ઑઇલર ઉલ્ફ ફૉન (જ. 7 ફેબ્રુઆરી 1905, સ્ટૉકહોમ; અ. 9 માર્ચ 1983, સ્ટૉકહોમ) : ચેતાઆવેગો(nerve impulses)ની પ્રક્રિયાના અભ્યાસ માટે અલાયદી તકનીક શોધવા બદલ 1970માં બ્રિટિશ બાયૉફિઝિસિસ્ટ સર બર્નાર્ડ કાટ્ઝ અને યુ.એસ.ના બાયૉકેમિસ્ટ જુલિયસ ઍક્સલરોડ સાથે ફિઝિયૉલૉજી-મેડિસિનના નોબેલ પારિતોષિકના વિજેતા સ્વીડિશ વિજ્ઞાની. તેમના પિતા હાન્સ ફૉન ઑઇલર ચૅમ્પિલને પણ 1929માં નોબેલ પારિતોષિક મેળવ્યું હતું.
કોરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ સ્ટૉકહોમમાંથી ગ્રેજ્યુએટ થયા પછી ઑઇલરે ત્યાં જ 1930થી 1971 સુધી કાર્ય કર્યું. તે 1953માં નોબેલ કમિટી ફૉર ફિઝિયૉલૉજી ઍન્ડ મેડિસિનમાં જોડાયા અને 1965થી 1975 સુધી નોબેલ ફાઉન્ડેશનના પ્રમુખ રહ્યા. નૉરડ્રેનલિનની ઓળખ એ ઑઇલરનું સર્વશ્રેષ્ઠ સંશોધન હતું. નૉરડ્રેનલિન અનુકંપી ચેતાતંત્ર(sympathetic nervous system)નો ચેતાવાહક (neurotransmitter) છે. આ નૉરડ્રેનલિનનો ચેતાતંતુઓ(nerve fibres)માં સંગ્રહ થતો હોય છે. ચેતાક્રિયામાં ઉત્સેચકો (enzymes) પાયારૂપ છે, એ સત્ય તારવવામાં ઍક્સલરોડ માટે આ શોધ ચાવીરૂપ બની. ઑઇલરના લોહીના વધુ દબાણ પરનાં અને ધમનીકાઠિન્ય (arteriosclerosis) પરનાં સંશોધનોને લીધે તેમને ‘ઑર્ડર ઑવ્ ધ નૉર્થ’ તથા ‘ટ્રાઉફર’નાં પારિતોષિકો એનાયત થયાં હતાં.
હરિત દેરાસરી