથી ઑક્ઝૅલિક ઍસિડ મળે છે. નિર્જલ કૉસ્ટિક સોડાની કાર્બન મૉનૉક્સાઇડ સાથે 1500થી 2000 સે. તાપમાને અને 7થી 10 વાતાવરણ જેટલા દબાણે પ્રક્રિયા કરતાં સોડિયમ ફૉર્મૅટ મળે છે; જેમાંથી ઑક્ઝૅલિક ઍસિડ મેળવવામાં આવે છે. આ પદ્ધતિ ઉદ્યોગમાં વપરાય છે.

ઑક્ઝૅલિક ઍસિડ સફેદ સ્ફટિકમય, જલદ્રાવ્ય પદાર્થ છે. સૂત્ર (COOH)2·2H2O. અણુભાર 90.04; ગ.બિં. (નિર્જલ) 1890 સે., (જલયુક્ત) 1010-1020 સે. (ઊર્ધ્વીકરણ); ઘનતા 1.653; પ્રથમ આયનીકરણ અચળાંક K1 = 5.36 × 102; દ્વિતીય આયનીકરણ અચળાંક K2 = 5.3 × 105. તેના 0.1 M દ્રાવણનું pH 1.3 હોય છે. આલ્કોહૉલ અને ઈથરમાં દ્રાવ્ય; બેન્ઝિન, ક્લૉરોફૉર્મ અને પેટ્રોલ ઈથરમાં અદ્રાવ્ય. તે દાહક અને ઝેરી છે. તેનાથી ચેતાતંત્રનો પક્ષાઘાત થાય છે. તેને ગરમ કરતાં CO2 અને ફૉર્મિક ઍસિડ મળે છે. સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથે ગરમ કરતાં CO, CO2 અને H2O મળે છે. ઍસિડયુક્ત પોટૅશિયમ પરમૅંગેનેટ સાથે અપચયન (reduction) પ્રક્રિયા થતાં પરમગેનેટનો રંગ દૂર થાય છે.

કાપડઉદ્યોગ, રંગકામ, છાપકામ, લાકડા, સ્ટ્રૉ (હૅટ માટે), ચામડાનું વિરંજન (bleaching), પેઇન્ટ-વાર્નિશ દૂર કરવા, કાટ તથા શાહીના ડાઘા દૂર કરવા, શાહીની બનાવટ, રાસાયણિક સંશ્લેષણમાં એસ્ટરરૂપમાં મધ્યક (intermediate) તરીકે વગેરે ઑક્ઝૅલિક ઍસિડના ઉપયોગો છે.

પ્રવીણસાગર સત્યપંથી